સમરાંગણ/૩ બાપે તરછોડેલો

From Ekatra Wiki
Revision as of 11:18, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩ બાપે તરછોડેલો|}} {{Poem2Open}} બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩ બાપે તરછોડેલો

બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જોમાંબાઈ વજીરના ઓરડામાં દાખલ થઈ. અને એણે છોકરાને કહ્યું : “જા જોઉં, તારા બાપુને હેત કર.” જેસા વજીરે ઓરતના હાથે વળગેલા બાળક પર એક તીરછી નજર નાખીને પાછી આંખો પોતાની કમર તરફ ફેરવી લીધી. કમરબંધ ખોલીને ઢોલિયા માથે પડતો મૂક્યો. એમાંથી તમંચો બહાર કાઢ્યો. “જો નાગ, રમકડું.” જોમાંબાઈ વજીરનું અતડું દિલ કળી ગયા. છતાં કારણ નહોતાં કલ્પી શક્યાં એટલે હજુ ય બેટાને બાપ તરફ ​ આગળ કરી રહ્યાં હતાં. “એને મારી પાસેથી લઈ જાવ.” વજીરે પોતાના ખોળા સુધી લળતા આવેલ બાળકને ધીમેથી દૂર તરછોડ્યો. “કોઈક દિવસ તો બોલાવો છોકરાને! દરબારે શું પેટનાં જણ્યાં સાથે ગેલ કરવાની યે મનાઈ કરી છે?” જોમબાઈ મોં હળવું રાખીને હસવા-હસાવવા મથ્યાં. “છોકરાંને શું બોલાવવાં? કયા સવાદે હેત કરવાં?” “કાં?” “જણ્યો છે કેવો રૂડો તે તો જુઓ! કે દરબારનો ને ધણીનો જ વાંક કાઢશો?” “કેવો જણ્યો છે? માથું જરાક મોટું છે, નાક થોડુંક બેસી ગયું છે. ને જડબાં જરીક આઘાપાછાં છે. તે તો મોટપણે ઘાટમાં આવી જશે. નમણાંને તો ક્યાં લેવા જાવાં! કોઈનાં માગ્યાં થોડાં મળે છે? જેવો છે તેવો એ છે તો આપણાં બેનાં પેટનો ને?” “જોરારનો તો કેવોક હોય?” વજીરે બબડી વાક્ય પૂરું કર્યું. વજીરાણી જોમાંબાઈ પથ્થરમાં કોતરાઈ ગઈ. એની આંખોનાં અમી પડદાની અંદર સમાયાં. વજીરે તમંચો સાફ કરવાને બહાને એની સામે જોવું છોડ્યું. ને બાળક નાગડો, બાપથી ધકેલાયેલો તેમજ માના પાલવ સુધી પહોંચી ન શકેલો, આધાર વગરનો ઊભો થઈ રહ્યો. “ફરીથી કહો તો!” આ વેણનો વક્તા પોતાનો ભરથાર સિવાય ઓરડામાં બીજો કોઈ તો ત્યાં નથી ને, તેની ખાતરી જોમાંબાઈએ શોધી. “ફરીથી શું કહેવું હતું? વજીરે તમંચાનો ઘોડો ઉઘાડ-પાડ ઉઘાડ-પાડ કરતે કરતે કહ્યું : “જામ પોતે જોઈ ગયા, જામના ઘોડેસવારોએ રોનક કર્યું...” “ને તમે સાંભળી જ રહ્યા?” "ત્યારે શું કજિયો કરવા બેસું?” "સતો જામ, બાપ ઊઠીને બોલ્યા?” ​ “બોલે, રાજા છે, ધણી છે. આપણને પરદેશમાં સાથે લાવેલ છે. પાળક છે આપણા. ને આપણે હોઈએ એવાં કહે એમાં ગુસ્સો શો?” “ખમા જોગી!” “મારે મેણાં નથી સાંભળવાં. પણ હવેથી એ છોકરાને મારી નજર સામે ન લાવતાં એટલું કહી રાખું . મને એ કદીય નથી ગમ્યો, ગમશે પણ નહિ. એ જાણે...” નાગડાનો હાથ ઝાલીને હળવેહળવે પગલે ચાલી જતી માતા ભરથારના ‘એ જાણે...’ એટલા શબ્દો સાંભળ્યા પછી એકકાન થઈને ઓરડા બહાર આડશ લઈ ઊભી રહી. ને એણે પૂરું વેણ પકડ્યું : “મારા પેટનો જ નહિ!” વજીરને વાળુ કરાવી, હાથ-મોં વિછળાવી, પંખો ઢાળી નીંદર કરાવ્યા પછી માતા બાળકની પથારી પાસે બેસી રહી. રાત ઝમઝમ કરતી હતી, વિચારો વેગે ચડતા હતા, દિન પૂર્વેના દિન અને માસ પૂર્વેના માસ માતાની યાદદાસ્તમાં ઊઘડ્યે જતા હતા. એ ધણીનો નહિ, તો પછી કોનો? કોની મુખમુદ્રા નાગડાના મોં પર આલેખાણી છે? કહો કહો, હે ભૂતકાળના સ્વામી! મને વાવડ દ્યો. ત્રણેક વર્ષ પૂર્વેની એક સાંજ ઉઘાડ પામે છે. નાગડાની જન્મરાત પહેલાંની જ એ સમી સાંજ. એ સાંજે હું ધણીનાં લૂગડાં ધોવા ગઈ હતી. પાણી ભરતેભરતે સીમાડા ગાજેલા સાંભળ્યા હતા. જોગીની જમાત ધૂન બાંધીને આવતી હતી. એક મંડળી ગગનગુંજિત સ્વરે પૂછતી હતી :

કહાં વસૈ ચંદા, કહાં વસૈ સૂર
કહાં વસૈ નાદ વ્યંદ કા મૂલ
કહાં ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી ધરી કૂણ આની?
બીજી જમાત તેનો જવાબ વાળતી હતી :
અરધે વસૈ ચંદા, ઉરધે વસે સૂર
હિરદે વસૈ નાદ વ્યંદ કા મૂલ
ગિગનિ ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી આપ ધરી આની
વધુ ઊંચા શોરથી પ્રશ્ન પુછાતો હતો :
કાયા મધિ કે લખ ચંદા
પહુ૫ મધિ કહાં વસૈ ગંધા
દૂધ મધે કહાં વસૈ ઘીવ
કાયા મધે કૈસે જીવ?
અનહદમાં ઉત્તર અફળાતો હતો :
કાયા મધિ દો લખ ચંદા
પહુપ મધિ ચેતન ગંધા
દૂધ મધિ નિરંતર વસૈ ઘીવ
કાયા મધે સકલ વ્યાપી જીવ.

ગોરખ-મછંદરનો એ ગીત-બાંધ્યો જ્ઞાનાલાપ રટતા જતા એ લંગોટીભર નાગડા જોગીઓના કાન ફાટેલા હતા. કાનમાં કોઈને લોઢાની વાળી તો કોઈને સોનાની, કોઈને લીંબડાની સળીઓ તો કોઈને મોરપિચ્છની સળી લળકતી હતી. જોગીઓનાં રૂપ કરૂપ હતાં. જમાત દ્વારકાને જાત્રામાર્ગે હતી. મારી સુરતા જોગીના વરહા જૂથ પર લાગી રહી હતી. હું વિચારે ચડી હતી : ક્યાં હશે આની જનેતાઓ? કયે હૈયે રજા આપી હશે? કઈ નાદાનીએ રેઢા મેલ્યા હશે! આ ધરતી-ઘૂમતાને ઘર નથી, દિશાઓ વિના વસ્તર નથી, ભસ્મ વિના શણગાર નથી, વિચાર વિચાર ને વિચાર વિના કોઈ આનંદ નથી, જ્ઞાન વિના રસ નથી. એ કદરૂપા રૂપોમાં રમતું મન સૂતું તે પછી, અધરાતે નાગડો અવતર્યો, મા કે બાપ બેમાંથી એકેયનો આકાર એના મોઢા પર કેમ આલેખાયો નથી તેનો મર્મ માલૂમ પડ્યો. વાત કોઈ માનવાનું નથી. તલવારનો ખેલાડી વજીર વિચારનાં રહસ્યો નહિ વેધી શકે. ને નાગડો મારો, સગા બાપથી પણ હડધૂત, બીજા કોની પાસે સંઘરાશે! એક દિવસ એ જમાત પાછી આવી. આ બાળકને પોતાનો વરતીને ઉપાડી ​તો નહિ જાય? માતાને હૈયે ઓચિંતી ફાળ પડી. એણે એક સોનાનું ચગદું ઘડાવ્યું. અંદર કોતરાવ્યા આટલા જ બોલ : ‘નવાનગરનો નાગડો વજીર’. માદળિયું કરીને નાગડાની ડોકમાં રોપ્યું. “છે કોઈ આ મૂએલા સુલતાનનો બેટો?” મુખ્ય અમીર સૈયદ મુબારકે પૂછ્યું. “પૂછો આ ઇતમાદખાનને. સુલતાનના જનાનખાનાનો પહેલા દરજ્જાનો માહેતગાર તો એ નસીબવંત જ છે ને, હઝરત!” એક અમીરે વ્યંગ કર્યો. “કોઈ છોકરો નથી.” સુલતાનના રાણીવાસના કીડા ઇતમાદખાન નામના અમીરે માહિતી આપી. “સુલતાનની કોઈ રાણીને પેટે ગર્ભ છે?” સૈયદ મુબારકે વગર હસ્યે એક ધર્મપુરષને છાજતી, મોત વેળાની ગંભીરતાથી જવાબ વાળ્યો. અમીરોએ એકબીજાની સામે જોયું. ફરી પાછો એક અમીરે મર્મ ફેંક્યો. “એની માહિતી તો ઇતમાદખાન સિવાય બીજા કોને હોય, હઝરત?" “હા જ તો. એને જ સુલતાન હાથ પકડી જનાનામાં લઈ જતા." બીજાએ કહ્યું. “ને રાણીઓને એને હાથે જ શણગાર કરાવતા.” ત્રીજાએ પૂરું