સમરાંગણ/૨૫ મા મળી

From Ekatra Wiki
Revision as of 05:30, 10 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with " {{SetTitle}} {{Heading|૨૫ મા મળી|}} {{Poem2Open}} નાગને ‘વાસુકિ’ નામે ઓળખનારી આ એ જ જમાત હત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૫ મા મળી

નાગને ‘વાસુકિ’ નામે ઓળખનારી આ એ જ જમાત હતી કે જેણે એને ઉંમરલાયક કર્યા પછી થોડા વખત પર નવાનગરને સીમાડે છોડ્યો હતો. દ્વારિકા, હીંગળાજ, સુદામાપુરી વગેરે તીર્થાટને ફરીને જમાત પાછી વળતી હતી. “તેરી માતાજી અબ તો મિલ ગઈ ને, વાસુકિ! તેરી મૂછડિયાંને અબ તો તીન તીન વળી ઘાલ્યા, વાહ રે વાસુકિ!” એમ કહેતાં કહેતાં ગુરુ નાગ વજીરને નિહાળતા હતા. મશાલો પર વિશેષ તેલની ધારો થતી હતી. ઝળેળી ઊઠેલી મશાલો વચ્ચે નમ્ર, નીરવ, સ્મિતભર્યું મોં સાચવીને ઊભેલો નાગ વજીર આખા પડાવના આકર્ષણનું પાત્ર બની ગયો, જોગીઓનું જૂથ બંધાયું. પ્રત્યેકને પિછાનતો પિછાનતો નાગ બે હાથ જોડી વંદન કરતો હતો. “તેરી મૈયા મેરે પર ખિજાઈ તો નથી ના, વાસુકિ? અબ તો હમકો કાલી રોટી કા ભોજન કરાવસેને તેરી મા? હાં?” માલપુડાને આ જોગી લોકો કાલી રોટી કહે છે. ​ નાગ કશો ઉત્તર નહોતો દેતો, પણ વારંવાર ખોંખારો ખાઈને ગળામાં ભરાતો કશોક કચરો સાફ કરતો હતો. એને ચુપ જોઈને ગુરુદેવ વધુ પ્રેમાર્દ્ર બનીને બોલવા લાગ્યા : “મા મિલેસે પિછે લડકા બિગડે જ સે. બડા મતલબી બન જાય સે. કિરપા તેરી, ભાઈ, ઈસ બખત મૈયા કા દરસન કરા, તો હું માફી માંગ લૂં. મારે ઉનકો કહેવા સે, કે હું તને ચોરી કરકે થોરા લે ગયા થા! તુ મારગ મેં પડા થા તો હમ ઉઠાઈ લિયા, નહિ ઉઠાઈ લિયા હોતા તો બાઘ-વરુ-કુત્તા ખાઈ જાતા. ખરા કે નાહિ? આ, ચલ મેરે પાસ. સબ બાત કહે કે મુઝકો. તુ ક્યા કરતા હૈ – લાઠી, કટારી, ઘોડેસવારી, દાવ, પેચ, સમશેરબાજી, કુછ કરતા હૈ કિ નાહિ? ઔર તુને બિવાહ કર્યા કે નાહિ? ચલ મેરી કુટિર પર. અરે ભાઈ સાધુલોક, વાસુકિ કા ઘોડા બાંધ દેનાં.” ગુરુ અને શિષ્ય આગળ વધે છે તે જ વખતે પેલી એકલ રાવટી પરથી એક કાળો આકાર ચાલ્યો આવતો દેખાય છે. મશાલ ઊંચી થાય છે, એટલે આકાર વધુ સ્પષ્ટ બને છે. “અરે, યે કોન, ક્યા બુઢ્‌ઢી માઈ આતી હૈ? ઊઠ ગઈ મૈયા? ઈસ ગરબડ સે જાગ ગઈ ડોકરી? હંય!” એટલું બોલતાં ગુરુ ઊભા રહ્યા, ને એ વૃદ્ધ નારી-આકાર નજીક આવ્યો, એણે હાથ જોડ્યા હતા. ગુરુદેવની સાથે ઊભેલા