સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/સંસ્કારિતાનો સ્પર્શ


ઉમાશંકર જોશીને ગુજરાતના બધા રાજનેતાઓ ઓળખશે. કારણ એ નથી કે એ કવિ છે, કે ગુજરાતના સંસ્કારપુરુષ છે. તેઓ રાજ્યસભાના સભ્ય હતા. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા. તેમણે થોડાંક તીખાં તમતમતાં ભાષણો કર્યાં છે, નિવેદનો કર્યાં છે, મોરારજી દેસાઈથી માંડી ચીમનભાઈ પટેલ જેવા સાથે ઝીક ઝીલી છે. પણ તેમને કવિ તરીકે ઓળખનારા એકાદ ઘનશ્યામ ઓઝા કે એકાદ માધવસિંહ સોલંકી નીકળે તો ભયો ભયો! અમારા મહારાષ્ટ્રની તાસીર જુદી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મહારાષ્ટ્રના પ્રસિદ્ધ કવિઓ-સર્જકોને દીઠે ઓળખે; મહારાષ્ટ્રનો અધિકારી વર્ગ સાહિત્યકાર હોય તો એની આમન્યા રાખે. રાજપુરુષોની ચિઠ્ઠીથી ગુજરાતના સચિવાલયમાં કામ કઢાવી શકાય. કવિનું નામ અને તેનો અવાજ સરકારી ખાતાંઓમાંથી સહકાર મેળવવામાં કારગત થતું હોય, એ મહારાષ્ટ્રમાં મેં જોયું-અનુભવ્યું છે. ગુજરાતની નેતાગીરી પાસે સંસ્કારિતાનો આ સ્પર્શ નથી.