સરોવરના સગડ/ચંદ્રકાન્ત બક્ષી : ગુજરાતી સાહિત્યનું એક રફ એન્ડ ટફ નામ!

Revision as of 02:02, 7 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Center

‘ચંદ્રકાન્ત બક્ષી :
ગુજરાતી સાહિત્યનું એક રફ એન્ડ ટફ નામ!

(જ. તા. ૨૦-૮-૧૯૩૨, અવસાન તા. ૨૫-૩-૨૦૦૬)

૧૯૭૬માં સુરેન્દ્રનગરમાં ટોલ્સટોય, શરદબાબુ અને જર્મન કવિ રિલ્કે સંદર્ભે 'ત્રિવેણીસંગમ' નામે કાર્યક્રમ, મોહમ્મદ માંકડના માર્ગદર્શનમાં 'શબ્દલોક' સંસ્થાએ યોજેલો. એમાં ચંદ્રકાન્ત બક્ષી ઉર્ફે બક્ષીબાબુ પણ વક્તા હતા. એમને, એમનાથી ઘણા મોટા એવા બીજા એક બાબુ, શરદબાબુ વિશે બોલવાનું કહેલું. એ અરસામાં અમે ‘પડઘા ડૂબી ગયા', 'એકલતાના કિનારા', 'આકાર' અને 'પેરેલિસિસ' પ્રેમપૂર્વક વાંચી ગયેલા એટલે એ રીતે પણ અમને બક્ષીબાબુનું જોરદાર આકર્ષણ, શ્રીમતી રંભાબહેન ટાઉનહોલમાં બેઠા બેઠા બેસબરીથી ઇન્તેજાર કર્યા કરીએ, ક્યારે બક્ષીસાહેબ તશરીફ લાવે! મહાનુભાવોનું ટોળું આવ્યું. એ વખતે અત્યારની જેમ, સાહિત્યકારો ડાગલા, જાદુગર કે કીમિયાગર જેવાં કપડાં ન પહેરતા. બક્ષીબાબુ પ્રમાણમાં ઠીંગણા ને એમની આજુબાજુનાઓની શારીરિક ઊંચાઈ પ્રમાણમાં વધુ, એટલે ઝટ દેખાયા નહીં. અમે લાંબી ડોકે એમને ખોળતા રહેલા. એ દેખાયા ત્યારે કેવા લાગતા હતા? મિલિટરી રંગનું જાડું પેન્ટ, એવું જ પણ કંઈ ઝીણી ઝીણી ચોકડીઓવાળું ભડકીલી ભાતનું શર્ટ, ઊંચા કોલર, કમરમાં વધારે પડતો પહોળો, સોનેરી રિવેટવાળો કાળો પટ્ટો, પગની પિંડી લગી આવે એવા હોલબૂટ, ચમકતી ચોરસ ફ્રેઈમનાં ચશ્માં નીચે દાઢી, હોઠમાં હાથથી પકડેલી પાઈપ! ચહેરાના બાકીના ભાગમાં શીતળામાતાનો થોડો પ્રસાદ વેરાયેલો તે, તેનાં રહી ગયેલાં ચાંઠાં. ડોકમાં આછી સોનાની ચેઈન. એટલે સાહિત્યકાર ઓછા ને વધારે તો હન્ટર જેવા લાગે! જો કે અમને આ પ્રથમ 'બક્ષીદર્શન’નો અનેરો ઉમંગ હતો. કોઈ વિદેશી સાહિત્યસર્જક જેવી એમની આ ખરબચડી મુદ્રાએ અમને રોમાંચિત કરેલા. વિશેષ આશ્વર્યાઘાત તો ત્યારે થયો, એ જ્યારે બોલવા ઊભા થયા. પહેલાં તો એમણે મંચ ઉપરની હવાને ઊંડા-માઈકમાં સંભળાય એ રીતે- શ્વાસો લઈલઈને સૂંઘી. પહેલું જ વાક્ય બોલ્યા કે ‘મને તો અહીં, ગાંધીયુગની ધૂળની ગંધ, યાનિ કિ ‘બૂ' આવે છે… કેમકે કેટલાક 'વધુ પડતા ઋજુ' લોકો એમના ગાંધી-આદર્શોની પછેડીઓ અહીં ખંખેરી ગયા છે!! કેટલાંક સમજીને, કેટલાંક સમજ્યા પહેલાં જ અને કેટલાંક આ વાક્ય સમજાયા પછી પોતપોતાનાં ફેફસાંની શક્તિ અનુસાર હસ્યાં. ઘણાંનો તો જૂનો કફ એક જ ખોંખારમાં છુટ્ટો પડી ગયો! સંદર્ભ સ્પષ્ટ હતો: આગલે દિવસે એ જ મંચ ઉપર આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી હતા! વક્તવ્યની શરૂઆતમાં જ બક્ષીબાબુએ, જેની છાતી પર વાળ હોય એ સર્જકો ‘ટોલ્સટોય' શબ્દનો સાચો ઉચ્ચાર કેમ કરે ને આપણા પોતડિયા વિવેચકો કઈ રીતે ઉચ્ચરે છે એ સાભિનય અને એકાધિક વાર દર્શાવ્યું ને પછી પોતાને નહીં સોંપાયેલા એવા નિજીવિષયે ‘મુદ્દાસર', પણ લાંબું