સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘અભિપ્રેત’/કેવા એ દિવસો હતા!

          ‘ભૂમિપુત્ર’ના ઉદ્ભવ સાથે મુખ્યત્વે ત્રણ વ્યક્તિ સંકળાયેલી છે : પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ અને ચુનીભાઈ વૈદ્ય. આ ત્રણમાં પ્રબોધભાઈનો ફાળો વિશેષ છે. નારાયણભાઈ અને ચુનીકાકા, બંને આજીવન સમાજસેવકો, આજે પણ સક્રિય છે અને પોતાના વાર્ધક્યને ઉજાળી રહ્યા છે. પ્રબોધભાઈ થોડા વહેલા ચાલ્યા ગયા. પણ એમનો પરિચય મેળવવા જેવો છે. નારાયણભાઈની કલમે તે એક વાર આલેખાયેલો છે : “સ્વરાજ્ય આવ્યું ત્યારે, ૧૯૪૭માં પ્રબોધભાઈની ઉંમર વીસ વરસની હતી. ઘટમાં થનગનતા ઘોડાઓ લઈને તેમણે આઝાદી વિશે મીટ માંડી હતી. એ ઘોડલાઓ દોડાવવામાં એમનું શેષ જીવન વીત્યું. એ માર્ગે સીધાં ચઢાણ આવ્યાં હશે, પણ તેમના અશ્વો હાંફ્યા નહીં; ઊંડી ખીણો આવી હશે, પણ તેમણે ઘોડાને કદી અટકાવ્યા નહીં. આઝાદી મળી ત્યારે જે લોકો જુવાન હતા, તેમના મનોરથોના, તેમના અજંપાના પ્રબોધભાઈ પ્રતીક હતા. ‘ભૂમિપુત્ર’ ગુજરાતને પ્રબોધભાઈની સૌથી મોટી દેણ. પ્રબોધભાઈએ ‘ભૂમિપુત્ર’ને વિકસાવ્યું. ‘ભૂમિપુત્રે’ પ્રબોધભાઈના વ્યક્તિત્વને વિકસાવ્યું. કોઈ પણ સંપાદક પોતાનું કામ સત્યનિષ્ઠાથી કરે, તો તેનું પત્ર તેની આત્મોન્નતિમાં મદદરૂપ થાય જ.” ‘ભૂમિપુત્ર’ એટલે પ્રબોધભાઈને મન વિનોબાનું છાપું. વિનોબાએ એમના દિલનો કબજો લઈ લીધેલો. કોઈ પણ ભાષામાં વિનોબાનું પહેલું જ પ્રમાણભૂત ચરિત્ર આપનાર પ્રબોધભાઈ. એ ‘સામ્યયોગી વિનોબા’ની ૪,૦૦૦ નકલ ત્યારે ત્રણેક મહિનામાં ચટ્ટ થઈ ગયેલી. ભૂદાનયજ્ઞના આરંભ બાદ જવાહર [લાલજી]ના બોલાવ્યા વિનોબા દિલ્લી ગયેલા, ત્યારે પ્રબોધભાઈ દિલ્લીમાં. વિનોબાના પ્રથમ દર્શનની ઝાંકી એમના શબ્દોમાં જોઈએ : “નવેમ્બર ૧૯૫૧ના એ દિવસો! બ્રાહ્મ મુહૂર્તે ધુમ્મસની ધાબળી ઓઢી બેઠેલા રાજઘાટની ઝૂંપડીમાં વિનોબાની કુલવધૂ સમી શીલવતી પ્રજ્ઞા જોઈ. કિશનગંજની સભામાં, કાપેલા લાલ જમરૂખ જેવી એની હથેલીઓ અને સ્ત્રીનેય શરમાવે તેવા લાલ લાવણ્યથી વ્રળકતી એની કાનની લાળીઓ ને નાસિકાની છટા જોઈ! શું આ જ હથેળીઓ ધખતે ધોમે કોદાળો ચલાવી શકતી હશે? શું આ જ લજ્જા-લાવણ્ય-સંપન્ન મુખમાંથી અગ્નિશિખા જેવી વાણી ઝરી રહી છે? અને એ અમોઘ તીવ્રતા સાથે કેવી ભીષણ અનાસક્તિ હતી!-‘હું તો અગ્નિ બનીને આવ્યો છું. તમારે જોઈએ તો ખીચડી પકાવી લ્યો, જોઈએ તો ઘર બાળી લ્યો!’ બીજાની ખબર નથી, મેં તો હૈયે સગડી વહોરી લીધી.” ‘ભૂમિપુત્ર’નો જન્મ થયો છે વિનોબાના ભૂદાનયજ્ઞમાંથી. ૨૭ વરસના તરવરિયા જુવાન નારાયણ દેસાઈએ ૧૯૫૨માં પદયાત્રા આરંભી ત્યારે ગુજરાતમાં ભૂદાનયજ્ઞનો આરંભ થયો. નારાયણ અને પ્રબોધ સાબરમતી આશ્રમના બાળગોઠિયા. ગામડાં ખૂંદતા નારાયણને દિલ્લીથી પ્રબોધભાઈએ લખ્યું કે “પદયાત્રા એકલા પગથી (=પદથી) ન ચાલે, શબ્દથી (=પદથી) પણ ચાલવી જોઈએ.” અને પ્રબોધ-પ્રેષિત ‘વિનોબાની વાણી’ નામની કટારો ગુજરાતનાં છાપાંમાં શરૂ થઈ. વિનોબાની પદયાત્રા ચાલે, તેમાં રોજનાં બે-ત્રણ પ્રવચનો થાય. તેના હેવાલ ઠેરઠેરથી દિલ્લીમાં પ્રબોધભાઈને મળતા રહે. તેને આધારે ‘વિનોબાની વાણી’ની કટાર તૈયાર કરે. ‘ભૂમિપુત્ર’ની માતા સમી એ કટાર વરસેક ચાલી હશે. કેવા એ દિવસો હતા! જાત ઘસીને ઊલટભેર કામ કરનારાં મળી રહેતાં. નારાયણભાઈ નોંધે છે : “લગભગ રોજેરોજ દિલ્લીથી આવતા રહેતા એ લખાણની ત્રીસેક નકલો કરીને ગુજરાતનાં છાપાંને મોકલી આપવાનું કામ ઉપાડી લીધું વિઠ્ઠલ કન્યા વિદ્યાલય (નડિયાદ)ની કેટલીક છોકરીઓએ. પદ્મા તમાકુવાળા (હાલ ફરસોલે) તેમાં મુખ્ય હતી. નકલો કરી-કરીને એની આંગળીઓમાં આંટણ પડી જતાં, પણ એણે કદી ફરિયાદ કરી નથી.” દિલ્લીનું કામ કાંઈ ગોઠ્યું નહીં, અને પ્રબોધભાઈ ગુજરાત આવી ગયા. નારાયણને કહે : “આ એકાદ કોલમથી શું વળે? આપણું છાપું જ કાઢવું જોઈએ.” અને આમાંથી જન્મ થયો ‘ભૂમિપુત્ર’નો. ગુજરાત ભૂમિદાન સમિતિએ બે હજાર રૂપિયાની મૂડી આપી. સંપાદકો તરીકે નારાયણ અને પ્રબોધ. દર પંદર દિવસે પ્રકાશન. વાષિર્ક લવાજમ બે રૂપિયા. ગ્રાહક થવાની અપીલ રવિશંકર મહારાજે કરી. આઠ પાનાંનો પહેલો અંક પ્રગટ થયો અમદાવાદથી વિનોબા-જયંતીએ, ૧૯૫૩ની ૧૧મી સપ્ટેમ્બરે. પહેલો અંક પ્રગટ થયો તે પહેલાં જ ૨,૭૧૩ની ગ્રાહક-સંખ્યા નોંધાઈ ગઈ હતી! અને પછીયે એટલી માંગ આવી કે એ અંક ફરી છાપવો પડેલો. લોકોએ ઉમળકાભેર તેને વધાવી લીધું. ભૂદાનયજ્ઞનો વિચાર ત્યારે લોકમાનસને સ્પર્શી ગયેલો. પ્રબોધભાઈ માટે વિનોબા અને ‘ભૂમિપુત્ર’, એમના જ શબ્દોમાં, “એક ઘેલછા જ થઈ પડ્યાં!” સર્વોદયનો સંદેશો સર્વત્ર કેમ પહોંચાડી દેવાય, તેની જ એને લગન. એને માત્ર પક્ષીની એક આંખ જ દેખાય. એવા પ્રબોધભાઈને ‘ઉપનિષદો’ શીખવાની ઇચ્છા થઈ ને વિનોબાને પૂછ્યું, તો ઉત્તર મળ્યો : “તું તારું ‘ભૂમિપુત્ર’નું કામ કર્યે જા. એ જ તને ‘ઉપનિષદ’ શીખવશે.” પ્રબોધભાઈ એક પરિપાટી પાડી ગયા છે, જે આજ સુધી ચાલી આવી છે. વિચારને નિરંતર પરિશુદ્ધ કરતા રહેવો, તેને સાકાર કરવા થાય તેટલું કરી છૂટીને કાળપુરુષને સમપિર્ત કરી દેવું, તેમાં જ ‘ભૂમિપુત્ર’ની કૃતાર્થતા છે.