સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘વિવેકધન’/મહેમાન બનીએ ત્યારે...


(૧) મહેમાન તરીકે બહારગામ જવાનું હોય ત્યારે તેની જાણ સવેળા લેખી (ટપાલથી) કરીને જ જવાનું રાખવું. આપણો ત્યાં પહોંચવાનો દિવસ, સમય, સાધન વગેરેનો અંદાજ આપવો. (૨) તમે એકલા હશો કે સાથે અન્ય કેટલી વ્યકિત હશે, તે પણ જણાવવું. (૩) ત્યાં કેટલો સમય/દિવસો રોકાવું પડશે, તેનો ખ્યાલ આપવો. (૪) ત્યાં રાત્રિ મુકામ હોય—ને પહેલો જ પ્રસંગ હોય તો મુકામના ઘરની ભૂગોળ જાણી લેવી; જેમ કે, બાથરૂમ, જાજરૂ, પાણિયારું, દાદર, દરવાજો વગેરેની માહિતી મેળવી રાખવી, જેથી કસમયે યજમાનને તકલીફ આપવાનું ટાળી શકાય. (૫) યજમાનના ઘરનો સૂવાનો રોજિંદો સમય જાણી લેવો, જેથી તેને અનુકૂળ થઈ શકાય. (૬) વધુ સમયના રોકાણ દરમિયાન, કામ પ્રસંગે બહાર જવાનું હોય તો, યજમાનના ઘરના જમવા/વાળુ કરવાના સમયો જાણી લેવા, જેથી સમયસર પાછા આવી શકાય. સમયે પરત આવી શકાય તેમ ન જ હોય તો, ઘરમાં તેની જાણ કરીને જવું. (૭) ખોરાકમાં કોઈ પરેજી હોય, તો તે વાત પણ રસોડા સુધી સવેળા પહોંચાડવી. (૮) ત્યાંના ઘરની ગોઠવણીમાં આપણા કારણે કોઈ અડચણ ન સર્જાય; જે વસ્તુ જ્યાંથી લેવી પડે ત્યાં જ પરત મૂકવા કાળજી રાખીએ. ટૂંકમાં, આપણે ઘેર પરત આવવા નીકળીએ ત્યારે યજમાન ખરા દિલથી ‘આવજો’ કહે, એ રીતે મહેમાન બનવાની ટેવ કેળવીએ. [‘સૌરસ’ પુસ્તક]