સમરાંગણ/૨ જેસો વજીર

૨ જેસો વજીર

આજે જામનગર અથવા નવાનગર નામે જાણીતું એ તે કાળનું નાગની (અથવા નાગના) બંદર હતું. આપણે ઈ. સ. ૧૫૪૫ લગભગના સમયમાં પ્રવેશ્યા છીએ. નાગની બંદરને તોરણ બાંધી જામનગર નવાનગર નામ પાડ્યાં પંદર-વીસ વર્ષ વીતી ગયાં હશે. એ તોરણ બાંધનાર રાવળ જામ સૌરાષ્ટ્રના જાડેજા કુળનો આદ્યપુરુષ પણ સ્મશાને સૂતો હતો. અને તે દિવસે એના દીકરાનો દીકરો છત્રસાલજી રાજ્ય કરતો હતો. છત્રસાલ સોરઠવાસીઓની જીભે ન ચડી શકે તેવું મોટું નામ છે. એનું લોકજાણીતું નામ સતો જામ હતું. અને હમણાં આપણે જે દસ ઘોડેસવારોની સવારી ગામમાં જતી જોઈ તેનો મોવડી ટીખળી પુરુષ સતો જામ પોતે જ હતો. નાગમતીના નદી-ઘાટ પર પાછળ નાખેલ થાનેલે બાળ ધવરાવતી નારીનું ટીખળ કરનાર જુવાન રાજા સતા જામની અદબ સાચવનાર સાથી ઘોડેસવાર જેસા વજીર હતા. વજીરના ​ દાઢીમૂછના વાળમાં શ્વેતવરણી જૈફીએ ઘર નાખ્યું હતું. રાવળ જામની સાથે જેસા વજીર પણ કચ્છમાંથી આવ્યા હતા. નદીકાંઠે એણે પોતાની રૂપાળી પત્નીને અને કદરૂપા બાળક નાગડાને ઓળખ્યાં હતાં. દસેય ઘોડેસવાર ગામની બજારમાં દાખલ થયા ત્યારે પાંચસોક પોઠિયાઓની ધકબક લાગી હતી. આઠ-દસ કદાવર જુવાનો એની પાછળ લાકડીઓ લઈને હાંકતા હતા. જુવાનોને ખંભે તલવારો ઝૂલતી હતી. ગામ-દરવાજાના દરવાનો એની સાથે કશીક રકઝક કરતા હતા. નવા આવનાર જુવાનો કહેતા હતા : “ના, ના, એ તો ગામનું જે નામ લેવાતું હશે એ જ લેવાશે.” “નવું નામ શીખી લેવું પડશે.” દરવાનો રૂવાબ કરતા હતા. “આવશે જે દિ’ શીખવનારા તે દિ’ શીખી લેશું. હજુ તો ગુરુ મળ્યા નથી.” “શી તકરાર મચી છે?” સતા જામે દરવાનને પૂછ્યું. “આ પરગામના આવેતુઓ, બાપુ, આ ગામને હજુ નાગની નાગની કૂટ્યા કરે છે. અમે એને સમજાવીએ છીએ કે આ ગામનું નામ જામનગર છે, તો એ માનતા નથી.” “કેમ, ભાઈ?” સતો જામ પરદેશીઓ તરફ વળ્યા. “નામ કાંઈ અઘરું પડે છે?” “નામ તો, બાપુ જોરાવરીથી શીખાતાં નથી. ગામધણીની સુવાસ ફોરશે એટલે આફરડું નવું નામ જીભે ચડશે.” “આ ગામનાં તોરણ કોણે બાંધ્યાં છે, જુવાનો?” “નાગ જેઠવે.” “જેઠવાનો મુલક તો છેટો રહી ગયો, જુવાનો!” “તો ય સુવાસ હજુ ફોરે છે.” “હાલો ત્યારે, કોટવાળને કહો આ પરોણાઓને ડેલે લઈ જાય. ત્યાં એને નવું નામ શીખવશું.” “અમે દરબારી