જુવાન નાગ તરફ નજર નોંધી. “તૂ ક્યા પિછાનતી હૈ ઇસકુ, મૈયા? ક્યા દેખતી હૈ? યે તો મારો બાલકો વાસુકિ સે. ડાકિની કી માફિક તૂ એને પર નજર નાહિ કર. એની મા તારો માથો જ ટીપી નાખશે, જો નજર લગી સે તારી તો. ઔર તારે સું? અમે ઇતના બધા બાવા તેરા બેટા સ્વરૂપી મિલી ગિયા, તોય તુ ડાકિની જ રહી? પરકીય બેટા કો કાલી ઘોર રાત મેં ઐસા મત દેખ રે, માઈ! ચોટ લગેગી.” “મને જોવા તો દિયો, બાપુ! મને જોવો ગમે છે.” વૃદ્ધાએ આંખો પર છાજલી કરીને નાગડા પર આંખો દોડતી મૂકી. નોળિયાનું નાનું ​ પાળેલ બચ્ચું જેમ પાળનારના દેહ પર દોડાદોડ કરી મૂકે તેવી દોડાદોડનો મીઠો સ્પર્શ નાગડાએ પોતાના દેહ પર અનુભવ્યો. “કેવો રૂપાળો છે!” વૃદ્ધાએ બોખા મોંમાંથી બોલ કાઢ્યા. “જૂઠી બાત બોલેસે તૂ, મૈયા.” ગુરુદેવે હાંસી કરી : “લડકો બિલકુલ રૂપાલો નથી. હમારી સાથ ચૌદા-પંદરા સાલ રહ્યો હતો, પણ કોઈએ ઈનકો રૂપાલો કહ્યો નથી. રૂપાલો કહેનેવાલી બસ, તુ એક અંધી મિલી ઈતને સાલમેં.” “ક્યાંનો છે આ જુવાન, હેં બાપુ?” બુઢ્‌ઢીએ દીન સ્વરે પૂછ્યું. “નાગનીનો.” નાગથી બોલાઈ ગયું. “તું કોનો દીકરો છો, ભાઈ? તારાં માતપત્યાનું નામ?” “નથી.” નાગ ફક્ત આટલું જ બોલીને બીજી બાજુ જોઈ ગયો. વૃદ્ધા નજીક આવીને આ જુવાનને જોવા લાગી. “ખાઈ જાનાં નહિ.” ગુરુદેવે ગમ્મત ચાલુ રાખી, અને જરી સંકોડાતા નાગને કહ્યું : “આ મૈયા થોરી સી પગલી હૈ. ઘબરા મત. ભરખી નાહિ જાસે. મેરે સબ સાધુઓં કો આમ જ કર્યા કરે સે!” વૃદ્ધાએ એનો જમણો હાથ ઝાલીને પંજ તપાસ્યો. ટચલી આંગળીની અડોઅડ એક છેદાએલું ઠૂંઠૂં હતું. ઠૂંઠાને પંપાળતી પંપાળતી એ હસી, હસતાં હસતાં એકાએક ડાબા હાથની એની બાંય ઊંચી કરીને પોતે મશાલચીને નજીક આવવા સૂચવ્યું. ભુજા પર કાળું મોટું લાખું નિહાળીને ફરી વાર હસી. એકાએક એણે નાગડાની છાતી પર હાથ મૂક્યો, એટલે ગુરુદેવે કહ્યું : “અરે અરે, મૈયા, ક્યા તૂ લડકા કી ગર્દન પીસ દેગી?” વૃદ્ધાએ નાગના કંઠમાં રુદ્રાક્ષની માળા વચ્ચે ઝૂલતું માદળિયું સ્પર્શી જોયું ને એ ફરીથી હસી. જુવાનના મોં પર, લલાટ પર, કાન, નાક અને ગરદન પર એણે ધીરી ધીરીને સ્પર્શ કરતે કરતે જોયું. જોતી ગઈ તેમતેમ આવેશમાં આવતી ગઈ. આવેશની માત્રા ચડવા લાગી. અને હાંસી કરતા યોગી તેમ જ તેમના શિષ્યો સાવધાન બને તે પૂર્વે તો વૃદ્ધાએ મન ​ પરનો તમામ કાબૂ ગુમાવી નાખીને કહ્યું : “જોરારનો! જોરારનો! જોરારનો જડી ગયો. જોઈ લ્યો, બાપુ, જોરારનો કેવો બંકો બની ગયો! દેખો, જામ, સતા રાજા, ધવરાવ્યું તે લેખે લાગ્યું કે નહિ?” એમ કહેતી કહેતી જો એ ઉન્માદમાં ચડી જાત તો ગાંડી બનત. પણ એના બેહદ હર્ષાવેશનું ઊંડું પ્રયોજન એકદમ પકડી લેનાર યોગીરાજે એને ઉન્માદના સીમાડા ઓળંગી જતી અટકાવવાને માટે ૨ડાવવાનું જરૂરી માન્યું. એણે પોતાના સાધુને આજ્ઞા કરી : “ભવેશાનંદ! યે જવાન કો ઝાડ કે સાથ બાંધ દો : પ્રાતઃકાળ મેં મુગલ સરકાર કે ફૌજદાર કો સોંપ દેના, ઔર કહના, ભયાનક જાસૂસ હૈ.” “નૈ, નૈ, બાપુ. એવું ન કરશો, એને ન સોંપજો. એને ભાગી જાવા દ્યો. મારે એ પાછો નથી જોતો, એને પકડાવશો નૈ, દયાળુ!” એમ બોલતી માતા રુદને ચડી ગઈ. પડીપડી ખૂબ રડી. ત્યાંથી ન ખસતા નાગને બાવડું ઝાલીને યોગી પોતાની રાવટીમાં લઈ ગયા, એને વહાલથી પોતાની પાસે બેસારીને પોતે બધી વાતથી વાકેફગાર બન્યા. આ વદ્ધા કેવા સંજોગોમાં જમાતને મળી તેની નાગને જાણ કરી. નાગે કશી ચોખવટ ન કરી. નાગ કે યોગી, બેમાંથી એકેય આ વૃદ્ધા માતાના ગૃહત્યાગની વાતનો નિગૂઢાર્થ હજુય નહોતા પકડી શક્યા. પ્રાતઃકાળે બધાં રહસ્યોનું છેદન થશે એવી રાહ જોતા ગુરુ-શિષ્યે જાગ્રતાવસ્થામાં જ રાત ગુજારી. સાધુએ સૌરાષ્ટ્ર-ગુજરાતની રાજકીય અવસ્થાના છેલ્લામાં છેલ્લા સમાચાર શિષ્ય પાસેથી મેળવી લીધા. પાછલા પહોરની શાંતિ વચ્ચે દેહ અને દેહી વચ્ચેના ભેદોની, બ્રહ્મબ્રહ્માંડની, મોક્ષ અને બંધનની સરળ મીઠી જ્ઞાનગોષ્ઠિ ગુરુમુખેથી ઝીલતો ઝીલતો નાગ નિજાનંદના પ્યાલા પીતો હતો. ગુરુ અશ્વવિદ્યા તેમ જ ગગનની જ્યોતિર્વિદ્યા ઉપર પણ ફરી વળ્યા હતા, ને રુદ્ર, સપ્તર્ષિ તેમ જ શુક્ર સમા તારાઓની ગતિ પણ દેખાડતા હતા. પરોઢનું તારા-સ્નાન પત્યું અને સાધુઓ દેવસ્તવન માટે મંદિરના ધ્વજ નીચે જૂથે મળ્યા ત્યારે ગુરુએ વિશ્વંભરાનાં સવિશેષ ગુણકીર્તન ​ કરી શિષ્યસંઘને ખબર આપ્યા : “ત્યાગીઓ! આજનો પ્રાતઃકાળ પુનિત છે. એક મહાવિજોગની આજ રાત્રિએ સમાપ્તિ થઈ છે. આપણો પ્યારો વાસુકિ જનનીને પુનઃ પામ્યો છે. જનની પુત્રને પામી છે. માતૃ-હૃદયનો દુર્દમ આવેશ શમી ગયા પછી, ઓચિંતી ઇષ્ટપ્રાપ્તિનો ઊર્મિરોધ વિરમી ગયા પછી, પુત્ર પોતાની જનનીનું બુદ્ધિપૂર્વક, શુદ્ધ આનંદપૂર્વક મિલન પામે તે માટે તેણે ઊઠીને આપણા પ્રિય સ્તોત્રનો મંત્રોચ્ચાર કરતા કરતા જનનીનાં ચરણોમાં નમવું.” વાસુકિ ઊઠીને માતાની સન્મુખ ઊભો