સમરાંગણ/૨૭ પહેલું ટીખળ

From Ekatra Wiki
Revision as of 05:42, 10 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭ પહેલું ટીખળ| }} {{Poem2Open}} સાંજરે જેસા વજીર ઘોડે ચડી હડિયાણા મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭ પહેલું ટીખળ

સાંજરે જેસા વજીર ઘોડે ચડી હડિયાણા મુકામ તરફ ગયા. હડિયાણામાં નગરથી આવેલો કાસદ સવાર એની રાહ જ જોતોજોતો હજુ ઘોડાને પકડીને જ ઊભો હતો. જેસા વજીરે એને ઓળખ્યો. એ નવો દફેદાર વાસુકિ હતો. નગરના સેનાધિપતિની સામે સંપૂર્ણ અદબથી ઊભેલો છતાં એ સિપાઈ પોતાના મોં પરથી કરડાઈ નહોતો છોડી શક્યો. સન્મુખ ઊભેલો છતાં એની દૃષ્ટિ વજીરની આંખો સાથે એકનજર થવા તૈયાર નહોતી. છતાં વજીરે એને ધીરીને નિહાળ્યો. ચોટ્ટા બાવાવાળી રાત સાંભરી. કલ્પનામાં આને બથમાં લઈને માપ્યો, એ જ લાગ્યો. વજીરે ગુપ્ત પત્ર વાંચીએ પૂછ્યું : “કોણે લખાવી છે આ ચિઠ્ઠી?” “મોટા જામે.” “કોઈની સાથે મંત્રણા કરી હતી?” “હા જી, મહેરામણજી, દલ ભાણજી, ડાયો વજીર વગેરે સૌ સલાહકારો હાજર હતા.” “એમનો બધાનો મત...” “સુલેહનો.” “સુલેહ? દફેદાર, આમાં ક્યાં આવી સુલેહની વાત? મુઝફ્ફરશા આપણે આશરે આવે છે, તેને સામા ચાલીને ના પાડવાની આ વાતને સુલેહ કહેનારો મારી સામે ઊભનાર જુવાન સિપાઈગીરી કરે છે? કે...” “તાબેદારનો અભિપ્રાય સેનાધિપતિ નથી પૂછતા, માત્ર શું બન્યું તેની માહેતી પૂછે છે.” જેસા વજીરને ફોજની સાઠ વર્ષની કારકિર્દીમાં આવો જવાબ દેનાર આ સૌ પહેલો માણસ મળ્યો. એના પ્રત્યુત્તરમાંથી રોષ કાઢવાની જે થોડી ઘડીની મગજમારી જેસા વજીરના ભેજામાં ચાલી રહી હતી તેની બાતમી વજીરનાં લમણાં તેમ જ લલાટ પરની રગોના સળવળાટ પરથી મળતી હતી. જુવાનના જવાબમાંથી દોષપાત્ર એવો એક અક્ષર પણ ન જડવાથી થોડી વારે વજીરે પ્રશ્ન કર્યો : “કુંવર શું કહે છે?” “તાબેદારે પૂછ્યું નથી.' “પૂછ્યું નથી એ તો સમજ્યા, પણ બાતમી રાખો છો કે નહિ?” “કુંવર વિષેની બાતમી રાખવાનો તાબેદારને હુકમ નથી. હવેથી હુકમ હશે તો તેમ થઈ શકશે.” “સિપાઈગીરી તો સમજો છો ને?” “મહેનત કરું છું.” “જુઓ, હવે શાંતિથી સાંભળો, દફેદાર.” વજીરે ટાઢા પડીને બિનઅમલદારી ઢબે વાત આરંભી. એનો ચહેરો રાંક, ગરજુડો, લાચાર બન્યો. “જો કુંવર પણ ઢીલા પડ્યા હોય તો મારે એક કામ કરવું છે. મારે કાશીવાસ લેવો છે. દફેદાર, હું નામોશીમાં નહિ જીવી શકું. હું મસાણકાંઠે બેઠો છું. ને – ને – હું તો, દફેદાર, સ્વજનહીન છું. મારે ઘર નથી, બાર નથી.” “તાબેદાર આપની દયા ખાવાને લાયક આદમી નથી, બાકી