સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અંધકાર



અંધકાર ગરવાનો રૂખડો બાવો,
કે અંધકાર વાંસવને વાયરાનો પાવો.
અંધકાર ગરબામાં જોગણીના ઠેકા,
કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા.
અંધકાર મેલડીના થાનકનો દીવો,
કે અંધકાર આંખડીની પ્યાલીથી પીતો.
અંધકાર સૂતો સૂરજની સોડે,
કે અંધકાર જાગ્યો ઉજાગરાની જોડે.
અંધકાર પાટીમાં ચીતરેલ મીંડું,
કે અંધકાર સોનાના ખેતરમાં છીંડું.
અંધકાર વ્હેલા પરોઢિયાનું શમણું,
કે અંધકાર નમતું તારોડિયું ઊગમણું.
અંધકાર જોગીની ધૂણીની રખિયા,
કે અંધકાર પાણીના પો પરે બખિયા.
અંધકાર બાળકને હાથ ફરે ગરિયો,
કે અંધકાર દાદાની વારતાનો દરિયો