સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરગોવિંદ પટેલ/ધનવાન કોણ!


અમારા ઉદ્યોગ ભારતી ટ્રસ્ટની ગોંડલમાં મિટિંગ હોય ત્યારે મોટે ભાગે પ્રમુખ બાબુભાઈની હાજરી નક્કી હોય. આવી એક મિટિંગ માટે તેમને માટે ગાડી મોકલવાનું મેં જણાવ્યું. પરંતુ તેમણે ના પાડી ને કહ્યું કે હું કોઈ સથવારે કે મારી રીતે સમયસર પહોંચી જઈશ. પછી આવ્યા ત્યારે કહે, તમે મારે માટે ગાડી મોકલત, તો કેટલી કિંમતની ગાડી મોકલવાના હતા? એ વખતે સંસ્થા પાસે સેકન્ડહેન્ડ ફિયાટ ગાડી હતી, જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ મેં જણાવી. જવાબમાં બાબુભાઈ કહે, “ત્યારે હું તો પાંચ લાખ રૂપિયાની ગાડીમાં આવી પહોંચ્યો! બોલો, ધનવાન હું કે તમે?” એ રીતે, ગાંધીનગરથી ગોંડલ એસ. ટી. બસમાં આવ્યાની વાત એમણે હસવામાં ઉડાવી દીધી. બાબુભાઈ ૧૯૬૩માં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પ્રમુખ નિમાયા હતા. બોર્ડના સચિવ મનુભાઈ બક્ષી પાસે હું એક વાર બેઠો હતો ત્યાં મુખ્ય વહીવટી અધિકારી આવીને કહે, “આપણાં કેટલાંક દફતરોમાં ઘડિયાળો થોડી આગળ-પાછળ રહેતી હોય છે. તેને એક સરખા સમયે મૂકવાની જરૂર છે. તો કઈ ઘડિયાળને સ્ટાન્ડર્ડ ગણવી?” ત્યારે મનુભાઈએ સૂચવ્યું કે બોર્ડના પ્રમુખ બાબુભાઈનો ઓફિસમાં આવવાનો સમય સાંજના ચારનો છે. બાબુભાઈ બરાબર ચારને ટકોરે આવી પહોંચતા હોય છે. એ સમય મુજબ બધી ઘડિયાળો મેળવી લેવી.”