બોલ્યા! એમણે કહ્યું કે શરદબાબુ તો ક્યારના ય આઉટડેટેડ થઈ ગયા છે! એમને વિશે વાત કરવાને બદલે જે સદાકાળ પ્રસ્તુત રહેવાના છે એવા ચંદ્રકાન્ત બક્ષી વિશે જ હું બોલીશ! વિગતોનો તો પાર નહીં. ‘જ્ઞાનકોશ' જ જોઈ લ્યો! બક્ષી મિમિક્રીના બાદશાહ હતા, ભલભલા વિદ્વાનોની ઠેકડી ઉડાવતા. વાત પૂરી કરીને જતાં જતાં ય બીજા એક જોશી, રમણલાલની અને એમને નિમિત્તે સરસ્વતીચંદ્રકાર ગોવર્ધનરામ પ્રત્યે પણ ઠિઠૌલી કરીને ગયેલા. ગુજરાતી સાહિત્યનું એકમાત્ર રફ એન્ડ ટફ નામ એટલે ચંદ્રકાન્ત બક્ષી. બક્ષીબાબુ! ઝિંદાદિલ માણસ. એમના 'આઈ'નો ઇતિહાસ માનવજાત કરતાં ય જૂનો અને મોટો છે એવું એ માનતા અને આજુબાજુનાંઓને પણ એવું મનાવવાનો હુનર, ઇન્તકાલ તક કરતા રહેલા. લગભગ બસ્સો-પોણાબસ્સો પુસ્તકોના લેખક બક્ષીએ તડ અને ફડ કરવા માટે કોલમનું નામ ‘'વાતાયન' રાખ્યું હતું! તો જેમના વિશે કદીય બક્ષીએ એક હરફ પણ ઘસાતો બોલીને જીભ નથી કચરી, એવા નગીનદાસ સંઘવીએ આવતીજતી સામાજિક-રાજકીય હવાને દેખાડવા કોલમનું નામ 'તડ અને ફડ' રાખેલું! જો કે હવે તો નગીનબાપા પણ આજકાલ 'માનસદર્શન'ની હારોહાર પરિક્રમા કરે છે, ‘દિવ્યભાસ્કર'નાં પાને કોઈ એક જ સાહિત્યસ્વરૂપમાં બંધાઈ રહે તે બક્ષી નહીં. વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, પ્રવાસલેખક, આત્મકથાલેખક, અનુવાદક અને ઓફકોર્સ કવિ! કેમકે અમે એમના હસ્તાક્ષરમાં અને કમ્પોઝ્ડ ફોન્ટમાં ‘કવિતા’ના પાને એમની કવિતા વાંચી છે. હા, ઇતિહાસના પણ અભ્યાસી એવા ચંદ્રકાન્ત બક્ષી ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ હતા અને છે. ૨૦મી ઓગસ્ટ ૧૯૩૨ના રોજ પાલનપુરમાં જન્મેલા, પાલનપુર-મુંબાઈ- કલકત્તામાં ઉછરેલા, ભણી-ગણીને બાજંદા થયેલા, મીઠીબાઈ કોલેજમાં અધ્યાપક અને રાહેજા કોલેજમાં આચાર્ય થયેલા ને પછીથી સઘળી મુંબાઈના શેરીફ થયેલા. મુંબાઈને શેરીફ તરીકે તો દિલીપકુમાર અને રજની પટેલથી માંડીને ઘણા મહાનુભાવો મળ્યા હશે, પરંતુ મુંબઈનો શેરીફ થયો હોય એવો ગુજરાતી સાહિત્યકાર તો એક જ, અને તે બક્ષી! મને ખબર નથી કે હાલ આ શેરીફપ્રથા ચાલુ છે કે નહીં નહીં જ હોય! કેમકે હોત તો તો અમદાવાદ કે વડોદરે બૈઠેબૈઠે જ આ પદ આપણે ખેંચી લાવ્યા ન હોત? ચંદ્રકાન્ત બક્ષી ગુજરાતી સાહિત્યમાં એક વીરલ ઘટના તરીકે જ હમેશાં ઓળખાયા છે. એ જ્યાં જાય ત્યાં આગવું વાતાવરણ રચી દેતા. એમના હોવા માત્રથી જ આજુબાજુનું ઘણું ગૌણ બની જાય. વિચક્ષણ અને વિલક્ષણ બંને વિશેષણો એમને બરાબર લાગુ પડે. વિચક્ષણ એવા કે પહેલા પગથિયે ઊભા રહીને ય છેલ્લા પગથિયાની કલ્પના કરી લે અને વિલક્ષણ એવા કે એ ક્યારે શું કહેશે—કરશે એની કલ્પના કોઈને તો શું બક્ષીને પોતાને પણ ન હોય! કાયમ આવાં જ મિજાજમસ્તીથી જીવ્યા. આ સાહિત્યકાર-પત્રકાર બક્ષીબાબુએ ૨૫મી માર્ચ ૨૦૦૬ના રોજ વહેલી સવારે અમદાવાદમાં આખરી શ્વાસ લીધા હતા. મહેફિલ અને મેળાવડાના માણસ, પણ એમણે પોતાનું એકાંત અખંડ રાખેલું, મૃત્યુ સમયે પણ! કોઈનેય