સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/તારિણી

તારિણી
(૧)

બરાબર બપોર હતા. મધ્યાહ્નનો સૂર્ય એના લાખ લાખ જોજન દૂરના અનંત આકાશની ગેબમાંથી એકાગ્ર બનીને પૃથ્વી ઉપર પોતાનો પ્રકાશ અને અગ્નિ એકત્રિત કરી રહ્યો હતો, અને એ પરમ દેવતાની પ્રસાદીને ઝીલવા માટે સજ્જ બનીને પૃથ્વી પોતાની આખીયે જાતને ઊંચી કરી ટેકરી બની જઈને, પર્વતની એક ટોચ બની જઈને સૂર્યની એ નજર સામે ગોઠવાઈ ગઈ હતી. અને એ ટોચ ઉપર તારક હતો, હારિણી હતી અને પાસે નાનકડું એવું એક મંદિર હતું. આકાશમાંથી જોતા સૂરજને તો એ જાણે થાળીમાં ગોઠવાયેલાં વિવિધ આકૃતિનાં, વિવિધ રંગનાં ફૂલ જેવું લાગે. અને ખરેખર અહીં ખૂબ જ રંગબેરંગી હતું. હારિણી પલાંઠી વાળીને કોઈ પદ્માસને બેઠેલી દેવી જેવી બેઠેલી છે. એના ખોળામાં તારકનું મસ્તક છે, અને એ મસ્તકના લલાટ પરથી વહી વહીને એના ચહેરા પર પથરાઈને થીજી ગયેલું લોહી કોઈ રંગોળીની જેમ અવનવી રેખાઓ રચી રહ્યું છે. તારકનો દેહ લગભગ ઊંધો પડી ગયેલો છે અને એમાંથી એના મસ્તકને ફેરવીને, ઊંચકીને, છતું કરીને હારિણીએ પોતાના ખોળામાં લઈ લીધું છે. એનો એક હાથ તારકના વાળમાં હળવેથી ફરી રહ્યો છે, અને બીજો હાથ એના પાલવ વડે તારકને આછો આછો પંખો નાખી રહ્યો છે. અને હારિણી કોઈ અકલિત ભાવથી તારકના ચહેરાને, કોઈ અવનવી વિટ પામેલા એ મુખને જોઈ રહી છે. આખીયે હારિણી આંખો બનીને તારકમાં પ્રવેશ કરવાને મથી રહી છે. આ શું થઈ ગયું? ઓહ... બીજો કોઈ વખત હોત તો હારિણીએ ચીસ નાખી દીધી હોત. પણ અહીં તો તારક જયાં ભોંય પર પટકાઈ પડ્યો ત્યાં તરત જ અસાધારણ સ્વસ્થતાથી, જાણે કોઈએ તેને કરેલી આજ્ઞાને પાળતી હોય તેમ તે તેની પાસે આવી ગઈ. અને તેની સારવારમાં લાગી ગઈ. પર્વતની આ ટોચ પર જોઈએ તેટલા પથ્થર હતા અને જોઈએ તેટલા ઘાટના હતા, અને તારક આકાશ સામે નજર કરીને, પોતાના બેય હાથ તેની સામે એકદમ ફેલાવી દઈને, કોઈની અંદર પોતાને ઝુકાવી દેતો હોય તેમ જમીન પર પટકાઈ પડ્યો ત્યારે એક તીક્ષ્ણ અણીદાર પથ્થરે તેના લલાટને બરાબર પોતાના ઉપર ઝીલી લીધું, આખા પર્વતની ટોચ આ અણીદાર પથ્થર બનીને તેને આવી મળી. એ પછી તારકની સૃષ્ટિ બંધ થઈ ગઈ. અને હારિણીની શરૂ થઈ. તારકથી એ ત્રીસેક કદમ દૂર હતી ત્યાંથી એણે ઝડપથી પાસે આવીને તારકની આ નવી પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લીધી. જોયું કે તારકના પળની બરાબર વચ્ચે ઘા થયો છે, ચોટ લાગેલી છે, લોહી વહી રહ્યું છે. કોઈ ઉમંગથી બહાર વહી આવતા ઝરણાની માફક. એની સારવાર હવાને હારિણીનું મન કામે લાગી ગયું. પણ એની પાસે સારવારની સામગ્રી ન જેવી જ હતી. ઘેરથી નીકળતી વખતે ઉતાવળમાં ઝડપી લીધેલી તેની પર્સ અને એક વૉટર-બેગ. એમાં પાણી હતું, પર્સમાં રૂમાલ હતા, બીજું બીજું હતું. અહીં એના વિચાર થંભી ગયા. ઘડીભર તે તારકના ચહેરાને જ રહી. એની સાથે વાત કરવાને તેનું અંતર તલપાપડ થઈ ગયું. તારકની મીંચાઈ રહેલી આંખોની પાછળ જઈ જઈને એની આંખો કાંઈક શોધવા મથી રહી. અને જાણે કોઈ તેની સાથે વાત કરતું હોય અને તે તેને સાંભળી રહી હોય તેમ તે ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ, નિષ્ક્રિય બની ગઈ. તારકના કેશમાં ફરતો હાથ, તારકને પાલવ પડે પવન નાખતો હાથ બંને હારિણીને ખબર ન પડે તેમ થંભી ગયા, મસ્તકને ધારણ કરતા તેની નીચે આપોઆપ ગોઠવાઈ ગયા. તારકની અંદર જઈને જોવા મથતી આંખ ઊંડે ઊતરી જઈને મીંચાઈ ગઈ. એનું શરીર તારકના જ શરીરનો ભાગ બની જઈને હતું તેમ સ્થિર ટટ્ટાર બેસી રહ્યું. અને એ બંનેને પંખો નાખવા આવ્યો હોય તેમ પવન વાવા લાગ્યો. એ બંનેને જોઈ રહેલા સૂર્યના તેજે તારકના લોહીને, ઘાને થીજવી દીધાં. ઘડીભર આખી સૃષ્ટિ કાંઈ અવનવું જોતી હોય, અનુભવતી હોય તેમ, કોઈ નવી વસ્તુને ઝીલવા માટે આતુર અને સજ્જ બની ગઈ. વાત ઘણી ટૂંકી થઈ ગઈ હતી, સરલ થઈ ગઈ હતી, પણ તેથી કાંઈ તેની તીવ્રતા, તીક્ષ્ણતા, વેધકતા ઓછી થઈ ન હતી. તારકનાં પગલાં સંભળાતાં બંધ થયાં ન થયાં ત્યાં તો હારિણી તે ઢળી પડી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ ગઈ. અને તારકની પાછળ પાછળ નીકળી પડી. બેની વચ્ચે કરાર હતા તે માત્ર એટલો જ કે તારકે