સરોવરના સગડ/‘મીનપિયાસી’: અલબેલો અલગારી!

Revision as of 02:19, 6 May 2024 by Meghdhanu (talk | contribs)


Center

‘મીનપિયાસી’: અલબેલો અલગારી!

(જ. તા. ૨૧-૯-૧૯૧૦, અવસાન તા. ૩-૩-૨૦૦૦)


ચૂડાની બજારનું દૃશ્ય છેઃ રજેરજ ને કણેકણમાં આશ્ચર્ય અને મુગ્ધતાથી ઓતપ્રોત છતાં, આ જગતમાં આગંતુક લાગે એવો એક આધેડ, તદ્દન નિર્દોષ ભાવે ધીમે ધીમે ડગ માંડતો જઈ રહ્યો છે. આમ તો એને પોતાના ઘેર જ જવું છે પણ, પગલાંમાં સહેજેય ઉતાવળ નથી. ખબર છે કે ડેલીમાં પાંપણ પાથરીને એમના પદરવની પ્રતીક્ષા કરતું કોઈ નથી બેઠું. એટલે પોતાનાથી ય મોટી, પણ આગળ આગળ સહેજ તિરછી ચાલે ચાલતી પંડછાયાને જોતો જાય ને ચાલતો જાય! પગમાં કુરુમના ચામડાની કાળી મોજડી, ચામડીમાં ભળી જાય એવા રંગનાં ક્યારેક પહેર્યાં હોય મોજાં. જરાક કધોણ પડેલો પણ સફેદ, સાંકડી મોળીનો પાયજામો. વચ્ચે બટન અને કોલર-પટ્ટીવાળો ઝભ્ભો. જવાહરલાલ પહેરતા એવો ઢીંચણ લગીનો, લાંબો કોટ. માથે ગૂઢા ભૂરા રંગની ઊંચી દીવાલની ખાદીની ટોપી. ગળે મફલર અને આંખે બાયફોકલ ચશ્માં. કાને હિયરિંગ એઇડ કે જેનો સફેદ ચમકતો વાયર દૂરથી પણ દેખાય અને એની બેટરીનો દટ્ટો ઝભ્ભાના ઉપલા ખિસ્સામાં. ગળામાં લટકતું મોટું-કાળું-વજનદાર -મેઈડ ઈન રશિયા-દૂરબીન. એની નીચે સ્ટીલની પાતળી સાંકળીમાં થિયોસોફિકલ સોસાયટીનો સિમ્બોલ. કોટના ગાજમાં ભરાવેલો સાંકળીનો હુક અને સાંકળી સાથે બંધાયેલી રોમન આંકડાવાળી ગોળ ઘડિયાળ- તે કોટની બહારના ઉપરના ખિસ્સામાં પડીપડી સમયને સાચવે અને હૃદયને તાલ દે. ડાબા ખભે ચામડાના મરૂન જેવા કવરમાં બે બેન્ડનો મરફી કંપનીનો રેડિયો. કોટની અંદરના જમણા ખિસ્સામાં સ્ટીલબોડીની બે સેલવાળી ‘જીપ’ની ટોર્ચ, એની બરાબર બાજુમાં કવિના વાળને નિયંત્રણમાં રાખવા માટે ‘ઉષા' કંપનીનો ડબલ દાંતાવાળો મોટો કાંસકો. અંદરના ડાબા ખિસ્સામાં લાલ-વાદળી-લીલી અને કાળી શાહીની જાડી પણ પારદર્શક એવી, બહેનપણીઓની જેમ ગોઠવાયેલી ચાર પેન. એ ચારેયની તહેનાતમાં હોય એવી લાંબી અને ધારદાર અણીવાળી કાળી પેન્સિલ. એની સાથે એક છેડે ભૂરી અને બીજા છેડે રાતી એવી જાડી પણ બંને બાજુથી લખી શકાય એવી પેન્સિલ. ઝભ્ભાના ડાબી બાજુના ખિસ્સામાં ખાદીનો સફેદ રૂમાલ. કોટના ખિસ્સામાં ડાયરી ફરતે વીંટેલો હેન્ડલૂમનો મધ્યમકદનો ખરબચડો નેપકિન. જમણા ખભે પહોળા પટ્ટાવાળો જાડો ને આડો થેલો. એમાં એકાદ બે પુસ્તકો. બિસ્કિટનું પડીકું, પીવાના પાણીનો શીશો. આ બધું ઓછું હોય એમ, ન દેખાય એવી વસ્તુ – તે સારણગાંઠ માટેનો ચામડાનો કમરપટ્ટો. અરે હા, હાથમાં લીધેલી સીસમની લાકડી તો