કહ્યા વિના ચાલી નીકળેલા અનંતના પ્રવાસે… બક્ષીબાબુનું બાહ્ય વ્યક્તિત્વ એક યોદ્ધાનું વ્યક્તિત્વ હતું. શરીર કસરતી, પણ બૌદ્ધિક વ્યાયામ વધુ. એ કોઈ ને કોઈ વિચાર, વ્યક્તિ, સમાજ, સંગઠન, સંસ્થા, પરંપરા ગમે તેની સાથે, જોરદાર આંચકા આપે એવાં વિધાનો કરી કરીને બાખડતા રહેતા. પણ બચપણથી જ એમના હૃદયમાં કબૂતરે માળો કરી રાખેલો, એટલે અંદર સતત પાંખો ફફડતી રહેતી. કબૂતર ઉપર બક્ષીસાહેબનો કડપ નથી, એ હકીકત જાણી ગયેલા કેટલાક કાગડા જેવા લોકો એમને ખાનગીમાં 'ફટ્ટુસ' વિશેષણથી નવાજતા. એમ જોઈએ તો આ વિશેષણ સાવ અદ્ધરોઅદ્ધર પણ નહોતું. બક્ષી ભીરુ ઉપરાંત ભલા પણ છે એ વિશે જાણતલો પાસે પૂરતા પુરાવા હતા અને છે. પાલનપુરી અટક રાખ્યા વિના જ બક્ષીએ સાહિત્યમાં પ્રવેશ કર્યો ને સફળ પણ થયા. બક્ષીએ સાહિત્યજગતના લોકોને કાયમ જ એક પ્રકારના ભુલાવામાં નાંખી રાખેલા. એમની પાસે જ્યારે બહાદુરીની અપેક્ષા હોય, ત્યારે એ મહાબીકણ સાબિત થવાનું અને કેટલાક ઋષિતુલ્ય વિદ્વાનોને વાગ્બાણો છોડી- રંજાડીને, અમુક લોકોની નજરે, આંખમાં તોફાન સાથે, બહાદુર દેખાવાનું પસંદ કરતા. ગુજરાતી સાહિત્યમાં નવલકથાક્ષેત્રે બક્ષીનું હોવું એક રોમાંચક બાબત હતી. એમનાં અસ્તિત્વવાદી નાયક-નાયિકાઓનાં વ્યક્તિત્વો તદ્દન જુદાં, ભાષા પણ કકરી અને અરૂઢ. હિન્દી-ઉર્દૂ શબ્દોની ખટમીઠી સુગંધ એમાં ભળે ને બક્ષીશાઈ પોત રચાતું આવે. એમનાં નાયક-નાયકો કંઈ પણ ખાય અને કંઈ પણ પહેરે-પીએ. એમને કોઈ વાતનો છોછ નહીં, બલ્કે, સાહસના અભાવે બક્ષી જે જે ન કરી શક્યા હોય તે તે કરતબ એ લોકો કરી બતાવે એવા ઊફરાં. બક્ષીબાબુએ રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ સૌથી વધુ વાર્તાઓ લખી છે. હિન્દીભાષી રાજ્યોમાં અમુક લોકો હજુ પણ બક્ષીને હિન્દીના લેખક જ માને છે. કટોકટીને બિરદાવનારાઓમાં એક હિન્દી વાર્તાકાર શ્રીકાંત વર્મા પણ હતા. બક્ષીની વાર્તા ‘તમે આવશો?' અંગ્રેજીમાં અનૂદિત થઈને ‘ઈલસ્ટ્રેટેડ વીકલી'માં છપાયેલી. શ્રીકાંત વર્માને બક્ષીની આ વાર્તા ગમી ગઈ, તે ચોરી લીધી અને તેનું હિન્દીકરણ કરીને ‘સારિકા'માં પ્રગટ કરાવેલી. પછીથી આ ચોરી પકડાઈ જતાં 'સારિકા'ના તંત્રીને નીચાજોણું થયેલું ને એમણે બક્ષીબાબુની માફી પણ માગેલી! એ જેટલા મોટા સાહિત્યકાર હતા એવડા જ મોટા પત્રકાર પણ હતા. હા, એમનું પત્રકારત્વ પણ એમનું પોતાની રીતનું હતું. ઘણા લોકો માહિતીના ઢગને પત્રકારત્વ નથી કહેતા, બક્ષી પાસે કોઈ પણ વિષયની માહિતીનો તો પાર નહીં! એમને વાંચી વાંચીને કેટલાય પ્રતિભા વિનાના લોકો આજે પણ પત્રકારત્વમાં ધોળકું ધોળી રહ્યા છે! ૧૯૯૭ના ‘શબ્દસૃષ્ટિ' દીપોત્સવી અંક માટે મેં ઘણા સાહિત્યકારોને એમની તાસીર અને સાહિત્યક અર્પણની ભૂમિકાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછેલા. બક્ષીજી પ્રતિ પણ, અન્યોની માફક પાંચ પ્રશ્નો હતા. હાથ આવેલી તક નહીં છોડવાના ઈરાદે, એમણે વિલક્ષણ રીતે, મારા પ્રશ્નોને બાજુ પર હડસેલ્યા ને પોતાને જે કહેવાનું હતું તે જુનૂનપૂર્વક કહ્યું ! શું કહ્યું હતું એમણે તે વખતે? ‘આજે ગુજરાતી ભાષામાં પ્રકટ થતા કોઈ પણ લેખક કરતાં પ્રતિ લેખ મને વધારે પુરસ્કાર મળે છે. આજે ગુજરાતી ભાષામાં પ્રવચન આપવા માટે કોઈ પણ ગુજરાતી લેખક કરતાં મને વધારે ધનરાશિ આપવામાં આવે છે...