પાછા વળવાનું ન હતું, પાછા ફરીને જોવાનું ન હતું. હારિણી પોતે ગમે તે કરવાને સ્વતંત્ર હતી. તેની સાથે પણ જઈ શકે તેમ હતી. પણ એ રીતે બધું ગોઠવાયું ન હતું. તારકે નીકળી જવું–માત્ર એટલું જ ગોઠવાયું હતું. તારકે એકલા જવાનું હતું, પણ પોતે તેને છોડવા માગતી ન હતી. તારકની પગલી પગલી તે પકડી રાખવા માગતી હતી અને તારકને આગળ ને આગળ વધવા દેવા માગતી હતી. તારકની ટ્રેન ચાલતી થઈ અને એ ચાલતી ટ્રેને હારિણી ટ્રેનમાં બેસી ગઈ. લીલી ઝંડી ફરકાવી રહેલો ગાર્ડ એને એક ડબામાં ચડાવી દઈને આસ્તેથી પોતાના છેલ્લા ડબામાં ચડી ગયો. ભારે છોકરી લાગે છે એમ વિચારતો તે પોતાના કામમાં ડૂબી ગયો. અને પછી હારિણીની મહાયાત્રા શરૂ થઈ, પ્રેમગતિ શરૂ થઈ, કસોટી શરૂ થઈ કે અગ્નિપરીક્ષા શરૂ થઈ. પોતે તારકને પ્રત્યક્ષ થવા માગતી ન હતી તો તેને પોતાની નજરથી સહેજ પણ છટકવા દેવા પણ માગતી ન હતી. તારક ક્યાં જશે? ક્યાં ઊતરશે? ચાલતી ટ્રેન પોતાનું કર્તવ્ય બજાવતી વેગથી આગળ વધે અને યોગીની સ્થિરતાથી થંભે ત્યારે તે એક પછી એક આવ્યે જતાં સ્ટેશનોના નીચે ઊતરતા જતા ઉતારુઓ પર નજર નાખતી રહેતી. સ્ટેશને સ્ટેશને એની આતુરતા અંજલિનું એક એક ફૂલ જાણે વેરતી હતી. છેલ્વે સ્ટેશને તારક ઊતરેલો દેખાયો ત્યારે તે ઊતરી પડી. જાણે તેની સંભાળ રાખી રહ્યો હોય તેમ ગાર્ડ વગર ટિકિટની એ ઉતારુને, સ્ટેશનની બહાર હેમખેમ મોકલી આપી, કોઈ દીકરીને વળાવતો હોય તેમ. અને હવે તો રાત પડી ગઈ હતી. તારક સ્ટેશનથી બહાર નીકળી ઓ વાહનમાં બેઠો, ઓ ઠેકાણે પહોંચ્યો, ઓ ઠેકાણે રાતવાસો કર્યો, ઓ ઠેકાણે જમવા ગયો, નહાવા ગયો, હારિણીનો દોર અતૂટ રહ્યો... હારિણીનું વાહન તારકના વાહનને વળગી વળગીને ચાલતું રહેતું. ઉતારા ઉપર હારિણી એવી તો ગોઠવાઈ જતી કે જતો કે આવતો તારક નજરમાં રહે. એ જમતો હોય ત્યારે તે પણ દૂર બેઠી બેઠી તેને જોતી હોય અને જમતી હોય. પણ એ ભોજન તે ઉપવાસ કરતાંય કપરું રહેતું. જેને પાસે બેસીને દૂધના કટોરા પિવરાવ્યા છે તેની પાસે ન ફરકવું એ જાણે પેલા મિલનના ઉત્તરાર્ધ જેવું બનવા લાગ્યું. એ સૂતો હોય ત્યારે હારિણીએ તો જાગવાનું જ રહ્યું. આ સંતાકૂકડી ન હતી. આ અભિસાર પણ ન હતો. જેનાથી પોતે કદી વિછોડાવા નથી માગતી એ તો તેની નજર આગળ જ છે, આમ તે આગળ આગળ ચાલ્યો જાય છે, અને પોતે પાછળ પાછળ. પણ એ તેનો પડછાયો પણ નથી, એના તેજની એ પાછળ લંબાતી લકીર છે, એની અભીપ્સાની એ પાદપૂર્તિ છે. આ અનુસરણ પણ નથી. એ અનુ-જીવન, અનુ-પ્રાણન છે. તારક ઉતારેથી બહાર નીકળતો અને હારિણીના હૈયે ધડક વધવા લાગતી. ક્યાં જશે એ હવે? કોઈ આશ્રમમાં, કોઈ મઠમાં કે જ્યાં સ્ત્રીને પ્રવેશબંધી હોય? કોઈ ગુફામાં કે ઘોર વનમાં, કે જયાં એ સગવડ ગુમાવી બેસે કે એના પગ કંટકથી ચિરાઈ જાય? એક દિવસે એણે જોયું કે તારક પર્વત તરફ જઈ રહ્યો છે. પર્વતની તળેટીમાં પહોંચી પર્વત ઉપર ચડી રહ્યો છે. યાત્રીઓના સંઘ ભેગો એ પણ પથ્થરો ચડતો-ઊતરતો, આગળ વધી રહ્યો છે. પણ યાત્રીઓના સંઘમાં હતો છતાં તેની નજર કોઈ નોખી રહેતી હતી. એ સર્વની સાથે હસતો કરતો છતાં સર્વથી તે અલગ દેખાતો. એની નજર આડીઅવળી, ઉપરનીચે એવી તો ફરતી કે જેને જવાબ આપનાર પૃથ્વી ઉપર કોઈ નહોતું. અને એ યાત્રામાં તે એક જુદી દિશામાં નીકળી ગયો. એ બાજુ કોઈ એક નાનકડું મંદિર હતું, પણ ત્યાં કોઈક જ જતું. મોટા ધામનાં દર્શન કરી, પાવન અને પ્રસન્ન થઈ સૌ પાછાં ફરતાં. તારક એ મહા ધામને મૂકી પેલા નાનકડા સ્થાન તરફ વળ્યો. થાકેલી હારિણી જરા એક પથ્થર ઉપર પગ ટેકવી થંભી હતી, અને આરામ લેતાં એની ઢળી ગયેલી આંખ ઊંચી થઈ ત્યાં તો તેણે તારકને એક નાનકડી કેડીના વળાંકની પાછળ અદૃશ્ય થતો જોયો. બધો શ્વાસ ભેગો કરી તેણે એ કેડીની વાટ લીધી. કેડી આગળ વધતી ગઈ. તારક દેખાતો ન દેખાતો આગળ વધ્યે જતો હતો. પણ કેડી ખંડિત થતી ન હતી. તારક એ કેડી પર જ છે એ વિશ્વાસથી તે પાછળ ચાલતી રહી. દિવસ ચડી ગયો હતો. તડકો તપવા લાગ્યો હતો. પવન વાતો હતો, પણ ડુંગરો ગરમ હતા. ઝાડ હતાં પણ તેમની છાયા મદદ કરતી ન હતી. એ તો હતી ત્યાં જ રહેતી, અને છાયા વિનાનો માર્ગ એના તપને વધારી દેતો હતો. અને પછી કેડી ઉપર ચડતી બંધ થઈ ગઈ. તારક એ ચડાવ ચડ્યા