સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હનીફ સાહિલ/કહેશો તો એને ચાલશે



છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં
વાદળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે....
જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને
આંખોમાં ખીલ્યા ગુલમો’ર,
આષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે
છાતી છૂંદાવેલો મોર.
છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર તમે
મૃગજળ કહેશો તો એને ચાલશે;
ખાખરાના પાનની સુક્કી રેખાઓ તમે
વાંચી શકો તો રાજ! વાંચજો;
લિખિતંગ રાજવણ્યની ભીનીછમ્મ યાદ તમે
વાંચીને ઝટ વહી આવજો;
પીળું આ પાંદ મારા હાથે સર્યું છે તમે
કાગળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૧૯૭૮]