ગુજરાતી વાચકો, ચાહકો, ભાવકો, શ્રોતાઓની બાબતમાં હું અન્ય લેખકો કરતાં વધારે ખુશકિસ્મત રહ્યો છું અને એમની એ મેહરબાની માટે મેં હમેશાં ‘વાચકોને સલામ’ કરી છે. ગુજરાતી સાહિત્યમાં આજે મને મારો મુકાબિલ થાય એવો એક પણ પ્રતિસ્પર્ધી દેખાતો નથી, એ મારી વ્યક્તિગત ટ્રેજેડી છે… ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી પત્રકારત્વમાં ચંદ્રકાન્ત બક્ષી કીર્તિમાન તોડે છે અને ચંદ્રકાન્ત બક્ષી કીર્તિમાન સ્થાપે છે. મારે જ મારા રેકર્ડ તોડવા પડે છે. ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યકારોમાં જો સૌથી વધારે અન્યાય કોઈ લેખકને સરકાર, પ્રતિષ્ઠાનો, સાહિત્યસંસ્થાઓ તરફથી થયો હોય તો એ માણસનું નામ છે: બક્ષી! અને જો કોઈ ગુજરાતી સાહિત્યકારને સૌથી વધારે પ્યાર વાચકો તરફથી મળ્યો હોય તો એ માણસનું નામ પણ છે: બક્ષી!… સૂજેલી આંગળીઓ અને બૂઝાતી આંખો ચાલશે ત્યાં સુધી હું લખીશ, એ ૧૮ વર્ષના છોકરા ૨૧ વર્ષની છોકરી માટે, જે મને મહોબ્બતથી વાંચે છે. બાકી, ગુજરાતી સાહિત્યમાં મારો અટલ વિશ્વાસ છે. બર્નાડ શોએ વિલમાં લખ્યું હતું એમ હું પણ માનું છું. સુનર ફરગોટન, ધ બેટર! (જેટલો જલદી ભુલાઈ જાઉં એટલું સારું!) જે બે-ચાર વર્ષ આ આંગળીઓ ચાલે, ખૂન નિચોવી નાંખવું છે. બસ.' બક્ષીજી ઇતિહાસ અને રાજનીતિના અધ્યાપક, પણ ભણાવતી વખતે રાજનીતિની વાતમાં યે બધા સંદર્ભ તો પોતાના અને ફક્ત પોતાના સાહિત્યના જ આપે, એકબે વખત તો બે વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરેલી! અને વધારામાં, એમ પણ કહ્યું હતું કે- ‘આ સર તો ઇતિહાસને બદલે, ઇન્દિરાગાંધીની સેક્સલાઈફ વિશે જ વધારે વાત કરે છે!’ ખાતરી હોય કે પોતાને કોઈ નુકસાન નથી જ થવાનું તો. બક્ષીસાહેબ કોઈના ય વિશે ઘસાતું લખી-બોલી શકે! પાછા એટલા સક્ષમ કે જરૂર પડ્યે આધારો પણ પોતાની રીતે ઊભા કરી લે! એ અર્થમાં બક્ષી સ્વનિર્ભર સંસ્થા જેવા હતા. આમાં એક અને એકમાત્ર નગીનદાસ જ પાક્કો અપવાદ, કેમકે બક્ષી જાણતા હતા કે પ્રો. સંઘવી તમામ અર્થમાં ‘ઈ-તિ-હા-સ’ અને ‘ઇતિહાસ'ના ત-મા-મ અર્થને જાણે છે. આમ તો યુનિવર્સિટીના નિયમો મુજબ, ચંદ્રકાન્ત બક્ષી કોલેજના અધ્યાપકની નોકરી માટે ક્વોલિફાઈડ ન હતા. પણ એ વખતે એક નિયમ એવો પણ હતો કે કોઈ વ્યક્તિ ગુણપત્રકથી ભલે ક્વોલિફાઈડ ન હોય પણ, એક અભ્યાસી તરીકે જે તે વિષયના નિષ્ણાત કે તજજ્ઞ હોય અને એમને માટે કોઈ મોટા વિદ્વાન જો સિફારિશ કરે તો એમની નિમણૂક થઈ શકે. તદનુસાર, ગુજરાતી ભાષાના બે ભદ્રિક સાહિત્યકારો, શ્રી ગુલાબદાસ બ્રોકર તથા આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિકે એમના નામની તરફદારી કરેલી અને બક્ષીબાબુને એનો લાભ મળેલો! પછીથી પોતાની યોગ્યતા પુરવાર કરવા માટે એમણે ઇતિહાસાભાસી એકબે નવલકથાઓ લખેલી એવું જાણવામાં આવ્યું છે. 