સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/ગોપી

ગોપી

‘હાં, ખરી!’ ‘હાં, ખરી!’ ‘વાહ જી વાહ!’ ગોપી–ગોપાળ–ગોપાળિયો નાચતો હતો અને ગામના જુવાન રસિક વર્ગમાંથી આપમેળે ભેગું થયેલું ચુનંદું પ્રેક્ષકમંડળ ઉપર પ્રમાણે અભિનંદન વરસાવી રહ્યું હતું. તાળિયો, સિસકારા અને આવાં પ્રકટ સંબોધનોથી ગોપી પણ ખીલતો હતો.એણે શરીરને વધારે ડોલાવવા માંડ્યું; પગના ઘૂઘરા વધારે લહેક અને ઝમકથી વગાડવા માંડ્યા; અને સાંભળનારાઓમાંથી છેલબટાઉ જેવા લાગતા યુવાનો તરફ આંગળી બતાવી તે આંગળીને છાતી પર મૂકી આંખોને મિચકારતો, ઓઠનો ગાતાં ગાતાં કરી શકાય તેવો સ્મિતભર્યો ચાળો કરતો તે ગાવા લાગ્યો: ‘હાં...થઈ પ્રેમવશ પાતળિયા... આ... મારા મનના માલિક મળિયા રે...થઈo’ જે જુવાનના તરફ ‘મનના માલિક’ ગવાતાં તેની નજર જતી, તેના ઉપર આખી મંડળીની આંખો અદેખાઈથી વળતી અને તેની પાસે બેઠેલા તેના બરડાને થપાટોથી હલકો કરી મૂકતાં કહેતા, ‘ફાવ્યો ’લ્યા, ફાવ્યો!’ ગોપીનું ગાયન અને નૃત્ય આગળ વધ્યું. ઘૂઘરાની ઘમક વધારે જોરથી ગાજવા લાગી. ‘થઈ પ્રેમવશ પાતળિયા આ...હાં... થઈ, પ્રેમવશ – થઈ પ્રેમવશ પાતળિયા. મારા મનના માલિક મળિયા રે...’ જોનારો વર્ગ ચેનચાળા ભૂલી જઈ ગોપીના નાચને જોઈ રહ્યો. ગોપીએ પણ આંખનાં નખરાં બંધ કરી, લગભગ આંખ ઢાળીને જ તાલબંધ ગાવા-નાચવા માંડ્યું. અને ધર્મશાળાના એ લાંબા મેડા ઉપર, બપોરના ત્રણ વાગ્યે, જ્યારે બહાર ગરમ ચાંદી જેવો તડકો રેલાઈ રહ્યો હતો ત્યારે, અહીં મધરાતના જેવી શાંતિ ફેલાઈ રહી. ચીંચીં કરતાં ચકલાં પણ બહારની ગરમીમાંથી હાંફળાંફાંફળાં આવીને મેડાની હારબંધ આવેલી બારીઓ પર બેસતાં, અને જાણે ગાયન સાંભળીને કે આટલા બધા લોકો શાંત કેમ બેઠા હશે એ કુતૂહલથી ઘડી સ્થિર થઈ જતાં અને અવાજ કર્યા વગર પાછાં ઊડી જતાં. ઢોલકને એકધારું વગાડ્યે જતાં રંગ પર ચડી ગયેલા મોતી રાવળિયાએ તાનમાં આવીને જોરથી થાપી મારીને ઢોલક થંભાવી દીધું ત્યારે જ આ સમાધિનો ભંગ થયો. વેગમાં ઘૂમરીઓ લેતો ગોપી અટકી ગયો. તેના ઘૂઘરા શાંત પડ્યા. કપાળ પર વળી આવેલી પરસેવાથી ભીંજેલી વાળની લટોને તેણે હાથ વતી સરખી કરી જ્યારે અધબીડેલાં પોપચાંમાંથી પોતાના લાંબા વાળ તરફ એણે આંખો ઉઠાવી ત્યારે, સ્વર્ગની તો દૂરની વાત પણ પૃથ્વીનીયે અપ્સરાઓનું દર્શન જેમને નથી થયેલું એવા એ ગ્રામ-પ્રેક્ષકવર્ગને તો જાણે કોઈ અપ્સરા નાહીને પોતાના વાળ સમારતી હોય તેવું લાગ્યું. ગોપીના ગૌર વર્ણના ચહેરા પર આ મહેનતથી રતાશ આવી હતી. એટલે મૂછ ફૂટ્યા વગરનો એનો ચહેરો વધુ મોહક થયો હતો. જોનાર મંડળ ‘વાહ જી વા! રંગ છે રે રંગ!’ એમ અભિનંદન ઠાલવવા લાગ્યું. અને તરત કોલાહલ વધી પડ્યો. પાસે પડેલા ગોદડીના એક ગાભા પર જઈને ગોપી બેઠો, પડ્યો. એનું લોહી જોરથી વહેતું હતું. ઊભા પગ પર ટેકવેલા હાથમાં માથાને મૂકી આંખો મીંચી તે આરામ લઈ રહ્યો. ત્યાં તો પાછું આમંત્રણ આવ્યું. ‘ગોપી, “મારી સજની” ચાલવા દે તો.’ ‘હાં એ જ, ખરું ટૅસદાર છે! ચાલવા દે.’ કોઈક ડાયરેક્ટરની છટાથી બોલ્યું. ‘અરે, આ ખરે બપોરે બિચારાને જરા થાક તો ખાવા દો; કોઈ બરફનું પાણી લાવીને તો પાઓ–’ ‘અરે બરફ શું? વરરાજા અહીં છે તે આઇસક્રીમ નહીં ખવડાવે?’ વરરાજાની પાસે બેઠેલા મિત્રે તેમનો બરડો થાબડી કહ્યું. વરરાજાએ હા પાડી, પણ હાલ તરત તો માટલાનું ઠંડું પાણી જ પીને ગોપીએ બીજું ગીત ચલાવ્યું: ‘મારી સજની, તું ક્યાં રમી આવી રજની?          સાચું બોલ, બોલ, બોલ.’ કૃષ્ણના જેવા રંગવાળા ચતુરભાઈ–ગામના એક મોટા જમીનદાર પાટીદારના દીકરા–ની જાન જવાની હતી. એ શ્રીમાનને પોતાને માટે તથા એમના રસિક જુવાન મિત્રોના મનોરંજન માટે ગોપીની કળાના પ્રદર્શનની આ બેઠક યોજાઈ હતી. વરરાજાના વેશમાં પીઠી ભરેલા, ઘરેણાં પહેરેલા શામળિયા સ્વરૂપ ચતુરભાઈ અને લગ્નમાં આવેલા, નવાં કપડાંમાં તથા પાન, બીડી, અત્તર તથા રૂમાલના જાત જાતના ટૅસમાં બેઠેલું મિત્રમંડળ કોઈ અનોખી કૃતાર્થતા અનુભવી રહ્યાં. પોતાના માનમાં યોજાયેલા આ મેળાવડામાં જ્યારે ગોપીની આંગળી અને આંખ ચતુરભાઈના તરફ વળતી અને એ રાવળિયો એમના તરફ ‘મારા મનના માલિક’ બોલીને ચાળો કરતો ત્યારે તાળીઓનો ગડગડાટ થઈ રહેતો અને ચતુરભાઈ પહેરણમાં ફૂલ્યા સમાતા નહીં. ગોપીની ચીજ પૂરી થઈ અને તાળીઓ પડી. ગોપીની કાતિલ અસર હજી અરધી જ પ્રગટતી હતી. એક તો દિવસ, તેમાંયે બપોર, અને વળી પાછાં એણે ‘લૂગડાં’ પણ પહેર્યાં નહોતાં; અને માત્ર મેલા પોતિયા અને ડગલીમાં જ એ નાચતો હતો. જોનારાની આંખો ગોપીને સ્ત્રીના વેશમાં કલ્પતાં તો ભાન ભૂલવા લાગી. ત્યાં વાળંદે આવીને કંઈક ખબર આપતાં મિજલસ ત્યાંથી જ અટકી અને વરરાજા હાથમાં સૂડી લઈને ઊઠ્યા અને દાદર ભણી વળ્યા. ‘એ બાપા!’ ઢોલક વગાડનાર બુઢ્ઢો મોતી રાવળ બોલ્યો: ‘આઇસક્રીમ તો રહ્યો, પણ એકાદ સિગારેટ તો આપતા જાઓ!’ રૂમાલમાં વીંટાઈ ગયેલું સિગારેટનું ખોખું તેમના તરફ ફેંકી વરરાજા ઊતરી ગયા. આખો ઓરડો, ટર્મિનસ આગળ આવી પહોંચેલી ગાડીના ડબ્બા પેઠે ખાલી થઈ ગયો અને ખોખામાંથી નીકળેલી એક સિગારેટને પાંચે રાવળિયાઓએ વારાફરતી પીવા માંડી. સૌભાગ્ય-સુંદરીના ખેલમાં અદ્ભુત કામ કરવાથી શ્રી જયશંકર ભટ્ટને જેમ ‘સુંદરી’નું ઉપનામ મળ્યું છે તે પ્રમાણે મોતી રાવળિયાના છોકરા ગોપાળિયાને લગ્ન વખતે ગોપીનો વેશ સુંદર રીતે લેવા બદલ ‘ગોપી’નું ઉપનામ મળેલું. હજી સુરતનાં રઝાક બૅન્ડ કે સાદા ભૂંકાર કરતાં તુર્કી ટોપીવાળા મિયાંઓનાં ફૂલેલાં ગળાં દ્વારા વાગતાં વાજાં જ્યારે ગામમાં પ્રવેશ કરવા પામ્યાં ન હતાં, અને ગામડાંના ઢોલીઓ જ લગ્નાદિ પ્રસંગોના સંગીત-નૃત્યના વિધાયકો હતા તેવે કાળે ‘ગોપી’ની ટુકડીને પોતાને ત્યાં બોલાવનારનો લોકોમાં વટ પડતો. મોતી રાવળ શરણાઈમાં વિવાહનાં ગીતો અચ્છી રીતે વગાડતો, જાણે સાંભળ્યા જ કરીએ એવી વાતો કહેતો, એના સાથીદારો જાદુના ખેલો કરતા, અને છેવટે, ગોપાળિયો ગોપીનો આબાદ વેશ લેતો. આ બધાંને લીધે મોતી રાવળની – અને હવે ગોપી પ્રખ્યાત થયા પછી, ‘ગોપી’ની ટુકડી આખા જિલ્લામાં ખૂબ જાણીતી થઈ પડેલી. લગ્નનાં મુહૂર્તો પાસપાસે આવી જતાં ત્યારે ગામ ગામ વચ્ચે, કેટલીક વાર એક જ ગામમાં ફળિયા ફળિયા વચ્ચે, ને કદીક તો એક જ ફળિયામાં ઘર ઘર વચ્ચે ‘ગોપી’ની ટુકડીને લાવવાની જબ્બર હરીફાઈ જામતી, ટુકડીનાં માન વધી પડતાં, અને મોતી રાવળને નગદ સોદો પાકતો. આખા ગામમાં ‘ગોપી’ની ટુકડી બોલાવ્યા વગર જેનું હીણું દેખાય એવું ઘર તો ચતુરભાઈ પટેલનું જ. પચાસ રૂપિયા ઠેરવીને જ્યારે ટુકડીને લાવવામાં આવી અને જ્યારે ખભે ઢોલકાં, ધંતૂરાના ફુક્કા જેવા આકારની પિત્તળની શરણાઈઓ અને બેચાર ખડિયામાં ‘લૂગડાં’ લઈને આ મંડળી પાંચમી વરધે ગામમાં આવી ત્યારે ગામમાં જાણે એક બનાવ બની ગયો, અને છોકરાંની ભૂંજર પાંચ કલાક લગી તેમના ઉતારા પાસેથી હઠી નહીં. ‘શું મારા ભાઈ! પાંચ ગામનાં બાનાં ઠેલીને રાવળિયા આવ્યા છે!’ ‘અને ભાઈ, છોકરો શું ગોપી થાય છે! શું ગોપી થાય છે! જાણે સાક્ષાત્ ગોપી! ખરેખર, ચતુરભાઈના લગનમાં તો રંગ રહી જવાનો.’ ‘અને વેવાઈને ત્યાં પણ વટ પડી જવાનો ગામનો!’ આમ ઓટલે ઓટલે બોલાવા લાગ્યું. માંડવા-મુહૂર્તથી માંડી, ગુજરાં ગોરમટી, વરધ ભરવાની, પોશ ભરવાની એમ લગ્નની નાનાવિધ ક્રિયાઓ વખતે નારીમંડળની સાથે ઢોલીઓને જવાનું રહેતું અને એ વખતે ઘરડી કે આધેડ, ઘૂમટા વગરની દીકરીઓ કે ઘૂમટાવાળી વહુઆરુઓ, અર્થાત્ નાનીમોટી તમામ સ્ત્રીઓ ઢોલીઓ સાથે ફરતા આ છોકરા તરફ કૌતુક અને પ્રશંસાથી જોઈ રહેતી અને સંભળાય ન સંભળાય તેમ બોલતી: ‘ભગવાને આ રાવળિયાને શું રૂપ આપ્યું છે!’ ઉકરડા પર ગુલાબ પડ્યું હોય તેમ રાવળિયા જેવી કોમમાં ગોપાળ જન્મ્યો હતો, ગોપાળની મા એની નાની બહેનના જન્મ વખતે જ મરી ગયેલી; એને પોતાને છોકરી ન હતી એટલે આ ફૂટડા છોકરાને જાણે તેની ભવિષ્યની કારકિર્દી ભાખતી હોય તેમ, એ ‘મારી ગોપી, મારી ગોપી’ એમ લાડમાં બોલાવતી. એ ઘઉંવર્ણી ફૂટડી માતાની બધી મોરછા ગોપાળમાં ઊતરી હતી, અને કુદરતનો વિકાસક્રમનો સિદ્ધાંત પ્રગટતો હોય તેમ છોકરાનો રંગ ઘઉંવર્ણામાંથી ગુલાબી પ્રગટ્યો હતો. મોતી રાવળે છોકરાને મોતીના છોડ જેમ ઉછેર્યો. રાવળિયાનું છોકરું નાનપણથી જ નાચતાં અને ગાતાં શીખી ગયું. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ મોતી રાવળે એને ભવાઈઓ તથા બને ત્યારે શહેરનાં નાટકો બતાવી નાચગાયનના સંસ્કાર સીંચવા માંડ્યા. કોઈ પણ ચીજ ગોપાળને ગળે સહેલાઈથી ચડી જતી. શહેરમાં નાટક જોઈ આવનારો ગામડાંનો વર્ગ આ છોકરાને મોઢે આટલી સરસ રીતે છેલ્લામાં છેલ્લાં ગાયનો સાંભળીને ખુશ થઈ જતો. આમ ગોપીની પ્રતિષ્ઠા જામી. ભવૈયાઓના ટોળાએ પણ એક વાર ગોપાળને પોતાની સાથે લઈ જવા માગણી કરેલી. પણ મોતી રાવળ પોતાના છોડને એમ શેનો વેડાવા દે? તેણે તો પોતાના છોકરાને સારો એવો કેળવ્યો; અને બેત્રણ લગ્ન વગાડવા માત્રથી જ મોતી રાવળને બાર મહિનાના રોટલા મળી જવા લાગ્યા. ગોપીની ટુકડી પોતાને ઘેર આવ્યાથી ચતુરભાઈના પિતાને આબરૂ જળવાયાનો સંતોષ તો થયો, પણ પચાસ રૂપિયાની રકમ પણ જરા તાળવે ચોંટવા લાગી. પરંતુ એમાં તો કાંઈ ઇલાજ ન હતો, એટલે હવે રકમ બરાબર વસૂલ કરવી જોઈએ તેના પર વાત આવી. એક પણ પ્રસંગ એ ઢોલી વગરનો પડવા દેતા ન હતા. અને બિચારી ઢોલીની જાત; બધું સમજે તોય સામા થવાની એની શી તાકાત? વળી લોભ પણ ખરો. બેઠક વખતે ભેટ મેળવવાની દાનતે સૌ કોઈને રીઝવવા જ રહ્યા. આ ધમાલમાંથી મળતી આરામની ક્ષણોમાં વરણાગિયા જુવાનો એમનો કસ કાઢતા. ‘આ ફલાણા ગામના પટેલ અને આ ઢીંકણાના.’ ‘આમને કામ દેખાડવામાં ફાયદો છે.’ એમ મનાવી-પટાવી રાવળિયા પાસેથી નાચગીત વગેરે કઢાવી લેતા. પણ આ બધી જહેમત ઉઠાવવાની પાછળ મોતી રાવળિયાના મનમાં એક જ હેતુ રહેતો: વરને માંડવે અને કન્યાને માંડવે મળતી બેઠકોમાં પટેલિયાઓને રીઝવી ભેટ મેળવવી. અને ખરે, આ બે પ્રસંગે તો દરેક લગ્નમાં મોતી રાવળિયાને ટંકશાળ પડતી. ગોપી બનેલો ગોપાળ જેની દાઢીમાં જઈને હાથ નાખે તેની ગુંજાશ શી કે રાવળિયાને પાછો ઠેલે? ભલભલા મખ્ખીચૂસ પણ પાણીપાણી થઈ જતા. કુશળ મોતી રાવળ લીલી વેલ જેવા લાગતા બધા આસામીઓની આ દિવસોમાં ઓળખાણ કરી લેતો. એમને રીઝવવા ખાતર એ થાકેલા ગોપીને પણ નચાવતાં વિચાર ન કરતો. અને તૂટતે અંગે ગોપી મને-કમને નાચ્યે જતો. રાવળિયાઓનો કસ કાઢવાની વરના બાપની ઇચ્છા પૂરી બર ન આવી. ઢોલીઓએ વરને માંડવે લૂગડાં તો પહેર્યાં, પણ જ્યાં વરઘોડો જ ફેરવવાનો વખત ન રહ્યો ત્યાં ઢોલીઓની અરધોપોણો કલાક ચાલતી રમઝટ તો ક્યાંથી જ બને? જાનને જલદી જોડી મૂકવી પડી. હવે તો જે બને તે કન્યાને માંડવે. ચતુરભાઈ પટેલ વહુવાળા થઈ ગયા. વરપક્ષે અને કન્યાપક્ષે લગન માણ્યાં. ગીત ગાઈગાઈને વેવાણોનાં ગળાં બેસી ગયાં હતાં. રાતની રાતોના ઉજાગરા સૌની આંખો ઉપર દેખાતા હતા. ચચ્ચાર દિવસનાં મિષ્ટાન્ન જાણે અરુચિકર થવા લાગ્યાં હતાં. સૌ કોઈ હવે ઘેરે જઈ નિરાંત સેવવાની આશા રાખતું હતું. હવે બાકી હતો માત્ર એક જ કાર્યક્રમ, છેલ્લી બેઠકનો, જેમાં વરપક્ષનાં સગાંવહાલાંને પહેરામણી, સૌ નિમંત્રિતોને પાનબીડાં અને આખા ગામની નોતરેલી-વણનોતરેલી શિષ્ટઅશિષ્ટ તમામ વસતિને ગોપીના નાચની મજાની ભેટ. બેઠકનો વખત ભરાવા આવ્યો અને મોતી રાવળે ગોપીને સજાવવા માંડ્યો. કેટલીયે જાનોની ધૂળ ખાધેલો ખડિયો મોતી રાવળે છોડ્યો. મોટા ઘેરવાળા ઘાઘરા ને ગુલાબી, વાદળી, લીલી સાડીઓ કાઢી. એક કટાયેલા પતરાના દાબડામાંથી ખોટાં મોતીના કંઠા, બંગડીઓ અને બીજી શૃંગારસામગ્રી કાઢી. ગોપીએ તથા કા’ન બનનાર છોકરાએ તૈયાર થવા માંડ્યું. કોઈ સુકેશીને પણ શરમાવે એવો ચોટલો ગોપીએ તેલ નાખીને ગૂંથ્યો. ગોળ ચહેરો પાઉડર લગાવતાં વધારે ખીલ્યો. આંખમાં મેશ, ગાલે તથા ચિબુકે વાદળી