પરોણાઓ જ છીએ.” ​ “ક્યાંથી આવો છો?” “મચ્છુકાંઠેથી.” “કોના તરફથી આવો છો?” “દેદા રાજાએ જામને આ પોઠિયા મોકલ્યા છે.” “મોકલ્યા ને? રંગ, દેદા રાજા! ન મોકલે એ તો કેમ બને? જુઓ, જેસા વજીર! તમે ના પાડતા’તા, પણ મા આશાપુરાનો તાપ દેદાઓથી ન ઝિલાયો.” “મને તો ખાતરી નથી થતી.” જેસા વજીરે માથું હલાવ્યું. “એલા ભાઈઓ! આ પોઠ્યુંમાં કયો દાણો છે?” “ધરતીનો દાણો છે.” “એ તો અમે ય જાણીએ છીએ. આભના દાણા નથી ઊતરતા. પણ કયું અનાજ છે? – ઘઉં, બાજરી, ધૂળ, રાખ...” જેસા વજીરે પોતાની પાસેનો ભાલો મારી એક પોઠ્યમાં કાણું પાડ્યું. અંદરથી ઝરતા કણને હાથમાં ઝીલીને જોયું, ને દરબાર તરફ કરી કહ્યું : “લ્યો બાપુ, આ દેદાએ મોકલેલ છે.” “રાળેલ અનાજ? ના, આ તો ધૂડ! દેદાઓની પાસે દાણા મગાવ્યા, દેદાઓએ ધૂડ મોકલી!” સતા જામે હાથમાંથી ચપટી નીચે વેરવા માંડી. ત્યાં તો જેસા વજીરે એનો હાથ ઝાલ્યો ને કહ્યું : “હાં, હાં, રે’વા દ્યો, બાપુ! દેદાઓ આપણને ઘેર બેઠે એની ધરતી મોકલી આપે છે. મા આશાપુરાની મહેર થઈ ગઈ. એલા ભાઈઓ! હાંકો પોઠિયા મા આશાપરાના થાનકમાં. ત્યાં પથરાવશું. ને આ જુવાનોને પાઘડીઓ બંધાવશું.” બજારમાં ઊભેઊભે જામનગરના દોશીડાઓની હાટડીઓમાંથી પાઘડીઓ કઢાવીને જેસા વજીરે સાથે લીધી. નગરનાં તોરણ હજુ પંદર-વીસ વર્ષોથી જ બાંધ્યાં છતાં બહોળા હાટબજારની જમાવટ ત્યાં થઈ ચૂકી હતી. રાવળ જામ છેક કચ્છમાંથી શાહ-સોદાગરો ને કસબી-કારીગરોને તેડતા આવ્યા હતા. ઊભી બજારે રંગરેજોની હાટ ​ હતાં, ને ત્યાં રંગાટ થતી બાંધણીઓના ઢાકાશાહી મલમલના તાકા ફરકતા હતા. તેની ગોદમાં લપેટાતો દરિયાઈ પવન રંગોમાંથી નીકળતી ભાતભાતની સુગંધો સાથે મસ્તી ખેલતો હતો. સંધ્યાની મશાલ પેટાઈ. કચેરીમાં સતા જામે સૌની સલામો લીધી. સલામ કરનારાઓ વીખરાયા. છેલ્લી રજા લેનાર જૈફ વજીર જેસાભાઈ હતા. “કાલની રજા માગું છું, અન્નદાતા!” જેસા વજીરનો અવાજ ગંભીર હતો. “કેમ?” “ગામતરે જવું છે.” “ઢૂકડાં કે દૂર?” “ના, ઢૂકડાં જ જવું છે." “ભલે, જઈ આવો. પણ હવે મને એક વાત ખટકે છે.” “શું, અન્નદાતા?” “હજી ય લોકો નાગની નાગની કહ્યા કરે છે.” “અન્નદાતા! જમીન જીત્યે કાંઈ માટી થઈ જવાય છે?” “ત્યારે?" “દિલ જીતવાં જ બાકી રહે છે. એ જીતો એટલે નગરનું નામ આપોઆપ બદલાશે.” “આંહીંની