'કુત્તી’ના કેસમાં તો એવું બનેલું કે એક પણ મુદત વખતે બક્ષી સૂરતની કોર્ટમાં હાજર ન થયા. એ એવું માનતા કે આપણે તો લેખક! થઈ થઈને શું થવાનું? છેવટે ‘નો બેઇલ વોરંટ' (નોબેલ નહીં!) નીકળ્યું. એક પ્રોફેસરને હાથકડી નાંખીને કોલેજમાંથી પુલિસ પકડી જાય તો કોલેજનું પણ ખરાબ લાગે! ભલું થજો નગીનબાપાનું, તે એમણે સલાહ આપી કે, બક્ષી! સમય બગાડ્યા વિના સુરત જઈને ઊઘડતી કોર્ટે સરેન્ડર થઈ જાવ... બેવકૂફી ન કરો… આ મામલો ઘણો ગંભીર ગણાય.' પછી તો એ કેઈસ મિત્રોના પ્રયત્ને પાછો ખેંચાયો ને ઘીના ઠામમાં ઘી...!’ ગાળને પુરુષનું ‘મેન્સીસ' અને નવલકથાને ‘મર્દાઈનો ખેલ' કહેનારા ચંદ્રકાન્ત બક્ષીનો બાહ્ય દેખાવ અતિશયથી થોડો ઓછો એવો સામાન્ય. દાઢી રાખે ત્યારે કંઈક મર્દાના અને જુદા પડતા લાગે. પણ, એમની આંખો તીક્ષ્ણ. અવાજ ઘેરો, ઘુંટાયેલો. અમુક રીતના આરોહ-અવરોહ પણ એમને આવડે એટલે બોલે ત્યારે બહુ પ્રભાવક લાગે. ચાહે એને દિલ ફાડીને ચાહે અને નફરત કરે ત્યારે પોતાના પક્ષે કોઈ કચાશ ન રહેવા દે. અમૃતલાલ યાજ્ઞિક, શિવકુમાર જોશી અને ગુલાબદાસ બ્રોકર વિશેનાં એમનાં વિધાનો ખૂબ જાણીતાં છે. જો કે હાર્ટએટેક આવ્યા પછી, બક્ષીસાહેબ છેલ્લા બે દાયકામાં બહુ જ બદલાયેલા. તીખાશ તો એવી ને એવી જ, પણ લોકોને ચાહવાનું વધી ગયેલું. કોઈ પણ નવોદિત લેખકનું કંઈક સારું વાંચે તો એને વિશે જાહેરમાં લખે અને જે તે લેખકને હૂંફાળો પત્ર પણ લખે. નવી કલમોને એ હંમેશાં આવકારતા. ‘વોચ આઉટ ધીસ નેઈમ!' કહીને બિન્દુની પ્રથમ જ કૃતિ 'મીરાં યાજ્ઞિકની ડાયરી'ને 'વાતાયન'માં તથા એની અગાઉ, લઘુસામયિકોના જમાનામાં; બક્ષીના લેટરપેડ પર આ લખનાર સંપાદિત સાહિત્યિક સામયિક 'સંક્રમણ'ને શુભેચ્છાપત્ર દ્વારા એમણે આવકારેલાં. ગાંધીજી વિશે પણ એમના વિચારો બદલાયેલા. ‘મહાજાતિ ગુજરાતી'માં તો એમણે ગુજરાતીઓને જે પ્રેમ' કર્યો છે! વાચકોનો પ્રેમ પણ ગજબનો હોય છે. કોઈ મોંઘી જણસ કે પેન ભેટ આપે, કોઈ જમવા બોલાવે, વિદેશ ફરવા લઈ જાય, એવું બનવું સ્વાભાવિક છે. પણ, બક્ષીને એક વાચક તરફથી અસાધારણ ભેટ મળેલી : પત્રકાર રમેશ તન્ના, આજે પણ વિદ્યાર્થી જેવા જ લાગે, પણ ખરેખર જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે ‘બક્ષીની ૧૩૯ વાર્તાઓ’ વાંચીને એવા તો વિભોર થઈ ગયા કે એમના લોહીનો કણેકણ બક્ષીબાબુ પર કુરબાન થવા ઉછાળા મારવા લાગ્યો. થયું કે આ માણસ તો આપણી જ વાત લખે છે! માથે દિવાળી આવતી હતી. તન્નાએ પોતાની વીસેવીસ આંગળીઓમાંથી લોહી કાઢીને એકેક શબ્દ પાડ્યો. પત્રરૂપે લોહિયાળ કાર્ડ મોકલીને બક્ષીને નવા વર્ષનાં શુભેચ્છાવંદનકરેલાં! આ હતો વાચક પરનો બક્ષીનો જાદુ! યાદ રહે -બક્ષીની પ્રારંભિક ઘણી વાર્તાઓ ‘કુમાર'માં પ્રગટ થયેલી અને બચુભાઈ એમના ગદ્ય અને અંદાઝ-એ-બયાં ઉપર ઓળઘોળ હતા. પણ, આ બક્ષીને કોઈએ કુમારચંદ્રક, શ્રી ધ.