સિગ્નેચર પોયમ્સ/જનની – દા. ખુ. બોટાદકર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 02:50, 19 April 2024

જનની

દા. ખુ. બોટાદકર


મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની∘︎
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની∘︎
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની∘︎
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની∘︎
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની∘︎
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની∘︎
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની∘︎
ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ,
અચળા અચૂક એક માય રે. જનનીની∘︎
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની∘︎
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની∘︎
ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.