વસ્તી માથાભારી છે.” “નમાલી બાયડીને માથે શૂરાતન કરનાર ધણી બનવું રાવળ જામના પોતરાને ન ગમવું જોઈએ, અન્નદાતા. ને આપણા હાથે હજી લોહીના ડાઘ છે.” સતા જામનો ચહેરો ચીડિયો બન્યો. તેની પરવા રાખ્યા વગર જ જેસા વજીરે યાદ આપ્યું: “દાદાએ આશાપરા દેવીના સોગંદ લઈને પછી ગોત્રહત્યા કરી છે. પિત્રાઈ હમીરજીને ગોઠ્ય પર તેડાવી કસુંબાની અંજળિ ભરાવતે-ભરાવતે કાપી નાખ્યા છે. નાગ જેઠવો પણ દાદા રાવળ ​ જામની દગલબાજીનો ભોગ બન્યો છે. નગરનું નામ ફરતાં હજી વાર લાગશે, બાપુ. તમે હજુ નાના છો. હું તો ખર્યું પાંદ થઈ જવાનો થોડાં ચોમાસાંમાં. ને હજુ તો દિલ્લીના સુલતાનોનો દવ ગુજરાતને સીમાડે સળગે છે. સોરઠનો ય વારો ઝાઝો દૂર નથી. પાડોશીઓને શત્રુ બનાવીને સાફ કરી નાખ્યે સોરઠની સારાવાટ નથી. એને જૂથમાં બાંધશું તો જ જામનગર જીવશે ને સોહશે.” “એટલે તો તમારું એમ ધ્યાન પડે છે ને,” સતા જામે દોંગી આંખ કરીને વજીરના બુઢાપા પર મજાક કરતેકરતે કહ્યું : “કે આપણે જદુવંશી જાડેજાઓએ આ મઘરને પેટે જન્મેલા વાંદર-પોતરા જેઠવાને, આ માછલાં મારનારા વાઘેરોને ને આ અનાડી કાઠીઓને આપણા ભાઈબંધો બનાવવા?” “વઢિયારના કોળીઓને અને વાળાકના વટલેલા ખસિયાઓને પણ.” જેસા વજીરે સતા જામને અણગમતાં બે નામનો ઉમેરો કર્યો. સતા જામનું મોં કડવું ઝેર બન્યું. “નહિ, વજીર,” એણે ચોમેરના સીમાડા દેખાડતી આંગળી ફેરવી. “સોરઠ તો કૃષ્ણના કુળની.” “માંડળિક પણ કૃષ્ણવંશી હતો, ગંગાજળિયો હતો, કૃષ્ણકુળના અભિમાને એને ક્યાં જાતો નાખ્યો, અન્નદાતા! જાણો છો? એણે બીજા બધાથી ઊંચેરો બનવાની ફુલ્ય મારી, એટલે અમદાવાદની મસીદમાં એ વટલ્યો, પોકે પોકે રોયો, ને એના મડદા માથે કબર બંધાણી. મુસલમાનોએ બેગઢાના વખતથી જ સોરઠનું કાચું માંસ ચાખ્યું છે, એટલે હોળો આંહીં આવ્યા વગર રહેવાનો નથી." “આપણે તો મુઝફ્ફરશા સુલતાનનો જ પક્ષ લેશું, જેસાભાઈ!” “આપણે સોરઠમાંથી સુલ્તાનીઅતને કાઢવી છે, કે જડબેસલાખ કરવી છે?” “આપણે તો જેને ગાડે બેસીએ એનાં ગીત ગાવાં.” “ના, ના, ગીત તો સોરઠ-કચ્છની એકસંપીનાં ગવાય. હું તો, ​ અન્નદાતા, એમ ઇચ્છું છું કે આપણે સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં એકરસ બની જવું ને ઇસ્લામને આંહીંથી હઠાવવો.” “આપણે સોરઠની