કા.ગાંધીચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ, સત-ચિત્ત-આનંદ પુરસ્કાર, મહત્તર સદસ્યતા કે અમુકતમુક પ્રાયોજિત રત્નફત્ન કશું જ આપ્યું નહોતું! આપણી સંસ્થાઓના વહીવટદારો સાથે એ મનમેળ કરી શક્યા નહોતા એટલું જ, બાકી એમનું સાહિત્ય તો આપણા કોઈ પણ એવોર્ડને ધન્ય કરે એવું હતું ને છે. આજે પણ, હજ્જારો ‘યાર બાદશાહો' ઉપર બક્ષીનું રાજ ચાલે છે. બક્ષીને ખબર હતી કે પોતે લેખક તરીકે ગુજરાતીમાં લાંબું ટકવા જ સર્જાયા છે - અને તોય, એમને જીવનમાં ક્યારેય ગોવર્ધનરામ, મુનશી, કાકાસાહેબ, સ્વામી આનંદ કે પન્નાલાલ જેવા ગદ્યસ્વામીઓની જોડે પોતાનું નામ છપાવવાના અભરખા નહોતા ઊપડ્યા! મુંબાઈમાં રાહેજાએ નવી નવી કોલેજ ખોલી ત્યારે એમાં, ‘ચિદ્ઘોષ' અને ‘મુખડા ક્યા દેખો દરપનમેં'ના લેખક-વિવેચક શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ભારી ભલામણથી જ બક્ષીને આચાર્ય બનાવેલા. પ્રથમ નિમણૂક ત્રણ વર્ષ સુધીની હંગામી ધોરણે થયેલી. પછી દર વર્ષે એક ખાસ કમિટિ આવે, બધું જુએ-ચકાસે અને એના અહેવાલ અનુસાર આગળની મંજૂરી મળે ત્રણ મહિના પહેલાં પત્ર આવી ગયેલો કે અમુક તારીખે કમિટિ આવે છે. બક્ષીસાહેબ સાહિત્યસર્જક હોવાથી આખી વાત જ વીસરી ગયેલા, કાગળ પણ ક્યાંક મુકાઈ ગયેલો! ટ્રસ્ટીઓને પણ છેલ્લી ઘડીએ ઘણી દોડાદોડી થઈ પડી. પરિણામે રાહેજાએ એમને ત્રણ મહિનાનો પગાર એકસાથે આપીને રવાના કરી દીધા! બક્ષીસાહેબને વહેમ એવો પડ્યો કે યાજ્ઞિકસાહેબના કહેવાથી જ આ બધું થયું છે. પણ, એમને એ વિચાર ન આવ્યો કે યાજ્ઞિકસાહેબના નામની શરૂઆત ‘અમૃત’ શબ્દથી થાય છે! અને આ એ અમૃતલાલ યાજ્ઞિક, કે જે અકિંચન બ્રાહ્મણે, પોતાની બાંધી આવકમાંથી બચાવી બચાવીને મનુભાઈ પંચોળી 'દર્શક'ને એ સમયમાં માઈધારની સંસ્થા વિકસાવવા રૂપિયા એક લાખ ને એક હજારનું દાન આપેલું! એ જન્મજાત શિક્ષક આવું ન જ કરે. બસ, વાત વણસી તે ત્યાં સુધી કે બક્ષીબાબુ યાજ્ઞિકસાહેબના મૃતદેહની ખુલ્લી ડાકલીમાં લઘુશંકા કરવાના વિચાર સુધી પહોંચી ગયેલા! શંકા-લઘુશંકાની આ ઘટનાએ બક્ષીના રથના પૈડાં જમીનમાં ઊંડાં ઉતારી દીધેલાં! ગાંધીનગરના અમારા બૃહસ્પતિમિત્રોને ક્યારેક કશુંક નવું કરવાનો ઉમળકો થઈ આવે. એક વાર બધાંએ એવું નક્કી કર્યું કે કોઈ એક સર્જકને બોલાવવા અને એમની સાથે એક આખો દિવસ અથવા જેટલો મળે તેટલો સમય વીતાવવો. એમને સાંભળવા અને પ્રશ્નો પૂછી પૂછીને, ભલે ને પાત્રતા પ્રમાણે, પણ જ્ઞાની તો થવું જ. જો કે અમારાં સહુનાં ધોરણો એકમેકથી ચઢિયાતાં હોવાને કારણે, આ ઉપક્રમ કંઈ લાંબો ચાલ્યો નહોતો. તોયે અલગ અલગ સમયે, નિરંજન ભગત, ચંદ્રકાન્ત બક્ષી, દિલીપ ઝવેરી, મનહર-ચિનુ મોદી, નગીનદાસ સંઘવી, ભોળાભાઈ પટેલ, હાસ્યલેખકો બકુલ ત્રિપાઠી - વિનોદ ભટ્ટ - અશોક દવે- રતિલાલ બોરીસાગર, ડૉ. નામવર સિંહ, મધુ રાય, સુવર્ણા, ડૉ. જયંત જોશી