સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/‘ઇવનિંગ ઇન પૅરિસ’

‘ઇવનિંગ ઇન પૅરિસ’

શરણાઈ વધારે ને વધારે ઘૂંટાતી હતી અને તેની સાથે સાથે તેનું દરદ પણ વધારે ને વધારે ઘૂંટાતું જતું હતું. વસંત પુરબહારમાં ખીલી હતી. ડોલરની માદક મીઠી મહેક આખી હવાને તરબતર કરી દેતી હતી. દૂર નીચે રોશનીથી ઝળહળતા લગ્નમંડપમાં લગ્ન મહાલી રહેલાં સ્ત્રીપુરુષો અને બાળકોનો કલ્લોલ રસના કટોરા પેઠે છલકાતો હતો અને એ માનવવૃંદમાં પાણીમાં તરતા કોઈ રમણીય પરપોટા જેવી એક વ્યક્તિ તરફ તેની નજર વળી વળીને જતી હતી. એ પરપોટાની આસપાસ તેના જીવનની કથા અને વ્યથા રચાઈ હતી. નીચે માંડવાની ગૂંગળામણ અસહ્ય બનતાં, પોતાના મિત્રોથી છૂટો પડીને મકરંદ અગાસીમાં ચાલ્યો આવ્યો હતો. અહીં ઘણી શાંતિ હતી, શીતળતા હતી. બગીચામાં વસંતની કેવી બહાર હતી, અને આકાશમાં તારાની કેવી મજલિસ હતી તે માંડવામાં બેઠાં બેઠાં જાણી શકાય તેમ ન હતું. ડોલરિયા ભપકાથી જાણીતા બનેલા આ શહેરમાં ડોલર જેવો ખીલતો હતો એવો બીજે ક્યાંય ખીલતો ન હતો. શહેરની બહાર આવેલા આ બંગલામાં ડોલર જ બગીચાનો રાજા હતો અને પોતાનો પ્રભાવ પુરદમામથી ફેલાવતો હતો. આકાશમાં સુદ પાંચમનો ચંદ્ર પશ્ચિમ દિશાના એક ખૂણામાં સ્પષ્ટ પણ આછો પ્રકાશ વેરતો હતો, અને છતાં આખા આકાશના બીજા તારાઓની છટાને જરા પણ આંચ આવવા દેતો ન હતો. મકરંદ પગથિયાં ચડીને અગાસીમાં આવ્યો ત્યારે એના હૃદયે મુક્તિનો એક અકથ્ય ઉચ્છવાસ લીધો. કપાળે બાઝેલો પરસેવો લૂછવા તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. હળવેથી મોં પર ફેરવ્યો અને રૂમાલ મોં પર ફરતાંની સાથે જ એ રૂમાલમાંની ખુશબો જેવી મીઠી અને વેધક વ્યથા પાછી તેના હૃદય પર ફરી વળી. એ ખુશબો એના પ્રણયજીવનની પહેલેથી છેલ્લે સુધી સાક્ષી હતી, સંગાથી હતી, દૂતી હતી અને અત્યારે તો એ જ એકમાત્ર તેના ઘવાયેલા હૃદયને હૂંફ કહો કે જેને અનુભવવાનું વારે વારે મન થતું એવી વ્યથા આપનારી જીવનસંગિની હતી. તેણે રૂમાલમાં મોં દાટી દીધું. શાહમૃગ રેતીમાં કરે છે તેમ...પણ એમ કંઈ જીવનમાં જે ઝંઝાવાત ઘૂમી રહ્યો હતો તે ઓછો શાંત થવાનો હતો? કોક શક્તિની આરાધના કરતો હોય તેમ તેણે મોં ઊંચું કરી શરીરને ટટાર કર્યું. નીચે મંડપમાં તેની નજર ગઈ. હા, એ જ, એ જ કે જેની આસપાસ તેની જિંદગી, દીવાની ફરતે ભમતા પતંગિયા પેઠે ભમતી બની ગઈ હતી તે ત્યાં હતી, એની પ્રિયતમા એની પત્ની અને હવે... તેનું ચિત્ત આગળ વિચાર ન કરી શકવું. અને ‘હવે’માં જ બધી કથા