સરોવરના સગડ/ઉશનસ્: નખશિખ સજ્જન

Revision as of 01:34, 7 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Center

‘ઉશનસ્ : નખશિખ સજ્જન

(જ. તા. ૨૮-૯-૧૯૨૦, અવસાન તા. ૬-૧૧-૨૦૧૧)

વલસાડ સ્ટેશને ગાડી ઊભી રહી ત્યારે ભારે અચંબો-સંકોચ અને ગૌરવની લાગણી થઈ આવી. કેમકે મને આવકારવા ખરે મધ્યાહ્ને, કાળાં ચશ્માં પહેરીને કવિશ્રી ઉશનસ્ પોતે આવેલા. એક હાથમાં છડી ને બીજા હાથમાં ગુલછડી. અદ્દલ એમની કવિતા જેવું જ. છંદોલયની છડી અને ભાવની ગુલછડી! મને જોયો કે તરત જ, જેમને સાથે લઈને આવ્યા હતા એ ભાઈને હાથમાંની છડી લાંબી કરીને દૂરથી જ ઓળખાણ પાડી. ‘એ આ, પેલા દાઢીવાળા ઊતરે એ જ!’ એવા મતલબનું કંઈક બોલ્યા હશે એવું અનુમાન કરું છું. જેમના દાન-નામની વ્યાખ્યાનમાળા ચાલતી હોય એ વ્યક્તિ પંડે આપણને સ્ટેશને લેવા આવે એવી અપેક્ષાની વાત તો આઘી રહી, પણ કલ્પના ય ક્યાંથી હોય? મેં જરા વાંકા વળીને વંદન કર્યા તો એમણે મારા બંને હાથ પકડી લીધા ને પેલી ગુલછડી પ્રેમથી મારા હાથમાં મૂકી દીધી. પછી તરત જ, એમના ઇશારે; પેલા ભાઈએ મારી બેગ લઈ લેવા હાથ લંબાવ્યો. મેં કહ્યું : ‘ભલે રહી. એક જોડી કપડાં જ છે, એમાં કંઈ ખાસ વજન નથી.’ ‘રઘુવીરની કવિતાનું અને તમારા વ્યાખ્યાનનું વજન તો ખરું ને?’ એક જ વાક્યમાં એમણે વ્યાખ્યાનમાળા, વિષય અને વક્તાની જવાબદારી શું હોઈ શકે એ બધું સમજાવી દીધું. વધુમાં ઉમેરાયો તે ઊંડેથી આવતો ઘૂંટાયેલો અવાજ. કદાચ એમને દહેશત પણ હશે કે આ છોકરડો શું બોલશે? પણ, પરંપરા ચૂકે તે ઉશનસ્ નહીં! પોતે ઊભી કરેલી આચારસંહિતા પ્રમાણે જ એ આવ્યા હતા. પેલા ભાઈની મોટરમાં કવિ ઉશનસ્ આગળ બેઠા. મને પાછળની સીટે બેસાડ્યો, એમ થાય કે આપણી ભાષાના આવડા મોટા કવિ, તે આપણને આટલું બધું માન આપે? ‘મહેમાન મહેમાન' રમવાનો સ્વભાવ નહીં એટલે અંદરથી હું બહુ જ સોખમણ અનુભવતો હતો. સહજભાવે બોલી વળ્યોઃ ‘ઉશનસ સાહેબ! આપ શીદ આટલે બધે આવ્યા? હું તો ઊતરીને સીધો રિક્ષા કરીને આવી ન જાત? તમે આ ઉંમરે આમ દોડી આવો ને તકલીફ ઉઠાવો એ મને તો ન ગમે.’ ‘ગુજરાતી સાહિત્ય પરિષદે તમને મોકલ્યા છે, એટલે તમે અમારા મહેમાન છો! મુખ્ય વક્તા છો!’ અને પછી 'વળાવી બા આવી!'ના કવિ કહે : ‘ખરું કહું તો મને આમ સ્ટેશને કોઈને સત્કારવા આવવું ગમે છે…!’ હું એમની પ્રસન્ન મનોમુદ્રા નિહાળું ત્યાર પહેલાં જ એમણે વાત બદલી નાંખી. ‘રઘુવીર તો નવલકથાકાર! તમે એમની કવિતાઓ વિશે બોલવાનું પસંદ કર્યું એનું આશ્ચર્ય છે!’ વાતનો તાગ મેળવવાની એમની આ રીત મને ગમી ગઈ. મેં કહ્યું, ‘તમારાં સોનેટ્સની રિદ્ધિસિદ્ધિ એટલી બધી છે કે તમારાં ગીતો ઉપર લોકોનું ધ્યાન જ ન ગયું. રઘુવીરભાઈ સાથે પણ એવું જ બન્યું છે. આપણે એમને નવલકથાકાર- વાર્તાકાર તરીકે જ ઓળખીએ છીએ, પણ એ પહેલપરથમ અને હાડે કવિ છે. એમ લાગે છે કે એમના ગદ્યની આભામાં આપણે એમની કવિતાઓને ઓછી આંકી-ઓળખી છે.' બીજે દિવસે મારું વ્યાખ્યાન એમણે એકકાને સાંભળ્યું. એટલા બધા રોમાંચિત હતા કે ન પૂછો વાત. એમના પ્રાસંગિક વક્તવ્યમાં પણ મન મૂકીને પ્રશંસા કરી. એ પ્રશંસા મારા સંદર્ભે હતી એટલે કદાચ મને સારી-સાચી લાગી હશે! પણ ઉશનસ્ કદી ખોટા વખાણ ન કરે એની સહુને ખબર છે. બાળસહજ વિસ્મય એ એમનો પ્રધાન ગુણ. બપોરે એમના મદનવાડના લક્ષ્મીશેરીવાળા નિવાસે લઈ ગયા. તમામ અર્થ અને અસબાબ સંદર્ભે જૂનુંપુરાણું લાંબું લાંબું બોગી જેવું ઘર. ઘેર જઈને ઉશનસે પવનથી ય પાતળું ધોતિયું પહેર્યું અને અસ્સલ વિપ્રરૂપે બારી પાસેની પાટ પર માથા પાછળ હાથ મૂકીને લંબાવ્યું. સાંજ પડતાં પહેલાંનો સૌમ્ય તડકો એમના શરીર ઉપર ખરડ કરતો હતો. ઘરના અસબાબ સાથે ઉશનસનું આ રીતે આડા પડવું બરાબર મેળ ખાતું હતું. દૃશ્યનો એટલો ચોરસ ટુકડો અલગ કરીને જોઈએ તો ફ્રેઈમ વિનાનું કોઈ પેઈન્ટિંગ જોતાં હોઈએ એવું લાગે. મને બાજુની ખુરશીમાં બેસાડ્યો. પડ્યા પડ્યા અમદાવાદના આખા સાહિત્યજગતની લટાર મારી. એમની વાતો સાંભળતાં સાંભળતાં હું એકેએક ચીજવસ્તુને અને એના ઉપર વિના રોકટોક, મુક્ત રીતે પ્રવેશી ગયેલી ને સ્થિર થઈ ગયેલી ધૂલિને મનમાં નોંધતો હતો. એ જાણી ગયેલા ઉશનસ કહે કે – ‘બધું એમ જ પડ્યું છે.... કામ કરનાર મળતું નથી ને હું ય હવે તો ટેવાઈ ગયો છું!' પછી -

‘એક ધ્રુવે હું અવરે છેડે તારો પ્રેમ અબોલ,
વિરહ-ભારથી ઠીક ચલે છે જીવન આ સમતોલ!'

એ ગીત મારી ફરમાઈશ પ્રમાણે સંભળાવ્યું. પણ, એક ગીતથી તો એ અટકે જ નહીં! મનમાં ને મનમાં પ્રેમ, મનમાં ને મનમાં મિલન અને મનમાં ને મનમાં વિરહના ઓઘ ઊછળ્યા કરે. પણ, એના કોઈ ઉધામા નહીં, બસ બધાંને અખિલાઈથી જોયા-ચાહ્યા કરવું. કોઈ પણ જાતની મુખરતાને પ્રવેશબંધી! મનુષ્યચિત્તનો ભાગ્યે જ કોઈ એવો ભાવ હશે, જે એમની કવિતામાં નહીં ઝિલાયો હોય. એ સાંજે મેં ઘણી ના કહી, કે તમે ન આવો, પણ માન્યા નહીં ને રિક્ષા કરીને ધરાર મને દરિયે લઈ ગયા. દૂરથી દરિયો દેખાયો ને મારા પગમાં ઉતાવળ આવી, પણ કવિ તો એક નારિયેળવાળા પાસે અટકી ઊભા. કહેવાની જરૂર ખરી? કે નારિયેળવાળો એમનો વિદ્યાર્થી હતો ને ખૂબ આગ્રહ છતાં એણે ‘પઈહા લીઢા જ ની ને!’ એ દિવસે અસ્ત થતા સૂર્યે, એકસાથે, હાથમાં હાથ પરોવીને પોતાને જોવા આવેલા, અલગ અલગ બે પેઢીના ગુજરાતી કવિઓને નિહાળ્યા. એ સમયે અમે સૂર્યને જ બોલવા દીધેલો. ભાગ્યે જ કશું બોલ્યા હોઈશું. વળતાં ઉશનસ્ કહે કે : ‘એક ક્ષણ એવી આવી કે જાણે સમય ઓગળી ગયો. સૂર્યનો અસ્ત થાય છે કે ઉદય? ખ્યાલ જ ન રહ્યો. ક્ષણેક ભ્રમણા થઈ આવી!’ પછી પોતે જ ઉમેર્યું: ‘દરિયે થયો તે તો સૂર્યાસ્ત જ. પણ ઉદયનો અનુભવ એ આપણા મનની મૂડી!’ આટલું બોલતાંમાં તો કવિ પોતે જ પૃથ્વીનો બીજો ચહેરો બની બેઠા! ક્ષિતિજની નીચે પણ એમની નજર ફરી વળી હતી. મને થયું નખશિખ સજ્જન એવા આ કવિના ચિત્તમાં કોઈ સોનેટ આકાર લઈ રહ્યું છે કે શું? જમ્યા પછી વરિયાળી ચાવતાં ચાવતાં અસ્થમાયુક્ત ઘેરા અવાજે કવિ બોલ્યા: ‘તમારી વાત છે તો તદ્દન સાચી! મારાં ગીતો પર તમારું ધ્યાન ગયું છે એ જાણીને ખૂબ ખુશી થઈ. એમ કરો, મારાં ગીતોનું એક સરસ સંપાદન તમે જ કરી આપો!’ મેં મનોમન એક નહીં, પણ બે સંપાદનનો સંકલ્પ કર્યો. એક તે રઘુવીરભાઈની કવિતાઓ, જેનું શીર્ષક પણ તરત સૂઝી આવ્યું : ‘વિદાયનો અનુભવ’ અને બીજું તે ઉશનસનાં ગીતો, ઉશનસે મૂકેલા વિચારબીજનું વર્ષો પછી પરિણામ આવ્યું તે ‘વેદના એ તો વેદ' પણ, પહેલા સંપાદનનો હજી મોખ આવ્યો નથી. સર્જનાત્મક પડકાર ઝીલવાનું એમનું વલણ જબરું હતું. કદાચ એ પડકારના ભાગરૂપે જ એ ગઝલ તરફ વળેલા. પરંતુ ચુસ્ત રદીફ-કાફિયાનો અભાવ, ગીત-સોનેટનો બાનીસંસ્કાર જેવી બાબતોને લીધે ગઝલના મિજાજે એમની ગઝલોને’ ઈર્શાદ' ન કહ્યું તે ન જ કહ્યું! મને આમ પણ જૂના અને મોટા માણસોનું સાંન્નિધ્ય બહુ ગમે. એમાંય ઇતિહાસ પ્રસિદ્ધ કવિયુગ્મ ઉશનસ્-જયન્ત પાઠકનું સાથે હોવું એ તો અનેરો અવસર. પ્રસંગ હતો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જન્મશતાબ્દીનો. અને એ નિમિત્તે, વિ.ર.ત્રિના લેખોનું જયન્ત પાઠકે સંપાદિત કરેલું પુસ્તક ‘વિદ્યાપ્રસાદ' પણ પ્રગટ થવાનું હતું. સૂરતમાં કાર્યક્રમ અને અકાદમીના મતદારમંડળ દ્વારા ચુટાયેલા ઉપપ્રમુખ યશવંત શુક્લ અધ્યક્ષ. એટલે સૂરતના ઉમંગનો પાર નહીં. કેમકે યશવંતભાઈ પણ વિષ્ણુભાઈના વિદ્યાર્થી. કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમીનો, પણ આચાર્યશ્રી રમેશભાઈ ઓઝાના નેતૃત્વમાં બધું આયોજન થયેલું. આપણે ત્યાં કોલેજના આચાર્યોની પણ એક મજબૂત પરંપરા હતી. આચાર્ય કેવા? તો તરત યાદ આવે યશવંત શુક્લ, ધીરુભાઈ ઠાકર, હરિહર શુક્લ, ચંદ્રકાન્ત ટોપીવાળા, વિનોદ અધ્વર્યુ, દલપત મુનીમ અને એમના જેવા બીજા જો કોઈ હોય તો! એમાં આપણે ઉશનસને કદાચ મૂકી શકીએ. એ દિવસોમાં યશવંતભાઈને સ્મૃતિભ્રંશની શરૂઆત. કાર્યક્રમ બીજે દિવસે સવારે. પણ, આગલી સાંજે મહેમાનોની સાથે, અમે બધાં મહામાત્ર-કવિ દલપત પઢિયારની આગેવાનીમાં પહોંચી ગયેલાં. સાંજે આખું સાક્ષરટોળું તાપીતટે ચાલવા નીકળ્યું. ઘણાં બધાં હતાં. સૌથી આગળ ‘વગડાનો શ્વાસ', 'તૃણનો ગ્રહ' અને 'રમણભ્રમણ'નું હાસ્યોપનિષદ ત્રેખડમાં ચાલે. એમની પાછળ આચાર્યશ્રી યશવંત શુક્લ, ભોળાભાઈ પટેલ અને હમણાં જ જે રતનરૂપને વર્યા એ ભગવતીકુમાર શર્મા. જયન્ત પાઠક અને રમણ પાઠક સગા ભાઈઓ, ઉશનસ્ એમના માસિયાઈ. ઉશનસૂને બીજા એક ભાઈ હતા, સનાતન પંડ્યા. એ પણ ‘કુમાર' વગેરેમાં લેખો લખતા. પ્રમાણમાં વહેલા જતા રહેલા. પણ બધા ભાઈઓ લગભગ સાથે જ ઉછરેલા. એ દિવસે આ કવિયુગ્મ શું તોફાને ચડ્યું! બંનેની ઉંમરમાંથી અરધી શતાબ્દી ઉપરાંતનો સમય ખરી પડ્યો હતો. કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં જતા હોય એમ. એકબીજાના ખભે હાથ નાંખીને બંને મોટેમોટેથી હસતા હતા. કવિતાથી માંડીને કામસૂત્ર સુધી એમના હાસ્યનો વ્યાપ હતો. હવે દાદી બની ગયેલી પણ જે તે વખતની કન્યાઓને આ કિશોરકાન્તો ભાવથી યાદ કરવા ભાગ્યા. કોઈ બે ચોટલાવાળીનું નામ આવ્યું ને જયન્તભાઈ ઉછળ્યા રમણ પાઠક 'વાચસ્પતિ'એ જયન્તભાઈના ખભા સાથે પોતાનો ખભો અથડાવ્યો ને જયંતભાઈ ઉશનસ્ પ્રતિ પોતાનો ચહેરો લઈ ગયા. સહેજ તીરછી નજર કરીને કહે: ‘એ તો તમને બહુ ગમતી હતી, નહીં?’ ઉશનસની આંખો થોડી ઊંડી. તે વધુ ઊંડે ગઈ. વદન મક્કમ કરીને કહે કે -'બચુભાઈ અમારું તો બધું 'અબોલ’વાળું જ હોય! પણ હું તો એવા ભ્રમમાં હતો. કે એની નજર તમારા ભણી હતી!’ બચુભાઈ એ જયન્તભાઈનું હુલામણું નામ. ‘ના હોં! અલ્પમાત્રામાં પણ નહીં!' જયન્તભાઈએ તરત જ આખી વાતમાંથી રાજીનામું આપી દીધું! અને ઉશનસના વખાણ શરૂ કર્યા. કહ્યું કે, ‘ત્યારે તમે કોઈની પણ નજરમાં આવી જાવ એવા હેન્ડસમ લાગતા હતા!' ભોળાભાઈએ છેલ્લા વાક્યમાં સુધારો સૂચવ્યો અને અટ્ટહાસ્ય કર્યું. ‘આવી જાવ'ની જગ્યાએ ‘વસી જાવ' એમ મૂકીએ તો?’ કવિ ઉશનસને શરમથી કોકડું વળી જતાં જોવાનો લહાવો અમને મળ્યો. એ પછી ઉશનસે સહેજ દબાતે સ્વરે બીજી એક વ્યક્તિનું નામ ઉચ્ચાર્યું ને જયન્તભાઈના ચિત્તમાં લજામણીનો છોડ ઊગી આવ્યો. પછી બંને જણ ભારતીય શિલ્પકળાની રમણીઓ નિમિત્તે સહઅધ્યાયિનીઓનાં વર્ણને ચડ્યા ને એમાં રમણભાઈ, કદાચ ઈરાદાપૂર્વક થોડા પાછળ રહ્યા. છેવટે તારણ એમ નીકળ્યું કે આ બંને ભાઈઓ તે વખતે સતત સાથે રહેતા હતા, તે સાથે ને સાથે ન રહ્યા હોત તો કોઈને ય માટે ગેરસમજ કે અવઢવને અવકાશ રહ્યો ન હોત! અચાનક ઉશનસનું ધ્યાન અમારા પર ગયું. અમે લગભગ એમની પાછળ જ ચાલતા હતા. મારી સામે હાથ લંબાવીને જયન્તભાઈને કહે, ‘આ નવી પેઢીના જુવાનિયાઓ આપણા વિશે શું ધારશે?’ ‘એ કોઈ નાના નથી. ધારશે તો કંઈ નહીં, પણ પ્રેરણા જરૂર પામશે!' બધાએ ખડખડાટ હસીને એકસાથે આકાશભણી જોયું તો ચંદ્ર પૂર્ણતા તરફ ગતિ કરી રહ્યો હતો! મારા મનમાં રાજેન્દ્ર શાહની પંક્તિ આવીને સરકી ગઈ: ‘તને જોઈ જોઈ તોય તું અજાણી...’ ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈમ્બતુર અધિવેશનના પ્રમુખ તરીકે ઉશનસ્ ચૂંટાયેલા. એમની અને ડૉ. રમણલાલ જોશી વચ્ચે સ્પર્ધા થયેલી. ઉશનસે રમણલાલ સામે ચૂંટણી લડવાનું ઔદાર્ય દાખવેલું. રમણલાલની સ્મરણશક્તિ ઘણી સારી. કોઈનું પણ કામ કરી આપ્યું હોય એ એમને બરાબર યાદ હોય. પોતે અને એમના પ્રિય શિષ્ય કવિ મફત ઓઝા મત માટે ઠેર ઠેર અશ્વમેધનો ઘોડો લઈને ઘૂમી વળેલા. એક વહેલી