અને પ્રકાશ ન. શાહ સુધી પહોંચ્યા અને પછી ઠરી ગયા! કદાચ કોઈ નામ રહી ગયું હોય કે ખોટું આવી ગયું હોય તો ચર્ચાવીર ડંકેશ ઓઝા કે વાર્તાકારમિત્ર કિરીટ દુધાત આમાં સુધારો કરી શકે. બક્ષી ગાંધીનગર આવ્યા ત્યારે એમનો સમ્યક્પરિચય આપવાનું કામ મને સોંપાયેલું. મેં વિગતે પરિચય આપ્યો અને એમનાં વખાણ કર્યાં એ સાંભળીને એ ખુશ થયેલા. મને કહે, 'હર્ષદબાબુ, તમને વખાણ કરતા પણ આવડે છે, એમ?’ મેં કહ્યું: 'ખોટા કર્યા હોય તો પાછા આપો!’ પ્રત્યુત્તરમાં એ કશું બોલ્યા નહીં, પણ વખાણ પાછાં આપવાનો ઈરાદો એમની આંખમાં નહોતો. એમણે કહેલું કે-‘એક વાર્તા વાંચીશ અને કોઈ પ્રશ્નો પૂછશે તો જવાબો ય આપીશ. એ દિવસે એમનું ગળું ખરાબ હતું એટલે મને કહે તમે મારી આ વાર્તા વાંચો. વાર્તાપઠન પછી ખૂબ પ્રશ્નોત્તરી થઈ. બક્ષીબાબુએ મોકળા મને જવાબ આપ્યા. અમુક મિત્રોએ સામાન્ય રીતે કૌતુકથી પણ ન પુછાય એવા એવા પ્રશ્નો પૂછ્યા. થોડી છૂટછાટ સાથે બેઅદબી પણ કરી. કેમકે બક્ષી અમારે માટે સુપરડુપર-સ્ટાર હતા. એ હકદાવે જ તો અમે એમને ખેંચી લાવેલા. મને યાદ છે એમણે સહૃદયતાથી ઉત્તરો આપેલા. એ પ્રશ્નોત્તરીમાં શિવકુમાર જોશી, મધુ રાય, જયંતિલાલ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર, 'કુત્તી' વાર્તાવાળી ઘટના, કલકત્તા-મુંબાઈ- અમદાવાદનિવાસ, મુંબાઈના શેરીફ થયા ત્યારની વાતો વગેરે મુદ્દાઓ હતા. એમની પ્રેમિકાઓ વિશે કંઈ કહેવાનું કહ્યું તો એમનો ઉત્તર હતો કે ‘દૂર અને નિકટથી સ્ત્રીઓનું સૌન્દર્ય જોવું ગમે, પણ હું પૂરેપૂરો એકનિષ્ઠ રહ્યો છું. કદીયે હું મારો બ્રોકર બન્યો નથી.' રા.રા. ભાઈશ્રી વિનોદભાઈ ભટ્ટ મનેકમને ય આ વાતમાં સંમત થઈને કોઈ પણ ક્ષણે બક્ષીને બેદાગ જાહેર કરી શકે! કેમકે બક્ષીને બકુલાબહેન પ્રત્યે ખૂબ પ્રેમાદર હતો. એ બકુલાબહેનની ખૂબ કાળજી લેતા. સૌથી છેલ્લે મેં પૂછ્યું. ‘હમણાં હમણાંથી તમારી તલવાર કેમ ખામોશ થઈ ગઈ છે?’ તો જરા અફસોસથી કહે, 'કોની સામે લડું? આ બધા તો કાયર ને કાફર લોકો છે. એવું કોઈ તો બતાવો જે બક્ષીના બરનું હોય!’ નર્યું અહંકારયુક્ત હોવા છતાં ય બક્ષીનું આ વાક્ય આજે સાવ સાચું લાગે છે. ૧૯૫૧માં એમની અઢાર વર્ષની ઉંમરે ‘મકાનનાં ભૂત' વાર્તા પ્રગટ થઈ ત્યારથી માંડીને ૨૦૦૬ના માર્ચમાં 'દિવ્યભાસ્કર' માટે એમણે છેલ્લે જે લેખ લખ્યો ત્યાં સુધી અડધા દાયકા ઉપરાંતની એમની લેખનયાત્રા ગુજરાતી સાહિત્યમાં એક મિસાલ છે. ગુજરાતી સાહિત્યવ્યંજનોમાંથી બક્ષીનામક ખડામસાલાને બાદ કરીએ તો બાકીનાનો સ્વાદ ફિક્કો જ લાગે. એ વખતે એમણે મને પ્રતિ વર્ષ એક નવી વાર્તા આપવાનું વચન આપેલું. એ વચન હંમેશાંને માટે વચન જ રહ્યું. પણ, હું એમને બેવફા કહી શકું એમ નથી. કેમકે બક્ષી જેવા અઝીમ માણસો આપણને બહુ ઓછા મળ્યા છે. એક-બે નહીં, એમણે આજે પણ ટકી રહે એવી ઘણી કથાઓ આપી છે. સાહિત્યમાંથી પોતે બીજાંઓ કરતાં વધુ કમાય છે એનો એમને ઘણો ગર્વ. સરસ કપડાં, જૂતાં, પેન અને ચશ્માંના