સિગ્નેચર પોયમ્સ/ઘરથી કબર સુધી – બેફામ

From Ekatra Wiki
Revision as of 02:30, 20 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઘરથી કબર સુધી

બેફામ


સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હૃદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.