સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ ન. પટેલ/ગામ ગોકુળિયું કેમ બને?


આપણે ગમે તેટલું દાન ઉઘરાવીને કે સરકારના પૈસા લઈને ગામની સજાવટ કરીશું, પણ જ્યાં સુધી નાના નાના ઉદ્યોગથી તેનાં ઘરેઘરને ધમધમતાં નહીં કરીએ ત્યાં સુધી આ લાચાર ગામો ભીખ માગતાં જ રહેશે. એક કિલો સારા રૂની કિંમત ૫૦ રૂપિયા છે. એક કિલો નબળામાં નબળા કાપડની કિંમત ૩૦૦ રૂપિયા છે. ૬૫ ટકા વસ્તી ગામડાંમાં છે, બજાર પણ ગામડું જ છે. તોપણ એક કિલો રૂની પ્રક્રિયામાં ૨૫૦ રૂપિયા શહેરમાં જાય છે. તે જ રીતે એક કિલો બિસ્કીટ બનાવવા વપરાતી સામગ્રીઓની કિંમત ૨૨ રૂપિયા છે જ્યારે બિસ્કીટની કિંમત ૫૬ રૂપિયા છે. એક ચોરસફૂટ કાચા ચામડાની કિંમત ૩૦ રૂપિયા છે, જ્યારે તેમાંથી બનતા આઠ ચંપલોની કિંમત ૮૦૦ રૂપિયા થવા જાય છે. ગામડાંમાંથી લીંબડા અને બાવળો લાતીવાળા ૧૫થી ૨૦ રૂપિયે મણની કિંમતે લઈ વેતરી સાઈઝમાં કાપી ૩૦૦-૪૦૦ રૂપિયે મણના ભાવે વેચે છે. આ રીતે પાપડ, અથાણાં, મસાલા, તેલ, વેફર, સાબુ વગેરે જેવા માલ ગામડાંમાં જ સરળ ટેક્નોલોજીથી તૈયાર થાય તે માટે વિજ્ઞાન મદદે આવે, તો ગામની આવકમાં સારો એવો વધારો કરી શકાય. આ ઉપરાંત ગામડાંમાં પ્રવેશેલી બૅન્કો જેટલી થાપણો લે છે તેના સામે ધિરાણ ૧૦ ટકા પણ કરતી નથી. તેને ફરજ પાડવી જોઈએ કે તે થાપણોના ૫૦ ટકા ઉપરાંત જે તે ગામમાં ધિરાણ કરવું જ પડે, અને જો તે ના કરે તો આ નાણાં શહેરના વિકાસ માટે લઈ જતાં પહેલાં તેમણે ગામ-વિકાસ માટે તે નાણાંનો એક ટકો આપવો જ પડે. અમારા જ ગામનો જો દાખલો આપું તો બૅન્કો ને પોસ્ટ ઓફિસમાં સાડાત્રણ કરોડની થાપણો છે, જ્યારે તેમનું ધિરાણ ૩૦ લાખ કરતાં વધારે નથી. આમ અમારા ગામને ૩ કરોડના એક ટકા લેખે ગણીએ તો દર વર્ષે ૩ લાખ રૂપિયા ગ્રામવિકાસ માટે મળે. [‘પ્રજારાજ’ સામયિક]