પછી અદૃશ્ય થવા લાગ્યો. હારિણી ઠીક ઠીક નીચે હતી. તારકનું મસ્તક વધુ ને વધુ એ ઉપરની ક્ષિતિજની નજીક ઊતરવા, સરવા લાગ્યું અને પોતાના પર સૂર્યનો તડકો ઝીલતું નાનકડા છાયાબિંબ જેવું તે મસ્તક દેખાતું બંધ થઈ ગયું. જ હારિણી આગળ ચચ્ચે ગઈ. ચડાવની ધાર આગળ આવી ત્યારે ત્યાં એક નાનકડું મેદાન દેખાયું, ખરબચડું, ખાડાટેકરાવાળું. મેદાનની મધ્યમાં એક માણસની ઊંચાઈનું મંદિર હતું. નાનકડું, માથું નમાવીને પ્રવેશ કરી શકાય તેવું દ્વાર હતું. મંદિર ઉપર એક લાલ ધજા ઊડતી હતી. હારિણી મેદાનમાં આવીને શ્વાસ લેવા થંભી. તારક મંદિર પાસે પહોંચી ગયો હતો. હવે તો તે એ મંદિરમાં દાખલ થયો. એ દેખાતો બંધ થયો. અચાનક હારિણીનું હૃદય ફફડી ઊઠ્યું. હવે શું થશે? એ બહાર જ નીકળશે ને? ન નીકળે તો? એ પોતે આગળ વધવું જોઈએ? નીચે સરીને છુપાઈ જવું જોઈએ? પોતે આ મેદાનમાં પહોંચી જાય તો તેને છુપાવી શકે તેવું કાંઈ ન હતું અને તે વધુ વિચાર કરે ત્યાં તો મંદિરમાંથી એક ઘંટારવ સંભળાયો અને તારક માથું નીચું રાખીને બહાર નીકળ્યો. જમીન તરફ ઝૂકેલી એની દૃષ્ટિ હારિણીને જોઈ ન શકી. હારિણી તારકને જોતી રહી. તારક બહાર નીકળ્યો તે જાણે કે કોઈ એક વંટોળને સાથે લઈને આવ્યો હોય તેમ લાગ્યું. એકાએક બધી બાજએ પવન ગતિ કરતો થઈ ગયો હતો. નાનાંમોટાં બધાં ઝાડ ડોલવા લાગ્યાં હતાં. તારકનાં વસ્ત્રો ઊડતાં હતાં. તારકના ખુલ્લા માથા પરના વાળ ઊડી રહ્યા હતા. એ વાળને તો પોતે કેવા કેવા હોળ્યા હતા, તેમાં કેવાં કેવાં તો આંગળાં પરોવ્યાં હતાં. આ ઊડતાં વસ્ત્રો સાથે તો એણે કેવાં કેવાં લાડ કર્યા હતાં. એ મસ્તક સાથે, એ ગરદન સાથે, એના આખા દેહ સાથે પાસે બેસીને પોતે એ દેહમાં રહેનારી થઈ ગઈ હોય તેમ કેવું કેવું ઊંડે ઊંડે એની ગુફાઓમાં વસી આવી હતી. અને મંદિરમાંથી બહાર નીકળી તારક ટટ્ટાર થયો. આખી ક્ષિતિજને નજરમાં લેતી હોય તેમ તેની આંખો સીધી હારિણીની ર્દિશામાં મંડાઈ. હારિણી જોઈ રહી. પણ તારકની આંખો જાણે એને જોતી ન હતી. એ આંખો સ્પષ્ટ દેખાતી હતી, પણ એની પાછળનો જોનાર કોઈ અન્ય તો પોતાનું જાણે અસ્તિત્વ જ નથી એવો ભાવ હારિણીએ પ્રથમ વાર અનુભવ્યો. એ વ્યાકુળ થઈ ગઈ. સામે દેખાતો તારક થોડાં ડગલાં ભરીને સ્થિર થઈ ગયો. એની આંખો ધીરે ધીરે ઉપર ચડવા લાગી. એનું મસ્તક બધી દિશાઓમાં કાંઈ જોઈ રહ્યું હોય તેમ ફરવા માંડ્યું. ધીરે ધીરે કોઈ નવી પરિસ્થિતિમાં પોતે ગોઠવાતો હોય. ઊંચકાતો હોય તેમ તારક પોતાને સ્વસ્થ કરતો દેખાય અને જાણ કે કોઈએ તેને ઉપાડ્યો હોય, કોઈ તેને ઉપાડવા માગતું હોય અને પોતે તેના હાથમાં, તેના બાહુમાં મુકાઈ જવા માગતો હોય, મુકાઈ જતા હોય તેમ તારકે પોતાના બેય હાથ એકદમ ઊંચે ફેલાવી દીધા અને કોક અંદષ્ટમાં તે ધસી જતો હોય તેમ તે જમીન પર પટકાઈ પડ્યો. અને હારિણી તેની પાસે આવી ગઈ. હવે તો બંનેની આંખો મીંચાયેલી હતી. હારિણી બેઠેલી હતી અને તારક ધરતી પર ઢળેલો હતો. અને બંનેને ખોળામાં લઈને જાણે ડુંગર ડોલી રહ્યો હતો. આસપાસનાં ઝાડ પવનમાં ઝુલી રહ્યાં હતાં. બપોર વધારે ને વધારે ઊજળો થઈ રહ્યો હતો. અને આકાશમાંથી સૂર્યની નજર આ આખીય સુષ્ટિ ઉપર, એ સૃષ્ટિની ટોચ જેવા એ પર્વત ઉપર એકાગ્ર થઈ રહી હતી. અને તારકની આંખ ખૂલી અને એ ખૂલેલી આંખોને જોવા માટે જ જાણે હારિણીની આંખો ખૂલી અને એ ચાર આંખો એવી તો મળી કે એવી રીતે તે કદી મળી ન હતી. તારક હારિણીને જોઈ રહ્યો હતો. હારિણીને? હારિણી તારકને જોઈ રહી હતી. તારકને? આ તે હારિણી હતી . આ તે તારક હતો? હવે હારિણી કોણ હતી? હવે તારક કોણ હતો? કોઈ આખા જગતનું માતૃત્વ-સ્ત્રીત્વ એકત્ર થયું હોય તેમ હારિણીએ તારકના કપાળ ઉપર હાથ ફેરવ્યો. તારકે જાણે કોઈ દૂર દૂરના પદાર્થને ભેટવા માગતો હોય તેમ બેય હાથ ઊંચક્યા અને હારિણીના ખભા ઉપર ઢાળી દીધા. ‘આ શું થઈ ગયું?' કદી બોલી ન હતી તેવી રીતે હારિણી બોલી. તારક તેની આંખો સામે જોઈ રહ્યો. ‘શું થયું છે?' જાણે બોલતો જ ન હોય તેમ તારક બોલ્યો. અને તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ‘શું? શું? શું?...' હારિણી જોઈ રહી કે તારક જાણે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. એની આંખો તેને જોતી નથી, કોઈક બીજાને જુએ છે, કંઈક બીજી વસ્તુને શોધે છે. ‘તું? તું?’ અને તારકની આંખો મીંચાઈ ગઈ. હારિણી બેસી રહી. આખીય સૃષ્ટિ જાણે રાહ જોવા લાગી. હવે શું? અને તારકની આંખો ખૂલી. એમાં પહેલાંનો તારક આવી ગયો હતો. ‘ઓ! તું આવી છે ત્યારે.' એના મોં પર સ્મિત આવ્યું અને તેણે હારિણીના ખભા પરથી હાથ ખેંચી લીધા. ‘આવી જ છું તો, આવવાની જ હતી તો.’ ‘પણ...' ‘પણ બણ પછી. આ શું થઈ ગયું છે તેની ખબર નથી પડતી?' કોને? ‘કોને? આ જુઓ....’ કહી હારિણીએ તારકના મોં પર હાથ ફેરવ્યો. સકાઈ ગયેલા લોહીના થોડા કણ હાથ પર ચોટાડી લઈ તેને બતાવ્યા. ‘આ જુઓ. દુખતું નથી કાંઈ?’ તે બોલી. તારક હારિણીના લાલ બનેલા હાથ જોઈ રહ્યો. અને પોતાનો હાથ મોં પર ફેરવવા ઊંચક્યો. હારિણીએ તે પકડી લીધો. ‘એમ ન કરશો. આ કેવો ઘા થયો છે, કેવું તો લોહી વહ્યું છે, કશી ખબર નથી પડતી? કશું દુખતું નથી? હારિણી બોલ્યે ગઈ. તારક ફાટી આંખે જોઈ રહ્યો, સાંભળી રહ્યો. ‘ઓહ, ઓ મા! મને લાગ્યું છે? મને...હમણાં નહિ દુખતું હોય તો હવે દુખશે.’ તારક શું બોલે છે તે હારિણીને સમજાવું મુશ્કેલ લાગ્યું. ‘ઊભા રહો. હાલશો નહિ.’ અને હારિણીએ વૉટર-બૅગ ખોલી તેમાંથી પાણી કાઢી તે વડે રૂમાલ ભીંજવ્યો અને તારકના મોં પરથી લોહી લુછવા માંડ્યું. લોહી લુછાતું ગયું તેમ રૂમાલ વધુ ને વધુ લાલ થવા લાગ્યો. તારક એકીટસે વિસ્ફારિત નેત્રે એ જોઈ રહ્યો. હારિણીએ હળવે હાથે તેનો આખો ચહેરો સાફ કરી લીધો અને કપાળની વચ્ચે જ્યાં ઘા પડ્યો હતો અને જે ભાગ ફૂલ્યો હતો તેટલો ભાગ એમ ને એમ રહેવા દીધો, ત્યાં થીજી ગયેલા લોહીને એમ ને એમ રહેવા દીધું. કપાળ ઉપર જાણે એક ખાસ્સો મોટો ચાંદલો થઈ ગયો હતો. ‘વાહ, કેવા લાગો છો હવે, ખાસ્સા વરરાજા જેવા!' હારિણી હસીને બોલી, પણ તેનું મોં તરત જ પડી ગયું. તારકે પોતાનો હાથ કપાળ ઉપર અડાડ્યો અને ઘા ઉપર તેનો હાથ અડતાં જ તેને વેદના થઈ અને તે બોલી ઊઠ્યો ‘વાહ રે, કેવું તો વાગ્યું છે!' ‘તે કશી ખબર નથી પડતી?' હારિણીના પ્રશ્નની સામે તારક મૂંગો થઈને તેને જોઈ રહ્યો. કંઈ અગણિત સમય વહી ગયો.. અને તારક સ્વસ્થ થઈને બેઠો થયો. પોતાના શરીરને તેણે કુશળતાથી સંકેલી લીધું અને બોલ્યો ‘ચાલો, જઈએ હવે. અને તેની વૉટર-બૅગ સામે જોઈને બોલ્યો ‘કાંઈ પાણી રહ્યું છે. હવે?’ હારિણીએ મૂંગાં મૂંગાં તેના હાથમાં બૅગ આપી દીધી. તારકે તે હાથમાં લીધી અને તેમાંથી એક ઘૂંટડો ભર્યો, અને હારિણી સામે જોયું. આ ‘તારે નથી પીવું? તરસ નથી લાગી?’ અને આજુબાજુના બળબળતા બપોર તરફ નજર નાખીને, આખોયે પર્વત હાથ ફેલાવીને બતાવીને બોલ્યો કેવો તો તાપ પડે છે!' ‘પડે જ છે તો!' ‘તો તરસ નથી લાગી? લે...' કહી તારકે તેને વૉટર-બૅગ આપી. ‘ના, તમે જ પીઓ.' ‘હું પીશ. તું પણ પી.’ હારિણીએ પાણીનો ઘૂંટડો ભર્યો, અને તારકને પાછી બૅગ આપી. ‘લો પી જાઓ હવે.' તારકે એક ઘૂંટડો પી તેને બૅગ આપી. બૅગમાં હજુ થોડું પાણી હતું. ‘તો ચાલો હવે.’ કહી તે ઊભો થયો. હારિણી ઊભી થઈ, અને બોલી ‘હા ચાલો. જલદી જઈ આ વાગ્યું છે તેનું કાંઈ કરીએ.’ અને બંને ચાલવા લાગ્યાં. પણ તારકના પગ થંભી ગયા. ‘ઊભી રહે.' કહી તે મંદિર તરફ ફર્યો અને ત્યાંના બારણા પાસે જઈને ઊભો રહ્યો. મંદિર અંદરથી સ્વચ્છ હતું. એક આછો દીવો તેમાંના એક ગોખને અજવાળી રહ્યો હતો. બહારથી આવતા અજવાળાના ઉજાશ પર તે એક લાલ ચંદ્રક જેવો ગોઠવાઈ ગયો હતો. હારિણી આવીને તારકની પાસે ઊભી રહી ગઈ. અને તારકની અંદરથી ઉષ્માનો એક તરંગ તેણે તેના તરફ વહી આવતો અનુભવ્યો. તારક માત્ર આટલું બોલ્યો ‘જા, અંદર જઈ પ્રણામ કરી આવ.' અને કોઈ દેવની આજ્ઞાને માથે ચડાવતી હોય તેમ ગુપચુપ હારિણી મંદિરમાં ગઈ. તારક બહારથી બધું જોતો રહ્યો. અંદર દીપક હતો, હારિણી હતી, અને.. જીવનમાં તે જે શોધી રહ્યો હતો તે હતું. એની વાણી, એનું મન મૂકી બની ગયાં હતાં. હારિણી પ્રણામ કરીને બહાર આવી, જાણે કે આખા મંદિરની પ્રસાદી જેવી. તારક સ્મિત ભરેલા ચહેરે તેને જોઈ રહ્યો. સહેજ હસ્યો અને બોલ્યો ‘માથું સંભાળીને આવજે.’ હારિણી મંદિરના બારણામાં ઊભી. એની નીચી કાયા વધુ ટટ્ટાર થઈ અને કોઈ મોટું રક્ષણ અનુભવતી હોય તેમ બોલી ‘લો જુઓ, આ માથું સંભાળ્યું. મંદિરના બારણાનો ઉપરનો ભાગ તેના માથાથી હજી ખાસ્સો ઊંચો હતો. તારકે એક કદમ આગળ આવી તેને હાથથી પકડી લીધી. ખાલી થયેલા. ખુલ્લા થયેલા મંદિરની અંદર એક નજર નાખી લીધી અને આખા આકાશ સાથે વાત કરતો હોય તેમ ઊંચે દૃષ્ટિ ફેરવી લઈને તે ચાલવા લાગ્યો હારિણીનો હાથ તેણે બરાબર પોતાના હાથમાં લઈ લીધો હતો. અને બંનેએ પર્વત પરથી નીચે ઊતરવાનું શરૂ કર્યું. આખો પર્વત. પર્વત પરનું મંદિર તેમને વિદાય આપતાં હોય તેમ પાસેના ઝાડ પરથી એક પક્ષી ટહુકી ઊઠ્યું. એની સાથમાં જોડાતું બીજું પક્ષી ટહુક્યું. પોતે વિદાય આપવામાં મોડો પડ્યો હોય તેમ પવન ઝડપથી વાવા લાગી ગયો અને આકાશમાંના સૂર્યદેવતા પણ મધ્યાહ્નનું મહાકાર્ય પૂર્ણ થયું હોય તેમ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યા. બળબળતા બપોર શીતળ થવા લાગ્યા હતા. એના પ્રખર સફેદ પ્રકાશમાં કોમળતા ઉમેરાવા લાગી હતી. તારક અને હારિણી મંદિરની આસપાસની એ સપાટ ભૂમિને મૂકીને હવે સીધા નીચે ઊતર્યે જતા ઢાળ ઉપર થઈને ઉતરવા લાગ્યાં. રસ્તો ખરબચડો તો હતો જ. જાળવી જાળવીને ડગલાં ભરવાં પડતાં હતાં. તારક હારિણીનો હાથ પકડીને ચાલતો હતો અને તેના હાથને બીજા હાથથી વળગીને હારિણી ચાલતી હતી. પણ એમ ચાલવું હવે મુશ્કેલ બનવા લાગ્યું. બંનેનાં નાનાં મોટાં ડગલાં સાથે પડી શકતાં ન હતાં. તારકે હારિણીનો હાથ પોતાના હાથમાંથી ઢીલો કર્યો, એને પોતાનાથી સહેજ અળગી કરીને રસ્તા ઉપર, તે પરના પથરાઓ ઉપર બરાબર પગ ગોઠવાવીને ચલાવવા માંડી. અને તેઓ થોડુંક ઊતર્યા હશે ને હારિણી એકદમ ફસડાઈ પડી. આસપાસના પર્વતને જોવામાં ઘડીક લીન થયેલી તારકની આંખો ઝડપથી પાછી ફરી. અને ‘ઓ મારા તારક' બોલી હારિણી મૂછમાં ઢળી ગઈ. એણે કઠોર નિશ્ચયબળથી અત્યાર સુધી સાચવી રાખેલી એની શક્તિ હવે શૂન્ય બની ગઈ હતી. તારક તેની પાસે નીચે બેસી ગયો. તેને જોઈ રહ્યો. તેના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસી રહ્યો. હારિણી તો જાણે વધુ ને વધુ ઘેનમાં ઊતરતી જતી હતી. એક મોટા બાળકને ઊંચકતો હોય તેમ તારકે હારિણીને પોતાના બેઉ 'બાહુથી ઉપાડી લીધી અને એ વિષમ પર્વતનો વિષમ ઢોળાવ ઊતરી રહ્યો. બપોર ઢળવા લાગ્યા હતા. (૨) આજે હવે તારક રસોઈના ચાર્જમાં હતો. રસોઈના, રસોડાના અને રસોડાવાળીના ચાર્જમાં. રસોડામાં રસોઈ માટે ગોઠવેલા ટેબલ પાસે ઊભો ઊભો તે વાનીઓ બનાવી રહ્યો હતો. અને પાસે સ્ટૂલ ઉપર હારિણી બેઠી હતી, કહો કે તેને ત્યાં બેસાડવામાં આવી હતી. વધારે કહેવું હોય તો, એને ત્યાં જડી દેવામાં આવી હતી. આજે તેનો જન્મદિવસ હતો. એટલે તારકે રાંધવાની બધી પ્રવૃત્તિ એક ડિક્ટેટરની અદાથી પોતાને હાથ કરી લીધી હતી. ‘જો પાછી ઊઠી છે તો...’ એણે હસતાં હસતાં કહ્યું. પણ હારિણી તો ઊઠી જ. પ્રેમીઓની દુનિયામાં એકબીજાનું કહ્યું કરવું એ ઓછામાં ઓછું બનતું હોય છે. પોતે પ્રેમ કરે છે એ મુદા પર માણસને પોતાના પ્રેમી પાસેથી બધું માગવાનો, મેળવવાનો, કરાવવાનો હક મળી જાય છે. પ્રેમ મંડાઈ ગયા પછી હક્કોની પરબ મંડાઈ જાય છે. હારિણી જે સ્કૂલ પર બેઠી હતી તેના પરથી ધબ લઈને નીચે કૂદી પડી. સ્કૂલ તેને માટે જરા વધારે પડતું ઊંચું હતું. ‘આ તો કોઈ આવ્યું દેખાય છે એટલે ઊઠું છું, ભાઈસાહેબ!' કહી તે પાસેના મોટા ઓરડા તરફ વળી. તારક એની રળિયામણી પીઠને, સાડીથી અડધી ઢંકાયેલી અર્ધી ખુલ્લી કાયાને જોઈ રહ્યો. એના મનમાં શબ્દો ઊપસી આવ્યા ‘ભગવાને ઘડી છે તો બરાબર જ, ખાસ ઘડી છે!' અને થોડી વારમાં હારિણી ફૂલનો બાંધેલો પડો લઈને પાછી આવી. ‘આ તો ફૂલવાળો ચૂપચાપ ફૂલો મૂકી ગયો.' ‘તે બહુ સારું. પણ હવે અહીં જ તે ખોલવા ન માંડતી. જા અંદર જઈને બધું ગોઠવ.’ પણ હારિણી હવે તેના કહેવાથી ઊલટું જ કરવા જાણે લાગી હતી. હાથમાંનો ફૂલનો પડો પકડી રહીને તે તારક સામે જોઈ રહી. હાથમાં પકડેલી સાણસી સાથે તારક એને જોઈ રહ્યો. હવે તો આવાં તારામૈત્રક કેટલાંયે થતાં હતાં, કહો કે માત્ર તારામૈત્રકો જ થતાં હતાં. પોતાને જોઈ રહેલી હારિણીની આંખને જોઈ તારક બોલ્યો ‘જો હવે પાછી રડવાનું શરૂ ના કરતી.’ પણ એ જ શરૂ થઈ ગયું હતું. કોઈની પણ રજા લીધા વિના આંસુ એની આંખોના બંને ખૂણામાં આવીને ભરાઈને બેસી ગયાં હતાં. તારક શાંત સ્મિતથી તે જોઈ રહ્યો. ડબક ડબક કરતાં એ આંસુ હારિણીના હાથમાંના ફૂલના પડા ઉપર પડવા લાગ્યાં. અને એ બંધ પડો જ, ખોલ્યા વિનાનાં એમાંનાં ફૂલોને તારકને ચડાવતી હોય તેમ સહેજ ઊંચો કરી તે પાસેના ઓરડામાં ચાલી ગઈ. અને થોડી વારમાં પાછી આવી મૂગી મૂગી તે સૂલ ઉપર ગોઠવાઈ ગઈ. તેના નાનકડા શરીરના પગ એ ટૂલ પર બેસતાં નીચે જમીનને અડી શકતા ન હતા. ઝૂલતા રહેતા પગને ઝુલાવતી હારિણીને જાણે બાળપણ પાછું મળવા માંડ્યું હતું. આજના જન્મદિને એ જાણે પોતાના ભૂતકાળમાં પાછી સરકતી જતી હતી. તારક કાંઈ બોલ્યા વિના એને જોઈ રહ્યો. આખા ઓરડામાં એક મૌન ઊતરી આવ્યું હતું. બનાવવાની વાનીઓ વિના વિઘ્ને તૈયાર થઈ ગઈ હતી. તારકના દિગ્દર્શન હેઠળ હવે દૂધ ઊભરાયું ન હતું. સ્ટવ બંધ પડી ગયો ન હતો. તારકનો તામ્ર જેવો ચહેરો જરા પણ વધુ લાલ થયો ન હતો. તારકે જાણે આખા રસોડાને ઍરકન્ડિશન્ડ કરી દીધું હતું. રસોઈની ક્રિયાઓ ખૂબ વ્યવસ્થિત રીતે, શાંત અને પ્રસન્ન રીત, હાસ્યના અને વિનોદના ફુવારાઓ વચ્ચે થતી રહી હતી, તો વચ્ચે વચ્ચે હારિણી છાની છાની એક બે ડૂસકાં પણ લઈ લેતી હતી. ડૂસકું તૈયાર થઈને બહાર આવે તે પહેલાં તેને અંદર જ ઓગાળી નાખતી હતી. આજે પોતાને માટે આ કોઈ સાચા આનંદનો દિવસ છે કે કોઈ આવી પડનારી આપત્તિની પૂર્વતૈયારી રૂપના આભાસમય આનંદનો દિવસ છે એ તે સમજી શકતી ન હતી. તે અકળાતી હતી તો વળી ઘણું આશ્વાસન પણ અનુભવતી હતી હવે તો તારક પોતાની પાસે જ છે ને! પર્વતની યાત્રાએથી પાછા આવ્યા પછી એ બંનેની સૃષ્ટિ બદલાઈ ગઈ હતી. તારકની અકળામણ સાવ ચાલી ગઈ હતી. તો હારિણી બીજી અકળામણમાં ઊતરતી જતી હતી. આ પર્વત ઉપર તારકને થઈ શું ગયું? અને તો પોતાને પણ શું થઈ ગયું? અને અત્યારે શું થઈ રહ્યું છે? તો તારકને પણ શું થઈ રહ્યું હશે? એ કાંઈ કશું બોલતો જ નથી, કશી વાત કહેતો નથી. અને કાંઈ કરતો પણ નથી. પોતાને વરી ચૂકેલી આ નમણી નાર પાસેથી એ કશું માગતો નથી, તેને કશું કહેતો નથી. અને હારિણીના અંતરના ખૂણામાંથી કોક છણકો ઊઠતો: ‘તું એને વરી છે, એ તને કયાં વર્યો છે?' અને તારકે ઘણી વાર કહેલા શબ્દો તેને પાછા સંભળાતા, કોક બરાબર રેકર્ડ થયેલી ટેપ પેઠે ‘આ કાંઈ ઘરસંસાર માંડીને રહેવાની વાત નથી.' ‘બાપ રે, તો પછી શી વાત છે એ તો કાંઈ કહો ને!' હારિણીનું મન પોકારી ઊઠતું. તે સીધો પ્રશ્ન કરતી તો તારક ટાળતો ‘કહીશ, અને પછી ધીરેથી ઉમેરતો, ‘કોઈ વાર.’ અને તેની સામે જોઈ રહેતો અને જાણે એવું કહેવા માગતો હોય તેમ લાગતું કે, ‘તમે લગનની દુનિયામાં રહેનારાંને એ ન પણ સમજાય.’ હારિણી પાસે મૂંગા રહેવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો. ‘કહેશે, કોઈક દિવસ તો કહેવાના જ છે. તેના મનમાં એક આશ્વાસન ઊગતું અને આજના જન્મદિવસે તેને એકાએક થયું, ‘એ દિવસ આજનો પણ કેમ ન હોય?' કોઈ અવનવા આનંદની ઝલક તેના ઉપર પથરાઈ વળી. એકબીજા ઉપર કશી સરસાસરસી કર્યા વિના બંનેએ, જાણે એકબીજાની વાત આપોઆપ સમજાઈ જતી હોય, ગમી જતી હોય તેમ, તૈયાર થયેલી વાનીઓ રસોડામાંથી લઈ જઈને પાસેની નાનકડી ખુલ્લી અગાસીમાં ગોઠવી. ત્યાં એક નાનકડું ટેબલ મુકાયું હતું, બેત્રણ ખુરસીઓ હતી. ટેબલ પર હારિણીએ ગૂંથીભરીને તૈયાર કરેલું એક ટેબલ ક્લૉથ હતું. સહેજ દૂર એક બીજું નાનું ટેબલ હતું. એના પર એક આસમાની વસ્ત્ર પથરાયેલું હતું. એના પર પેલો ફૂલોનો પડો બંધ પડેલો હતો. એને બતાવીને તારક બોલ્યો ‘તારાં ફૂલ હવે ત્યાં ગોઠવ. અગરબત્તી લઈ આવ. અને તારા કંઈ ભગવાન હોય તો તે પણ લઈ આવ.' હારિણી તેની સામે જોઈ રહી અને હસીને બોલી ‘આ ઘરમાં વળી ભગવાન ક્યારે હતા?’ ‘એમ કે?’ તારક તેની સામે આંખ સ્થિર કરીને બોલ્યો. ‘હાસ્તો વળી!’ આખા ભગવાનને જ જાણે પડકારતી હોય, પુકારતી હોય તેમ હારિણી બોલી. તારક એકદમ ઊભો થઈ ગયો. ‘હું તે કેવો માણસ છું?' બોલીને તે અંદરની બાજુએ ચાલ્યો ગયો અને થોડી વારમાં એક સુંદર કાગળમાં વીટેલું કશુંક લઈને આવ્યો, અને તે હારિણીના હાથમાં મૂકતાં બોલ્યો, ‘લે, આ તો ભુલાઈ જ ગયું હતું. તારા જન્મદિન માટેની આ ભેટ છે.’ અને ફરી વાર ‘લે બોલતાં તેણે હારિણીના હાથમાં રહેલી એ વસ્તુને ઊંચકીને તેના હાથમાં ફરી વાર આપતો હોય તેમ સહેજ ભાર દઈને મૂકી. હારિણીએ જોયું કે તેના છેક અંદરના ભાગ સુધી કાંઈ ઊતરી ગયું છે. તેણે કંપતા હાથે પેલી વસ્તુ ખોલવા માંડી. ‘એમ નહિ, આ ટેબલ પર મૂકીને ખોલ.' કહી તારકે હારિણીને ટેબલની પાસે બેસાડી. ત્યાં ગોઠવાયેલી વાનગીઓને સહેજ હઠાવીને પેલી વસ્તુ ત્યાં મૂકી આપી. અને હારિણીએ તે ખોલવા માંડી. પાસે ઊભેલો તારક એ ઉદ્ઘાટન-ક્રિયાને નિહાળી રહ્યો, કોઈ નવા જગતને ખૂલવાની રાહ જોતો હોય તેમ. ઉપર વીંટળાયેલો કાગળ હારિણીએ કાળજીથી ઉકેલવા માંડ્યો. કશુંક ઉતાવળે બાંધી દેવાયું હોય તેમ લાગતું હતું. કાગળનાં પડ પર પડ ઊકલતાં ગયાં. અંદરની વસ્તુનો આકાર હારિણીની આંગળીઓ અનુભવવા લાગી. કાગળ ઊકલી ગયો અને એ ખૂલીને પથરાયેલા કાગળ ઉપર એમાંની વસ્તુ પ્રગટ થઈને બિરાજી રહી. ‘ઓ!' હારિણી બોલી પડી. એની આંખો આશ્ચર્યથી અને આનંદથી છલકાઈ પડી. ‘ઓ મારા...' અને પછીનો બીજો શબ્દ તે બોલી શકે તે પહેલાં તે તેની અંદર ઊતરી ગયો. શ્યામસુંદરની એ પ્રતિમાને હારિણી પોતાના હૃદય સાથે જડીને બેસી ગઈ. થોડી ક્ષણો એમ પસાર થઈ. મીંચાઈ ગયેલી હારિણીની આંખો ખૂલી અને તે ઊભી થઈને પાસે ઊભેલા તારકને ભેટી પડી. તારકને ભેટી રહેલા હાથની વચ્ચે કૃષ્ણની મૂર્તિ બરાબર ભીંસાઈને પકડાઈ રહી હતી, બંનેના મિલન ઉપરના આશીર્વાદ જેવી. તારકે ધીરેથી હારિણીના હાથ છૂટા કર્યા. એમાંની કૃષ્ણમૂર્તિને, રખે તે પડી જાય, એવી સાવધાનીથી પોતાના હાથમાં લઈ લીધી, અને બોલ્યો ‘લે આવ, આને જ હવે ગોઠવીએ.’ અને પેલા આસમાની વઢવાળા ટેબલ પાસે જઈને એ પ્રતિમાને ત્યાં મૂકી, ફૂલનો પડો ખોલીને તેમાંનાં ફૂલોને તેની આસપાસ બંનેએ ગોઠવી લીધાં. ‘ચાલ, હવે ભોજન પૂરું કરીએ.’ તારક બોલ્યો અને બંને જણ ટેબલ પાસે આવીને બેઠાં. તારકની વાનીઓ તેમની આતુરતાથી રાહ જોતી હતી. આ હતું, તે હતું અને તેમાં પેલું કેસરવાળું દૂધ તો હતું જ. ‘લે, આ દૂધ તો ભગવાનને જ પહેલું ધરાવવું જોઈએ.’ તારક બોલ્યો. હારિણી દૂધનો કટોરો લઈને ઊભી થઈ અને કૃષ્ણની સામે જઈને ઊભી રહી. તારક આવીને તેની પાછળ ઊભો. ‘લે, હવે જોયા ન કર, ધરાવી દે.’ જાણે કે જીવનમાં જોવાની એક જ ક્રિયા કરવાની હોય તેમ હારિણીએ માથું ફેરવી તારક સામે જોયું. એના હાથમાંનો કટોરો કંપવા લાગ્યો હતો. ‘આવું છે, ભાઈ!' કહી તારકે એ કટોરો પોતાના હાથમાં લઈ લીધો. ‘લે આવ, અહીં બેસ. આમ બરાબર પકડ.’ અને બંનેએ નીચે બેસીને પોતાના ચાર હાથ વડે એ કટોરાને પકડી કૃષ્ણની પાસે મૂક્યો. બંને ચૂપચાપ ઊભાં થયાં અને જમવાના ટેબલ પાસે આવ્યાં. ‘જા, હવે રેડિયો શરૂ કરી આવ.' તારકે કહ્યું. ‘હમણાં અહીં કોઈએ બોલવાનું નથી. જમવું પડશે ને?' રેડિયોના રેલાતા સૂરોની વચ્ચે બંને જણે મૂંગાં મૂંગાં ભોજન શરૂ કર્યું. અને થોડી વારમાં અચાનક વીજળી બંધ થઈ ગઈ. બધા દીવા ચાલ્યા ગયા. રેડિયોના સૂર સંકેલાઈ ગયા. ટેબલ પરની વાનીઓ દેખાતી બંધ થઈ ગઈ. અગાસીની નીચે આખું શહેર રોશની વિનાનું બનીને પથરાયેલું હતું. સાંજ આગળ વધીને રાત બનવા લાગી હતી. તારાઓએ પોતાની ગોઠવણ જાહેર કરવા માંડી હતી. પૃથ્વી ઉપર ગમે તેટલી રોશની હોય પણ તેમનો દરબાર તો પોતાના ઠાઠપૂર્વક ભરાતો જ રહેતો હતો. આજે એ દરબારની ઝલક વધી પડી. આખી પૃથ્વી જાણે તેની અંદર સમાઈ ગઈ હતી, ઘડીભર ઓગળી ગઈ હતી. ટેબલ પરનું ભોજન પણ હવે જાણે ભોજન મટી ગયું હતું. આખા વિશ્વમાં પથરાયેલા અનેક પદાર્થોની જેમ તે સ્વતંત્ર પદાર્થો જેવું બનીને, ખવાવાને માટે નહિ, પોતે સ્વતંત્ર રીતે રહેવાને માટે, કોઈકને આખુંયે અર્પણ થવા માટે જાણે અર્ણ રૂપ બની ગયું હતું. આ અને એ આકાશી ચંદરવા હેઠળ બેઠેલાં એ બે જણમાંથી એક જણ બોલ્યું: ‘આજ તમે મને પેલી વાત કહેશો ને?' સામેથી જવાબ આવ્યો ‘હા, કહીશ.’ અને આખું જગત જાણે તેની વાત સાંભળવાને આતુર બનીને બેસી ગયું. નીચે શેરીઓ ઉપર લોકોની અવરજવર, વાહનોની ગતિ, તેમનાં અજવાળાંના અટાપટા ચાલુ હતાં, પણ તે બધું એક વિશાળ મૌનના ભાગ જેવું બની ગયું હતું. તારક બોલવા લાગ્યો ‘તને શું કહ્યું, હારિણી? મને થાય છે તને કહ્યા વિના હું તે સમજાવી દઉં તો બહુ સરસ થાય, એને બોલ્યા વિના હું તને બતાવી શકું તો કામ થઈ જાય, પણ હું કહીશ, હું બોલીશ. જો સાંભળ. આ અંધારામાં પણ જેટલું દેખાય તેટલું જોતી રહેજે. લાવ, તારો હાથ મારા હાથમાં આપી દે તો, તું વળી કાંઈ પાછી સરકી ન જાય. હારિણી, મારે જે જવાબ જોઈતો હતો તે મને ત્યાં મળ્યો, મારે જે જોવું હતું, જાણવું હતું તે મને એ પર્વત પર મળી આવ્યું. હું થાકેલો હતો, હું હારેલો હતો, હું ભૂખ્યો હતો, હું તરસ્યો હતો, હું ઉદ્ધગમાં હતો, હું ખેદમાં હતો, હું ખાલીખમ હતો, શૂન્ય થઈ ગયેલો હતો. મને જવાબ આપવા માટે એ જાણે ત્યાં રાહ જોતું બેઠું હતું. તે જો, એ મને જાણે કહેવા લાગ્યું. મૂળ વસ્તુ તો આ છે. એ હું છું. એક ક્ષણમાં એણે મને એની યુગ યુગની વાત કહી દીધી. મને એણે ઊંચક્યો. પોતામાં લઈ લીધો. એ એવું તો હતું, એટલું બધું તો હતું, એટલું તો સભર હતું, એવું તો રણઝણતું હતું, કે મારે કશું કહેવાનું ન રહ્યું, કશું માગવાનું ન રહ્યું. એ બધું મારામાં આવીને ઊતરી ગયું, સમાઈ ગયું. મારામાં એ જ બની રહ્યું. હું ત્યાં રહ્યો નહિ એ જ... એ જ... એ જ... પછી હારિણી, શું કહું? તને શું કહ્યું? પછી શું થયું? શું થયું તને ખબર છે? પછી તારક ન રહેલો તારક, તારક બનવા ગયો. એ થોડુંક આમતેમ ચાલ્યો અને ધરતી પર રહેવું ન હોય તેમ હાથ ઊંચા કરી આકાશમાં ઊડવા નીકળ્યો. ખરેખર, એમ જ, હાથ ઊંચા કરીને પાંખો જેવા પહોળા કરીને. એણે જાણે મારા હાથ ઝાલ્યા, પણ તરત મૂકી દીધા. મને ધરતી પર જ રાખવો હશે. આપણે ભાઈ ધરતી પર આવી ગયા...ધબાક...ધબ્બ.... હારિણી, પણ એ કોણ હતું? કેવુંક હતું? એ તો તને દેખાય તો જ તને ખબર પડે. મને દેખાય છે તેવું તને દેખાય, તે જ તને દેખાય તો કામ થઈ જાય. તારે જોવું છે? જોવું છે ને? લે આંખ મીંચી જો જોઈએ. આ અંધારામાં તો ઉઘાડી પણ ચાલશે. જો, કંઈક અજવાળું દેખાય છે ને? અજવાળું, નર્યું અજવાળું, નકરું અજવાળું, ચારે કોર, ચારે મેર, બધે.. બધે... શીતળ, ભૂરું, જાંબલી, ધવલ... જુએ છે ને? એમાં હવે કંઈ આંખો દેખાય છે? હા, આંખો દેખાય છે. અને ચહેરો દેખાય છે. કોણ દેખાય છે? કેવો ચહેરો દેખાય છે? એ હસે છે ને? ઓ હારિણી, તને એ ન દેખાય તો સારું – હારિણી, તારું શું થશે પછી? તું મટી જઈશ તો પછી તારું શું થશે? તું તરી જઈશ તો પછી તારું શું થશે? હારિણી, હારિણી!’ તારક બોલતો બંધ થયો. એના સવાલનો હારિણી તરફથી કશો જવાબ ન આવ્યો. હુંકારો પણ ન આવ્યો. પછી ત્યાં કોઈ કશું બોલ્યું નહિ. આકાશમાંથી એકલા તારા જ બોલતા હતા. પણ પૃથ્વી ઉપર તે સાંભળવા કોણ તૈયાર હતું, કોણ નવરું હતું? એમની ભાષા જુદી હતી, માણસની ભાષા જુદી હતી. ઝબાકા સાથે પાછી વીજળી ચાલુ થઈ ગઈ. આખું શહેર અજવાળાઈ ગયું. તારકે જોયું તો હારિણી આંખો મીંચીને બેઠેલી હતી. અને આપોઆપ બંધ થઈ ગયેલો રેડિયો પાછો ચાલુ થઈ ગયો હતો. ધીરે ધીરે પુષ્ટ થતા એના સૂરો હવાને ભરી દેવા લાગ્યા. ‘હારિણી!' તારકે હળવા અવાજે તેને બોલાવી. ‘હં!' કહેતી હારિણીએ આંખો ખોલી. પણ એ એની પહેલાંના જેવી આંખો ન હતી. તારકે તે દિવસે પર્વત ઉપર તેની આંખમાં જોઈ હતી તેવી એ આંખો હતી. ‘તારક! કોણ હતું એ?’ હારિણીએ કોઈ બીજી દુનિયામાંથી પૂછતી હોય તેમ પ્રશ્ન કર્યો. ‘શી ખબર?' તારક બોલ્યો, તેને ગૂંચવતો હોય તેમ. ‘એ ફરી દેખાશે ને?' ‘શી ખબર? એને જ પૂછજે ને?' તું મને નહિ કહે?’ તારક મૂગો મૂગો તેની સામે જોઈ રહ્યો. બંનેને બંનેની આંખોમાં પોતે જે જોવા માગતાં હતાં તે દેખાયું. પૃથ્વી ઉપર કશુંક એક આખી હવાને ભરી દેતું ઊતરી આવ્યું. એક અવનવો અકલિત રોમાંચ, ઝંકાર મૂકી ગયું, અને ખબર ન પડે તેમ ઓસરી ગયું. જાણે હાથમાંથી ચાલી ગયેલી પૃથ્વી પાછી મળી હોય, એનો ભાર જાણે અનુભવાતો હોય તેમ બંને જણ પોતાની આસપાસ જોવા લાગ્યાં. અને તારક બોલ્યો ‘અરે, આજે તારા જન્મદિવસે તે.... આપણે ભગવાનને પ્રણામ કરવાના તો હજી બાકી છે.' ‘હાસ્તો.’ કહી હારિણી ઊઠી. અને પેલી ગોઠવેલી કૃષ્ણ-પ્રતિમા સામે જઈને બેઠી. તારક તેની પાસે જઈને બેઠો. કોઈને કહ્યા વિના બંનેએ એકી સાથે પ્રણામ કર્યા. અને એટલામાં રેડિયો પરથી કોઈએ ગીત શરૂ કર્યું

ઓ મન મનની તું મોહિની, મનહારિણી,
ઓ ઉર ઉરની સંજીવની, તું તારિણી! હે હારિણી, તું તારિણી!
તું તારક, તું તારિણી!...
[‘તારિણી']