સમુડી/ત્રણ

ત્રણ

એક વાર શાંતાફૈબાની તબિયત ખૂબ બગડી હતી. શહેરમાંથી દાક્તર સ્કૂટર પર આવ્યો ને ઇંજેક્શન આપી ગયો. પણ તાવ ઊતરે જ નહિ. હર્ષદ પલંગ પાસેના સ્ટૈલ પર બેસી રહેલો. બરફ તો ગામડામાં મળે નહિ આથી સમુડી માટલાના પાણીથી જ શાંતાફૈબાના કપાળે પોતાં મૂકતી ઓશીકા પાસે બેઠી હતી. વીજળીકાપના કારણે એ દિવસે લાઇટોય નહોતી. ને સમીસાંજે શહેરથી દાક્તર આવ્યા ત્યારે ઉતાવળમાં ને ઉતાવળમાં સમુડીના હાથે ફાનસનો ગોળોય તૂટી ગયેલો. આથી માત્ર નાનું ઘાસતેલનું દીવડું જ ઓરડામાં ટમટમતું. શાંતાફૈબાએ દીવડાનુંય નામ પાડેલું – ટમટમિયું! દીવાલો પર પડછાયાના જુદા જુદા આકારો હલબલતા. તાવ વધતો હતો. હર્ષદના પિતા તો ગભરાઈ ગયેલા તે રૂમમાં આમથી તેમ આંટા મારે ને એમનો પડછાયો લાંબોટૈંકો થતો ઘરમાં ફરે. ચિંતાને કારણે કપાળમાં એક નસ ઊપસી આવેલી જે દીવડાના અજવાળામાંય સ્પષ્ટ દેખાતી. સમુડી પોતાં મૂક્યે જાય પણ તાવ તો ઊતરવાનું નામ જ ન લે. કલાક પછી હર્ષદે ફરી તાવ માપ્યો. વળી એક ડિગ્રી વધ્યો હતો. એ પછી તાવ વધવાથી શાંતાફૈબા અસ્પષ્ટ શબ્દોમાં કંઈક બકવા લાગ્યાં. હર્ષદના પિતા દાક્તરને ફોન કરી બોલાવવા માટે પોસ્ટઑફિસ ગયા. સમુડી પોતાં મૂક્યે જતી હતી. એના ચહેરા ઉપર સ્વસ્થતા દેખાતી હતી. ‘હરસદભૈ’, ધીમા સાદે પોતા મૂકતાં મૂકતાં જ સમું બોલી, ‘લ્યો, ઘડીક તમે પોતોં મૂકો તો; મું હમણોં આવું સું…’ સમુડી દાદરો ઊતરીને કશી ગઈ. લાકડાનો દાદરો ઊતરવાનો અવાજ તથા એમાં ભળી ગયેલા સમુના ઝાંઝરનો અવાજ શમે એ પહેલાં ડાઘિયાનો ભસવાનો અવાજ આવ્યો. પછી સમુડીનો ‘હટષ’ એવો અવાજ આવ્યો. કૂતરું શાંત થઈ ગયું. આખુંય ગામ ને વગડો નિ:સ્તબ્ધ થઈ ગયાં હતાં. ક્યારેક ક્યારેક ક્યાંથી કોક ઢોરનો અવાજ આવતો કે વગડામાંથી શિયાળની લાળી કે ચીબરીનો અવાજ આવતો. ને પાછું બધું સૂમસામ થઈ જતું. હર્ષદ પોતાં મૂકી રહ્યો હતો. પવનનો વેગ વધ્યો. આથી પવનના સૂસવાટાને કારણે શાંતાફૈબાના શ્વાસોચ્છ્વાસનો અવાજ સંભળાતો બંધ થયો. પણ ફરી પાછો અસ્પષ્ટ બકવાસ ઘેરા મોટા અવાજે શરૂ થયો. સાંજ કરતાંય અત્યારનો પવન વધુ ઠંડો અને વેગીલો હતો. અચાનક પવનના ઝપાટાથી દીવડું બુઝાઈ ગયું. હોલવાયેલી દિવેટનો લાલ રંગ અંધારામાં થોડી ક્ષણ ચમક્યો ને પછી ઘાસતેલના ધુમાડામાં ભળી ગયો. એની થોડી વાસ નસકોરાંમાં ગઈ. શાંતાફૈબાનો બકવાસ ચાલુ જ હતો; કદાચ થોડોક વધ્યો હતો. ઘરમાં હર્ષદ એકલો જ. તે બિચારો ગભરાઈ ગયેલો. શાંતાફૈબાનું શરીર દઝાય એટલું બધું ગરમ હતું. તાવ માપવાનો વિચાર આવ્યો. પણ હવે તો ટમટમિયુંય હોલવાઈ ગયું હતું અને દીવાસળીની પેટી તો સમુડી સિવાય કોઈને જડે એમ નહોતી. હર્ષદ વિચારવા લાગ્યો – હે ભગવાન! જલદી કૉલ લાગે તો સારું… જલદી પિતાજી પાછા ફરે તો સારું… માથે પોતાં મૂકવાનું માટલીનું ઠંડું પાણીય હવે ગરમ થઈ ગયું હતું. માટલીમાંથી બીજું પાણી લાવવા માટે એ ઊઠયો. હાથ ફંફોસતો આગળ વધ્યો. ટીપોઈ સાથે પગ અથડાયો. પડતાં પડતાં બચ્યો. સમુડીને મનમાં ને મનમાં ગાળ દીધી કે એય શું કામ પોતાને આવી હાલતમાં એકલો મૂકીને ચાલી ગઈ? ક્યાં ગઈ હશે? પિતા પાછા આવે ત્યાં સુધીય એનાથી બેસાયું નહીં? આમ તો શાંતાફૈબા, શાંતાફૈબા કહેતાં એની જીભ થાકતી નથી, આમ તો કેવોય ડૉળ કરશે કે જાણે શાંતાફૈબાની કેવીય ચાકરી કરતી હોય! પિતા પાછા આવે ત્યાં સુધી એણે પોતાં મૂક્યાં હોત તો? અરે, પોતાના પાસે અમસ્તી બેંઠી હોત તોય એમ થાત કે ઘરમાં કોઈક છે. પણ હર્ષદને પોતાનેય સમુડીને રોકવાનું કેમ ન સૂઝયું? પોતાની જાત ઉપર પણ ચીડ ચડી. માંડ માંડ પાણિયારા સુધી હાથ ફંફોસતા ગયો ને બીજું ઠંડું પાણી લઈ ફરી પોતાં મૂકવા લાગ્યો. શાંતાફૈબાનો બકવાસ ખૂબ વધી ગયો હતો. શ્વાસોચ્છ્વાસના અવાજનો લય પણ બદલાયો હતો. કૉલ લાગે કે ન લાગે પિતાજી જલદી પાછા આવી જાય તો સારું. ત્યાં જ દૂરથી ફાનસ આવતું દેખાયું. થયું, હાશ! પિતાજી જ કોકનું ફાનસ લઈને આવતા લાગે છે, પણ ફાનસ સહેજ નજીક આવ્યું તો ખબર પડી કે અરે રામ! આ તો બીજું કોક લાગે છે. ચાલ પિતાજીની નથી. એ ફાનસવાળાની આગળ પણ કોક મોટાં મોટાં ડગલાં ભરતું ઝડપતી ચાલતું હતું. પણ પાછળથી આવતું ફાનસનું અજવાળું આંખોમાં પડતું હોવાથી એની માત્ર છાયા જ દેખાતી. એ છાયાની ચાલ સમુડી જેવી હોય એવું લાગ્યું. ના! ના! આ તો સમુડીની જ ચાલ! સમુડી જ! હા…શ! સમુડી અને ફાનસવાળો દાદર ચડીને ઉપર આવ્યાં. સમુડીની ન્યાતમાં કોઈની માંદગી જતી ન હોય ત્યારે ભૂવાને બોલાવતા. સમુડી પણ અડધી રાતે ભૂવાને બોલાવી લાવી હતી! અમાસની રાત્રે! એકલી જઈને! ત્યાં તો સીમમાંથી ખૂબ તેજસ્વી અજવાળું આવતું દેખાયું. એકાદ ક્ષણ પછી પ્રકાશ ફેંકતો એક ગોળો દેખાયો. આ તો સ્કૂટરની જ લાઇટ લાગે છે. કદાચ એ લાઇટવાળો ખટારોય હોય. ત્યાં તો સ્કૂટરનો અવાજ પણ સંભળાયો. જોતજોતામાં ઘર પાસે આવીને સ્કૂટર ઊભું રહ્યું. દાક્તરની પાછળ પિતાજી બેઠેલા. ભૂવો કંઈ મંત્ર તંત્ર કરતો હતો. દાક્તર એ ભૂવાને જોઈને મૂછમાં હસ્યા. ભૂવો તો એના મંત્રતંત્રમાં ડૂબ્યો હતો ગળાડૂબ. એક ઇંજેક્શન ને બીજી થોડીક દવાઓ આપીને દાક્તર ચાલ્યા ગયા. ભૂવોય મોરનું પીછું, ધૂપ વગેરે એનો સામાન આટોપીને ચાલ્યો ગયો. સમુડી આખી રાત શાંતાફૈબા પાસે બેસી રહી. એની નિષ્પલક આંખોમાં શ્રદ્ધા ટમટમતી હતી. બીજે દિવસે તો શાંતાફૈબા સાજાં થઈ ગયેલાં. શાંતાફૈબા સારાં થઈ જાય એના બે-ચાર દિવસ પછી સમુડી કહે, ‘કાલ મું નૈં આવું… મારી બુન કાળી આવસે.’ શાંતાફૈબાએ ‘કેમ?’ એવું પૂછવાનું હોય જ નહિ. કારણ તેઓ જાણતાં જ હોય. શાંતાફૈબા સારાં થઈ જાય એ માટે સમુડીએ મેલડીમાની બાધા રાખી જ હોય ને એ બાધા પૂરી કરવા જવાનું હોય. આ યાદ આવતાં જ હર્ષદના મનમાં થોરને કાંટો ફૂટે તેમ એક પ્રશ્ન ફૂટયો – શું નયના કદી આવી બાધા રાખે?!