કર્યું. ઈતમાદખાન અકળાઈને બોલ્યો : “મારી કમબખ્તી પર શા માટે હાંસી લગાવો છો? મારી મજા તો મારું એકલું દિલ જાણે છે.” “ને હું પણ જાણું છું, અમીરભાઈઓ!” સૈયદ મુબારકે ગંભીર સ્વરે સમજ પાડી : “આ ઇતમાદખાનની હાલતનો ખ્યાલ તો કરો! નાલાયક સુલતાન એને હાથ પકડીને જોરાવરીથી ખેંચી જતો. સામસામી, બે ઓરતોની પણ આંખ મળતી જોતાં કતલ કરી નાખનારો એ સુલતાન આ ઈતમાદને શું ન કરત! પણ હું જાણું છું. થરથરતો ઇતમાદ ઘેરથી, લોખંડનો લંગોટ પહેરીને જતો, એની ચાવી ઘેર રાખતો, ત્રણ-ચાર પહોરની ભેગી થયેલી હાજતને પણ એ બિચારો ઘેર આવીને છોડવા પામતો. બોલો, ઈતમાદખાન! કોઈ પણ રાણીને હમેલ છે ખરો? તો તેના જન્મ સુધી આપણે રાજ ચલાવશું.” “કોઈ પણ ઓરતને હમેલ નથી.” ​ “ખાસ્સી વાત. હવે સુલતાનના સગામાંથી વારસદારની તલાશ કરો. છે કોઈ?” “છે એક છોકરો.” “છોકરો હોય તો બહુ સારી વાત, ક્યાં રહે છે?” “અમદાવાદમાં.” “શું કરે છે?” “કબૂતરો પાળે છે.” “સરસ. લઈ આવો આંહીં. તાજ પહેરાવી દઈએ.” “કોણ જાય?” “રઝી-ઉલ-મુલક! તમે જાવ, તાજના એ જવાહિર અને શહેનશાહી મુગટના એ અલંકારને આંહીં જલદી લઈ આવો.” અમદાવાદના એક લત્તામાં, એક વાણિયાની દુકાને બારેક વર્ષનો એક છોકરો ઊભોઊભો રગરગતો હતો: “શેઠ, થોડીક તો બાજરી આપો. પંખી પર દયા કરો. અમારે માટે નથી જોતી, અમારાં કબૂતરો ભૂખ્યાં છે. એની દયાને ખાતર ખેરાત કરો.” દાણાનો વેપારી એ છોકરાના મેલા સદરાની જળી ગયેલી ખોઈમાં કબૂતરની ચણ્ય ફગાવે છે. બાજરીની ખોઈ વાળીને બાળક ઊભો છે. તે વખતે જ એક ઘોડવેલ ત્યાં આવીને થંભે છે. અમીર એ બાળકને નામઠામ પૂછી ખાતરી કરે છે, ઉઠાવીને ઘોડવેલમાં બેસારે છે, ઘોડવેલ પાછી ફરીને વેગે ચડે છે. “ક્યાં લઈ જાય છે? ઓ, આ મારા ખાનને, તું કોણ, ક્યાં લઈ જાય છે? ઊભો રહે, કોઈ અટકાવો. કોઈ મારા બચ્ચાને બચાવો.” એવા ધાપોકાર કરતી એક બુઢ્‌ઢીને ઘોડવેલનો સારથિ જવાબ વાળે છે : “એને હું એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કાલે સવારે લોકોના ટોળેટોળાં ખોઈ ધરીને એની પાસેથી ભીખ માગતાં એને દરવાજે ઊભાં રહેશે, ને જ્યાં ગુજરાતના ચમરબંધીઓ એની પાસે દાખલ થવાની રજા માગતા ટળવળતા હશે.” ​ બાળકને મહેમદાવાદ લાવ્યા. અમીરોએ ઊઠીને અદબ કરી. “મંજૂર છે, મંજૂર કરીએ છીએ.” એવી તમામ ઉમરાવોની પરવાનગીનો સુલતાન-તાજ એના મસ્તક પર મુકાયો. “રાજ તારું છે, પણ ખજાનો અમારો છે,” એવી એની સામે જાહેરાત થઈ ચૂકી. અને એ જ દિવસે મૂએલા સુલતાનના રક્તભીના રંગમહેલની