સિગ્નેચર પોયમ્સ/સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

સાગર અને શશી

કાન્ત


આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે.
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહીં ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!