સમાયેલી હતી. અગાસીની કોર પાસેથી તે હઠી ગયો અને દૂરના એક ખૂણા તરફ વળ્યો. અહીં વધારે શાંતિ હતી. અગાસી નીચેની સૃષ્ટિ જાણે લુપ્ત થઈ ગઈ. મંડપ દેખાતો ન હતો, માત્ર તેની રોશનીનો ઉજાસ આકાશ તરફ ધૂપની પેઠે ઊડતો હતો, મંડપમાંના કોલાહલની કર્કશતા લુપ્ત થઈને તેમાંથી એક 'આછો ગુંજારવ બનતો હતો. ઉપર વિશાળ આકાશ હતું, તારા હતા. વિકસતા પ્રણયના મધુર બિંબ જેવો ચંદ્રખંડ હતો અને પોતે હતો. પોતે...પોતે... તેણે નિરાશાથી દાંત કચડ્યા. આ ‘પોતે' તે શું? નિષ્ફળતાનો એક નાદર નમૂનો! પ્રેમ કરતાં આવડ્યો, જીરવતાં ન આવડ્યો. નભાવતાં ન આવડ્યો. કોણ જાણે કયાંથી એકાએક શરણાઈ ગુંજી ઊઠી. ચંદનના લેપ જેવા તેના સૂર મકરંદના હૃદયને શીતળ સ્પર્શ કરવા લાગ્યા. તેના જીવનમાં પ્રેમ પછી બીજું આશ્વાસક તત્ત્વ સંગીત જ હતું. તેનું ચિત્ત બીજા બધા વિચારો ભૂલી શરણાઈના સૂરની પાછળ પાછળ જવા લાગ્યું. શરણાઈએ બિહાગ ઉપાડ્યો હતો. વિલંબિત લયમાં ગતિ કરતા તેના સૂરી પોતાનું રૂપ પૂર્ણપણે વિસ્તારથી પ્રગટ કરતા હતા. એક જ છોડના એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ગતિ કરતી મધુમક્ષિકા પેઠે મકરંદ બિહાગના રસને પીવા લાગ્યો. અને એ રસમાંથી તરસ જન્મી. બિહાગ ખીલતો ગયો. તેની તરસ વધતી ગઈ. બિહાગ ઘૂંટાતો ગયો, તેની વ્યથા ઘૂંટાતી ગઈ.

રતિયાં અંધેરી,
રતિયાં સુનહરી, રતિયાં રૂપથરી,
રતિયાં અંધેરી,
તુમ બિન મેરી રતિયાં અંધેરી.

‘ઇવનિંગ ઇન પૅરિસ.’ એ સન્ધ્યા અને એ ખુશબો. મકરન્દે ત્યારે પ્રથમ વાર પોતાની પ્રિયતમાનું મુખ ચૂમેલું. એ વર્ણવી ન શકાય તેવો અનુભવ હતો. જીવન આટલું બધું મધુર હોઈ શકે તે તેણે ત્યારે જ અનુભવ્યું. કશુંક એને ખેંચતું હતું. એના અણુએ અણુને, એના ઊર્મિતંત્રના ઊંડામાં ઊંડા મર્મને જાણે બહાર ખેંચીને લઈ જતું હતું; પણ તે ક્યાં? તેની ખબર તેણે અંજનાના મુખની બે હથેળીઓમાં લઈ ચૂમ્યું ત્યારે તેને પડી. એ યુવાન રમણીના કમળ જેવા સુંવાળા અને કોઈ અકલિત પદાર્થોથી ઊભરાતી સૃષ્ટિ જેવા ગૌર ચહેરાને તેણે સ્પર્શ કર્યો અને જગત બદલાઈ ગયું. પોતાથી બહાર રહેલી આખી દુનિયા તે જાણે આ સ્ત્રી જ હતી. જગત જાણે એની પાસે આવી ગયું, એક છલકતો જામ બનીને. અંજનાએ મકરન્દના પ્રેમવર્ષણને બંધ નયનોથી ઝીલ્યું. એ રીતે જ જાણે એ વધારેમાં વધારે જોતી હતી. અને એક નવી સૃષ્ટિમાં જઈ આવી હોય તેવા એક અલૌકિક પ્રસન્ન ભાવે તેણે આંખો ખોલી. એ આંખોમાં મકરન્ટ આમંત્રણ જોયું. તેણે ફરી વાર અંજનાને ચુંબન દીધું. અંજના એક અકંપ સ્થિરતાથી મકરન્દના હાથમાં ઢળી રહી. તે ન હલી, ન ચાલી. મકરન્દ કોઈ નવી જ લાગણી અનુભવી. આ બીજું ચુંબન તેનું પોતાનું નહિ, અંજનાનું હતું. બંનેએ આંખો ખોલી ત્યારે તેમની આસપાસનો કુંજ જાણે મઘમઘી રહ્યો હતો. તેમની બદલાયેલી આંખો ઊંચે ચડી, પોતાની આસપાસ જોવા લાગી. આખી હવા, આખો સમુદ્રતટ, આખું આકાશ એક નવી સુગંધથી જીવનની નવી ઝલકથી ઊભરાતું હતું. બંને એકબીજા તરફ જોઈ રહ્યાં અને આખા જીવનને સમજી ગયાં હોય તેમ હસ્યાં. મકરન્દને પોતાના કપાળ પર પરસેવો થતો લાગ્યો. તેણે અંજના સામે જોયું. એના પાતળા કમાનદાર ઓઠ ઉપર પણ પરસેવાએ જાણે ઝીણાં મોતીની સેર ગોઠવી દીધી હતી. મકરન્દે પોતાનો રૂમાલ કાઢ્યો. કોઈએ હવામાં સુગંધની છડી વીંઝી હોય તેમ ખુશબોની એક લહર મહેકી ઊઠી. તેણે હળવેથી પોતાનું કપાળ લૂછ્યું અને અંજનાના ઓઠ તરફ જોઈ રહ્યો. ‘શું જુઓ છો?' અંજનાએ હસીને પૂછ્યું. ‘લુચ્ચા!' અને હાથ લંબાવીને બોલી. ‘લાવો રૂમાલ.’ અંજનાના ઓઠ પરથી દૃષ્ટિ હઠાવ્યા સિવાય જ મકરન્દ મૂગાં મૂગાં પોતાનો રૂમાલ આપ્યો. અને અંજનાને ઓઠ લૂછતી જોઈ રહ્યો. ‘ઓહોહો, શી સુગન્ધ છે! શું છે આ?' અંજના બોલી ઊઠી. અને પોતાનું મોં તેણે રૂમાલમાં દાટી દીધું. ‘જાણે ખબર ન હોય! પોતે તો લાવી આપ્યું છે!’ મકર હસીને કહ્યું. અને થોડી વાર થંભીને પછી બોલ્યો ‘ઇવનિંગ ઇન પૅરિસ!' અંજનાએ રૂમાલમાંથી મોં ઊંચક્યું. તેણે માત્ર આંખોનો ભાગ ખુલ્લો કર્યો. એમાં એક મીઠી મસ્તી રમતી હતી. તે બોલી, ‘આઈ સી!’ (એમ?) રૂમાલની અંદર છુપાયેલા અંજનાના ઓઠ પર ફરકી રહેલું સ્મિત મકરન્દની આંખો પામી ગઈ. એ હસતા ઓઠને ચૂમવાની મકરન્દને પ્રબળ વૃત્તિ થઈ. તે ઊભો થયો, અંજના તરફ વળ્યો. પણ...

પણ એ ઓઠ અણગુમાયા જ રહ્યા. શરણાઈ એકાએક થંભી ગઈ. મકરન્દ ઝબક્યો. જાગ્યો. તેના પગ ચાલવા લાગ્યા. અગાસીના આ બાજના છેડે તે આવ્યો. હવે નીચેનો ચોક વધારે દેખાતો હતો. માંડવાની રોશની વધારે ઝળકતી હતી. સંગીત વિનાના બનેલા વાતાવરણમાં માણસોનો કોલાહલ વધારે કર્કશ લાગતો હતો, અને મનને સંગીતના સ્વપ્નજગતમાંથી ખેંચીને વાસ્તવિકતાની વધારે નજીક લઈ જતો હતો. તેની નજર નીચે ગઈ. માંડવાના એક દરવાજામાં અંજના ઊભી હતી, દરવાજાની કમાનમાં ટિંગાયેલો દીવો પોતાની બધી રોશની એના પર ઠાલવી રહ્યો હતો. હાથમાં એક ગુલાબી રૂમાલને રમાડતી તે ચારે બાજુ નજર દોડાવતી હતી. શરણાઈએ અડાણાની એક હળવી તરજ ઉપાડી. અનેક પ્રકારના છણકા, મનામણાં અને રિસામણાં કરતા તેના સૂર પાછા બાળકની પેઠે જાણે હસી પડતા હતા. ‘શું