સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષકાંત વોરા/અઢી શેર જુવારનો ધણી

Revision as of 10:36, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દરિદ્રનારાયણ દેવનાં દર્શન કરવાં હોય, તો સુરત જિલ્લાના કોટવાળિયાની સન્મુખ થજો. નદી-કિનારા નજીક વાંસની ગોળાકાર છાપરીમાં નવ જણનો પરિવાર. બાવાસાધુ વાપરે તેવો ત્રાણ પથ્થરનો ચૂલો, બે હાંડલી, માછલીની જાળ અને તૂટીફૂટી સાદડી : આ એની ઈસ્કામત. એનો ધંધો ટોપલાં, સૂપડાં, પાલાં ગૂંથવાનો. રાતદિવસ મહેનત કરે ત્યારે જે તૈયાર થાય, તે બજારમાં જઈ પાણીને મૂલે વેચવું પડે. દિવાળીથી હોળી સુધી તરાપા પર વાંસ લઈ આવે, ગૂંથે, વેચે ને પેટિયાં પૂરાં કરે. હોળી બાદ હાંડલી સાફ. જંગલમાંથી ખોદી લાવી કડવાં કંદમૂળ બાફી ખાય. ચોમાસું બેસે ને જીવનહોડ શરૂ. પોતીકી ભોંય તો જન્મારામાં ભાળેલી જ નહીં. એટલે મોસમે મોસમે જમીનમાલિકોને ત્યાં મજૂરીએ રોપવા, નીંદવા ને લણવા જાય.

*

ચોમાસાના દિવસો છે. સાંજનો સમય છે. સડક પર લટાર મારવા અમે નીકળેલા — ખાધેલું પચાવવા માટે. ત્યારે હાથમાં દાતરડી, પિછોડી, માથે ફાળિયું અને ઘુંગડી ઓઢીને ફાળ ભરતો કોટવાળિયો અમારી પાછળથી આવ્યો ને સાથે થઈ ગયો. “કેમ, મજૂરીએ જઈ આવ્યા?” “હોવે, નીંદવા જૈ આઈવો.” “આજકાલ મજૂરી શું આપે?” “દહ આના.” “દસ આના — ત્યારે તો ઠીક...” જરાક અવળું ચકાસવું શરૂ કર્યું! “હું ઠીક, ભઈ? મોંઘવારી કંઈ જેવીતેવી છે? નાનાંમોટાં ખાનારાં દહ. અને જુવાર દહ રૂપિયે મણ. કેટલી મળે? હું ખાય!” “જોયું — સાંભળીને વાત?” મેં મારા સાથીને કહ્યું. “તમે લોક તો પગારવાળા, એટલે હામટી ભરી લો. પણ અમે તો રોજ લાવી રોજ ખાનારા. મોંઘીસોંઘી યે થાય. હારી પણ ની મળે.” અમે આશ્વાસન આપવા માંડયું, “ભઈ, ગભરાઈશ નહીં, હવે સારા દિવસ આવવાના છે.” “તે કેવી રીતે? શું થવાનું છે?” “નહેર અને નદીનાળાં બંધાવા લાગ્યાં છે. ધાનના ઢગલેઢગલા પાકશે.” “એ નહેરનાં પાણી તો જમીનવાળાને જ ખપ લાગશે ને?” “એમાં શું થઈ ગયું? અનાજ તો વધારે પાકશે ને? પછી સોંઘું થાશે...” “જુઓ, એમ તો બાર-પંદર વરહ પહેલાં જુવાર બે રૂપિયે મળતી જ હતી ને? પણ ત્યારે મજૂરી બે આના જ આપતા. આજે ભાવ દસ રૂપિયા થયો છે તો મજૂરી દસ આના મળે છે. પણ અનાજ સોંઘું થાશે તે દી મજૂરી થોડી જ દસ આના આપશે? તે દી તો પાછી મજૂરી બે આના થઈ જવાની! હું બીજું? અનાજ વધારે પાકે કે ઓછું, ભાવ વધે કે ઘટે, અમને તો અઢી શેર જુવાર જેટલી જ મજૂરી મળે. નહેર આવે કે વીજળી, મજૂરિયાને બધુંય હરખું જ. અમે તો અઢી શેર જુવારના જ ધણી!” “તો પછી શું કરે તો તમને સારું લાગે?” “એના કરતાં તો, એંહ, બબ્બે વીઘાં ભોંય આપી દે ને — તો બહ. જેટલી મહેનત કરીએ તેટલું પકવીએ ને ખાઈએ. ભોંય પહેલી મળે, પછી ભલે નહેર— પાણી મળતાં.” અને પરિવારનાં ભૂખ્યાં પેટને અઢી શેર જુવારનાં રોટલા-ભડકાં ભેગા કરવા એણે ઝડપ વધારીને અમારી વિદાય લીધી.