રહ્યો. એના હાથમાં ગુરુએ પુષ્પો ધર્યા. ને પછી સ્તોત્ર કહ્યું : “जननी जन्मभूमिश्व...” એ સ્તોત્ર આખા યોગી સંઘે ઝીલ્યું પછી એ સ્તોત્ર નાગે ઉચ્ચાર્યું. પુષ્પો માતાને પગે મેલીને નાગે મસ્તક ઝુકાવ્યું ને માએ એનાં મીઠડાં લીધાં ત્યારે ગુરુદેવે ઉચ્ચાર કર્યો : “તારું જીવન અને તારું મૃત્યુ, બન્ને જનનીના પય સમાં ધવલ બનજો.” પછી મા-દીકરાને એકાંતે બેસવા દેવાની ઇશારત ગુરુદેવ તરફથી થતાં સર્વ પોતાની દિનચર્યામાં પડ્યા. માની નોખી રાવટીમાં પુત્ર ગરીબડો બનીને માની નજીક બેઠો. એને નવીનતા અકળાવતી હતી. એના હૃદયમાં જાણે વાતાવરણમાંથી કોઈ ઘેનની સુવાસ ઊઠતી હતી. મા સાંપડી છતાં હાથમાંથી સરી તો નહિ જાય? માને જવાબ દેતાં આટલો મૂંઝાઉં છું તે ક્યાંઇક મારી જબાન તો ખોટી નહિ પડી જવાની હોય? જલદીજલદી શબ્દો કેમ ફૂટતા નથી? માનાં દર્શનને રૂંધનારાં આ આંખોમાં ઊભરાતાં પાણી ત્યાં ને ત્યાં સુકાઈને કાયમી અંધાપાનાં પડળ તો નહિ બની બેસે? અને આ કોઈ તરકટ તો નહિ હોય ને? નાગની આવી મનોદશા મટતી નહોતી. માએ એક પ્રશ્ન પૂછતાં અતિ ઘણી મહેનત અનુભવી : “તારા – બાપુ – ને – જોયા?” નાગે હકારમાં ડોકું હલાવ્યું. “ઓળખાણ પડી?” નાગનું માથું નકારમાં હલ્યું. ​ “શું કરે છે? યાદ કરે છે?” “રોષભર્યા અને અતિદુઃખી દેખાય છે.” એમ કહીને એણે માને પહેલી રાતનો પ્રસંગ સંભળાવ્યો. એ પ્રસંગમાં તો પિતાનું માતાજીના નામ પર ઝનૂન જ વરસ્યું હતું. માને માથે જાણે પિતાનું રોમેરોમ સળગતું હતું. જેસા વજીરના કરડા બોલની પાછળ અંતરમાં ટપકતી કરુણ પ્રેમોર્મિ નાગથી નહોતી સમજાઈ. “એ માતૃદ્વેષી પિતાને તો...” નાગે દાંત ભીંસીને વાક્ય અધૂરું મૂક્યું. “ખમા! ખમા બેટા! ખબરદાર જો કાંઈ બોલાય તો.” માએ નાગને વાર્યો. “માનું દૂધ દેખાડી દઈશ : એક દિવસ : આજે તો શું!” નાગે આંખો બીડી દીધી. એ વખતે એક યુવતી બહારથી નાહી-ધોઈને રાવટીમાં આવી. નાગે એને ક્યાંક દીઠી હોય તેવી મુખમુદ્રા કરી પોતે એની સામે જોઈ રહ્યો. યુવતીએ અંદર આવીને એક ખૂણામાં આસન વાળ્યું. માતાના તેમ જ યુવતીના લેબાસ સફેદ ધોતલીના પહેરેલા સાળુના જ હતા. એટલે પોશાક પરથી પિછાન પડી શકતી નહોતી. સરાણના પટા તાણતાં તાણતાં ઝુલાવેલાં બાંયોનાં ફૂમકાં અને કેશના બેઉ બાજુના મીંડલાને છેડે ઝળૂંબતી ફૂમતીઓ આ દેહ પર કોઈ દિન ચડી હશે એવું માનવામાં આવે નહિ. તીર્થાટનો કરી કરીને નારી-દેહ દુર્બળ, ધર્મનિષ્ઠ અને સંસ્કારશીલ બન્યો જણાતો હતો. એ કશું બોલતી નહોતી. એના મોં પર ભાવો બદલાતા નહોતા. ઓચિંતી જાણે એ પથ્થર બની ગઈ હતી. ‘એક દુખિયારી છે.’ એટલું જ માએ કહ્યું. વાસુકિ અથવા નાગ કોનો બાળક છે તે ગુરુએ આજ સુધી પૂછવાની કે તપાસવાની ખેવના કરી નહોતી. માનેલું કે હશે કોઈક રાંડીરાંડનો, કોઈક ગરીબ બાળક. ​ આજે પણ એણે ન પૂછ્યું કે તમે કોણ છો? સાધુઓ – જેમાંના કેટલાક તો જુવાન હતા – તે બુઢ્‌ઢી પાસે આવીને પગે લાગવા માંડ્યા : “બસ મૈયા? પુત્ર મિલ ગયા, અબ હમ સબકો છોડ જાયગી?” આ દૃશ્ય બપોર સુધી ચાલ્યું. સાધુઓ, જેમાંના અનેકને જનેતાઓ કેવી હોય તે સાંભરતું જ નહોતું, જેમાંના કેટલાકે સ્ત્રી-બાળકોને ત્યજ્યાં હતાં, કેટલાકો પોતાની અપર માતાઓના કે કાકી-મામીઓના માર ખાઈખાઈ ઘરથી નાઠા હતા, તેમને છેલ્લા એક વર્ષથી આ માતા ને આ એક બહેન અથવા બેટી મળી હતી. તેમનાં મોઢાં પડી ગયાં હતાં. વૈરાગ્યની કઠોર મરુભોમ પર એક વાદળી ઓચિંતી વરસીને વહી જતી હતી. એક લીલી લીંબડીને કોઈક કાપી જતું હતું. “મૈયા, તૂ જાતી હો તો આશીર્વાદ દે જા, મૈયા, કિ હમારા જોગ અખંડિત ઔર અવિચલિત રહે.” “મૈયા, તેરી કુછ નિશાની દે કર જા.” “મૈયા, ફિર કબ લૌટ આવેગી?” “બડી મતલબી મૈયા, હમ બારહ માસોં સે તેરે બચ્ચે થે, તબ ભી યહ આજ આનેવાલા એક કી સાથ તૂ ક્યોં ચલ નીકલતી હૈ!” સાંજે નાગે ઘોડો સજ્જ કર્યો. માં પોતાની સાથેની અબોલ બાઈને લઈને પડાવની બહાર નીકળતી હતી, ત્યારે એણે જોગીઓનાં ખસિયાણાં મોં જોયાં. સાધુવ્રતની કડક શિસ્તે તેમની આંખોમાં આંસુને ને કંઠમાં રુદનના સ્વરને રૂંધી રખાવ્યાં હતાં. ડોશી બહાર નીકળતી હતી ત્યારે કઈ દિશામાં જવું છે, ક્યાં, કોને ઘેર જવું છે, તે પ્રશ્નો પહેલવહેલા સૂઝયા. એણે નાગ પાસે જઈને નાગના ખભા પર હાથ ટેકવ્યો, ને પૂછયું : “ભાઈ, મને ક્યાં લઈ જાછ? આપણે ક્યાં ઊતરશું?” ત્યારે નાગને ભાન આવ્યું કે પોતાને રહેવા ઘર નહોતું, પિતા ​ કોપે પ્રજ્વળતો હતો, કોણ જાણે ફરીથી કેવુંય અપમાન કરશે, ને આ યુદ્ધના મામલા સળગે છે તેમાં હું માને ક્યાં લઈ જઈ ઊભી રાખીશ? દીકરો મા સામે તાકતો ઊભો, એ જવાબ ન આપી શક્યો. “હું ને તું બેય કયે મોઢે જઈ તારા બાપ સામે ઊભાં રે’શું? શું કહીને ઓળખાણ દેશું?” નાગે ઘોડાના પેંગડામાં પરોવેલો એક પગ પાછો કાઢી લીધો. માએ ફરી કહ્યું : “એ કહેશે કે હું તમને બેયને ઓળખતો નથી, તો