સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૩


પ્રકરણ ૧૩ : મનોહરપુરીમાં એક રાત્રિ

જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસની સાથે વાસમાં પડ્યો હતો, તે વખતથી તે છેક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી મનોહરપુરીમાં ઓસરીના ઓટલા પરની સીડીને અઠીંગી રસ્તા પર નજર કરતી ઊભી હતી. તેનું ચિત્ત ભાગોળ ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. ચારે પાસ અંધકારની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાધરેથી બે સવાર દોડતા દોડતા આવતા જણાયા. એ સવાર સુવર્ણપુર મોકલેલા અબ્દુલ્લા અને ફતેસંગજી હતા. તેમણે ગુણસુંદરીના હાથમાં કુમુદની ચિઠ્ઠી મૂકી. ‘હું આજે સંધ્યાકાળે નીકળી કાલે સવારે આવી પહોંચીશ ને મારું હૈયું આજ ભરાઈ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ.’ એમ એમાં લખ્યું હતું. કાગળ વાંચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુમુદસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઈ ગયું. કુમુદસુંદરીએ પણ કાગળ ફરી મોટેથી વાંચ્યો. ચંદ્રકાંતે પણ હાથમાં લીધો અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોયા હોવાથી નિઃશ્વાસ નાખી પાછો આપ્યો. ‘હૈયું ભરાઈ આવે છે તે ખાલી કરીશ.' એ શબ્દો મનમાં ફરીફરીને આણી ગુણસુંદરી હજાર તર્ક કરવા લાગી અને સવારોને દીકરીના તથા અન્ય સૌના સમાચાર પૂછવા લાગી.

રાત્રિ પડી ને સૌ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનોહરપુરીમાં મોટી કરી હતી. તે પણ પાસે બેઠી ને તેણે ગીત ગાવા માંડ્યું.

‘જઈ કહેજો મા ને બાપ, દીકરી તમારી રે,
મરી ગઈ સાસરિયામાંય પરદેશ નાખી રે,
મારો જીવવામાં નથી જીવ, પણ ઓ માડી રે!
તને મળવા તલસે જીવ, નથી તું જતી છાંડી રે.’

આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું, તેની આંખ સુધી આંસુ ઊભરાયાં ને તે બેબાકળી જેવી થઈ ગઈ. છોકરીએ જરા વધુ લહેકાથી બીજું ગીત ગાવા માંડ્યું. છોકરી બોલી : ‘એક છોડી સસરાની બારીએ એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઈ નિસાસા મૂકે છે ને રસ્તામાં જનાર સાથે કહાવે છે :

‘મારા પિયરનો આ પંથ, નજર ન પહોંચે રે,
મારું હૈયું ઘડીમાં આજ પિયર ભણી દોડે રે.
ઓ આ મારગના જાનાર, પિયર મારે જાજે રે,
જઈ કહેજે મા ને બાપ, દીકરી સંભારે રે.’

