સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘કૂપમંડૂક’/દેશપ્રેમ — દેખાડાની ચીજ?

Revision as of 05:11, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એક ઓર ૧૫મી ઑગસ્ટ આવી અને ગઈ. ત્રારંગા લહેરાઈ ઊઠ્યા. ભવ્ય સમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          એક ઓર ૧૫મી ઑગસ્ટ આવી અને ગઈ. ત્રારંગા લહેરાઈ ઊઠ્યા. ભવ્ય સમારંભો યોજાયા. દેશભક્તિના ઠેકેદારોએ શબ્દોના ધોધ છોડી રાષ્ટ્રને ભીંજવી કાઢયું. નેતાઓએ દેશ માટે સ્વભોગો આપવાની હાકલ કરી. ઘણા તંત્રીઓએ આઝાદીના પર્વનો જયજયકાર બોલાવતા લાંબાલચ અગ્રલેખો લખી કાઢયા. બધાંનો દેશપ્રેમ ઊભરાઈ ઊભરાઈને દેશની ધરતી ઉપર ઠલવાયો. આપણે બધાં ધન્ય ધન્ય થઈ ગયાં. પોતાના દેશપ્રેમ પાસે જાહેર પરેડ કરાવવાની જ્યારે હરીફાઈ ચાલતી હોય, ગળાં ફાડીને બહાર પડતા દેશભક્તિના નારાઓના ઘોંઘાટથી આપણી વિચાર કરવાની શક્તિ સ્તબ્ધ બની ગઈ હોય, ત્યારે ‘પાગલ’ કે ‘દેશદ્રોહી’નો ઇલ્કાબ સ્વીકારવાની તૈયારી રાખી કોઈ તો, પ્લીઝ, બોલો કે ભાઈઓ, તમે આ શું માંડયું છે? માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, પ્રભુની સકળ સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ, એ તો એક મનુષ્ય માટે એનાં મનુષ્યત્વનું સાવ સ્વાભાવિક લક્ષણ છે. એમાં આ હોબાળા શીદને મચાવો છો? અક્કલ નથી? કે પછી તમે આ ઘોંઘાટમાં કશું છુપાવવા માંગો છો કે એનો બજારુ ગેરલાભ લેવાની કોશિશ કરો છો? ૧૫મી ઑગસ્ટ આવે ત્યારે જ શું દેશપ્રેમ એની સુષુપ્ત અવસ્થામાંથી થોડીક ક્ષણો માટે બહાર આવે? પછી પાછો કુંભકર્ણ બની નસકોરાં બોલાવવા માંડે? દેશપ્રેમ શું માત્રા એક ક્ષણભંગુર આવેશથી થતો ટૂંકજીવી વિસ્ફોટ છે? કે આપણાં વ્યક્તિત્વ અને ચારિત્રય સાથે મજબૂત રીતે હંમેશની વણાઈ ગયેલી લાગણી છે? ‘હું સત્ય બોલું છું’, એવા નારાઓ લગાવવા કરતાં સત્ય બોલવું એ જ અગત્યનું છે. માતૃભૂમિ અને એનાં બધાં જ સંતાનો પ્રત્યેના પ્રેમને તમારાં રોજિંદા જીવનમાં, કાર્યમાં એવો તો સ્વાભાવિક રીતે આચરણમાં મૂકવાનો હોય કે એ તમારા ચારિત્રયનો હિસ્સો બની જાય, તમને ખુદને મહેસૂસ ન થાય કે તમે દેશ માટે કોઈ મોટો વાઘ મારી રહ્યા છો. એનું પ્રદર્શન ન કરાય. એ પ્રશાંત અને સ્વાભાવિક હોય. તમારા-મારા જેવા આમ આદમીની વાત હું કરું છું. બાકી જેમણે દેશપ્રેમનો વેપલો કરવો છે, એની આડ હેઠળ નાજાયઝ રીતે સત્તા, વગ, સંપત્તિ ભેગાં કરવાં છે, લક્ઝરીના કીચડમાં આળોટવું છે; એ લોકો તો દંભ, ઢોંગ અને પ્રપંચના સહારે પોતાની નિજી સ્વાર્થસાધના કરતા ભ્રષ્ટ દલાલો અને સૂક્ષ્મ દેશદ્રોહીઓ છે જ. સેમ્યુઅલ જૉહન્સને ઠેઠ ૧૭૭૫માં આની વ્યાખ્યા કરી આપી હતી કે ‘દેશભક્તિ એ બદમાશોનું અંતિમ આશ્રયસ્થાન છે.’ આ જ સ્વાર્થલોલુપ, વિકૃત અને ઈશ્વર તથા માનવ સમાજ સાથે દગો કરતા કૃત્રિમ, દંભી દેશભક્તોને ધ્યાનમાં રાખી બર્નાર્ડ શૉએ કહ્યું હશે કે માનવજાતની અંદરથી આવો દેશપ્રેમ બહાર ખેંચી કાઢી તમે એનો નાશ ન કરો ત્યાં સુધી તમને એક શાંત, સુખી દુનિયા સાંપડવાની નથી. એટલે ધ્યાન રાખજો કે જેઓ દેશપ્રેમ પાસે પરેડ કરાવે છે અને નારા લગાવે છે તેઓ જ મોટા ભાગે દેશને લૂંટનારા, વિદેશી બૅન્કોમાં કાળાં નાણાં જમા કરતા અને ભ્રષ્ટાચારની પૂજા કરતા બદમાશો છે. છેલ્લા પાંચ દાયકાઓથી આ લોકો જ દેશને ઉંદરની જેમ ફૂંક મારી મારીને અંદરથી કોતરી રહ્યા છે. એકેએક ક્ષેત્રો આજે ભ્રષ્ટાચાર રાજ કરે છે. રાજકારણ, શિક્ષણ, વહીવટ, પત્રાકારત્વ, વેપાર-ધંધા, ધર્મ, કાનૂન, ન્યાય... કયું ક્ષેત્ર આ દૈત્યથી બચી શક્યું છે? શા માટે આજે આઝાદીનાં પચાસ વર્ષ પછી પણ આપણાં ૪૦ કરોડ ભાઈબહેનો ગરીબી, શોષણ, ભૂખમરો, અભણતા, રોગ વગેરેની યાતનામાં તરફડી તરફડીને પોતાનું જીવન ઘસડે છે? આ માટે દેશપ્રેમના આ ઠેકેદારો, નારાબાજો જવાબદાર છે. દેશભક્તિ તો એક નાગરિકના જીવનના તાણાવાણા સાથે વણાઈ ગયેલી લાગણી છે. એ સ્વાભાવિક છે, પ્રશાંત છે; ઉછાંછળી નથી, બનાવટી અને દંભી નથી. તમે રોજી રળવા જે કામ કરતા હો, એમાં નિષ્ઠાપૂર્વક મહેનત કરતા હો, કામચોરી ન કરતા હો, ખૂણા કાપતા ન હો, લાંચરુશ્વતથી દૂર રહેતા હો, તો તમે દેશભક્ત છો. આજે ભારતની અવદશાનું એક મુખ્ય કારણ ‘વર્ક-કલ્ચર’નો થયેલો નાશ છે. મોટા ભાગના લોકોને પ્રામાણિક પરિશ્રમ કર્યા વગર સહેલાઈથી અને ઝડપથી યેનકેન પ્રકારે પૈસા બનાવવા છે. આજે દેશના અરધોઅરધ લોકોમાં પણ અગર જો નિષ્ઠા અને ઈમાન પર ઊભેલું વર્ક-કલ્ચર આવે, તો દેશ તમે કલ્પી ન શકો એટલી ઊંચાઈએ ઊઠી શકે તેમ છે. શહેરની ગટર સાફ કરનારા શ્રમજીવીઓ અને ગામડાંના ખેતમજૂરો જેવું વર્ક-કલ્ચર આપણામાં આવે તો દેશનો ઉદ્ધાર થઈ જાય. તમારા અંગત જીવનમાં સત્યનો આદર કરવા, કોઈ લઘુતમ મૂલ્યોને આધારશિલા બનાવવા, નમ્રતા, પ્રેમ, સહનશીલતા, સંતોષ, સંવેદના જેવા મનુષ્યત્વના પાયાના ગુણો કેળવવા તમે નિષ્ઠાવાન પ્રયત્નો કરતા હો, તો તમે સાચા દેશભક્ત છો. ધનસંસ્કૃતિ અને ઉપભોક્તાવાદની પકડમાં સ્વેચ્છાએ સપડાઈ, ગમે તેવા અનૈતિક રસ્તે ચાલી, તમે પૈસા બનાવતા હો તો તમે દેશદ્રોહી છો. માણસને એના ધર્મ, જાતિ, ત્વચાના રંગ, આર્થિક-સામાજિક દરજ્જો વગેરેના ચશ્માંથી જ તમે પહેચાનતા હો, ઊંચનીચના ભેદ રાખતા હો, દેશમાં ભાઈ-ભાઈ વચ્ચે નફરતનું વાતાવરણ પેદા કરવામાં સહાય કરતા હો, પ્રપંચીઓના પ્રચારમાં ફસાતા હો, સચ્ચાઈને પકડવા મહેનત ન કરતા હો, તો તમે દેશદ્રોહી જ છો. રોજના જીવનમાં માણસાઈના દીવા પ્રગટાવવા પરિશ્રમ કરતા હો તો તમે બેલાશક મહાન દેશભક્ત છો.