શું જવાબ દેશું?” નાગ ચુપ રહી વિચારે ચડ્યો. “એ કહેશે કે અહીંથી ચાલ્યાં જાવ, તો શું કરશું?” નાગ જવાબ ન આપી શક્યો. “દીકરા.” માએ કહ્યું : “મને જમાત ભેળી જ જાવા દે. હું તીરથ નાહી આવું. તારા વાવડ મોકલ્યા કરજે. તારા બાપ જે દી ઓળખીને કાંડું ઝાલે તે દી મને ખબર કરજે, હું વાજોવાજ આવીશ. આજ આવીને તારી અપકીર્તિ નહિ કરાવું.” જમાત આંહીંથી ક્યાં જવાની છે એ પૂછપરછ નાગે જઈને ગુરુને કરી. ગુરુદેવે કહ્યું : “ધ્રોળ જઈને ચાતુર્માસ કરવાની ઇચ્છા છે.” “તો મા ભલે આપની સાથે રહી. હું ત્યાં આવીશ.” સાધુઓ પાસેથી ઝૂંટવી લીધેલી મૈયાને પાછી કરીને ફરી પાછો માતૃહીન બનેલો નાગ નગરના પંથને કાપતો હતો. ત્યારે ઘોડો જાણે, બેવડો બોજો અનુભવી રહ્યો હતો. અસવારનું હૃદય પહાડોના પહાડોથી ભરાઈ ગયું હતું. આંખો ટપકુંટપકું થતી હતી તેને પોતે મોટે અવાજે આ શબ્દો બોલીને જાણે ધમકાવતો હતો : “હેઠ્ય, ફોશી આંખડિયું! માને દીઠી તેની ઊલટાની ગુનેગારી! ખાઈને ખોદો છો? માયલા રુદાની તાકાત તોડવા માટે જ શું ભગવાને તમને બહાર બેસાડી છે? તમને તો જુદ્ધના મેદાનમાં ગીધડાં-કાગડાં ઠોલી ખાય એ જ લાગની છો! તમે શીદ ઠાલાં ચીંથરાં ફાડો છો? હું તમારા લાડ જરાય નહિ ચલાવી લઉં. ​મને બહુ છેડશો તો હમણે આ થોરનું દૂધ ભરી દઈશ. આટલી બધી કાયરતા હતી તો માને જોઈ તે ટાણે જ કેમ ન રોઈ લીધું! મા બહુ વા’લી હતી તો મને જોગીઓ ભેળી માને ત્યાં પાછી મૂકી દેવા કેમ દીધી? ત્યાં કેમ યાદ ન આવવા દીધું, કે બાપને ઘેર નહિ તો ઓલી રાજુલને ઘેર રાખી આવીશ તને, મા! રાજુલ મારા માથે ખીજે ભઠી છે એટલે એને ઠીક પડત, માની પાસેથી મારી વાયડાઈની કૈક વાતો કઢાવત. મા રાજુલને કહેત કે મારો દીકરો રૂડો છે, ત્યારે રાજુલને ઠીક ગમ્મત થાત. પણ એ બધું ટાણાસર સૂઝવું જોઈએ ને! મારા વા’લા જોગીડા બધા ઠીક ફાવી ગયા. એમને મા જોતી’તી. ભલે ફાવ્યા. મારા વા’લા પીલપાડા જેવા ઉપરથી દેખાય, પણ માયલી પા તો મારા જેવા જ દુકાળિયા રાંકા છે બધા! આખી દુનિયાને છોડવાનો ડોળ કરે છે, પણ એક મારી માને – પારકી માને – ય મેલી દેતાં બરછીઉં વાગતી’તી જાણે! ઘણુંય થાય છે કે હું ય એનો બદલો લેવા એ પ્રત્યેકની મા પાસે પહોંચી જાઉં, ને એવી ચાકરી કરું કે એ બધી માઓ આ પેટના છોકરાઓને ભૂલી જ જાય. પણ હવે આ મામલાને પૂરો થઈ જવા દે. આ મુઝફ્ફરશા દોસ્તને માથેથી આફત ઊતરવા દે. પછી વાત છે બધાની.”