એકતા માટે ઠાલા ખુવાર શા સારુ મળવું જોવે, જેસાભાઈ? મારતા મિયાંની તલવારનો મુલક છે. હું તો સુલતાનનો ટેકો લઈને પણ જામની રૈયાસતના ઊંડા પાયા રોપવા માગું છું. તે વગર આપણને પરદેશીઓને આ વસ્તી જંપી બેસવા નહિ આપે. તમે પાછા આવો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ.” “આપણી પાસે નજરાણો મૂકવાનાં નાણાં નથી, અન્નદાતા.” “તમે ય ભલા આદમી છો, જેસાભાઈ, હું સુલતાનને ઘેરે નાણાં સોંપવા નહિ પણ નાણાંનું ઝાડવું ખંખેરવા જાવાનું કહું છું.” “શી રીતે?” “એ અત્યારે નહિ કહું. એક જ મેહમદી રૂપૈયે સુલતાનને રાજીરાજી કરી નાખવાની એક કરામત મારા મનમાં રમે છે. પણ આજથી કોઈને નહિ કહું. તમે ય મારી અક્કલ ઉપર આફરીન બની જશો. જેસાભાઈ! જોઈ રાખજો.” “મને તો, અન્નદાતા! સોરઠની એકસંપી કરવા સિવાય કોઈ બીજી કરામતમાં અક્કલ વટાવી નાખવાનું ગમતું નથી.” “તમારો જમાનો જૂનો થયો ખરો ને!” “બીજું કાંઈ નહિ, પણ આપણે કચ્છને ચૂંથી નાખ્યું છે, હવે કાઠિયાવાડને ન ચૂંથીએ. પછી તો જેવી ધણીની મરજી.” એટલું કહીને જેસો વજીર ઊઠ્યા. સતો જામ એને વળાવવા ઊઠ્યા. બારણા સુધી ગયા ને પછી હસ્યા : “જેસાભાઈ! મને તો હજી ય સાંજનું નદીકાંઠાનું રોનક યાદ આવે છે. એ જોરારનો તે કોણ?” “અન્નદાતા!” જેસાભાઈએ અરજ કરી : “હવે કોઈ વાતે માફ રાખવું છે કે નહિ? મારાં પળિયાં માથે તો એટલી મહેર કરો!” “શું છે પણ, તમારે ને એને કાંઈ...” “કાંઈ તો બીજું શું? મારું પેટ છે.” ​“તમારો? જેસાભાઈ! તમારો છોકરો? હે-હે-હે-હે.” જામ સતાનાં પાંસળાં હાસ્યથી ફાટ ફાટ થયાં. “તમારો? હેં જેસાભાઈ! તમારો?” “આખરે તો અમે તમારાં ગોલાં ને તમે અન્નદાતા!” “અરે, એમ તે કાંઈ હોય, જેસાભાઈ? તમને ફરી પરણાવીએ. વાત શી કરો છો? આમ તે કાંઈ જીવ્યું જાતું હશે?” “હવે ક્યાં ધોળાંને કલપ લગાવવો, અન્નદાતા! ધણીની મહેર છે તે જિંદગી નીકળી જશે.” “ભારે કરી... ઈ... ઈ... કરાફાતની કરી આ તો, જેસાભાઈ!” એમ કરીને સતો જામ, બેફાટ હસતાહસતા જેસા વજીરને ખભે ને છાતીમાં રોનકી રીતના ધક્કા દેતા રહ્યા. વજીરની પદવી ભોગવનાર ડાહ્યો ને દૂરંદેશ એ ખવાસ યોદ્ધો, પોતાની સાત પેઢીના ગોલાપણાનું રાંકડું રૂધિર જરીકે ધગવા દીધા વગર, ધણીની રોનકી પ્રકૃતિને દરગુજર કરતો ઘેર ચાલ્યો ગયો.