ટીપકી, નાકમાં મોટી વાળી, કાનમાં ઝુમ્મર, સેંથામાં મોતીની માંગ, કાંડે મોતીની બબ્બે હારના ચાપડા, તંગ સૂંથણા ઉપર કિરમજી રંગનો ઘેરદાર ઘાઘરો, ઉપર દક્ષિણી ઢબે જાંબલી ઓઢણી, અને છેવટે, મુનિવરનાં પણ મન ચળાવે એવી મીઠી ઘૂઘરીઓ એમ ગોપીનો શૃંગાર સજાયો. મોતી રાવળ એકએક વિગત ઉપર ધ્યાન આપતો હતો, અને છોકરાને શણગાર સજાવતાં પ્રગટ-અપ્રગટ તે બોલતો હતો: ‘આજે તો દીકરા, કશી કમી ન રાખતો. રમઝટ બોલાવજે, ખોડિયાર મા જેવી મા માથે બેઠી છે, હાજરાહજૂર છે મારી માડી.’ ગોપી મૂંગો મૂંગો સાંભળ્યા કરતો હતો. એની આંજેલી આંખમાં રતાશ હતી, ગાલ વગર રંગ્યે પણ તડકાથી તપીને રાતા થયા હતા. છોકરો જાણે થાકીને લોથ થઈ ગયો હતો. ‘બે ઘડી જાળવી લેજે બેટા! જગદંબા, મારી મા! તારો છોકરો છે, મા! ગરીબનું રતન છે!’ છોકરાની ઢીલાશ કળી ગયેલો મોતી ખોડિયારને આરાધતો હતો. બાપની ચિંતા જોઈ મૂંઝાતો ગોપી બોલ્યો: ‘કાંઈ નથી બાપા, મૂંઝાઓ છો શાના? બરાબર ચાલશે.’ બપોર ઢળતાં વેવાઈને માંડવે બેઠક જામી, ધોબીએ બાંધેલા ચાદરોના માંડવામાં કાગળનાં ફૂલનાં તોરણો લટકી રહ્યાં હતાં. મોટા મોટા આથરો ઉપર તકિયા અને રૂવેલ ગોદડાં બિછાવાઈ ગયાં હતાં. સૂર્યનારાયણના તડકા માંડવાની અંદર સહેજ પેઠા અને વરરાજા તથા જાનૈયા વાજતેગાજતે વેવાઈને માંડવે આવી પહોંચ્યા. પહેરામણીમાંથી વેવાઈઓ પરવાર્યા પછી એક બાજુ ચાપાણીની તૈયારી થવા માંડી અને બીજી બાજુ ઢોલીઓને રમવાનું શરૂ કરવા કહેવામાં આવ્યું. મોતી રાવળ સિવાય ચારે રાવળિયાઓએ લૂગડાં પહેર્યાં હતાં. ગોપી અને કૃષ્ણ થનાર છોકરા સિવાયના બીજા બે રાવળિયા આધેડ હતા. એમની શોભા ઓર ખીલી નીકળતી હતી. કાળાં શરીર, બેઠેલાં ડાચાં, મૂછ મૂંડેલું મોં અને તે ઉપર સુંદરીના સોળ શણગાર! ખભે ઢોલકાં ટાંગી ધમધમાટ ધમચકડ સાથે ચકરીઓ લેવી અને ગોપીના નાચ માટે વાતાવરણ જમાવવું એ એમનું કર્તવ્ય હતું. ગોપી અને કા’ન રમતાં ત્યારે એ બે જણ બાજુએ ઊભા રહી ઢોલક વગાડ્યે જતા અને મોતી રાવળ એક બાજુએ બેસી એની ધોળી પાઘડીવાળું માથું હલાવતો ગાલ ફુલાવી શરણાઈ વગાડતો. મોટા રાવળિયાઓએ ઢોલકાંનો ઢબઢબાટ કર્યા પછી કા’ન-ગોપીનો નાચ આદરાયો. અવાજ કરતાં છોકરાં શાંત થયાં. ઢોલીને રમવાની જગ્યાની ચોમેર એમનું જામેલું કૂંડાળું વધારે ગાઢ થઈ આગળ ધસવા લાગ્યું. ઢીલી કમરવાળા જુવાનિયા