જબરા શોખીન. બક્ષી ક્યારેય લાભશંકરના નાયક જેવા ન દેખાય. કોઈની આકરામાં આકરી ટીકા કરે ત્યારેય તેજાબને મોળો પડવા દીધા વિના, પોતે ગાલિપ્રદાન કરે તો પણ ભદ્ર બની રહે. કોઈ શાહ-સુથારની જેમ ગાળાગાળી ન કરે. પોતાના કે અન્યોના દેખાવ વિશે ખૂબ સભાન. અમુક કિસ્સાઓને બાદ કરીએ તો ગર્વ, ગૌરવ અને ગરિમાની અર્થચ્છાયાઓને બક્ષી અક્ષરશ: જાણતા હતા. ઉમાશંકરે એક વાર આ મતલબનું કહેલું-તમારે નાના માણસોની વચ્ચે રહીને મોટા સાબિત થવું છે કે મોટાઓની વચ્ચે રહીને મોટા બનવું છે એ તમારે નક્કી કરવાનું! બક્ષી ક્યારેય પોતાનાથી નાના કે મોટાની વચ્ચે ન રહ્યા, પોતે જેવડા હતા એવડી ત્રીજી કોટિ વિકસાવી, અને એટલે જ- બક્ષી બનીને એકલા-અટુલા રહ્યા. એક સમયે આપણને હોનહાર લાગતા ઘણા માણસોને સમય જતાં ને ઉંમર વધતાં, કદાચ હોર્મોનલ ચેઈન્જીસને કારણે; પટપટાવી શકાય એવું કશુંક ઊગતું હોય છે. બક્ષીના કેઈસમાં એ ગુજરી ગયા ત્યાં સુધી આવું કંઈ ઊગ્યા-ફૂટયાની બાતમી મળી નથી. એટલું ખરું કે બાબુ ગાળ દેવામાં જેટલા કુશળ, એટલા જ કોઈને રાજી કરી લેવામાં પણ હોશિયાર! અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ એમનેમ રાજી નથી થતું, થોડી ઘણી યે પ્રશસ્તિ તો કરવી જ પડે છે! એમણે ગુજરી જઈને પણ ગુજરાતી પરિવેશને ‘સ્વપણા'નો એક પડકાર આપ્યો છે. એમનાં પત્ની બકુલાબહેન ગતે ગયાં ત્યારે પણ બક્ષીએ લખવાનું છોડ્યું નહોતું. બક્ષીએ સવારે દેહ મૂક્યો એ પછી, એ જ દિવસે હાસ્યલેખક-મિત્ર અશોક દવે એમના વિશે લખવા બેઠો. લખ્યું: ‘બક્ષીબાબુની શોકસભાઓ તો થવાની અને યાદ રાખજો, આપણે ત્યાં એવા એવા નમ્ર સાહિત્યકારો/પત્રકારો છે કે; શોકસભા બક્ષીની હોવા છતાં વચમાં જગ્યા પડે. તો બે લાઈન બક્ષી વિશે પણ બોલશે. બાકી તો, બક્ષીના ઘડતરમાં એમનો કેટલો ફાળો હશે અથવા બક્ષીએ જીવનભર આ વિદ્વાનને કેટલું મહત્ત્વ આપ્યું હતું, એની તારીફ બક્ષીના નામે થશે. સહુ કોઈ જાણે છે કે બક્ષી 'ફાયર-બ્રાન્ડ' લેખક/ પત્રકાર હતા અને છતાં વખત આવે પોતે પણ બક્ષીને કેવા સીધા કરી નાંખ્યા હતા, એની ફિશિયારીઓ તમને આવનારી શોક સભાઓમાં કે લેખોમાં અચૂક સાંભળવા/વાંચવા મળશે. આ મહાન શ્રદ્ધાંજલિકારોને એ ખબર નથી કે, બક્ષીને સીધા કરી શકે, એવા તો આ જગતમાં એક જ માણસ હતા… સ્વયં બક્ષી.’ મારે અસ્સોકને પૂછવું છે કે ‘અલ્યા તું તે લેખક છો કે નજૂમી? જો, બધા અંજલિલેખો જો! તારો આત્મવિશ્વાસ ઓર વધી જશે!’ સાહિત્યસર્જનમાં નાવીન્ય, પોતીકો અંદાઝ, જીવતી ભાષા સાથે કંઈક આશ્વર્ય લઈ આવવું, અને એ અંગે સભાન પણ રહેવું એ બક્ષીનો સ્વભાવ હતો. પત્રકારત્વમાં પણ મોટાં અને લોકપ્રિય માથાં ઉપર જ વાર કરવાની એમની આદત. એ જો કે આદત કરતાં ય વધારે તો. વ્યક્તિગત મજબૂરી હતી. સાહિત્યજગતમાં ટકી રહેવાનું એમનું આગવું ગણિત હતું. સર્જક અને વ્યક્તિ તરીકે આખાબોલા બક્ષી, જ્યારે કોઈ અમુકતમુક નહીં હોય, ત્યારે પણ ગુજરાતી ભાષામાં એક દંતકથાની માફક હંમેશાં યાદ રહેશે.