આ લીટીઓ ગુણસુંદરીના હૃદયને હલમલાવી રહી. કરુણ રસની સીમા આવી. દીકરીની પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને ગીતથી આર્દ્ર બની રોવાય એટલું રોઈ. કુસુમસુંદરી માની જોડે જમવા બેઠી હતી. હવે એને તેરમું વર્ષ ચાલતું હતું અને ફૂટતી જુવાનીમાં બાળા પ્રવેશવા લાગી હતી. રોતી ગુણસુંદરીને દેખી કુસુમસુંદરી બોલી ઊઠી : દાદાજી, જોયું કે? ગુણિયલની આંખમાં આંસુ આવ્યાં ને રૂવે છે. વૃદ્ધ માનચતુર પૌત્રીના ઓઠમાંથી અક્ષર પડતાં મલકાઈ ગયા ને બોલ્યા : ‘બહેન, એ તો તારી જ આબરૂ ગઈ કે તું પાસે છતાં રુવે છે.’ સૌ હસી પડ્યાં. ‘ના, ના, એ તો એમ નહીં. જુઓ, એ તો રત્નનગરીમાં સરસ્વતીચંદ્રનું વાંકું બોલતી હતી ને કહેતી હતી કે બાપે બે બોલ કહ્યા તેટલા ઉપરથી આટલો રોષ ચઢાવવો એ તો છોકરવાદી છે. ત્યારે સાસુનણંદના મેણાં ન સંભળાયાં ને વહુને ઓછું આવ્યું એવું ગીત સાંભળતાં જ આવડાં મોટાં ગુણિયલ રોઈ પડ્યાં એ છોકરવાદી નહીં? મેં તે દિવસે ગુણિયલને કહ્યું હતું કે સરસ્વતીચંદ્રને ઠપકો દેતાં પહેલાં વિચારો જો કે આપણે પોતે એને ઠેકાણે હોઈએ તો કેવું લાગે?' ‘ત્યારે તો એમ કહેને કે તું જીતી ને તારાં ગુણિયલ હાર્યા!' ‘હાસ્તો, એકવાર નહીં ને હજાર વાર.’ ‘બહેન, માને જિતાય નહીં, હોં!' સુંદરગૌરી એને માથે હાથ ફેરવતી ફેરવતી બોલી. ‘સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી ગરીબ સ્વભાવની છે, પણ તારે યોગ્ય તો આ જ છે – એ તારા માથાની નીવડશે અને તારા સદાના ગંભીર અને આડા સ્વભાવને પાંશરો કરશે – પણ – ઓ દિન કહાં?' નિઃશ્વાસ મૂકી, મનમાં આમ બોલી, ચંદ્રકાંત જોઈ રહ્યો. ચંદ્રકાંતને એની સાથે બોલવાનું મન થયું ને સ્મિત કરી બોલ્યો : ‘બહેન, તમારાં માતુશ્રી જેનો વાંક કાઢે તેનો પક્ષપાત તમારાથી કેમ થાય?' કુસુમસુંદરી પળ વાર ગૂંચાઈને બોલી : ‘ચંદ્રકાંતભાઈ! એમ હોય તો જે સરસ્વતીચંદ્રે મારી બહેનનો ત્યાગ કર્યો છે તે બહેનના કુટુંબ પર તમારા જેવા મિત્રની મમતા કેમ હોય? જેવો તમે અમારા ઉપર પક્ષપાત રાખો છો તેવો અમે સરસ્વતીચંદ્ર પર રાખીએ એ અંત:કરણનો સંબંધ.’ ચંદ્રકાંત મહાત થયો. માત્ર મનમાં બોલ્યો : ‘તારે તો આજ જોઈએ – પણ – તું ક્યાં?' સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડી નીકળ્યો, તે ક્યાં ગયો હશે તેની કલ્પના ચંદ્રકાંતને ચિંતાતુર બનાવવા લાગી. ચંદ્રકાંત અને માનચતુર એક ખંડમાં સૂવાના હતા. ત્યાં સૂતા સૂતા વાતો કરવા લાગ્યા. માનચતુરે સરસ્વતીચંદ્ર શાથી ઘર છોડી નીકળ્યો એની સર્વ વિગત પૂછી લીધી. ચંદ્રકાંતે અથથી ઇતિ સુધી આખી વાત લાગણીથી કહી. વિદ્યાચતુરે સરસ્વતીચંદ્રનો દોષ કાઢ્યો હતો તે પણ કહ્યું અને વિદ્યાચતુરના જ પિતા આગળ વિદ્યાચતુરના મતનું રસથી, છટાથી, જુસ્સાથી