સમરાંગણ/૧૫ જનની જન્મભૂમિ

From Ekatra Wiki
Revision as of 12:46, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫ જનની જન્મભૂમિ|}} {{Poem2Open}} દુનિયાની મહાન કૂચોનો ઇતિહાસ લખાશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫ જનની જન્મભૂમિ

દુનિયાની મહાન કૂચોનો ઇતિહાસ લખાશે તે દિવસ સુવર્ણાક્ષરોમાં અંકિત થનારી સવારી અકબરશાહની હશે. ગુજરાતને લોહીનું એક પણ બિન્દુ છાંટ્યા વગર આણમાં લેનારો અકબર, ફરી પાછું ગુજરાતના મીરજા અમીરોએ બંડો સળગાવ્યાનું સાંભળીને પોતાના ‘નૂરેબેઝા’ (ધવલ પ્રકાશ) અશ્વ પર પલાણ્યો. એકલો નહિ, સૈન્યના રસાલા સાથે ઊપડ્યો. રવિવારનો એ દિવસ હતો. આગ્રાથી અમદાવાદનો પાંચસો ગાઉનો પંથ, બરાબર નવ દિવસમાં કાપી નાખ્યો. સોમવારની સંધ્યાએ એણે શત્રુઓને ચકિત કર્યા. ઝાડી અને જંગલો, બે કાંઠે વહેતી નદીઓ અને ઠેરઠેર છુપાયેલ બંડખોર સૈન્યોની વરસતી તીર-ધારા એને ન રૂંધી શકી. કડી, ​ વડોદરા, ભરૂચ, સર્વત્ર એ વંટોળરૂપે ઘૂમી વળ્યો, એના ડાબા-જમણા બાહુરૂપ હતા રાજા માનસિંહ અને રાજા ટોડરમલ. સ્વાર્થાંધોને સાફ કરવામાં એણે દયા ન જાણી. પશ્ચાત્તાપમાં પ્રમાણિક જણાયા તેમને એણે દિલાવરીથી જીત્યા. ચંગીઝખાંની માએ આવીને પોતાના બેટાનો દગલબાજીથી જાન લેનારા સીદી અલફખાન સામે ફરિયાદ કરી. અપરાધી પુરવાર થનાર એ હત્યારાને અકબરે હાથીના પગ હેઠળ છૂંદાવ્યો. રાજા ટોડરમલને એણે ગુજરાતના અંધાધૂંધીભર્યા વસૂલાત-વહીવટને સ્થાને અદલ ન્યાયનિષ્ઠ જમાબંદી માટે રોકી દીધા. એ શાંતિ-સ્થાપનાની અકબર-સવારીને સ્વાર્થી મુસ્લિમોએ ‘કેહેર બ ગુજરાત આમદ’ નામે ઓળખાવી. ઠેરઠેર નિંદા પહોંચી કે '‘ગુજરાતમાં કેર આવ્યો’. અકબર ન આવ્યો પણ કાળો કેર આવ્યો. આગ્રામાં પણ નહનૂને કાને શબ્દો પડ્યા : ‘ગુજરાતમાં પાદશાહી કેર’ આવતો હતો. હવે એ કેર સૌરાષ્ટ્ર પર ઊતરવાનો છે એવી અફવાઓ ચાલી. નહનૂ મુઝફ્ફરે ફરી એક વાર યમુના-તટ તરફ પગલાં માંડ્યાં. બે વર્ષની રાજકેદ તો ચાલી ગઈ હતી. દેખરેખ ઢીલી થઈ હતી. ખુદ પાદશાહે જ મુઝફ્ફરના યૌવનનું ઘડતર કરવાના અભિલાષ રાખ્યા હતા. અવરજવરની છૂટ વધી હતી. મુઝફ્ફર કોઈ કોઈ વાર એકાકી પણ યમુનાતીરે જઈ બેસતો. અનુચરો ઉદાર, શિથિલ અને વિશ્વાસુ બન્યા હતા. નાગડાને એ વારંવાર મળતો ને બંસી બજાવી સૂરો સંભળાવતો. ફરી એક વાર એની ને નાગડાની ભેટ થઈ. નાગડો બેઠોબેઠો પોતાની મૂછો પર હાથ ફેરવતો હતો. એનાં આંગળાંમાં વાળની ઝીણી શેડ્ય રમતી હતી. યમુનાનાં તીર જાણે એને સાંકડાં પડતાં હતાં, ઊઠીઊઠીને એ આંટા મારતો હતો. પોતાની ભુજાઓ લાંબી કરી કરીને તપાસતો હતો. પોતાની છાતી એ ફુલાવતો અને સંકોડતો હતો. એ મુઝફ્ફરની જ રાહ જોતો હતો. “મુસ્લિમ ભાઈબંધ!” એણે મુઝફ્ફરની સામે હાથ જોડ્યા. “છેલ્લી મુલાકાત કરવા આવ્યો છું.” ​ “કેમ?” “આવતીકાલે હું સ્વદેશ જાઉં છું. મારી મૂછડીએ વળ ઘાલી લીધા. ગુરુજીએ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા પર નીકળવાનો જમાતને હુકમ કર્યો છે. તેમની સાથે કાલે હું માતાના દ્વાર તરફ પ્રયાણ કરી જઈશ.” “તમારી અમ્મા તમને ઓળખી શકશે? આટલાં બધાં વર્ષે એ તમારા મોંને પારખશે?” “પણ હું એને કહીશ ને કે, માતા, હું તમારો પુત્ર છું. હું ઘેલોનાદાન પાછો ડાહ્યો થઈને તમારે ખોળે આવું છું.” “એ જીવે છે?” “જીવતી જ હશે ને! મારી વાટ જોતી જોતી એ ન જીવે તો બીજું શું કરે?” “નહિ હોય તો?” “તો? – તો? – તો? – મને ગુરુદેવે કહ્યું છે કે जननी जन्मभूमि स्वर्गादपि गरियसी । – મા અને જન્મભૂમિ, બેઉ સ્વર્ગથી યે મહાન. મારી જન્મભૂમિ તો મને ખોળે લેશે ને? એને કહીશ કે માતા, હું ઘેલો પુત્ર પાછો આવ્યો છું.” “ઘેલા પુત્રને જન્મભૂમિ પણ સ્વીકારતી હશે?” “તમે કેમ આવા પ્રશ્નો પૂછો છો?” “જેને જનની ન હોય તેની જન્મભૂમિ જનની થતી હશે? તેને ગોદમાં લેતી હશે? એકાદ નદી-કિનારો કાઢી દેતી હશે? દસ-બાર જુવાન જોદ્ધઓ મેળવી દેતી હશે? પહાડો ઘૂમવા દેતી હશે? દુશ્મનો સાથે ભેંટભેટા કરવા દેતી હશે?” “આમ કેમ પૂછો છો? કોઈ યાદ આવે છે?” “યાદ આવનારી અમ્મા તો મારે નથી.” “તમારે માતા નથી? મરી ગયાં છે?” “મને ખબર નથી.” “માતા યાદ તો આવે છે ને?” ​ “દીઠી નથી. મોં નથી મળતું પણ માતાને કલ્પી છે મેં. એક ચીસરૂપે, વેદનાની રુદનધારરૂપે. અનંત યાતનારૂપે.” “તમે આવોને મારે વતન! ત્યાં મારી માતાને હું યાચના કરીશ કે આ બંધુને પણ બેટો બનાવો, પ્યાર કરો. ને મા એટલી બધી પ્રેમાળ છે ને, કે જરૂર જરૂર તમારા પર વહાલ બતાવશે. ચાલો