ટટાર થયા અને દરેક, પોતાને આ મિજલસમાં કંઈક વિશેષ મહત્તા મળે એ રીતે વાળ સમારવા, ખોંખારા ખાવા કે મૂછ આમળવા મંડ્યા. ગોપીની ઘૂઘરીનો પહેલો રણકાર થયો અને આખી બેઠકમાં શાંતિ ફેલાઈ ગઈ. ‘કાનુડો મારી કેડે પડ્યો છે’ એ ગીતથી ગોપીએ શરૂઆત કરી. ત્યાં કા’ન આવ્યો. બંને છોકરાઓએ નાટકમાં સાંભળેલી પ્રાસંગિક-અપ્રાસંગિક ચીજો છોડી અને ધીરે ધીરે કૂંડાળે પડ્યા. ઢોલકની રમઝટ ચાલી. ઘૂઘરીઓ રણઝણવા લાગી. કૃષ્ણથી રિસાવાનો, મનાવાનો, ચિડાવાનો, લાડ કરવાનો અભિનય કરતો ગોપી સૌ કોઈના મુખમાંથી વાહ વાહના ઉદ્ગારો કઢાવવા લાગ્યો. કાર્યક્રમની વગર જાહેરાતે લોકો વાત કરતા હતા કે આજે દાણલીલા રમાવાની છે. જે ગવાતું હોય તે કરતાં પણ કાંઈ વધુ સારી ચીજ હવે આવવાની છે એ આશાએ સૌ કોઈ આતુર થઈ જોઈ રહેતા. ચીજો જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ વધુ સારી ચીજ માટેની આતુરતા વધતી ગઈ. ગોપીએ ગીત ઉપાડ્યું. શરણાઈ ઘૂંટાવા લાગી. ગોપીએ હોઠ મલકાવી વહેતું મૂક્યું: છેટો છેટો રહે નંદના છોકરા રે, મારાં રાંધણિયાં અભડાય રે, – કાનજીએ સામે બીજું ગીત લીધું: હાં રે, ગોપી! ઘેલી તું ઘેલી, હાં રે રૂપચંદનની વેલી, છકેલી, ઓ ઘેલી! આમ સામસામાં ગીતો બોલાતાં ગયાં. ગોપીનો છેડો ઊડતો જાય, કાનજી પાછળ ખેંચાતો જાય, ગોપી હાથમાં આવી ન આવી અને સરકી જાય! સારંગના સૂરે, ગોપીના કંઠે, ઢોલકના તાલે અને શરણાઈની મધુરતાએ પટેલની જાનમાં જાણે ગોકુળ ખડું કર્યું. ગાયનો થંભ્યાં અને મૂંગું નૃત્ય શરૂ થયું. ગોપીનાં અંગો ડોલવા લાગ્યાં. ગૂંથેલા વાળમાંથી છૂટી પડીને મોં ઉપર ઝૂલતી એકબે લટોએ તો કેટલાયને ગાંડા કરી મૂક્યા. મોતી રાવળને નસીબ ઊજળું દેખાવા લાગ્યું. છોકરાએ રંગ રાખ્યો. ‘જે હો તારી, ખોડિયાર મારી મા! મા, તને રાજી કરીશ; છોકરાને રમાડજે, મારી મા!’ અને બેઠકમાં ગોપી ફરવા માંડતાં રૂપિયાથી જે ખિસ્સું ભરાઈ જશે તેની કલ્પના તેને ગાંડો કરી નાખવા લાગી. અને કોણ જાણે ક્યાંથી તેનામાં અચાનક અધીરાઈ પ્રગટી. છોકરો હવે બેઠકમાં ફરવા માંડે તો સારું, ઘડી પછી શું નું શું બને! હવે છોકરો પોતાના તરફ જુએ તો તરત તેને નાચ બંધ રાખી ફરવા માંડવાનો ઇશારો કરવાનું તેણે નક્કી કર્યું. પણ ગોપીએ મોતી રાવળ ભણી આંખ ફેરવી જ નહીં. આંખો ઢાળીને તેણે તો નાચવું જ ચાલુ રાખ્યું. કા’ન બનેલો છોકરો તેની પાછળ ખેંચાતો જતો હતો, ઢોલકવાળો કોણ જાણે ભાન ભૂલ્યો હોય તેમ થાપીઓ દીધે રાખતો હતો, અને મોતી રાવળને અસહાય થઈ શરણાઈ ઘૂંટ્યે જવી પડતી હતી. જાણે બાજી કોઈના હાથમાં ન રહી હોય, કોઈ અદૃશ્ય તત્ત્વ તેમને ધક્કેલી રહ્યું હોય તેમ ગોપી, કા’ન, ઢોલક અને શરણાઈ પોતપોતાનું કામ અતિ ત્વરાથી કરી રહ્યાં હતાં. વરના બાપ મનમાં રાજી થતા હતા. વેવાઈને માંડવે વટ પડ્યો. પણ આ છોકરો દાઢીમાં હાથ નાખશે ત્યારે શું આપવું પડશે, અને પોતે આપે તે પ્રમાણે વેવાઈઓને પણ આપવું પડે અને એમ વેવાઈ પક્ષના લોકોને કેમ ખાલી કરાય, એ વિચારોમાં અભિમાન અને કૃપણતા તેમના મનમાં ઘડભાંગ મચાવી રહ્યાં હતાં. તોય તેમણે સંતોષનો ઉચ્છ્‌વાસ લીધો અને આખી બેઠક તરફ આંખ ફેરવી. બધાંની આંખો જાણે નાચતા છોકરા ઉપર પરોવાઈ ગઈ હતી. છોકરાની ચાલો સૌ કોઈને વધુ ને વધુ ઉત્તેજતી, ખેંચતી, લોભાવતી અને તલસાવતી જતી હતી. ત્યાં તો મોતી રાવળને જાણે કંઈ આંચકો લાગ્યો. છોકરો તાલ ચૂક્યો. મોતી રાવળનાં ભવાં સંકોચાયાં. છોકરાને છૂટી શરણાઈ મારવાનું મન થઈ આવ્યું. પણ ગોપીએ સંભાળીને બેવડા જોરથી નાચ શરૂ કર્યો. મોતી રાવળ હવે ખૂબ ઊંચો-નીચો થવા લાગ્યો અને જાતે જ શરણાઈ થોભાવી દેવાનો તેણે નિશ્ચય કર્યો. તેણે ઢોલકવાળા તરફ નજર ફેંકી. આખી બેઠક તરફ નજર નાખી; જાણે ત્યાં રૂપિયાની વાડી ન ઊગી હોય, અને હમણાં દીકરો એને વેડી આવશે અને મારો ખોબો ભરી દેશે! મોતી રાવળની આંખો ધોળે દહાડે સ્વપ્ન દેખવા લાગી. રૂપિયાના ભારથી જાણે તેનું ગજવું ભારે થવા લાગ્યું. ‘ધન્ય માતા ખોડિયાર!’ તેના અંતરમાંથી નીકળી ગયું. તેના જીવનની છેલ્લી ધન્ય ઘડી હતી. સંગીતની ધૂનમાં જાણે જગત ડૂબવા માંડ્યું હતું. અને ત્યાં – રેશમી પડદા ચિરાય તેમ અચાનક ક્યાંકથી વાતાવરણમાં એક ચિરાડો પ્રગટ થયો. ઢોલકવાળાના હાથ થંભી ગયા. મોતી રાવળનું ગળું શરણાઈમાં શ્વાસ ફૂંકતું બંધ થઈ ગયું. બેઠકમાં એક બેચેનીનો વાયરો વહી ગયો. અર્ધી આંખો ઢાળીને શરણાઈ વગાડ્યા કરતા મોતી રાવળની આંખો ઊઘડી ગઈ. એનું સ્વપ્ન વેરાઈ ગયું હતું. નાચવાના કૂંડાળાની વચ્ચે ગોપી ઢગલો થઈને પડ્યો હતો અને જાંબલી ઓઢણી એના મૂર્ચ્છિત શરીરમાંથી ઊઠતા શ્વાસોચ્છ્‌વાસની સાથે સાથે ઊંચીનીચી થઈ રહી હતી. [“ ‘ગોપી’થી ‘હીરાકણી’ ”]