કુંવર તો મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંની ચોકી કરતા આપની ડેલીએ જ બેસી રહે છે. રાજ-મંત્રણામાં હાજરી આપતા નથી. એટલું જ હું જાણું છું.” ​ “તમારે મા છે? બાપ છે? કોઈ છે, હેં દફેદાર?” “છે, નામદાર, પણ હું એમને ભૂલી ગયો છું. સિપાઈગીરી કરનારને એવી લાગણી કેમ પાલવે? આપે તો એવી સિપાઈગીરીનો દાખલો બેસાર્યો છે.” “એ તમને કોણ પૂછે છે?” વજીર આ અર્થભરી વાણીથી ચમક્યા. “આવા સાધુરામ ક્યાંથી ભરાણા છે ફોજમાં? બોલો, તમે હડિયાણાનો ગઢ સાચવીને બે દિવસ રહેશો? મારે નગર જઈ આવવું છે.” “જેવો હુકમ. પણ મુઝફ્ફરશા આવીને ઊભા રહે તો મારે શું કરવાનું છે તે ફરમાયેશ માગી લઉં છું.” “શું કરવાનું છે એટલે?” “એને ઊતરવા દેવાના છે કે તગડી મૂકવાના છે?” “તગડી મૂકવાની વાત કરો છો, સાધુરામ? સિપાઈગીરીનાં મોટાં બણગાં તો અબઘડી જ ફૂંકતા’તા.” વજીર ફરી વાર ખિજાયા. “જામ બાપુની આજ્ઞા...” “તમે અત્યારે મારી ફોજના અમલદાર છો, મારી આજ્ઞામાં છો, હું કહું તેમ કરો.” “આપ કહો.” “મેં કહ્યું નહિ?” “આપે હજુ તાબેદારને કાંઈ કહ્યું નથી.” “પણ કહેવાની શી જરૂર છે? સિપાઈ છો કે, સાધુરામ? આશરે આવનારને તગડી મૂકવાની વાત કહેતાં લાજતા નથી? હું રજા લેવા જાઉં છું. બે દિવસમાં મહેમાન આવી પડે તો ગુપ્તવેશે ધ્રોળમાં ભૂચર મોરીની ઝૂંપડીમાં રખાવજો. ભૂચર મોરી નામે ધણ ચારનારો છે. ગામના આથમણા ઝાંપા બહાર એનું ખોરડું છે. જાવ, બંદોબસ્ત કરીને તરત આવો. હું રાતોરાત નગર જવા ચડું તે પૂર્વે હાજર થજો.” નાગડો દફેદાર જ્યારે ધ્રોળને માર્ગે પડ્યો ત્યારે એણે ભૂચર મોરી ​ નામ ઉપર યાદદાસ્તને ઠેરવી. કેવું વિચિત્ર નામ? કોણ હશે? અત્યારે પૂછગાછ કરીને ગોતવું પડશે ખોરડું. એકાદ વર્ષ પર નગરમાં બનેલ બનાવવાળી નામઠામની વિગતો એને યાદ નહોતી. નામઠામ જાણવાનો એણે યત્ન પણ કર્યો નહોતો. ખેચર, જળચર, ભૂચર એવા શબ્દો મનમાં ગોખતો ગોખતો એ ઘોડો હંકારતો હતો. ગોખતાં ગોખતાં ગોટાળો થઈ ગયો હોય કે પછી જીવ ટીખળ પર ચડી ગયો હોય, પણ આથમણા ઝાંપા બહાર અજવાળી રાતે એક સ્ત્રી ધણને બહાર બેસારીને દૂઝણી ગાયોને કપાસિયા ખવરાવતી હતી તેને એણે પૂછ્યું : “આંહીં ખેચર મોરીનું ઘર ક્યાં?” છોકરી હાથમાં લાકડી હતી તે ઉગામીને ઘોડા આગળ ધસી ગઈ. બોલી : “કેનું ઘર પૂછ્યું?” “ખેચર – અરે ભૂલ્યો, ભૂચર – મોરી રજપૂતનું.” છોકરી વિશેષ પાસે ગઈ. ત્યારે ચાંદનીમાં પુરુષ પરખાયો. એ જ પુરુષ પરખાતાંની ઘડીએ જ એણે ઓઢણું સંકોર્યું ને ઉગામેલ પરોણો નીચો કર્યો. પુરુષે પણ છોકરીને