સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૫


પ્રકરણ ૫ : ‘હું તમારો ભાઈ થાઉં હોં!’

નવીનચંદ્ર અલકકિશોરીનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી કિશોરી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેસી રહેતી અને એનો ઘા રુઝાવાની વાટ જોતી. બાળાને પતિ વાસ્તે રજ પણ માન ન હતું, અને આખા જગતને તૃણવત્ ગણતી તેમ એને પણ ગણતી. હા, મમતાળુ હતી, પોતાનું કહ્યું તેને પોતાનું ગણતી, દયાળુ હતી. પણ દ્રવ્યનું, રૂપનું, ગુણનું, કુલીનતાનું સર્વ ગુમાન છોડી દઈ નરમ થવું ઘટે એવું જરી પણ નહોતું. આ ગુમાન બે જણાએ ઉતાર્યું. એનો અણઢોળાયો સ્નેહ ભાભી ઉપર ઢોળાયો. કુમુદસુંદરીને જોઈ એને કાંઈક ઉમળકો જ આવતો – કાંઈક ઊર્મિ જ ઊઠી આવતી. એક ગુમાન ભાભી આગળ ઊતર્યું અને બીજું નવીનચંદ્રે ઉતાર્યું. તેના ઉપકારથી તે અત્યંત વશ થઈ. તેના ખાટલા આગળ જ બેસી રહેવું અને ઓસડવેસડ-ખાવાની-કરીની સૌ ચિંતા પોતે જ રાખવી. કોઈ આવ્યું હોય તોયે એ ત્યાંની ત્યાં. મા શિખામણ આપે કે ‘બહેન, ગમે એટલું પણ એ પરપુરુષ. આમ આખો દિવસ એની પાસે બેસી રહેવું એ સારું નહીં.’ પણ કિશોરી હસી કાઢતી. કુમુદસુંદરી ત્યાં આવતાં શરમાતી ત્યારે બાથમાં લઈ એને ઘસડી આણતી અને કહેતી, ‘ભાભી, ઘરના માણસ જેવું જે માણસ થયું તેની પાસે આવતાં શરમ શી? જુઓ, એ ભણેલા છે અને તમે ભણેલા છો. કાંઈક સારું સારું વાંચો. હુંયે સાંભળીશ. એયે સાંભળશે.’ કુમુદસુંદરી પરાણે બેસે. પણ એકકે દિવસ એવું ન થવા દીધું કે નવીનચંદ્ર સાથે પોતે જરીકે બોલી છે. નવીનચંદ્ર અને કુમુદસુંદરી બેમાંથી કોઈને કંઈ બોલવું-પૂછવું હોય કે માગવું હોય તો તે અલકકિશોરીની જ પાસે. કિશોરીની સ્વતંત્રતા આમ સર્વ સ્થળે જયવંત નીવડી. પરંતુ તેની સહિયરોમાં કેટલીક અશુદ્ધ સ્ત્રીઓ પણ હતી. અધમ સંગતિ વંધ્યા ન રહી. એક દિવસ નવીનચંદ્રની સુંદરતાની વાત કાઢી, કજોડાંની વાત કાઢી ને કૃષ્ણકલિકા અચિંતી બોલી ઊઠી : ‘બહેન, ખરું પૂછો તો તમારે તો નવીનચંદ્ર જેવો વર જોઈએ. હા, વિદુરપ્રસાદ છે, પણ તે ઠીક જ. કાગડો દહીંથરું લઈ ગયો છે.’ અલકકિશોરીએ એને ધમકાવી અને તરત તો પોતે પણ આ વાત ભૂલી ગઈ. કલાક બે કલાક વીત્યા પછી તે નવીનચંદ્રની મેડીમાં આવી. તે ઊંઘી ગયો હતો, એને ઔષધ પાવાનો વખત વીતી ગયો હતો, તેને જગાડવો કે નહીં એ વિચારમાં પડી અને સૂતેલા નવીનચંદ્રના મુખ ઉપર દૃષ્ટિ પડી – દૃષ્ટિ પડી જ. એના વિશાળ કપાળ પર પરસેવો વળ્યો હતો અને પુરુષત્વભરી કાળી ભમ્મરો અને પાંપણો વચ્ચે મિંચાયેલાં ગોરાં પોપચાંની ગાદી પર અંગ વિનાનો-અદૃશ્ય-મન્મથ આવી બેઠો. તેના બાણનો આશ્રાવ્ય નિર્ઘોષ પાસે ઊભેલી અબળાના અંત:કરણમાં કોણ જાણે ક્યાં થઈને પેઠો. લાંબો નિઃશ્વાસ મૂકી તેણે સામી ભીંત ઉપર નજર ફેરવી ત્યાં એક આરસો આડો ટાંગ્યો હતો તેમાં નવીનચંદ્રનું ને એનું – બેનાં મોં જોડાજોડ દેખાયાં. તે જોઈ કૃષ્ણકલિકાના શબ્દ યાદ આવ્યા. આરસા ઉપરથી એ શબ્દ ખરા લાગવા માંડ્યા. એટલામાં નવીનચંદ્રે પાસું બદલ્યું. પાસું ફરતાં તેનો હાથ પાસે બેઠેલીના ખભા ઉપર ઊંઘમાં અચિંત્યો પડ્યો. તેના ઉપર કિશોરીનાં ઉષ્ણ આંસુ પડવા લાગ્યાં. નિદ્રામાં ને નિદ્રામાં આંસુના સ્પર્શથી એકલો જાગેલો હાથ ઊંચો થયો. આતુર હાથે તે હાથ અનિચ્છાથી પકડી લીધો. હાથ પર બળ આવતાં નવીનચંદ્ર જાગી ઊઠ્યો. જાગ્યો તે છતાં આંખ ઘેરાયેલી જ રહી. આ શું? નવીનચંદ્ર પણ પોતાનો હાથ ખેંચી લેતો નથી! કુમુદની પ્રિય સખી બની ગયેલી વનલીલા જમી પરવારી આવી ને આવતાં ડોકિયું કર્યું તો અલકકિશોરીને ખભે નવીનચંદ્રનો હાથ જોઈ ચમકી. ખમચી, વિસ્મય પામી ને કુમુદસુંદરીને ખબર કરવા દોડી. તેને બિચારીને ખબર ન હતી કે આ સમાચારથી કુમુદસુંદરીના અંત:કરણમાં કેવી તીવ્ર વેદના થવા લાગી હતી. ‘શું આ ખરું કહે છે? વિદ્વાન સરસ્વતીચંદ્ર! આ શું? અથવા નવીનચંદ્ર! તું સરસ્વતીચંદ્ર નહીં જ હોય. મારો – અરેરે – એક વેળા જે મારો હતો તે શુદ્ધ સરસ્વતીચંદ્ર આવો ન હોય! વનલીલા! જા, તારે જોવું હોય તો. હું નહીં આવું.' કુમુદસુંદરીની આંખમાં આંસુ તો માય નહીં. જાણે કે પોતે જ ખંડિત થઈ હોય. ‘અરે, પણ આ શું? એની ફતી હું થવા દઉં? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે નહીં ચઢવા દઉં. મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રી-રાજ્યમાં લપટાઈ દીન થયેલો જોઈ ગોરખ શું બેસી રહેશે? ગોરખનાથ, મને સહાયતા કરો.’

વળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. લોહતી લોહતી સારંગી લઈ નવીનચંદ્રવાળી મેડીની પાસે, એ મેડીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી :

શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે,
પડવા માંડેલી પડી પાછી! ટકી ન હર! હર-શિરે-શુભ્ર.
પડી ગિરિપર; ઉચ્ચ ગિરિવર મૂકી પડી એ પાછી –
અવની પર આળોટતી ચાલી ધૂળવાળી ધણી થાતી-શુભ્ર.
મલિન ગંગા! ક્ષારસમુદ્રે પેઠી અંતે એ તો.
ભ્રષ્ટ થયું જરા તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો?
ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો!’

પોતાની મેડી બહાર સંભળાય એમ કુમુદસુંદરી કદી પણ ગાતી ન હતી. હૃદયના સંબંધે એની મર્યાદા આજ છોડાવી. જેમ જેમ ગાયન આગળ ચાલ્યું તેમ તેમ આંખમાંથી આંસુની ધાર વધી, સારંગી જમીન પર સરી પડી, ડોક ઢીલી થઈ ગઈ, માથું ઢળી પડ્યું, કમળની પાંખડીઓ જેવી લલિત આંખો મિંચાઈ ગઈ. આણીપાસ નવીનચંદ્ર જાગી ઊઠ્યો હતો, પણ તે ન જાગ્યા જેવો જ હતો. આખરે કુમુદસુંદરીના ગાનનું છેલ્લું પદ આવ્યું; સારંગી પડી, ડૂસકું સંભળાયું અને સઘળું બંધ પડ્યું. તેની જ સાથે સ્વપ્નાવસ્થ નવીનચંદ્રનું હૃદય ચિરાયું. તે ખરેખરો જાગ્યો, જાગતાં કિશોરી સામું જોઈ રહ્યો. અને એકદમ પણ ધીમે રહીને – દીન વદનથી ઠપકાભરી આંખ કરી મધુર નરમ વચન બોલ્યો : ‘અલકબહેન, હું તો તમારો ભાઈ થાઉ હોં!' અલકકિશોરી શરમાઈ જ ગઈ. તપેલા વાસણ પરથી પાણીનો છાંટો ઊડી જાય તેમ તેનો અપવિત્ર વિકાર એકદમ જતો રહ્યો. હવે તો જીભ કરડીને મરું કે શ્વાસ રૂંધીને મરું – એ વિચાર પ્રબળ થતાં જ છુટકારો પાસે આવ્યો હોય તેમ તેને લાગ્યું. નવીનચંદ્ર તેની અમૂંઝણ સમજ્યો, અને દિલાસો આપી બોલ્યો : ‘બહેન, તમારું અંત:કરણ પવિત્ર છે તે હું જાણું છું. તમારો ધર્મ અંતે સચવાયો તે ઈશ્વરનો ઉપકાર માનો.' ‘ઊઠો, બહેન, ઊઠો. મને ઔષધ આપો.’ ‘ભાઈ, તમે ખરેખર મારા ભાઈ જ છો. પણ ભાઈ, સોનાની થાળીમાં લોઢાની મેખ ન ખમાય. હું હવે કોઈને મોં શું બતાવીશ? હું જીવનાર નથી–' છલકાતી આંખે અબળા બારણા ભણી ચાલી. સૌભાગ્યદેવી બારણાના ઉબર આગળ સામી મળી. હાથ ખેંચી લીધો, અને પોતાની પવિત્રતાની ખાતરી આપનાર શબ્દો નવીનચંદ્ર બોલ્યો તે સાંભળી, વનલીલા સંતોષ પામી. એટલામાં કુમુદસુંદરી ગાતી ઓચિંતી બંધ પડી. એટલે વનલીલા એણીપાસ દોડી. ગભરાયેલી ગભરાયેલી વનલીલા બૂમ પાડવા લાગી. ‘ઓ દેવી – ઓ અલકબહેન – કોઈ આવો, આ જુઓ – ભાભી શીંગડું થઈ ગયાં છે – તે કોઈ જુઓ.' ‘હેં!' કરી સૌથી આગળ સૌભાગ્યદેવી દોડી. મરવાનો વિચાર પડતો મૂકી અલકકિશોરી પણ પાછળ ઉતાવળી ચાલી. માંદો માંદો નવીનચંદ્ર પણ મંદવાડ ન ગણી ખાટલામાંથી કૂદકો મારી ઊઠ્યો. નવીનચંદ્ર આગળ આવ્યો. કુમુદસુંદરીના મોં સામું જોઈ, ગાયન સંભારી, સર્વનું કારણ કલ્પી, હૃદયમાં પડેલો ચીરો ઢાંકી, બોલ્યો : ‘દેવી, ચિંતા કરશો નહીં. એમને ઊંચકી પલંગ પર સુવાડો. અલકબહેન, જરા ગુલાબજળ મગાવો.’ અલકકિશોરી જાતે જ ગઈ. તે સાથે પિતાને અને વૈદ્યને તેડવા તુરત માણસ મોકલ્યું. સૌભાગ્યદેવી રોતી રોતી પૂછવા લાગી. ‘કુમુદસુંદરી – કુમુદસુંદરી – વહુ-બેટા-બાપુ બોલો ને, આમ શું કરો છો?' આડું જોઈ આંખો પર પહોંચો ફેરવતો નવીનચંદ્ર બોલ્યો : ‘દેવી, ચાલો, એમને પલંગ પર સુવાડીએ. હમણાં એ નહીં બોલે.’ ‘શું નહીં બોલે? શું કુમુદ નહીં બોલે? નવીનચંદ્ર! એમ શું બોલો છો? એ તો મારા ઘરનો દીવો – હોં!' ઘેલી બનતી સૌભાગ્યદેવી લવી.

નવીનચંદ્રે ગુલાબજળ લઈ ખોબે ખોબે કુમુદસુંદરીને મોં પર જોરથી છાંટવા માંડ્યું. સાતઆઠ ખોબા છંટાયા ત્યારે પ્રાતઃકાળ પહેલાં કમળની વિકસનાર પાંખડીઓ હાલવા માંડે તેમ એ કાંઈક હાલી. પણ તે વ્યર્થ. તેની મૂછ વળી ન હતી, પણ મૂર્છામાંથી ફાટી આંખ કરી લવતી હતી.

‘સરી ગઈ નામથી... સરી... મુજ હાથથી...
ઉરથી સરી નહીં રે... ઉરથી સરી નહીં રે...’

એટલામાં વૈદ્ય આવ્યો. બુદ્ધિધન અને પ્રમાદધન પણ આવ્યા. વાઈનું દરદ ઠરાવવામાં આવ્યું. આખરે મૂર્છા વળી અને સર્વનો શ્રમ સફળ થયો. આ બનાવ બન્યા પછી જ્યારે જ્યારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાખતી. આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી. ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઇચ્છા થતી હતી. બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છોડવું એ તેના મનમાં નક્કી થયું હતું. માત્ર ચૈત્રી પડવો જોવાના જ કુતૂહલથી આ ઇચ્છા દબાઈ રહી હતી.