એ કશું શોધે છે? મને શોધે છે?' મકરન્દના મનમાં પ્રશ્ન થયો. તેની ઊર્મિઓએ એક વળ ખાધો. તે ઊભો હતો ત્યાંથી હટી ગયો. તે જોઈ શકયો હતો કે અંજનાના હાથમાં રમતો રૂમાલ તેનો પોતાનો જ હતો. એકબીજાને ખૂબ ચાહતાં હોવા છતાં મેળ નહિ પામેલાં એ બે હૃદયો હતાં. આશ્ચર્યની વાત એ હતી કે પરસ્પરની ખૂબ ચાહવાની વૃત્તિમાંથી જ એમની મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અને જેમ જેમ એ મુશ્કેલીઓને ઉકેલવા તે મથતાં ગયાં તેમ તેમ ઊલટી એ વધારે ગૂંચવાતી ગઈ. મકરન્દ દૂરના પ્રાન્તમાં નોકરીના બહાને ચાલ્યો ગયો. અંજના એના પિતાને ઘેર રહી. વરસો પછી વરસો વીત્યાં. રામના વનવાસ જેવાં બાર વરસ મકરન્દ પરદેશમાં કાઢ્યાં. પત્રોથી સમાધાન શોધવાના પ્રયત્નો થયા, પણ તેમાંય કંઈ ન વળ્યું. બંનેનાં મિત્રો બંનેને સલાહ આપવા લાગ્યાં. બીજું લગ્ન કરી લો; પણ એમને માત્ર લગ્ન કયાં જોઈતું હતું? પ્રેમનો ક્યાં અભાવ હતો? બંને એકબીજાને જ માગતાં હતાં. ‘હા, હજી એની પાસે રૂમાલ છે!’ મકરન્દની બંધ આંખો આગળ પેલો ગુલાબી રૂમાલ તરવરી રહ્યો. તેના કપાળ પર પરસેવો છાઈ ગયો. કશીક બેચેની તેને થવા લાગી. પોતાના રૂમાલને તેણે કપાળે ફેરવ્યો. રૂમાલની ખુશબો તેના ચહેરા ફરતે વીંઝણાની માફક ઝૂલી રહી. ‘શાંતિ હોય તો આમાં જ છે. આ સુગન્ધમાં, આ રૂમાલમાં, આ રૂમાલની...' એ પછીનો શબ્દ તેના મનમાં સ્પષ્ટ થતાં મકરન્દ પાછો વ્યગ્ર બન્યો. એની પાસે હતો એ અંજનાનો રૂમાલ હતો. રુદનના દોરામાં વચ્ચે વચ્ચે હાસ્યનાં ફૂલ પરોવતી અંજનાએ તે દિવસે મકરન્દને તેનો રૂમાલ પાછો નહિ આપ્યો. મકરન્દ બહુ વિનવણી કરી. અંજનાની કેડ પરનો ગડીદાર રૂમાલ તેના મોં પર પટકાયો. એ રૂમાલ અને એમાંની ખુશબોને, એ મધુર સ્વર્ગસંધ્યાને તેણે આજ લગી જાળવી રાખી હતી, જીવતી રાખી હતી. એકાન્તમાં બેઠાં બેઠાં એણે એ રૂમાલની સાથે, હા, એ રૂમાલની રાણી સાથે... ‘રાણી!' એ જ શબ્દમાં તેની બધી મુશ્કેલીઓનો સાર તેણે જોયો. ‘એવો મિજાજ કેમ ચાલે?' એ બધો ભૂતકાળ યાદ આવતાં મકરન્દનો પણ જૂનો મિજાજ વળ ખાઈને ઊભો થયો. લગ્ન થઈ ગયા પછી તેમનો પ્રેમ ઓશિયાળો બની તેમના બંનેના મિજાજ નીચે છૂંદાવા લાગ્યો. ચા પીતાં પીતાં કીટલીઓ ફટોફટ ફૂટતી. પુસ્તક વાંચતા વાંચતાં ટેબલના લેમ્પ તૂટતા. શયનખંડનાં બારણાં ફટોફટ વસાતાં અને ધમધમતાં. બંને બેકાબૂ બની જતાં. મકરન્દને થતું, આમ વધુ ચાલશે તો કદાચ હું એવું કે એ મારું ખૂન કરી બેસશે! તે હઠી ગયો, ચાલી નીકળ્યો. in જ્યાં લગી અંજનાના મિજાજનો