સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘બેકાર’/બોચાસણ આશ્રમમાં

નિત્ય ઊઠીને ભલા ઝાડુ પકડવાનું રહ્યું,...
સ્વપ્નમાં પણ કામ, ને બસ કામ કરવાનું રહ્યું....
કૈંક વરસોથી જે ટેબલ પર ચઢાવી ટાંટિયા
વામકુક્ષિ કરતો તેનો દંડ ભરવાનું રહ્યું....
ગોળ સાથે ખોળ તેં ખાધો અહીં આવી ભલા,
છે ફક્ત બાકી હવે ઘાસ ચરવાનું રહ્યું.
તેં કલમ ત્યાગી અહીં ગ્રહ્યાં છે વેલણ-પાટલી,
આવતાં વારો અહીં ચૂલામાં પડવાનું રહ્યું.
ગામ ને ઘરની સફાઈ તેં અહીં આવી કરી,
પણ હજી દિલની સફાઈ તારે કરવાનું રહ્યું....
ભવતણા સાગર મહીં કોનો સહારો, ક્યાં સુધી?
તુંબડે નિજના અહીં સર્વને તરવાનું રહ્યું.
શબ્દ ‘સેવા’ મિષ્ટ પણ, ‘બેકાર’, એવું જાણજે
કે અહીં સેવામાં પરસેવે નીતરવાનું રહ્યું.