સવારે મારા ઘર પાસે આવીને ભૂરા રંગની એમ્બેસેડર ઊભી રહી. આગળની સીટમાંથી મફતભાઈ અને પાછળની સીટમાંથી જોશીસાહેબનું અવતરણ થયું. એ અદ્ભુતદર્શનનું વર્ણન જોશીસાહેબ વખતે યાદ આવશે તો કરીશ. મેં બંનેને આવકાર્યા. ઘરમાં ખુરશી બે જ હતી. એટલે એ બંનેને એમાં બેસાડીને હું નીચે શેતરંજી પર, કહો કે એમના ચરણોમાં બેઠો. આગમનના હેતુનો અંદાજ મને ન હોય એવું તો કેમ બને? પણ એમને બોલવા દીધા. જોશીસાહેબના મોંમાં તેજ તમાકુવાળું પાન, એટલે અમુક રીતના ઉચ્ચારો સાથે એમણે શરૂ કર્યું. સાર કંઈક આવો હતો: 'તમે તો મારા પ્રિય વિદ્યાર્થી! તમને અકાદમીમાં કાયમી કરવામાં મારો પણ યત્કિંચિત ફાળો ખરો! વળી મેં તો તમને ભણાવેલા! પરિષદનો પ્રમુખ અમદાવાદનો જ હોય તો કામકાજની સરળતા રહે. ઉશનસ્ તો મારા પણ મિત્ર. પણ એ તો લહેરી કવિ! સંસ્થાગત બાબતોમાં એમની ચાંચ ઓછી ડૂબે એટલે સ્થાનિક કાર્યકરોની હામાં હા ભણે એવું બને…’ જોશીસાહેબે પાનનો ઘૂંટડો ઉતારવા પોઝ લીધો એટલે મફતભાઈએ વાક્ય ઝીલી લીધું: ‘તો એ કરતાં તો રમણભાઈ આવે એ વધારે સારું.’ ઘૂંટડો ઊતરી ગયો હતો એટલે જોશીસાહેબ એકદમ મેદાનમાં આવી ગયા. સ્પષ્ટ છતાં ઘોઘરા અવાજે કહે, ‘તમારો મત દઈ દો એટલે પત્યું! તમારા ઉપર મારો એટલો હક્ક ખરો કે નહીં?’ હું ચૂપ રહ્યો એટલે હળવે રહીને મફતભાઈ કહે કે – ‘કાઢો મતપત્રક ને કરો ચોકડી! કવર અમે પહોંચાડી દઈશું!' જોશીસાહેબે પણ અધિ(હ)કારમાં માથું ધુણાવ્યું. અહીં જ મારી કસોટી હતી. મેં ઊભા થઈને ટપાલો ભેગું પડેલું કવર કાઢ્યું. એ બંનેને સમુદ્રમંથન સરળ લાગ્યું. પણ મેં કહ્યું કે, ‘મને સાંભળો’. એમને એમ કે કંઈક માગણી કરશે. એમનાં ચિત્ત વાંચી ગયેલો હું બોલ્યો: 'એક અપેક્ષા છે...' ‘બોલો, બોલો!’ યુગલગાન. ‘આપનો પ્રેમ અને અધિકાર સ્વીકારું છું પણ, મને સ્વતંત્ર રહેવા દો! મતદાન હું મારી રીતે કરીશ ને એ ખાનગી રહે એમ ઈચ્છું છું.’ થોડી વાર સન્નાટો ફેલાઈ ગયો. પણ, પછી એમના આગ્રહનો મેં જે જવાબ આપ્યો એ અત્યારની ભાષામાં લખું છું. પણ, ભાવ લગભગ આ પ્રકારનો હતો : ‘હું એમ સમજું છું કે પરિષદના પ્રમુખપદ નિમિત્તે સર્જકનો મહિમા થાય એ જ સારું. ઉશનસ્ આપણા મોટ્ટા કવિ છે, વળી નિરુપદ્રવી પણ છે. આપનું કામ અને નામ પણ ઘણું મોટું. પરંતુ તમે જ મને ભણાવતી વખતે સર્જક અને વિવેચકનો ભેદ સમજાવ્યો હશે એમ ધારું છું. તમે કોઈ ખોટી ધારણામાં ન રહો એટલે સ્પષ્ટ કહું છું કે મારો મત ઉશનસના ખાતામાં જ જશે. મને માફ કરશો. હું આપની અવમાનના નથી કરતો, પણ મારા મતને વળગી રહેવા માગું છું. ઈચ્છો તો મારી પ્રામાણિકતાનો સ્વીકાર કરો.’ બંને ઊભા થઈ ગયા એ મને ન ગમ્યું. મેં કહ્યું, 'મારે આંગણેથી ચા પીધા વિના જશો? વળી, ચાનું નામ લઈને જાવ તો અપશુકન થાય. મહેરબાની કરીને દસ મિનિટ બેસો તો હું ફટાફટ ચા બનાવી લાવું.' અને અચાનક જ 'રમણલાલનો હૃદયપલટો!' બેસી ગયા. અમે સાથે ચા પીધી અને એમણે પહેલેથી જ મારું નામ લખીને આવેલા તે પુસ્તક મને ભેટ આપ્યું! આ આખીય ઘટનાની જાણ ઉશનસને કદીયે ન થાય એની મેં કાળજી રાખેલી. હમણાં થોડા સમય પહેલાં કવિ જયદેવ શુક્લના ઘેર સાવલી જવાનું થયું. મારા માટે સાવલી જવું એ કોઈ નવી વાત નથી. હું મારે ઘેર જતો હોઉં એટલી સહજ રીતે ઓડ-અહિમા ઓડ-અહિમા કરતો ગમે ત્યારે સાવલી પહોંચી જાઉ છું. સ્વામીજીનું આકર્ષણ પણ ખરું. પણ, એકેય વખત સદ્માતાના ખાંચામાં ‘ભંડારી ભુવન' એટલે કે ઉશનસના ઘેર જવાનો મેળ ન હોય. આ વખતે તો જિદ કરીને કવિનિવાસ જોવા હું ને બિન્દુ, પ્રતીક્ષાબહેન અને જયદેવભાઈની આંગળિયે ગયાં. એ મકાન હવે કવિનું નથી. પણ, ખરીદનારે લગભગ એવું ને એવું જ જાળવી રાખ્યું છે. ઉશનસના ઘરમાં પોતે રહે છે એનું એ લોકોને ગૌરવ પણ છે. મજાની વાત એ કે જયદેવ પણ વર્ષો સુધી આ ઘરમાં ભાડે રહેલા ને પોતાના જીવનનાં ખડતલ-ઉત્તમ વર્ષો ત્યાં વીતાવેલાં. ઉમાશંકરથી માંડીને બીજા અનેક સાહિત્યકારો એ ઘરમાં રાતવાસો કરી ગયેલા. હું કેમેરાની આંખે ખૂણેખૂણો ફરી વળ્યો. એકસાથે બે કવિઓની જીવનસુવાસ લેવાનો અપૂર્વ અવસર હતો મારે માટે. આપણા મહત્ત્વના સાહિત્યકારો, કળાકારોનાં નિવાસોને એક તીર્થની જેમ જાળવી રાખવાનું સૂઝે એવા સંસ્કારશીલ સત્તાધીશો આપણને ક્યારે મળશે? ઉશનસનું ગીત છે : 'કો’ક જણે તો. કરવું પડશે ભાઈ!’ બેએક વખત ઉશનસને મેં નારાજ કરેલા. કવિ મોટે ભાગે પોસ્ટકાર્ડ અથવા ઇનલેન્ડલેટરમાં સોનેટ કે ગીત લખીને ‘શબ્દસૃષ્ટિ' માટે મોકલે. જગ્યા ઓછી અને લખવાનું ઝાઝું એટલે આમથી તેમ તીર તાણે. આખેઆખી પંક્તિ છેકીને ઝીણા અક્ષરે બીજી વાર લખે. પાછા અક્ષરો ય કંઈ સારા નહીં. છપાયેલી કૃતિમાં ભૂલ રહી જાય તે તો કોને ગમે? એટલે દરવખતે એમની કૃતિ હું મારા હાથે લખીને જ પ્રેસમાં મોકલું. પછી મેં વિનમ્રતાથી ઉશનસને લખ્યું કે- ‘જોઈએ તો તમને હું સારા કાગળનો એક થપ્પો મોકલું. પણ મહેરબાની કરીને હસ્તપ્રત ચોખ્ખી ને બને તો કવરમાં જ મોકલો તો સારું.' એમણે સૂચન સ્વીકાર્યું, પણ કાગળ હું મોકલું એ બાબતે ગુસ્સે થયા. વળતી ટપાલે પો.કા. આવ્યું. હું ગાંધીયુગનો કવિ છું. દાયકાઓની મારી કાવ્યયાત્રા છે. બીજા કોઈ તંત્રીએ મને તમારા જેવું કહ્યું નથી. બધા જ છાપે છે. મને કાગળ મોકલવાની જરૂર નથી. અહીં વલસાડમાં મળી રહે છે! વગેરે વગેરે.. પછીથી એમણે કોરા કાગળમાં લખીને કવરમાં મોકલવાનું રાખ્યું પણ કાળો ગુંદર એટલો બધો ચોપડે કે ન પૂછો વાત! કાળસંદૂક જેવું બનાવીને કવર મોકલે. અમારો ક્લાર્ક બાબુ એને ખોલવામાં ગમે એટલી કાળજી લે તો પણ બે-ચાર અક્ષરો તો ચોટેલા હોય એટલે ફાટી જ જાય! વધારામાં કાગળ એટલા જૂના વાપરે કે ઉઘાડતાંવેંત જ ટુકડા થઈ જાય. અક્ષરે અક્ષર ગોઠવીને પાછળ પટ્ટી મારીએ ત્યારે મેળ પડે! અર્વાચીન ગુજરાતી ભાષામાં અવિરત કવિતા લખતા કવિઓ તો બે જ. એક તે રાજેન્દ્ર શાહ અને બીજા ઉશનસ્. ત્રીજા સુન્દરમ્ ખરા, પણ ઉત્તરાર્ધમાં કવિતા ઓછી ને લખાલખ ઝાઝી. ઉશનસે તો પોતે જ ‘તપસીલ'માં કહ્યું છે: 'પ્રો. ઠાકોર- ગાંધીયુગમાં કવિતાનું એક પ્રમુખ માધ્યમ તે સોનેટ સ્વરૂપ હતું. ને હું તે ગાળાનો કવિ છું એટલે સોનેટ મારી નજરમાં સૌથી મોખરે રહ્યું. હું ત્યારે જ સોનેટ લખવા તરફ વળ્યો છું જ્યારે મને તે આખા ત્રિભંગમાં આકૃત દેખાય. માંડણી-ઊથલો ને ચોટ. આ તેના ત્રણ ભાગો છે એમ હું સમજું છું… બીજું એ પણ કહું કે હું ખૂબ ઊભરાતી-છલકાતી અનુભૂતિઓવાળો ઊર્મિકવિ છું. Sustained lyrical moodનો હું કવિ છું, એટલે જ બધું ઉભરાય છે ને છલકાય છે. હું ગાંધી- ઠાકોરયુગનું સંતાન છું…આ બંનેના પ્રભાવમાં હતો. હા હતો, પણ તરત જ હું ગાંધીમાંથી રવીન્દ્રનાથ તરફ ને ઠાકોરમાંથી 'કાન્ત' તરફ વળવાના વલણવાળો થતો આવું છું… હું કાન્ત-રવીન્દ્ર તરફ વળી ગયો છું ને હજી તે બાજુ સક્રિય છું. તેની નોંધ લેવાતી નથી. અથવા તો નવા વલણનું મૂલ્યાંકન થતું નથી. એને આપણે શું કહીશું? પૂર્વગ્રહ? બદ્ધરુચિતા? હું આપને મારી ઉત્તરકાલીન કવિતાનો પુનઃ અભ્યાસ કરવાની ભલામણ કરું છું. જેમાં હું કાન્તોપમ કાવ્યબાનીને સેવવા પામવા મથું છું.’-તો આ છે 'ઔશનસી' કવિમુદ્રા! જો કે, આ ફરિયાદ એમની એકલાની નથી. શબ્દફેરે કોઈ પણ સારા અને વિકસતા કવિની હોઈ શકે. ઉશનસ્ દોણી સંતાડનારા નથી. માનસન્માન પાછળ એ કદી ખાઈખપૂચીને પડ્યા નથી. પણ, સ્વીકારની વાંછના તો કોણે નથી કરી? વળી, ઉત્તમ લખનારનો તો આપોઆપ એ હક્ક બને છે. કાવ્યબળે કરીને જ્ઞાનપીઠના ઉંબરે તો એ પણ હતા. એકથી વધુ વખત એમનું નામ સૂચવાતું હતું એના સાક્ષી આ લખનાર અને પ્રો. ચંદ્રકાંત ટોપીવાળા પણ છે. પણ, ઇનામોની બાબતમાં કાવ્યબળ કરતાં ઘણી વખત કાળબળ મહત્ત્વનું બની રહેતું હોય છે! ‘શબ્દસૃષ્ટિ' માટે અસ્વીકૃત ઠરેલાં સાત આઠ સોનેટ ભેગાં થઈ ગયેલાં. તે મેં એક કવરમાં મૂકીને એમને મોકલી આપ્યાં અને ઉશનસ્ ધાગા ધાગા! એમનું ઓવનફ્રેશ પોસ્ટકાર્ડ આવ્યું. ‘હું ગાંધીયુગનો કવિ છું… આવું કોઈ દિવસ બન્યું નથી વગેરે વગેરે..... જવાબમાં પત્રાચાર કરવાને બદલે કવિનો અવાજ સાંભળવાનું મેં નક્કી કર્યું. ફોન જોડયો. ‘નમસ્તે! હું હર્ષદ…' એટલું સાંભળ્યું ને કવિનો ગુસ્સો તૃણથી તે તારક લગ જઈ પહોંચ્યો. એમનું પૂરું થયું એટલે મેં કહ્યું કે- ‘મહેરબાની કરીને હવે મને સાંભળો. આપ બોલતા હતા ત્યારે હું એક અક્ષરેય બોલ્યો નથી. તો હવે મારી વાત કાને ધરો, એ પછી આપ જેમ કહેશો તેમ કરીશ.’ ‘હંઅઅ... બોલો!' ‘ઉશનસ્ સાહેબ! ગુજરાતી સાહિત્યમાં આપનું નામ ટોચ ઉપર છે. આપનું અર્પણ જ એટલું મોટું છે કે કોઈ તમને અવગણી શકે એમ નથી. પરંતુ, આ સોનેટ્સ છપાય એથી આપની કીર્તિમાં કોઈ વધારો થવાનો નથી. અને નહીં છપાય તો ઘટાડો પણ થવાનો નથી! પણ એ સોનેટ્સ તમારા નામને જેબ આપે એવાં થયાં નથી, એવો મારો મત છે. તમે એક ડગલું ય આગળ ન જાઓ ને ટેવવશ લખ્યા કરો તો ય અમુક હદથી નબળું તો ન જ લખો. પણ મને કંઈક વધારેની અપેક્ષા છે. તમે તમારી જ છાયામાંથી બહાર નીકળતા હો એવાં સોનેટ્સ જોઈએ છે! અને બીજું, ધારો કે હું આ રચનાઓ છાપતો જ રહું તોય કોઈને કંઈ વાંધો પડવાનો સંભવ નથી. પણ 'શબ્દસૃષ્ટિ'ની એ જગા જો હું કોઈ નવોદિત માટે ફાળવું તો એના વિકાસમાં જરૂર ફેર પડે! હવે તમે જ કહો મારી અપેક્ષા ખોટી છે?’ ‘તમે કહેતા હશો તો હવે હું નહીં મોકલું. બસ!' ‘હું એમ નથી કહેતો કે તમે ન મોકલો. પણ, એવું મોકલો જે કશુંક નવું...’ ઉશનસને ગળે વાત ઊતરી ગઈ! અત્યંત નિખાલસપણે, રાજી થઈને કહ્યું, ‘હા. ‘નવું’ થશે તે મોકલીશ. એ પછી એમણે જે રચનાઓ મોકલી તે પાછી મોકલવાનો અવસર આવ્યો નહોતો. સાવ અમથું તો ભગવાન કૃષ્ણએ નહીં કહ્યું હોય- 'કવીનામ્ ઉશના કવિઃ કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું!' કેમકે શુક્રાચાર્ય પાસે સંજીવની હતી! ગુજરાતી કાવ્ય પરંપરામાં ઉશનસની કવિતાએ પણ સંજીવનીરૂપ ધારણ કર્યું છે. કવિ હરિકૃષ્ણ પાઠકે ક્યાંક રમૂજમાં કહ્યું હતું કે ‘ઉશનસના ઘરમાં હીરનાં ચીર પણ ગાભાની જેમ પડ્યાં હોય અને જયન્ત પાઠકના ઘરમાં મસોતું ય સંકેલેલું, ઈસ્ત્રીબંધ વ્યવસ્થિત હોય!' આ વિધાન બંને કવિઓની કવિતાને જ નહીં, સમગ્ર જીવનશૈલીને પણ લાગુ પાડી શકાય. ઉશનસ્ કપડાંની બાબતે જરાય સભાન નહીં. મિલેટરી કે રાખોડી રંગનું પેન્ટ અને સફેદ કે આસમાની શર્ટ એમણે વર્ષો સુધી પહેર્યે રાખ્યાં. શિયાળે એના ઉપર કોટ ઠઠાડે. એમને મારી જેમ ગામ પહેલાં શિયાળો બેસે અને ગામ પછી જાય! કોટ અને છત્રીના કાપડનો રંગ લગભગ ઊપટી ગયેલો, ને એમાં કાળાધોળા ઘોડા પડી ગયેલા. અમદાવાદમાં એક વાર કોઈ મિટિંગમાં મળવાનું થયું. ઉશનસે અપેક્ષાભંગ ન કર્યો. એ જ કોટ ચડાવીને આવેલા. મેં મજાકમાં ‘ઉશનસ્ સાહેબ! આ કોટ ક્યારેક તો કહેતો હશે ને કે હું તમારા ખભે રહી રહીને હવે થાકી ગયો છું… હવે તો બદલો... બહુ જૂનો થઈ ગયો...!' કોઈ વાતને માત્ર અભિધાના સ્તરે જ લે તો ઉશનસ્ શાના? એ વખતે તો હસી કાઢ્યું, પણ થોડા સમયમાં જ સમાચાર મળ્યા કે ઉશનસ્ હવે સદેહે આપણી વચ્ચે નથી! ‘શ્રીમદ્ભગવદ્ગીતા' એમના ઉપનામ પૂરતી જ સીમિત ન હતી અને એ નટવર હતા તે તો છોગામાં. ‘વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોઙપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. આ શ્લોક એમણે જીવનમાં પણ ઉતાર્યો હતો. કવિ ઉશનસે જીર્ણ કોટ જ નહીં, આખું આયખું બદલી નાંખ્યું!