યાદ કરવી જ રહી ગઈ! આ બધાં સ્થૂળ-સૂક્ષ્મ ઉપકરણોનો જીવંત સરવાળો એટલે શ્રીમાન્ દિનકરરાય કેશવલાલ વૈદ્ય. મતલબ કે કવિશ્રી ‘મીનપિયાસી’. આરંભે વાત કરી એમ, કવિશ્રી ધીમા પગલે ઘરભણી જઈ રહ્યા છે. એમને ખલેલ કે ખબર ન પડે એમ, અમુક અંતર રાખીને ચૂડા ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજીની મોટરકાર કવિની ગતિએ પાછળ પાછળ ચાલી રહી છે. કવિને ઓવરટેઈક નહીં કરવાની અને હોર્ન પણ નહીં વગાડવાની ડ્રાઇવરને સ્પષ્ટ સૂચના છે. કેમકે ઠાકોરસાહેબ જાણે છે કે કવિતાના છંદોલય બાબતે કવિનો કાન પાકો છે પણ મોટરનો હોર્ન સાંભળવા અસમર્થ છે! ધીમે ધીમે એકલા કવિનો એકલપંડ રસાલો આગળ જાય છે. ઘણી વાર પછી કવિ ઘર તરફના ખાંચામાં વળી જાય છે અને મોટરકાર સીધે રસ્તે ગતિ પકડે છે. આ લાંબી અને ધીમી પ્રક્રિયા દરમિયાન જાણે કે આખું ય બ્રહ્માંડ થંભી ગયું હતું. ચાલતો હતો, તે માત્ર ગુજરાતી ભાષાનો એક કવિ! અને એને અનુસરતો હતો તે… ભલે નાના સ્ટેટનો પણ મોટો રાજવી! આ મીનપિયાસી એટલે ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ’ના કવિ. એમની ‘હું અલબેલો અલગારી’, ‘બારીએ બેઠો’, ‘વગડો વરણાગી’, ‘રજનીરાણી” અને ‘સ્વપનભોમનો રાજા' જેવી બીજી પણ અનેક રચનાઓ લોકપ્રિય થઈ છે, પણ 'ઘૂ ઘૂ ઘૂ' ની તોલે કોઈ ન આવે. ગુજરાત અને મુંબઈમાં કવિએ અનેક નાનામોટા કાર્યક્રમો કરેલા, ખાસ તો સ્કૂલોમાં. પણ, એ કાવ્યને આખા વિશ્વની હથેળીમાં તો મોરારિબાપુએ મૂકી આપ્યું. રામકથામાં એમણે મન મૂકીને આ ગીત ગાયું અને પોતાની રીતે એનો આસ્વાદ કરાવતા રહ્યા. કવિ નાના હતા ત્યારે એકદમ વરસાદ આવ્યો ને બોલી ઊઠ્યા: ‘નદી નાળાં, થયાં કાળાં! અને બાપુજીએ કહ્યું કે - ‘ભાઈ કવિતા કરશે!’ મીનપિયાસી ૧૯૧૦માં, રાજેન્દ્ર શાહ ૧૯૧૩માં અને નિરંજન ભગત ૧૯૨૬માં જન્મ્યા હતા. પોતે ઉંમરમાં બે વર્ષ મોટા હોવા છતાં, રાજેન્દ્ર શાહની કવિતા મીનપિયાસીને ખૂબ ગમતી. જો કે, કવિતા લખવાની ખરી પ્રેરણા પામ્યા તે તો નિરંજન ભગતની કવિતામાંથી. મીનપિયાસીના પિતાજી કેશવલાલ પોપટભાઈ ભટ્ટ ચૂડાના રાજવૈદ્ય. એમના નાના એટલે લક્ષ્મીશંકર ગોવિંદરામ વૈદ્ય કે જેમણે ‘ચ્યવનપ્રાશ'માં અનેક પ્રયોગો-સંશોધનો કર્યા હતા. ભાવનગર રાજ્યના વડા સ્વાસ્થ્ય અધિકારી એચ. એલ. વૈદ્ય એમના સગા મામા. અનંતરાય પટ્ટણી માસા અને સર પ્રભાશંકર પટ્ટણી તથા ‘મસ્તફકીર' આ કવિના ફૂઆ થાય. પુષ્કર ચંદરવાકરે લખ્યું છે કે – 'છતાં ય આ કવિજીવે આવી લાગવગનો રોટલો રળવા, હોદ્દો પ્રાપ્ત કરવા કે નાગરિક પ્રતિષ્ઠામાં ઉમેરો કરવા માટે લાભ નથી લીધો.’ હજી તો ‘મીનપિયાસી’ બનવાને વાર હતી ત્યારે આરંભમાં તેઓ મુંબઈમાં ભણ્યા. પોતાની મીન રાશિ ઉપરાંત, કબીરના ‘પાની મેં મીન પિયાસી રે મોહે દેખત આવે હાંસી…’ એ ભજનમાંથી આ કવિને પોતાનું ઉપનામ જડ્યું. મેટ્રિક થઈને નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ. કર્યું. પરંતુ ત્યાં જ તબિયત બગડી એટલે પાછા ગુજરાત આવી ગયા. ગામડાનાં સરકારી દવાખાનામાં અલગ અલગ ઠેકાણે અમુક વર્ષ પ્રેક્ટિસ કરી પછી નોકરી જ છોડી દીધી. થોડો વખત એક મિત્રના મેડિકલ સ્ટોરમાં બેઠા. પણ, આ અલગારી જીવને સ્વતંત્ર રહેવું વધારે ફાવ્યું. મારા બાપુજી (કવિશ્રી અમૃત ત્રિવેદી 'રફિક) અને એમનો પત્રવ્યવહાર સતત ચાલે. મોટેભાગે તો પોસ્ટકાર્ડ જ. ક્યારેક આંતરદેશીય પણ હોય! એમાં બધી જ પેનો અને પેન્સિલોનો ઉપયોગ થયો હોય. એક તો એમના મોટા મોટા ફાફડા જેવા અક્ષર અને ઉપરથી ચિતરામણ! ક્યાંક કોઈ ફૂલ દોર્યું હોય, કોઈ પક્ષીનું માથું ચીતર્યું હોય. પિયાસીદાદાનો પત્ર વારંવાર વાંચ્યા કરીએ. પત્રના આરંભે લખ્યું હોય: ‘બર્ડલેન્ડ' ‘મારું ડાચુ' એ પછી તીરની ઉલટસુલટ નિશાની હોય. એટલે કે આપણે ‘ચૂડા' એમ વાંચવાનું! આડી ઊભી અનેક લાઈનોનાં જોડાણો. ક્યારેક એક પત્તામાં વાત ન પતે તો અનુસંધાનમાં બીજું… ત્રીજું..! કવિ રહેતા એ ઘર પણ જોવા જેવું હતું. એક મોટું ડહેલું. અંદર જાવ એટલે ખુલ્લા ચોક જેવું ફળિયું. સામે લાંબી ઓશરીએ બે રૂમ. ડાબા હાથે રસોડું. જમણા હાથે સંડાસ-બાથરૂમ. એ ઘરમાં નીચેના ભાગમાં કવિના નાના ભાઈ હસમુખભાઈ – ‘જાદુગર બેલી’ રહે. અને ડહેલા ઉપર, બહાર શેરીમાં નાનીનાની બારીઓ પડે એવો ગાડીના ડબ્બા જેવો લાંબો રૂમ. એ કવિનિવાસ. તમે ઉપર જાવ એટલે સાચે જ 'બર્ડલેન્ડ'માં પ્રવેશ્યા હો એવો અનુભવ થાય. દાદરાવાળી દીવાલે કવિના સ્વજનોની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો. સામેની દીવાલે નહીં નહીં તોય નાની મોટી પચીસેક ફોટોફ્રેમ! દરેક ફ્રેમમાં અંદર પશુ-પક્ષીઓનાં વીસપચીસ ચિત્રો. બધી પાછળથી ખૂલે એવા ચાપડાવાળી. કવિ રોજ એમાંનાં ચિત્રો બદલે. લગભગ બેઅઢી કલાક ઉપરનો સમય એમાં જાય. વાઘ, સિંહ, હરણ, કલકલિયો, લક્કડખોદ, ગરુડ, ફ્લેમિંગો, અને બીજાં અનેક પ્રાણી-પંખીઓનાં રંગીન ચિત્રો પોતે જ ગોઠવે અને પોતે જ હરખાય. દૂર નજીક ઊભા રહીને અલગ અલગ એન્ગલથી ધારી ધારીને જોયા કરે. એમને એ નહોતું પીડતું એટલી એકલતા પીડતી હતી. આંગણે કોઈ પક્ષી આવી ચડ્યો કોઈએ ટપાલમાં પતાકડું કે નવું કેલેન્ડર મોકલ્યું હોય એ દિવસ કવિ માટે 3 સોનાનો. બારીમાં આવીને બેસતાં કાબર-ચકલાં-હોલાં-કાગડા વગેરે એમના રોજ સાથીદારો. કવિ એમની લીલા જોયે રાખે. વર્ષો પહેલાં, એક વિદ્યાર્થી તરીકે (હવે કવિમિત્ર) આર. એસ. દૂધરેજિયા એક વખત પિયાસીદાદાને મળવા એમના ઘેર ગયેલા એનું વર્ણન એમણે આ પ્રમાણે કર્યું છે: ‘મીનપિયાસીને મળવાનું થયેલું - બેલીભાઈના ઘરે - પહેલા માળના ઓરડે (બેલીભાઈ મીનપિયાસીના નાના ભાઈ, ચૂડા સ્કૂલમાં હું ભણતો ત્યારે તેમના જાદુના ખેલ જોવાની મજા પડતી.) ઉમળકાભેર તેમણે સ્વાગત કર્યું. બેસવાનું કહ્યું અને ઓરડાના ખૂણામાં - એક બારી હતી તે તરફ આંગળી ચીંધી બોલ્યા: 'કાયમ એક કબૂતર મળવા માટે આવે છે. ફક્ત એક કબૂતર- અને આજે તું આવ્યો!’ એમની આંખોમાં એકાંતનું દર્દ દેખાતું હતું, થોડી ક્ષણ મૌન પછી પોતાના વિનોદી સ્વભાવ સાથે બોલ્યા: ‘નીચે ફળિયામાં બેલીના જાદુના ખેલ જોવા બધા ભેગા થાય - ખેલ પૂરો થાય એટલે વિખેરાઈ જાય - પણ એમાંનો એકાદ જણ પણ, આ ઉપરના ઓરડે ડોકિયું ય નથી કરતો કે કવિ જીવે છે કે મરી ગયા? આજે તું આવ્યો ખૂબ રાજી થયો. આજે પેલું કબૂતર ન આવે તો કંઈ વાંધો નહીં !’ મીનપિયાસીનું વ્યક્તિત્વ એમની કવિતા જેટલું જ પારદર્શક. એમનું હૈયું અતિ આનંદ પણ ન જીરવી શકે. ટપાલમાં આવેલું પુસ્તક કેલેન્ડર ડાયરી, કે એમને ગમતું હોય એવું કોઈ ચિત્ર વારંવાર ઉઘાડ્યા કરે અને જોયા કરે. જેટલી વાર જોવે એટલી વાર આંખો ભીંજાયા વિના ન રહે. કહો કે કોઈને કોઈ કારણસર બારે માસ લીલાં તોરણ તબક્યા કરતાં. ન રહેવાય એટલે હૈયા પર હાથ મૂકીને આત્મીયજનોને પત્રો લખે. એમણે તમને પત્ર લખ્યો ને જવાબ આપવામાં ઢીલ કરી તો તમારું આવી બને. કવિ લાલ શાહીથી તમને રીંગણું, બટેકું, ચીભડું કંઈ પણ બનાવી દે! મીનપિયાસીને રેડિયોનો ગજબ શોખ. રોજ સવારે ‘આજના કાર્યક્રમની રૂપરેખા' સાંભળવા બેસી જાય એટલું જ નહીં, નોટમાં વિગતવાર બધું લખી લે. એ પછી તો એમને ત્યાં ‘નભોવાણી’ પણ આવતું. અગત્યના કાર્યક્રમોની નીચે લાલ પેનથી લીટા તાણે. પોતાને માટે નકામા અથવા અણગમતા કાર્યક્રમોની સામે ભાર દઈને કાળી ચોકડી પાડે. પુનઃપ્રસારણ હોય તો એની સામે અલગ નિશાની કરે. ‘સંગીતસરિતા' તો એક પણ દિવસ પાડ્યા વિના સાંભળે. એમની ડાયરીમાં રોજેરોજના રાગની વિગતો લખેલી હોય. રાગનો સંપૂર્ણ પરિચય, જાતિ, થાટ, વાદી-સંવાદી, આરોહ-અવરોહ, તાલ, ઉદાહરણ, અપવાદ બધું જ લખેલું હોય. જો કોઈ સંગીતકારે ભૂલમાં ય નાની અમથી ભૂલ કરી તો આકાશવાણીને પિયાસીનો પત્ર પહોંચ્યો જ જાણો! આકાશવાણીના અમદાવાદ-વડોદરા અને રાજકોટ કેન્દ્રમાં નોકરી કરતા કેટલાક સામાન્ય કક્ષાના કવિઓની એ વખતે ભારે દાદાગીરી. સુગમ સંગીતના કલાકારનું રેકોર્ડિંગ તો જ સમું ઊતરે, જો એ કલાકારોએ આ કવિઓની પણ રચનાઓ ગાઈ હોય! કોઈ સામયિક ઉઘાડે, અનુક્રમમાં તેના તંત્રી કે સંપાદકનું નામ વધુ વખત આવતું દેખે, તો એકદમ અકળાઈ જતા. એ કહેતા કે સંપૂર્ણપણે, તમારી વ્યક્તિગત માલિકીનું હોય તો જ તમે આમ કરી શકો. મીનપિયાસી ધોરણોના, મૂલ્યોના અને શુદ્ધિના માણસ હતા એટલે એમને આવી વાતોની બહુ જ ચીડ. એ કોઈની ય શેહશરમમાં આવ્યા વિના જાહેરમાં, અમુક કવિઓનાં તો નામ લઈને પણ આ વાત કહેતા. જો કે હજી પણ આવું કરવાની અને આવું કહેવાની - બંને પક્ષની પરંપરા અકબંધ રાખ્યાનું ગૌરવ આપણે છોડી શક્યા નથી! કોઈ પણ સામયિક ખોલો. તંત્રી-સંપાદકનાં લખાણોથી ભર્યું પડ્યું હશે! પિયાસીદાદા અમારે ત્યાં આવે ત્યારે એમનું રોકાણ લાંબું હોય. એમનો પત્ર હોય એ પ્રમાણે – મારે કે મારા મોટાભાઈ અરવિંદભાઈએ, લીંબડી કે ધ્રાંગધ્રા જવાનું. કવિ એમના ડોક્ટર ભાઈને ત્યાં હોય ત્યાંથી લઈ આવવાના. જો ચૂડા હોય તો, સ્ટેશને ઊતરીને ઘોડાગાડી કે નગરપંચાયતની વાદળી રંગની ખખંડપંચમ બસમાં બેસીને એમના ઘેર જવાનું એમના કોટ કે બંડીમાં જે હોય તે તો ખરું જ. વધારામાં એક છત્રી, મોટો ખાદીનો થેલો. મોટે ભાગે તૂટેલી ચેઈન હોય એવી એક એરબેગ અને એક કાળી પેટી એ એમનો અસબાબ, સ્કૂલોમાં અને સંસ્થાઓમાં એમના કાર્યક્રમો ગોઠવાય. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફાળો આપે. એમાં અમુક રકમ શિક્ષકો ઉમેરે અને કવિને એકાવન કે સો સવાસો રૂપિયા જેવી રકમ કરી આપે! લાયન્સ, રોટરી કે મોટી સંસ્થાઓ પુરસ્કારનું કવર બંધ કરીને આપે. ઘેર આવ્યા પછી કવિવર એ કવર ખોલે.... કવિ કાં તો એકદમ રાજી રાજી... કાં તો... બસ સાવ આમ જ?' એટલું બોલીને ઉદાસ થઈ જાય! જો કે એ બધી વાત તો પછીની, પણ કાર્યક્રમમાં જતાં પહેલાં પિયાસીદાદા કવિતાઓનો ક્રમ વિચારી રાખે. થોડા નર્વસ થઈ જાય. વારંવાર બાથરૂમ જાય, એકાદ વખત મોટી વિઝિટે ય જઈ આવે. ઘડી ઘડી વારે અરીસા પાસે જાય, ટોપી, કોટ કે બંડી જે હોય તે સરખું કરે... હું આજુબાજુ જ હોઉં એટલે પૂછે: ‘બોલ જોઈ! કેવું લાગે છે?' હું કહું કે ‘દાદા! તમારો તો વટ પડે છે ને કંઈ...’ એ પછી થોડી મગરૂરીનો અભિનય કરતા હોય એમ મારી સામે જુએ ને જરાક હસે. કવિતા રજૂ કરતાં પૂર્વે થોડીક ભૂમિકા કરે. પછી થોડુંક હસાવે: ‘મારે કાનનું કાચું ને હું કહું ઈ હાચું!' એમ કહીને. જો કાર્યક્રમ સરસ રીતે પૂરો થયો હોય તો એનો રાજીપો ત્રણચાર દિવસ ટકે. બહુ વાહવાહી મળે તો પોતે જ પોતાની પીઠ થાબડે અને શાબાશી આપે. ક્યારેક એવું પણ થાય કે એમને મજા ન આવે. સારી કવિતાઓને યોગ્ય દાદ ન મળે… થોડા નિરાશ થઈ જાય. ઘેર આવે અને આપણે પૂછીએ: 'દાદા.. કેવું રહ્યું?' મોઢું બગાડીને કહે… ‘ઓડિયન્સ ફેઈલ! ઓડિયન્સ ફેઈલ!’ એમના મતાનુસાર કવિ ફેઈલ નથી થતો. ઓડિયન્સ ફેઈલ થાય છે. એક વાર છોકરીઓની સ્કૂલમાં એમનો કાર્યક્રમ હતો. સ્કૂલવાળાએ પહેલાં વકતૃત્વસ્પર્ધા અને પછી મીનપિયાસીના કાવ્યપાઠનું આયોજન કર્યું હતું. કવિને આ પ્રકારે બેવડું આયોજન ઓછું ગમે. પણ, મનેકમને સ્વીકાર્યું હતું. એક પછી એક બાળા આવે ને બોલે. ધીમે ધીમે કવિને રસ પડ્યો. નારાજગી ઓછી થઈ ગઈ. કાન ઉપર હાથ મૂકીને બધું ધ્યાનથી સાંભળવા માંડ્યા. કરસનદાસ માણેકની કાવ્યપંક્તિ ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?’ ને આધારે અમીરી અને ગરીબી વિશે વાત કરવાની હતી. એક વિદ્યાર્થિની સરસ બોલતી હતી. બોલતાં બોલતાં એ સ્ક્રિપ્ટની બહાર જતી રહી અને પોતાના જ ઘરનો, બાપ-દીકરી વચ્ચેનો અંગત પ્રસંગ કહી બેઠી! ભીની આંખ હોવાને કારણે કવિ પોતાની જામનગર બેઠેલી દીકરી વર્ષા અને આ દીકરી વચ્ચે ભેદ ન કરી શક્યા. બધું પૂરું થયું ત્યારે, પોતાની સખત જરૂરિયાત છતાં; મળેલી પુરસ્કારની આખેઆખી રકમ પેલી દીકરીને બોલાવીને આપી દીધી! ‘આ દર્દભરી દુનિયામાં' જઈને 'કોઈનું સુખદુઃખ' એ આમ પૂછી લેતા. ‘દિલ મારું ખોવાઈ ગયું!’, ‘રાધાગોરી છુમકછુમાછુમ ચાલી જમુના તીરે', ‘મનની તે મોરલી વાગી', ‘પાણીનો આ ગોળો!', 'રમતો'તો બાળ' અને 'હું અલબેલો અલગારી!’ જેવી રચનાઓ આજે પણ લોકપ્રિય છે. હરિશ્વન્દ્ર જોશી અને વીણાભાભીએ પણ રાજકોટ રેડિયો પરથી એમનાં ઘણાં ગીતો ગાયાં છે. ઝાલાવાડની ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને ચૂડા- એમના વતનમાં, મોરારિબાપુના હાથે એમનું ભવ્ય સન્માન કરાવ્યું. રઘુવીરભાઈના પ્રમુખપદે કવિસંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, માધવ રામાનુજ, મફત ઓઝા, મનોહર ત્રિવેદી અને બીજા ઘણા કવિઓ હાજર હતા. મોરારિબાપુથી માંડીને નાનામાં નાના ચાહકે પણ અંતરના ઉમળકાથી કવિની પ્રશસ્તિ-વંદના કરી. સ્વાભાવિક જ ઘણા બધાં લોકો ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ..’ વિશે બોલ્યા. છેલ્લે કવિને બોલવાનો વારો આવ્યો ત્યારે તો ભારે રમૂજ થઈ. મીનપિયાસી કહે : 'બધા યે મારા બહુ વખાણ કર્યા. સારું સારું બોલ્યા. પણ કોઈએ 'ઘૂ ઘૂ ઘૂ'ને યાદ કર્યું? અને આખી સભા હસી પડી! કોઈએ કવિને કાનમાં કહ્યું કે 'અત્યાર સુધી જે થયું એ બધું 'ઘૂ ઘૂ ઘૂ’ જ તો હતું!’ કવિનો પહેલો કાવ્યસંગ્રહ ‘વર્ષાજલ’ ૧૯૬૬માં પ્રગટ થયો ત્યારે એની પ્રસ્તાવનામાં રામપ્રસાદ બક્ષીએ લખેલું: ‘ઝાલાવાડના વતની અને ‘ઝાલાવાડ’ નામની એક કૃતિમાં એ પ્રદેશની સપાટ ધરણીને તથા એમાં ઊગતાં આવળ, બાવળ, કેરડો, તરબાવળ, બોરડી, કેસૂડો (પલાશ) એ વૃક્ષોને વર્ણનવિષય બનાવનારા ભાઈ મીનપિયાસીએ પ્રકૃતિવિષયક કાવ્યોમાં પણ ઝાલાવાડના સહજસુંદર નહીં એવાં નૈસર્ગિક તત્ત્વોની વિશિષ્ટતામાં સૌન્દર્યનું દર્શન અથવા આરોપણ કર્યું છે. ધૂળ, વગડો, ગાડાકેડો, ગામડાની શેરી, ફળિયું વગેરેમાં તો આ પ્રાંતની શુષ્કતાનાં દર્શન થાય, પરંતુ એનું પણ મીનપિયાસીએ મમત્વભરી સ્થળપ્રીતિથી પ્રેરાઈને મનગમતું નિરૂપણ કર્યું છે. આમાંનું ‘ગાડાકેડો’ વાચકને ઉમાશંકરકૃત ‘ચીલા ચાલ્યા જાય'નું સ્મરણ કરાવશે.' કવિ કેવા હોય? એ કોઈને બતાવવું હોય તો ‘મીનપિયાસી’ એનું પ્રગટ ઉદાહરણ હતા. પ્રજારામ રાવળે 'આ ઝાલાવાડી ધરતી' લખ્યું. એનો કેટલાક સંવેદનશીલ લોકોએ તે વખતે વિરોધ પણ કરેલો અને કહેલું કે આપણી મા ગમે એટલી કદરૂપી હોય તોય મા એ મા છે! માના ધજાગરા કરવાના ન હોય! મીનપિયાસીએ વિરોધ ન કર્યો, કાવ્ય લખ્યું:

‘ઝૂલ ઝાલાવાડ ઝૂલ!
વૈશાખમાં છો વરવો તોયે આષાઢમાં અણમૂલ !'
હરિની હોય હથેળી એવી ભોંયમાં ગરવાં ગુલ,
ડગલે ડગલે દેખીએ એવાં ગામડાં હળવાં ફૂલ;
ખોળલો મીઠો ખૂંદતાં છૈયાં,
ધીંગી ઉડાડે ધૂળ!…ઝૂલ ઝાલાવાડ ઝૂલ!

મીનપિયાસી અનેકવાર કહેતા કે મેં જે નથી અનુભવ્યું તે નથી લખ્યું એમની કવિતાઓનો પ્રથમ સંગ્રહ 'વર્ષાજલ' ઘણો મોડો પ્રગટ થયેલો. એમના ચાહકોએ એકથી વધુ વખત રકમ ભેગી કરી રાખી, પણ સંજોગો બેસે જ નહીં ને રકમ વપરાઈ જાય! છેવટે લાભશંકર રાવળ 'શાયર’ જેવા અનેક મિત્રોના પ્રયત્નથી લગભગ દસેક વર્ષ મોડો કહેવાય એમ ૧૯૬૬માં બહાર પડેલો! આ શાયરકાકા ઘણા સાહસિક, એમણે મિત્રો સાથે મળીને તે વખતે સુરેન્દ્રનગરમાંથી ‘પલાશ’ નામે કવિતાનું સામયિક કાઢેલું. જેમાં સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રજારામ રાવળ, ગુલામમોહમ્મદ શેખ, બાલમુકુન્દ દવે, કલાધર વૈષ્ણવ, અમૃત ત્રિવેદી 'રફિક’, કિરીટ ગઢવી જેવા કવિઓની કવિતાઓ છપાતી. મીનપિયાસી થોડો સમય સંપાદનમંડળમાં પણ રહેલા. મીનપિયાસીને ઘણા લોકોએ ચૂડાના તળાવની આજુબાજુ કે વગડામાં, દૂરબીન લઈને ભમતા જોયા છે. પક્ષીદર્શન અને ખગોળદર્શનનો એમને ગાંડો શોખ. ૧૯૪૩માં એમનાં પત્ની મનોરમાબહેને ‘પોપ્યુલર હેન્ડબુક ઓફ ઇન્ડિયન બર્ડ્ઝ’ નામનું પુસ્તક ભેટ આપેલું, જેને કવિએ જીવ્યા ત્યાં સુધી જીવની જેમ સાચવેલું. બહુ વર્ષો પછી, ભૂપેન્દ્ર મો. દવેના પ્રયત્નો થકી ‘પંખીમેળો' નામે એમનું એક પુસ્તક માહિતીખાતાએ પ્રગટ કર્યું હતું. મીનપિયાસીને પક્ષીઓમાં