સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/આ ગામડાં

Revision as of 11:34, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)


આ ગામડાં

આ ગામડાં!... બપોરનો તડકો હશે,... આ કોશિયાનાં ગાન, ટ્હૌકો મોરનો ઘેરો હશે ને ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે.... પાવાતણી મીઠી ખુમારીથી ભરેલાં આયખાં, ફૂલો સમાં નિર્દોશ ખુલ્લાં ખેતરો જેવાં હયાં, કૂવે-વલોણે-માખણે જીવન્ત એવાં ગામડાં....

આ ગામડાં!.... ખાડા અને ખૈયા મટી રસ્તા થશે પહોળા અને પાકા બધે; ફેલાઈ જાશે વીજળી, નાનાં ઘરોની હાર ઘાટીલી સુખાળી શોભશે;... ગ્રંથાલયો-શાળા-બગીચાઓ થશે, ઢોરોતણી આ છાપરીઓ ધરશે કાયા નવી.... ઘી-દૂધ-માખણ અને મધની થશે કૈં મંડળી, નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ....

અરે, બસ હો હવે! આકાશમાં ખાલી મિનારા કાં ચણો? આ ગામડાં!... આવો, અહીં આકાશ પર ટાંપી રહ્યાં ખુલ્લાં છતાં છાનાં રહેલાં ખેતરો;... જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના, ભંડાર ખૂટયા ના વળી જે ભોમના, તે ઠામનાં લાખો જનો ભૂખે મરે કંકાલ શાં! છે ભોમ એ, રે! વ્યોમ એ, અંગાર તો યે ભૂખનો પેટાય રોમેરોમ કાં?...

આ ગામડાં!... આકાશને ટેકે અહીં તો છે રહ્યાં સૌ હાડકાં, ના બાવડાં આજે રહ્યાં; હૈયાંય કિંતુ છે થયાં પાષાણનાં — ધાતુ સમાં! ચૂસે બધું યે સત્ત્વ થોડા સ્વાર્થમાં અંધા બની, અળગાં કરી પોતાતણાં ભાંડું ઘણાં જે દીન શોષાતાં રહ્યાં. જોતી રિબાતી માવડી : સંતાન રેં’સાઈ રહ્યાં સંતાનથી!

આ ગામડાં! ખૂણે પડ્યા પાવા, બજી હોટેલની થાળી રહી : એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ! તૂટેલ ગંદા કોંપની ચાના રગડ, ઊગે નહીં વ્હાણું અહીં બીડી વગર; ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર, ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક!

ઉદ્ધારનાં નકશા-નિવેદનમાં રહ્યાં એ ગામડાં! લેખોમહીં ને ભાષણોમાંહે મઢેલાં ગામડાં! જોયાં ભલે એ ગાયકે બિરદાવિયાં, ના ચાલતી મારી જબાં — હું તો નિહાળું છું બધે એ કલ્પનાનાં માળખાં!