ઓળખી. આ તો રાજુલ. લાગ્યું કે ભેખડાઈ ગયો. બન્નેની રોમરાઈ ભાદરવા મહિનાના ભર્યા મોલની જેમ સળવળાટ કરી ઊઠી. “ગામતરે ગિયા છે.” કન્યાએ બીજી બાજુ જોઈ જઈને જવાબ દીધો. એની ઓઢણી ઝૂલતી હતી. એણે ત્રણ વાર લસરતી ઓઢણી માથા ઉપર સંકોરી. “આવે ત્યારે કહેજો કે વજીર બાપુએ હડિયાણે તેડાવલ છે.” ‘હો.” ટૂંકો જવાબ મળ્યો. અસવારને જોઈ ગાયોનું ધણ ઊંચાં મોં કરીને વહેમાતું ઊભું થઈ ગયું. અસવારને થોડી વાર અબોલ ઊભા રહ્યા પછી યાદ આવ્યું કે ​ હવે વધુ ઊભવાનું પ્રયોજન રહેતું નથી. તો ય એણે પૂછવું : “ભૂચર મોરી ક્યારે આવવાના છે?” “કાલ સાંજે.” વધુ વાર રોકાવાનું બહાનું હાથ ન આવ્યું એટલે એણે ઘોડો વાળ્યો. પાછળથી સાદ પડે એવી આશાએ ધીરે પગલે ગતિ કરી. થોડેક દૂર ગયો ત્યારે પાછળ રાજુલનો કટાક્ષ પહોંચ્યો : “ઘોડાનું પૂંછડું પડી ગિયું.” નાગડે ઘોડો થોભાવ્યો. ચોમેર નજર કરી. સ્થાન નિર્જન હતું. ઘોડો ઊપડતે પગલે પાછો લીધો અને રાજુલ ઝૂંપડીમાં પેસી જાય તે પહેલાં તો ઘોડો આડો ફેરવીને કહ્યું : “લાવો, જરી આપજો તો પૂંછડું.” “આ લે.” કહી રાજુલે અંગૂઠો દેખાડવા હાથ ઊંચો કર્યો એ પળે જ એણે ઘોડે બેઠેબેઠે દેહ લંબાવી રાજુલનો હાથ બાવડેથી પકડી, આખા શરીરને ઊંચે ઉઠાવી ખોળામાં નાખીને ઘોડાને દોટાવી મૂક્યો. ને ગાયોનું ધણ હીંહોરા દેતું પાછળ થયું. આઘે જઈને એણે ઘોડો થોભાવ્યો. રાજુલ એના ખોળામાં પડીપડી ચંદ્રને જોઈ રહી. એણે જુવાનની કમ્મર ફરતો હાથ નાખ્યો. રાજુલના બેઉ ગાલ જુવાનને પોતાની સમક્ષ કોઈકે નજરાણો ધરેલા હેમના ખૂમચા લાગ્યા. એ ગાલો પર બે ચુંબનો ચોડીને પછી એણે ગાયોની દોટાદોટમાંથી બચવા રાજુલને ધરતી પર લસરતી મૂકી. રાજુલે થોડી ઘડી પેંગડું પકડી રાખ્યું. અસવારે પૂછ્યું : “પડી ગયેલું પૂંછડું પાછું દેવાનાં મૂલ પહોંચ્યાં ને?” રાજુલ હાંફતી હતી. બોલી ન શકી. એને એ પળ મરવાની મનેચ્છા કરાવનારી લાગી. એનાં લોચન અરધાં બિડાયાં હતાં. “અધૂરાં મૂલ ચૂકવવા કાલ સાંજે આવીશ. ખેચર – અરે, ભૂચર મોરીને આંટો ખવરાવશો મા.” એટલું કહીને એ ઊપડી ગયો, તે પછી પોતે ઝૂંપડીએ ક્યારે આવી તેનું સ્મરણ રાજુલને વળતે દિવસ પ્રભાતે નહોતું રહ્યું. પોતાનું ​ મોં એ ઘસીને લૂછતી હતી. પણ રોમરાઈનો સળવળાટ ભૂંસાતો નહોતો ને પિતા આવ્યા ત્યાં એણે જોયું કે દીકરીનું આજનું રુદન કોઈ અજબ પ્રકારનું હતું. જાણે કોઈ સુખવેદના સહેવાતી નહોતી. અને એ રાતથી ભયંકર પંખીઓ દેખાતાં બંધ પડ્યાં. રાજુલ બેધ્યાન મટી, રડતી મટી, ટીંબો છોડવાની વાત એણે મેલી દીધી, પલળેલ ધરા જેવી એ ટાઢી બની ગઈ.