તમે, મારી માનું હૃદય આપણે બંને સમાઈએ તેટલું બધું પહોળું છે.” એટલું કહીને એણે ધરતી ફરતા વિશાળ સીમાડા પર હાથ ફેરવ્યો. જાણે માના હૈયાનો વિસ્તાર દેખાડવાનું એ એક જ શક્ય માપ હતું. પછી એણે મુઝફ્ફરના ખભા પર મૈત્રી-ઝરતો હાથ મૂક્યો. એનો પંજો મુઝફ્ફરના અરધા બરડા પર પથરાઈ રહ્યો. “મોટામાં મોટું દુઃખ શું હશે, દોસ્ત?” મુઝફ્ફરે નાગડાને પૂછ્યું. “ગુરુદેવે તો કહ્યું છે કે મોટામાં મોટું દુઃખ નામર્દાઈ છે.” “નહિ ભાઈ, એથીયે મોટું દુઃખ તો નામર્દ તરીકેનું મહેણું છે – ગાળ છે. કારણ? કારણ કે એમાં આપણું એકનું જ અપમાન નહિ પણ આપણને જન્મ દેનાર માતાને પણ લ્યાનત સૂચિત છે.” “એવી ગાળ ખાઈને બેસનાર વધુ ને વધુ નામર્દ બને છે.” નાગડાએ જાણે કે પ્રસ્તાપી કોઈ ચર્ચા ચાલતી હોય તેવી અદાથી વાત આગળ ચલાવી. એને ખબર નહોતી કે આ વાક્ય મુઝફ્ફરના અંતર પર જખ્મરૂપ થઈ પડ્યું છે. “એવી ગાળને ધોઈ નાખવા ખાતર માણસે પોતાની જાન પણ કાઢી દેવી જોઈએ એ તો ખરું, પણ બીજા હજારોની જાન હોમાઈ જતી હોય તો હોમી નાખવી જોઈએ કે નહિ? ગુલશનોનાં વેરાન કરી નાખવા જોઈએ કે નહિ? દયા, માયા, મમતા, તમામ પ્રકારની કુમાશને સળગાવી દેવી જોઈએ કે નહિ!” મુઝફ્ફર એમ ને એમ આગળ વધતો હતો. એણે નાગડાના જવાબની રાહ જ ન જોઈ. એ જાણે પોતાની જાત જોડે જ વાર્તાલાપ કરી રહ્યો. ​શંખનાદ થયો. નાગડો સફાળો જ ઊઠ્યો. એણે મુઝફરની સામે હાથ જોડ્યા “મેરે મિત્ર! અબ મેરે જાનાં હોગા. સોરઠમાં આવજો, મા તમને બેટા કરી બોલાવશે. એ મારા જેવડા તમામને બેટા કહે છે. આવજો સોરઠમાં – નાગની ગામ, સતો જામ રાજા, ને – ને મારો પિતા... એનું નામ તો ગુરુદેવ બતાવી શક્યા નથી. એનું નામ ન દેજો, એને વાત ન કહેજો, પરબારા મા પાસે જ આવજો. આવજો હોં જરૂર! નમસ્કાર, મિત્ર!” એમ કહીને એ દોટ મારીને જોગીઓની જમાતના પડાવ તરફ ચાલ્યો ગયો, અને મુઝફ્ફર પોતાના ભેજામાં એક જ ધૂન લઈને પથારી તરફ વળ્યો : ‘ગુજરાતમાં પાદશાહી કેર’ : ‘કેર બ ગુજરાત આમદ’ એ ધૂને એના કલેજામાં એક ઝેરી કીડો મૂક્યો. અને એના મગજમાં એક બીજો મોહક સૂર મદિરાનો કેફ ભરવા લાગ્યો : “સોરઠના રાજપૂતો-કાઠીઓ ઈમાનદાર છે. ચારણની વાર્તાઓમાંથી મેં એ સાંભળ્યું છે, સોરઠમાં જઈ પહોંચું.”