તમામ અસ્કામતો, હાથી, ઘોડા, જવાહિરો અને તંકા નામના જે લાખો સુલતાની સિક્કા હતા તેની અમીરોએ પોતાની વચ્ચે વહેંચણી કરી. “ખબરદાર, પ્રત્યેક અમીર પહોંચી જાવ પોતપોતાની રિયાસતમાં. લશ્કરને સજ્જ રાખો. દિલ્હીના શાહની ગુજરાત પર ટાંપ છે. સલ્તનતના બીજા દાવાદારો પણ આસમાં-જમીં એક કરતા આવશે. પણ ગુજરાત આપણી છે, અમીરોની છે, લઈ જાઓ આ નાણું, ને રુકાવટ કરો દુશ્મનોની. યાદ રાખજો, સંતુષ્ટ ફોજ જ આપણો બચાવ છે.” એમ કહેનાર મુખ્ય અમીર સૈયદ મુબારકે પોતાના હિસ્સાની જવાહિર-પેટીઓ તેમ જ તંકા-પેટીઓ ત્યાં ને ત્યાં કુહાડી લઈ તોડી. “અરે નામવર!” ખજાનચીએ ખબર દીધા : “હજુ એ પેટીઓનો ખજાનો આપને ગણી કરીને સુપરદ કર્યો નથી. કાલે જ અમારો ઉપરી આવીને આપને કબજો દેશે.” “ફિકર ન કરો. આવતીકાલની મને ખબર નથી. કાલ પર મુલતવી રાખનારો હું બેવકૂફ નથી. આજ અને કાલની વચ્ચે આખી રાત પડેલી છે. આ બુઢ્‌ઢો મુબારક રાતમાં જ જો મોતનો માર્ગ પકડે, તો આ જવાહિર કોણ વહેંચશે?” પેટીઓ તોડાવી અને સૈયદ મુબારકે ખજાનો ત્યાં ને ત્યાં પોતાનાં માણસોને વહેંચી નાખ્યો. પોતે નમાજમાં બેઠા. નવાનગર પર જામ સતાની જે શાસનવેળા, તે જ વેળા ગુજરાતના આ અમીર-શાસનની. સુલતાન, તો હરકોઈ રાજવંશમાંથી ઊંચકી લીધેલો નાનો છોકરો : અને સુલતાનિયત, તો પઠાણી હબસી અથવા સૈયદ ફોજના ધરાવેલા સૈનિકોનું પીઠબળ ટકાવી રાખનાર અમીરોની. ​એ નવા બાળ-સુલતાનને પણ અમીરોએ શરાબ અને સુંદરીઓ સોંપ્યાં, ગુલશનો અને ગુલાબી છોકરાઓ ભળાવ્યા, એના રંગરાગ અને નાચગાનના ખરચા પેટે નોખાં ગામો કાઢી આપ્યાં, ને પછી અમીરોએ ગુજરાતના ટુકડા પાડીને ગુજરાત પોતપોતાને હસ્તક કરી. “ઇતમાદખાન! તમને કડી, ઝાલાવાડ, પેટલાદ, નડિયાદ, રાધનપુર, અણહીલવાડ, ગોધરા અને સોરઠ પ્રાંત. તમે સુલતાનના મંત્રી, તમે અમાત્ય. તમારા અનુચરો તમે નક્કી કરી લ્યો.” ઇતમાદખાને સોરઠ તાતારખાન ઘોરીને સોંપ્યું. બીજાઓને બીજી રિયાસતો વહેંચી દીધી. “ને હઝરત સૈયદ, આપને માટે?” “પાટણ, ખંભાત, ધોળકા, ઘોઘા, ધંધુકા, ચાંપાનેર, ઠાસરા, બડોદા વગેરે અરધું ગુજરાત.” સૌ પોતપોતાનો ભાગ લઈ હરખાતા ચાલ્યા ગયા, અને સુલતાનિયતના કડાકા બોલ્યા. ફરી પાછા અમીરોના આંતરકલહ, સામસામાં સૈન્ય-મંડાણ, ભૂંડે હવાલે મોતના અંજામ, છોકરા સુલતાનને વશ રાખવાની સામસામી પ્રપંચબાજી, અને જુવાનીમાં આવતાં વીફરેલ સુલતાનનું ફરી પાછું અમાત્ય ઇતમાદખાનની જ તલવારને ઝટકે ધડથી જુદું માથું. ફરી પાછી સુલતાનની શોધાશોધ ચાલી.