રસ કેવી રીતે પડ્યો? એમણે પોતે જ લખ્યું છે: 'કુમાર' માસિકના ૧૯૧-૧૯૨ના અંકથી હું તેનો ગ્રાહક થયો ત્યારે તેમાં 'વનેચર'ની લેખમાળા 'વનવગડાનાં વાસી’ પૂરી થવા આવી હતી. તેમાં પંખીઓનાં ચિત્રો હતાં. મને એમ કે કોઈ કાશ્મીર જેવા ભાગ્યશાળી પ્રદેશમાં આ પંખીઓ થતાં હશે. મારા ગામ- ચૂડા-માં ક્યાંય હોઈ શકે તેની તો કલ્પના જ નહીં. એમાં એક ચિત્ર મારા જોયેલા પંખીનું મેં દીઠું અને તે જ વખતે એ પંખી મારા ઘરની સામે શેરીમાં આવીને બેઠું, એ હતો હુપ્પો! ઘંટીટાંકણો. બસ થઈ રહ્યું. મનને ચસ્કો લાગ્યો!’ આ ચસકો એવો લાગ્યો કે એ ‘ઝાલાવાડના સલીમઅલી' કહેવાયા. થિયોસોફી અંગેનો એમનો અભ્યાસ પણ ઘણો ઊંડો. થિયોસોફીનો સૌથી પહેલો સિદ્ધાંત, સારા માણસ બનો! એ આ કવિએ આત્મસાત કરેલો. બંગાળમાં તો વૈદ્યરાજને પણ કવિરાજ કહેવાય છે. મીનપિયાસી તો કવિરાજ અને વૈદ્યરાજ બંને! વધારામાં ચૂડાના રાજકુટુંબ સાથે પેઢીઓનો સંબંધ, એટલે રાજકુમારોને અંગ્રેજી શીખવતા. હજુરબંગલે દિવસમાં એક વાર તો જવાનું જ. ત્યાંના ગ્રંથાલયની પણ કવિ દેખભાળ લેતા. કલાપીકુટુંબનાં દીકરી પરણીને ચૂડાસ્ટેટમાં આવેલાં અ.સૌ. રાણીસાહેબ ભારતીબા કવિને ખૂબ આદર આપતાં. એમની લાગણીઓને સમજતાં. જરૂરી પુસ્તકો ખરીદવામાં અને જીવનનિર્વાહમાં સહાય પણ કરતાં. મીનપિયાસીએ રોજેરોજની ડાયરી લખી છે. કોઈના નાના અમથા ઋણનો પણ સ્વીકાર કરનારા આ કવિ અડતાલીસ કે પચાસ વર્ષે તો વિધૂર થયેલા. એ પછીનું એકલવાયું જીવન ગુજારવાનું અઘરું હતું. પણ તેઓ ખાંડાની ધાર પર જીવ્યા. હા, એટલું ખરું કે એમનો ચાહકવર્ગ ઘણો મોટો હતો. કેટલાયે પરિવારો એમને પોતાના માનતા. હક્ક કરીને એમની સારસંભાળ લેતા. એમના બે કાવ્યસંગ્રહો 'વર્ષાજલ' તથા 'ગુલછડી અને જુઈ'ની ભલે અસંખ્ય આવૃત્તિઓ ન થઈ, પણ લોકોએ, ખાસ તો સ્કૂલે સ્કૂલે વિદ્યાર્થીઓએ એમને બહુ સાંભળ્યા. એ દૃષ્ટિએ જોઈએ તો એમની લોકપ્રિયતા ઘણી વધારે હતી. આજે પણ, કવિતા વિશેના આપણા કેટલાંક ગૃહીતો છોડીને જોઈ શકીએ તો મીનપિયાસીની કવિતા સ્પર્ધા વિના નહીં રહે. અંતરની અમીરી તો એવી કે નાની નાની વાત માટે પાઈ પાઈના હિસાબ કરવા પડતા છતાં, કવિ સ્વમાનભેર જીવ્યા. કદી હાથ ન લંબાવ્યો. અલ્પ સમય માટે ઉછીનાપાછીના કર્યા પણ હિસાબ એકદમ ચોખ્ખો. પોતાને માટે ‘આ સૃષ્ટિનો હું શાહ કવિ!’ કહેનારા મીનપિયાસીની આંતરિક પહોંચ કેટલી વ્યાપક હતી તે જાણવા-સમજવા એમની જ આ પંક્તિઓ

નભગંગાને કાંઠે બેસી ગીત ગગનનાં ગાતો,
તારલીઓનાં નેણ નચવતાં તેજતિમિરમાં ન્હાતો;
ઘોર નિરાશા-તિમિરો વચ્ચે તેજઆશનો રમ્ય કવિ!
આ સૃષ્ટિનો હું શાહ કવિ!