સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૪


પ્રકરણ ૪ : અમાત્યને ઘેર

નવીનચંદ્ર અમાત્યને ઘેર જમવા જવા લાગ્યો. બુદ્ધિધનની જોડે નવીનચંદ્રનો પાટલો નખાતો. આ ભમતા વટેમાર્ગુ જેવા અતિથિ જોડે સુવર્ણપુરનો અમાત્ય રસભેર વાતો કરતો. સાથે જમવા બેઠેલો પ્રમાદધન અતિથિની સગવડની સંભાળ રાખતો. બેચાર દિવસમાં તો તેની સુશીલતાને લીધે તે સૌને ઘરના માણસ જેવો લાગ્યો. પ્રથમ મેળાપ વેળા બુદ્ધિધનને એ વિચિત્ર લાગ્યો હતો તે અભિપ્રાયમાં કાંઈક ફેર પડ્યો. પ્રમાદધનને એનું ‘ઇંગ્લિશ નૉલેજ' સારું લાગ્યું. એમ પણ માલૂમ પડ્યું કે એ મુંબઈનાં મોટાં અંગ્રેજી વર્તમાનપત્રોમાં લખે છે. આવા અથડાતા માણસની બાબતમાં બુદ્ધિધને આ તરત માન્યું નહીં, પણ પિતાની ખાતરી માટે નવીનચંદ્ર પાસે લખાવી મોકલેલું છાપામાં આવ્યું ત્યારે તો બુદ્ધિધન પણ માનતો થયો, ને રાજ્યમાં અંગ્રેજી લખનારની જરૂર હોઈ અહીં રોકાઈ જવા કહ્યું. વળી બધી જાતનો અનુભવ પણ નવીનચંદ્રને રજવાડામાં મળશે એમ જણાવ્યું. એક રાત્રે સૌ જમી રહ્યાં. ત્યારે રાત ઘણી ગઈ હતી, તેથી નવીનચંદ્રને અમાત્યને ઘેર સૂવાનું ઠર્યું અને પ્રમાદધનને બેસવાના દીવાનખાનામાં બુદ્ધિધન અને પ્રમાદધન ગયા. અલકકિશોરી રાત વીતી હતી એટલે સાસરે ન ગઈ. નવીનચંદ્ર દીવો હોલવી સૂવાની તૈયારી કરે છે એટલામાં બે પાસથી સ્વર સંભળાયા. એક પાસ અમાત્ય, તેમનો વિશ્વાસુ નરભેરામ અને પ્રમાદધન વાતો કરતા હતા; બીજી પાસ નણંદ-ભોજાઈ. મુંબઈથી મગાવેલાં પુસ્તકો હમણાં જ આવ્યાં હતાં. તેનો એકલપેટો આનંદ ન ભોગવાતાં નણંદ પાસે ભાભી વાંચી બતાવતી હતી. અલકકિશોરી એકાગ્ર ચિત્તે સાંભળતી લીન અને દીન બનતી હતી. ‘અલકબહેન, સાંભળો. આ એક રસિક વાત છે. એક બાયડીને મૂકીને એનો ધણી જતો રહ્યો તે ઉપરથી એ બિચારી એકાંતમાં મનમાં ને મનમાં રુવે છે ને કહે છે તે બોલ રોજ[1] આવે એવા છે. સાંભળો,’ ‘બધાંને તો દુ:ખ ખમતાં ખમતાં નિરાંતની ઘડી આખરે મળે છે. ગમે તેવું પાપ કર્યું હોય તેવાંને પણ ઈશ્વર ગઈ ગુજરી વિસરાવે છે, તો આ મારે જે દુ:ખ ભોગવવું પડે છે તેનો છેડો ઈશ્વર ક્યારે આણશે? મારે તો કંઈ વધારે નથી જોઈતું. માત્ર એટલું માગું કે અનિષ્ટમાં અનિષ્ટ મારું થવાનું હોય તે મને માલૂમ પડે કે બહેન, આટલેથી તો હદ. પછી તો કાળજું ફાટી જાય એટલું જ બાકી રહે.' અલક ભાભીની આવી કોમળ વાતો સાંભળી, મોં સામું જોઈ બોલી : ‘જો તમે ભાયડો હત કની તો એક દિવસ હું પિયર રહેત નહીં.’ નણંદભોજાઈની આવી વાતો સાંભળી નવીનચંદ્ર ખુશ થતો હતો. અમાત્યની વાતો સાંભળી તે ચમકતો હતો. સુખી અને નિશ્ચિંત દેખાતા બુદ્ધિધનને આટલી ચિંતાના ઊંડા પાણીમાં ગળા સુધી ડૂબેલો જોઈ તેને નવાઈ લાગી. તેણે જે સાંભળ્યું હતું કે રાજાઓના મુગટ ચિંતાની ગાદીથી ભરેલા હોય છે, કારભારીનાં દુ:ખ કારભારી જ જાણે, સોનામાં કળિયુગ છે, એ બધું પ્રત્યક્ષ સિદ્ધ થયું. બુદ્ધિધનને અમાત્ય-પદવીમાં સંતોષ ન મળતાં કારભાર શોધવો પડે છે; કારભારને સારુ કારભારી શઠરાય જેવા આટલા શત્રુ, આટલી યુક્તિઓ અને આટલી ખટપટ, ચિંતા કરવાં પડે છે, આવાં માણસોમાં ભળવું પડે છે – એવા એવા વિચારમાં નવીનચંદ્ર ડૂબી ગયો. ‘પણ કુમુદસુંદરી! ગમે તે હો પણ આ તો ખરું કે તારું દર્શન આ દેશમાં ન જોઈએ. કમળ! તું તો સરોવરમાં જ જોઈએ. રાજહંસિની! તારા દિવસ અહીં કેમ જાય છે? માનસસરમાં ઉછરેલી તું દિવસ કેમ અહીં કાઢે? અરેરે! સ્વાર્થમાં પરમાર્થ ડૂબ્યો. નહોતી ખબર કે આમ થશે સરસ્વતીચંદ્ર! બહુ ખોટું કર્યું! ધૂળ પડી તારી સરસ્વતી પર!’ આમ આવેશમાં આવેલો નવીનચંદ્ર સુવર્ણપુરના અમાત્યના દીવાનખાનામાં, ટાઢે થરથરતો ગોદડું ઓઢી નિદ્રાવશ થઈ ગયો. અમાત્યના ઘરમાં સર્વ સૂઈ ગયાં અને સુવર્ણપુર શાંત થઈ ગયું હોય એમ એ ઘરમાં લાગવા માંડ્યું. અમાત્યના ઘરમાં કલાકેક સુધી આ શાંતિ ટકી. એના ઘરમાંથી જોડે ગલીમાં બારી પડતી હતી. ત્યાં રાતના આઠનવ વાગ્યાથી બેચાર માણસો ફર્યા કરતા હતા. તેમાં જમાલખાન મુખ્ય હતો. નાની બાબતમાંથી મોટાં પરિણામ થાય છે, તેની બાળક અલકકિશોરીને ખબર ન હતી. કારભારી શઠરાયની પુત્રી અને પુત્રવધૂ ખલકનંદાને તથા રૂપાળીને જોઈ તેમની બદચાલ પર એણે એક વાર મોં મરડ્યું હતું. હાલ એ વાત એ સમૂળગી ભૂલી ગઈ હતી, પણ ખલકનંદા વીસરી ન હતી. અમાત્યને કારભાર મળવાનો છે, એવી ફુલાશનાં વચન પણ અલકકિશોરીનાં મોમાંથી નીકળ્યાં હતાં. કારભારી (શઠરાય) તથા અમાત્ય(બુદ્ધિધન)નું એકબીજા સાથેનું વેર તેમનાં બૈરીછોકરાંમાં પણ આવ્યું હતું. અલકનું ગુમાન ઉતારવાનું રૂપાળી ને ખલકનંદાએ નક્કી કર્યું. તેમણે પોતાના માણસ જમાલને ઉશ્કેર્યો. ‘મને કોણ પૂછનાર છે?' કરી મિયાંભાઈએ બીડું ઝડપ્યું. સાસરે જતાં અલકને પકડવાના હેતુથી બેચાર મિત્ર સાથે એ હેરાફેરા કરતો હતો. અલક આજ સાસરે તો ગઈ નહીં. બાર, એક વાગ્યો અને મિત્રો પાછા ગયા ત્યાં એને સૂઝ્યું કે બુદ્ધિધનના ઘરમાં ચઢી ઊતરવું. ઊંચું જોયું તો એક ઓરડી પર થઈ છાપરે છાપરે જવાય એવું લાગ્યું. મિયાંએ મૂછ પર હાથ નાખ્યો અને ચઢવા માંડ્યું. ઘુવડ બોલ્યું અને સામું મળ્યું. અપશુકન થયા માની એક નળિયું તેના પર રીસ ચઢાવી ફેંક્યું. ‘ચલ, ચલ, સાલા, મિયાંભાઈકુ અપશુકન ક્યાં?' થોડી ઘડી વીતી ન વીતી ત્યાં ફાટ્યા ઘાંટાની બૂમ સંભળાઈ. ‘કોણ છે આ? જાગજો જાગજો! પ્રમાદધનભાઈ! જાગજો! જાગો! ચોર! ચોર!' જમાલ તેનું મોં દાબવા લાગ્યો. પણ હાથ ઢીલો પડે એટલે કિશોરી બૂમ પાડે : ‘ઓ ભાઈ! પિતાજી! દેવી! ધાજો! ધાજો!' અલકકિશોરીની પહેલી જ બૂમે ઘરમાં સૌ જાગી ઊઠ્યાં. બુદ્ધિધનને થયું કે શઠરાયનું કોઈ માણસ મારા ઘરમાં ખૂનબૂન કરવા ભરાયેલું નવીનચંદ્રે ‘ચોર’ શબ્દ સાંભળ્યો. કુમુદસુંદરી સફાળી ઊઠી અને પ્રમાદધનને ઉઠાડ્યો. કુમુદસુંદરીએ બૂમ પાડી. ‘આ ઉપલી બારી ઉઘાડી છે એમાં થઈ પેઠેલો.’ નવીનચંદ્રે તે સાંભળ્યું. તેણે કસરતશાળામાં ચઢી ઊતરવાની પણ કળા અનુભવી હતી. ઊંચું બારી ભણી જોઈ કચ્છો માર્યો. ઉપરના માળમાં દાખલ થયો. અંદર બાઝીબાઝી ચાલી રહી હતી. નિરાધારનો આખર બેલી ઈશ્વર છે. બરોબર અણીને સમયે દાદર ઉપરથી ધબધબ કરતો નવીનચંદ્ર ઊતર્યો. રોષથી અને જોરથી જમાલના વાંસામાં લાત મૂકી અને બુકાનીનો ઉપલો ભાગ પકડી એવો તો ખેંચ્યો કે ગળે ફાંસો આવવાની બીકથી મુસલમાને અલકકિશોરીને પડતી મૂકી. નવીનચંદ્રે બહારના માણસોને બૂમ પાડી, ‘ફિકર ન કરશો. મેં નવીનચંદ્રે બહેનને છોડાવ્યાં છે.' સૌના જીવમાં જીવ આવ્યો. મુસલમાન નિરાશ થયો. જમીન પર પડેલી કટાર દીઠી. લેવા દોડ્યો. એટલામાં અલકકિશોરીએ બારીની સાંકળ ઉઘાડી દીધી અને બહારથી સૌ ધક્કા તો મારતાં જ હતાં, એટલે બારી ઊઘડી ગઈ. તરકડો દાદર પર ચઢી ગયો તેનો પગ નવીનચંદ્રે ખેંચ્યો અને જમાલ જમીન પર પડ્યો, પણ પડતાં પડતાં નવીનચંદ્રના ખભામાં કટાર મારી. બારી ઊઘડતાં સૌ હડુડુડુ કરતાં અંદર ભરાઈ ગયાં. છળેલી દીકરીને માએ છાતીસરસી ચાંપી લીધી. ઉચ્ચનીચની લડાઈમાં નીચને કાંઈ ખોવાનું નથી, હારે તો કાંઈ જતું નથી; અને એ જેટલું જીતે એટલું ઉચ્ચને બેવડું હારવાનું. પાણી ને કચરાનો સંગમ થતાં કચરો ધોવાશે નહીં અને ધોવાશે તોયે પાણી તો મેલું થવાનું જ. એ ઈશ્વરની લીલા છે. જમાલને નીચે ચોકમાં આણ્યો. પણ હજી પરાયા ઘરમાં બિચારો પરદેશી નવીનચંદ્ર કોઈને સાંભરતો ન હતો. તે બેભાન પડ્યો હતો તથા લોહી નિરંકુશ વહેતું હતું. અલકકિશોરી પાસે બેઠેલી કુમુદસુંદરી ચારે પાસ જો જો કરતી હતી પણ તેને એ જડતો ન હતો. આખરે તેના શબ જેવા શરીર પર નજર પડી. ‘એ જ આ' એમ નિશ્ચય થયો. અંતરના સગપણે લોકલજ્જાને નસાડી મૂકી. ‘અરે, આ, નવીનચંદ્ર કે કોણ પડ્યું છે અહીં?' કુમુદસુંદરી બોલી ઊઠી. અલકકિશોરી પણ જાગી ઊઠ્યા જેવી થઈ ઊભી થઈ. પરદેશીએ પોતાના પર કેટલો બધો ઉપકાર કર્યો હતો. તે પળવાર પણ વિસરાયો માટે પસ્તાઈ અને નવીનચંદ્ર ભણી દોડી. ‘ઓ દેવી, ઓ દેવી! આમને કટાર વાગી છે, તે લોહી નીકળે છે. વહેલી આવ, વહેલી આવ.' સૌ ચમક્યાં ને આસપાસ ભરાઈ ગયાં, સૌથી અગાડી એકલી અલકકિશોરી બેઠી. કુમુદસુંદરી દીવો લાવી. બેભાન નવીનચંદ્રની ઘવાયેલી જગા જોઈ લીધી. તેના હોશકોશ ઊડી ગયા. આંખમાં આવેલાં આંસુ પાછું જોઈ લોહ્યાં. બુદ્ધિધન અગાશીમાંથી આવ્યો. પ્રમાદધનને ઉતાવળે હુકમ કર્યો કે ‘ઝટ, જા, એક ચીંથરાનો કકડો અને ઘાતેલ લાવ.' સિપાઈને હુકમ કર્યો કે, ‘જા, વૈદ્યને બોલાવ.' પ્રમાદધન આમતેમ ફાંફાં મારવા લાગ્યો. ‘કયાં છે ઘાતેલ? કેવું છે એ?' એકદમ અલકકિશોરી ઊઠી. ઘાતેલ શોધી કાઢ્યું. પણ ચીંથરું ન મળે. મોટાના ઘરમાં ચીર હોય ચીંથરાં ન જડે. બુદ્ધિધન ચિઢાયો. ‘લાવો ને, એક ચીંથરું ખોળતાં કેટલી વાર?' તેણે ધોતિયું ફાડવા વિચાર કર્યો, તે પહેલાં તો કુમુદસુંદરીએ પોતે પહેરેલા સાળુમાંથી ચીંદરડુ કાઢ્યું. કુમુદસુંદરીએ દ્રૌપદીનું કામ કર્યું. હજી નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર કે બીજો તેની ખાતરી થઈ ન હતી. પરંતુ બળવાન કલ્પનાને મનોવૃત્તિ અનુસરી. ફાડેલું લૂગડું તેણે જુદું સાચવી મૂક્યું. ‘ભાભી, જાઓ, સૂઈ જાઓ, હું ને દેવી આ ખટપટ કરીએ છીએ.’ પરપુરુષ થયેલા પર પક્ષપાત ન જણાવવો એ કર્તવ્ય હતું. પ્રાત:કાળ થયો ત્યારે કુમુદસુંદરી ગજેન્દ્ર-મોક્ષ ગાતી ગાતી ઊઠી અને નવીનચંદ્રને સાવધાન જોઈ રાજી થઈ. એ નક્કી થયું કે જખમી નવીનચંદ્રે અમાત્યના ઘરમાં કેટલાક દિવસ સુધી પથારીવશ રહેવું. નવીનચંદ્રની બરદાસ અને ચિંતા સ્વાભાવિક રીતે અલકકિશોરીને માથે પડી. વૈદ્ય ઔષધ કરતો. સૌભાગ્યદેવી નીચે રહી પૂછપરછ કરતી અને દિવસમાં એક વાર ઉપર આવી સમાચાર પૂછી જતી. પ્રમાદધન ‘ન્યૂસપેપર’ વાંચી જતો, જતાં આવતાં ફેરો ખાતો ને મિત્રમંડળ સાથે પથારીની આસપાસ ગામગપાટા ચલાવતો. બુદ્ધિધન પણ નિત્ય વાતો કરી જતો ને વૈદ્ય પાસેથી રોજ સમાચાર મેળવતો. કોઈ પણ બીજું હાજર હોય તે વખતે કુમુદસુંદરી આવી જતી. કુશળવર્તમાન જોઈ આનંદ પામતી ને જોડેની મેડીમાં બેસી નવીનચંદ્રની વાતો રસથી સાંભળતી. ઘણુંખરું અલકકિશોરી એકલી હોય તોપણ પથારી પાસે બેસી રહેતી, ઉપચાર કરતી, નિર્દોષ વાતો કરતી અને ભાભીને કે જે કોઈ હોય તેને વાતોમાં ભાગ લેવા બોલાવતી. કોઈ વખત નણંદ ભોજાઈ, અતિથિ અને પ્રમાદધન ચોપાટ રમતાં. થોડા વખતમાં અતિથિ, ઘરના માણસ જેવો થઈ ગયો. અમાત્યના ઘરમાં આ શાંતિ હતી તે જ સમયે દરબારમાં ખટપટ જામી રહી હતી. પોતે તેનો પ્રેક્ષક નહીં હોવાથી નવીનચંદ્ર પોતાને હીનભાગ્ય સમજતો હતો.



  1. રડવું (સં.) : પાઠાન્તર ‘રોજ યાદ (સં.)