ખંડન કર્યું. અનુભવથી માનચતુર દંશ પામેલા સ્નેહને આશ્વાસન દેવું એ પોતાનો ધર્મ ગણી બોલ્યો : ‘ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રનો વિચાર બધું જોતાં ખોટો ન હતો. કુમુદસુંદરી ગુમાનબા સાથે રહી સુખી ન થાત. વિદ્યાચતુરને ભાગ્યે અમારાં આ ગુણસુંદરી મળી ગયાં છે ને એમણે જગતનો ભાર જણાવા દીધો નથી એટલે એ આ વાત ન સમજે. બાવીસતેવીસ વર્ષની છોકરીએ મોટાને કચરી નાખે એવો ભાર ફૂલની પેઠે ઝીલી લીધો; નાનું નાનું શરીર રૂપાની આરતી પેઠે આખા ઘરમાં ફરી વળે; અને જ્યાં ફરી વળે ત્યાં અજવાળાનો સાક્ષાત્કાર. મારા પુત્રનો દોષ એટલો કે એણે એમ જાણ્યું જે આખા જગતમાં ઘેરઘેર ગુણસુંદરીઓ જ વસતી હશે ને ગુણસુંદરી થવું તે રમત વાત હશે. ઘેબર ખાનાર, જાર ખાનારની કથા ક્યાંથી જાણે? પણ હું તો જાણું છું. સરસ્વતીચંદ્રને લક્ષ્મીનંદનના વેણ વસમાં લાગ્યાં તે લાગે જ. એ કૂમળું ફૂલ! એ તે હિમના કટકાનો ભાર કેમ સહી શકે? ગુમાનને તો સામું લાંઠ માણસ જોઈએ – મારી કુસુમના જેવું – કેમ કુસુમ? ગુમાનને તું પાંશરી કરે કે તને ગુમાન પાંશરી કરે?' મૂળ વાતનો દોર હાથમાં લઈ માનચતુર બોલ્યો : ‘ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રને રોગ પારખતાં આવડ્યો પણ ઔષધ આવડ્યું એમાં તો તમે પણ ના નહીં કહો. એમણે કુટુંબ છોડી વનવાસ લીધો. એટલી બુદ્ધિ ઓછી. લક્ષ્મીનંદનથી જુદા રહેવામાં બાધ ન હતો. ભેગા રહેવાનો આપણો ચાલ ખોટો નથી, પણ તે ક્યાં સુધી કે બધાંની આંખમાં અમીદૃષ્ટિ હોય ને બધામાં સંપ હોય ત્યાં સુધી. સાહેબલોકને હુતો ને હુતીનું સુખ. પણ આપણા કુટુંબનું સુખ તેઓ સમજતા નથી. આપણા કુટુંબમાં તો કહો કે મારો ને આ મારી અનાથ ગરીબડી સુંદરગૌરી બેનો વગર ઉતરાવ્યે વીમો ઉતરાવ્યો છે.’ વિદ્યાચતુરની વાતથી ચંદ્રકાંત જેટલો ગુસ્સે થયો હતો તેટલા જ પ્રમાણમાં માનચતુરની અનુભવી વાતચીતથી તે ઠંડોગાર થઈ ગયો. રાત ઘણી ગઈ હતી. સર્વ પોતપોતાના શયનખંડ ભણી વેરાયાં. કુમુદસુંદરીના વિચારથી ગુણસુંદરી ચિંતા કરતી જાગતી સૂતી હતી. થોડો વખત થયો એટલામાં બારણે કોઈ કડું ઠોકતું સંભળાયું. કુસુમે બારણું ઉઘાડ્યું. ફતેસિંગ હાથમાં ફાનસ લઈ દાખલ ર્થયો. ફતેસંગે કુમુદસુંદરીએ સરસ્વતીચંદ્ર વિશે કહાવેલા સમાચાર કહ્યા અને બહારવટિયા એને ખેંચી ગયા ત્યાં સુધી કહી બતાવ્યું. વધારે પતો મેળવવા હરભમજી ગયો હતો તે પણ કહ્યું. ગુણસુંદરી અકળાઈ. ‘હેં! શું સરસ્વતીચંદ્ર જડ્યાયે, ખરા ને ખોવાયા પણ ખરા? અરેરે! સુંદર! એમનો ઉતારો બુદ્ધિધનને ઘેર હતો. કુમુદના પત્રનો અર્થ સમજ્યાં કની? હૈયું ખાલી કરવાનું એ લખે છે તે એ જ બીજું શું?' ગુણસુંદરી કંઈક શાંત થઈ. વડીલને ને ચંદ્રકાંતને અત્યારે ઉઠાડવાનું નિરર્થક લાગ્યું. ફતેસંગ ગયો. કુસુમે સાંકળ વાસી; અને ગુણસુંદરી બોલી : સવાર સુધીમાં કોણ જાણે શાયે સમાચાર આવશે. ચંદ્રકાંતને ભાઈબંધનો દોષ ન વસે, પણ આવી દશામાં આવી પડવાનું સરસ્વતીચંદ્રને શું એવું કારણ હતું?' સુંદર : ‘ભાવિમાં લખેલું છે એ પણ શું કરે?' કુસુમ ગાતી ગાતી ગણગણી : ‘લખ્યા લેખ મિથ્યા ન થાયે લગાર.’ એટલામાં ફરી બારણું ખખડ્યું, સૌ ચમકયાં. ગુણસુંદરીના ‘કોણ?' ના જવાબમાં ‘બા ઉઘાડો, એ તો હું ફતેસંગને હરભમજી.’ કહેતા બંને દાખલ થયા. જરાક આગળ ઊંધે પગે બેસી હરભમજી ખોંખારતો ખોંખારતો સમાચાર કહેવા લાગ્યો. બહારવટિયાઓની કથા ને કુમુદસુંદરીને પકડવા તેમણે કરેલો સંકેત જણાવ્યો ને બોલ્યા, ‘બા, રજ પણ ગભરાશો નહીં. એક પાસ બુદ્ધિધનભાઈની હાક વાગે છે અને બીજી પાસ મહારાજ મણિરાજના નામથી જગત કંપે છે. વિદ્યાચતુરભાઈનાં છોરુ ઉપર હાથ ઉપાડનારનું ભવિષ્ય ફરી વળ્યું સમજવું.’ સુંદરગૌરી રોઈ પડી. કુસુમ કંપવા લાગી અને ગુણસુંદરી સજ્જડ થઈ ગઈ. માનચતુરને જગાડવા ફતેસંગ જતો'તો ત્યાં જ માનચતુર અને ચંદ્રકાંત જાગી ઊઠ્યા અને ‘શું છે? શું છે?' પૂછવા લાગ્યા. ગુણસુંદરીએ સર્વ સમાચાર કહ્યા. સરસ્વતીચંદ્રનું તો જે થયું તે થયું – તરત તો કુમુદસુંદરીને બચાવવાની વધારે અગત્ય હતી. માનચતુરે હરભમજી સાથે મસલત કરી ને બહારવટિયાઓને સામનો કરવા કેટલી ટુકડીઓ કયાં રાખવી, કુમુદનું રક્ષણ શી રીતે કરવું તે બધું નક્કી કર્યું. કુમુદને આવવાની જગ્યાએ પરતાપ નક્કી ફર્યા કરવાનો. એકલો અબ્દુલ્લો એને ન પહોંચે એટલે એની સાથે કોઈ વધારે હુશિયાર માણસની જરૂર જણાઈ. ડોસો બોલ્યો : ‘હું જઈશની અબ્દુલ્લાની જોડે જે?’ ગુણસુંદરીએ વડીલને આવા જોખમમાં ન પડવા ઘણું કહ્યું, પણ ડોસો એકનો બે ન થયો. પાયજામા, તરવાર ને બંદૂક કઢાવી ડોસો તૈયાર થવા લાગ્યો. ચંદ્રકાંત શસ્ત્ર વાપરી જાણતો નહોતો. વળી ઘેર એક પુરુષની જરૂર પણ હતી. તેથી ઘરની જવાબદારી એને સોંપાઈ. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં સશસ્ત્ર અવસ્થાનું શૂરાતન, બળ અને આવડ માનચતુરમાંથી અદૃશ્ય થયાં ન હતાં. પ્રસંગ આવ્યે સૂતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે, તેમ માનચતુર આજ શૂરજનની ઉશ્કેરાયલી અવસ્થા અનુભવવા લાગ્યો. જતાં જતાં, ‘ચંદ્રકાંત, તમે તો ઘેર જ રહેજો – બધી સ્ત્રીઓનું રક્ષણ થશે તે ભેગું તમારું પણ થશે. ખમા અંગ્રેજ બહાદુરને કે હથિયાર લઈ લીધાં અને સ્ત્રીઓની તેમ જ તમારા જેવા પુરુષોની ચિંતા ઉપાડી લીધી.’ એમ માનચતુર કહેવા લાગ્યો. ચંદ્રકાંત આભો બની સરકાર ઉપર મનમાં ખિજવાતો હતો. ત્યાં માનચતુર બોલ્યો – ‘મૂંઝાશો નહિ. આ ઉતાવળનો પ્રસંગ વાદવિવાદ કરવાનો નથી. હું તમને બંદૂક આપું, પણ દારૂગોળાને ઠેકાણે કાંઈ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી કાઢજો.’