અને એથીયે વિશેષ તો પોતાના મિજાજનો કોઈ ઈલાજ ન જડે ત્યાં લગી બંનેએ મળવામાં, સાથે રહેવામાં કશો અર્થ ન હતો. પણ એ ઇલાજ શો? હજીયે એને સમજાતું ન હતું. નિષ્ફળતાની એક લાચારી તેનામાં ફેલાઈ રહી. અગાસીમાં ફરતાં તેનાં પગલાં મંદ બનવા લાગ્યાં. તેનું હૃદય પીગળવા લાગ્યું. તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ટપ, ટપ, ટપ... તેને લાગ્યું કે જાણે કોઈ તેનાં આંસુ ઝીલી રહ્યું છે. સ્ફટિકની બનેલી હોય તેવી એક નાનકડી કટોરીમાં આંસુ ઝિલાય છે. અરે, એ કંઈ કટોરી નથી, કોઈની આંખ છે. અંજનાની આંખ છે. પોતાનાં આંસુ એમાં ઝિલાઈ રહ્યાં છે, એ છલકાઈ રહી છે અને પાણીને તળિયે રતન તગતગે તેમ એ આંસુની પાછળ એની આંખ તગતગી રહી છે. એક સ્થિર ભાવે તેના તરફ જોઈ રહી છે, અને જાણે કહી રહી છે ‘તમે કહેશો તે કરીશ. હવે કશું નહિ માગું.’ મકરન્દના હૃદય પરથી જાણે ધુમ્મસ હઠવા લાગ્યું. નિર્મળ ફાળો પ્રકાશ ફેલાતો હોય તેવો ભાવ તે અનુભવી રહ્યો. ‘એ જ, એ જ.’ મુઠ્ઠીમાં જાણે મોતી આવ્યું હોય તેમ હર્ષથી તે બોલી ઊઠ્યો. ‘મારે કશી માગણી નથી કરવી હવે. અંજનાને જે આપવું હોય તે આપે. એમ જ થવું જોઈએ.' હૃદય પરથી એક મોટો બોજો ઊઠી ગયો હોય તેમ તેણે એક ઊંડો શ્વાસ લીધો. નીચે ચોકમાં કોલાહલ વધતો દેખાયો. શરણાઈ વાગતી બંધ થઈ હતી એટલે લોકોના અવાજો વધારે સંભળાવા લાગ્યા. કેટલી રાત વીતી હતી? આ સપ્તર્ષિ આમ પશ્ચિમમાં ઢળી ગયા છે. તેણે નીચે નજર નાખી. વરકન્યા પરણીને મંડપની બહાર નીકળ્યાં હતાં. ગોર મહારાજ તેમને ધ્રુવનું દર્શન કરાવતા હતા. એક નાનકડું ટોળું તેની આસપાસ ભેગું થયું હતું. આનંદનો કિલ્લોલ બધે વ્યાપી રહ્યો હતો. ચોકમાં લોકો એક કામ પતી ગયા પછીની નિરાંત અનુભવતા હોય તેમ હળવાશથી ફરતા હતા. ‘હવે કોઈ કાંઈ પિવરાવે તો સારું. કોઈ બોલતું સંભળાયું. ‘બધું તૈયાર જ છે.' કોઈએ જવાબ આપ્યો. થોડી વારમાં શેરડીનો રસ ભરેલા પ્યાલા બધે ફરતા થઈ ગયા. ‘અરે, પણ મકરંદ ક્યાં છે?’ ચોકના એક ભાગમાં ઊભેલા પાંચ-છ જુવાનિયાઓમાંથી કોઈક બોલ્યું. તેઓ આમતેમ નજર દોડાવવા લાગ્યા. ‘અરે ભાઈસાહેબ ક્યારનાય છટકી ગયા છે. ખબર ન પડવા દીધી.’ ‘અરે ત્યાં અગાસીમાં ઊભા દેખાય છે.’ ‘એ ભાઈસાહેબ, નીચે આવો હવે. આવો, રસ પીએ.' નીચેથી પરિચિત અવાજો મકરન્દ પાસે આવવા લાગ્યા. અગાસીનો કઠેડો પકડી તે ઊભો હતો. હવે હઠી જવું હોય તોપણ હઠાય તેમ ન હતું. મહેમાનોને રસ પીરસનારાંઓમાં અંજના પણ હતી. ‘અરે ભાભીસાહેબ, તમે તે શું? અમારા ભાઈનો કંઈ ખ્યાલ રાખો છો કે નહિ? ‘જાઓ જાઓ, રસ પિવડાવી આવો.’ કોક હસીને બોલ્યું. રાતની શાંતિમાં ઝીણામાં ઝીણા અવાજ પણ સંભળાતા હતા. અને કોક જરા ટોળામાં હળવેથી બોલતું સંભળાયું, અંજનાની આસપાસની યુવતીઓમાંથી ‘અને પીતાં પણ આવજો.’ અને શેરડીના રસ કરતાંયે મધુર હાસ્ય બધાંના મોં પર રેલાયું. ખરેખર, અંજના અગાસી ભણી આવતી હતી. તેના હાથમાં નાનકડી ટ્રેમાં બેત્રણ પ્યાલા હતા. નીચેના લોકો તેને ભૂલી ગયા હોય તેમ પાછા પોતપોતાની વાતોમાં મશગૂલ થઈ હરતાફરતા દેખાયા. મકરન્દ અગાસીની પાળી પાસેથી હઠી ગયો. અંજના આવે છે. પ્રણયના મુગ્ધ આરંભમાં પણ અનુભવી ન હતી તેવી મીઠી મૂંઝવણ તે અનુભવવા લાગ્યો. નાસી જવાનું, ક્યાંક સંતાઈ જવાનું તેને મન થયું. પણ આ અગાસી તેની મદદે આવે તેમ ન હતું. તેનું હૃદય ધબકી રહ્યું. અગાસીના છેલ્લા પગથિયા ઉપર એક માથું દેખાયું, છાતી દેખાઈ, એક આખી આકૃતિ દેખાઈ. મકરન્દની આંખ મીંચાઈ ગઈ.

બાર વરસ બાદ અંજના મકરન્દ પાસે જતી હતી. અગાસીના પહેલા પગથિયા પર તેના પગ થંભી ગયેલા. ‘જાઉં કે ન જાઉં?' તેનું આખું અભિમાન ડુંગર જેવું બનીને તેના માર્ગમાં ઊભું. ‘ભલે ના જતી. અને પછી?' આ પ્રસંગની તે કયારની રાહ જોતી હતી. હાથમાં આવેલો કટોરો તે છેલ્લી પળે પણ શું હડસેલી દેશે? ‘કોની ખાતર જીવવાનું છે? કોની ખાતર પ્રેમ કરવાનો છે?’ અંજનાનું આખું ઊર્મિતંત્ર એક અવાજે રણઝણી રહ્યું. ‘એમને ખાતર.’ ‘તો પછી મૂંગી વણા બની જા. એને જે સૂર વગાડવો હોય તે વગાડવા દે.’ અંજનાના હૃદયમાં કંઈક નવો પ્રકાશ થયો. પોતે જાણે એક કર્કશ અવાજ કરતા વાસણ જેવી હતી, તેણે દાંત વચ્ચે જીભ લીધી. હવે કશું નહિ બોલું. જીભને કચડી ખાઈશ પણ...’ અને તે સડસડાટ પગથિયાં ચડવા લાગી. અજવાળામાંથી આવેલી તેની આંખોને પ્રકાશ વગરની અગાસીમાં મકરન્દ એકદમ ન દેખાયો. તેણે ઘડીક આંખો મીંચી લીધી અને પછી ખોલી. અગાસીને સામે છેડે છાતી પર માથું ઢાળીને એક આકાર ઊભો હતો. પગનાં ઝાંઝરને મહામહેનતે મૂંગાં રાખી અંજનાએ ડગ ભરવા માંડ્યાં. સમાધિમાં ઊભો હોય તેમ, પોતાના સિવાયની આખી સૃષ્ટિ લોપ થઈ ગઈ હોય તેમ, મકરન્દ શાંત સ્થિર એકલો અટૂલો ઊભો હતો. અંજના એની સામે આવીને ઊભી રસના પ્યાલાવાળી ટ્રે તેના હાથમાં પૂજાપાની થાળી પેઠે રહી ગઈ. સમય વહેવા લાગ્યો. એક પળ, બે પળ, ત્રણ પળ... કોક તોફાનીએ નીચેથી સ્વિચ દબાવી. આખી અગાસીમાં પ્રકાશ પથરાઈ ગયો. મકરન્દની આંખ ખૂલી. મીંચેલી આંખે તે જોતો હતો તે કરતાંયે વધારે સુંદર મનોહર અને ચાહવાને લાયક અંજના તેની ખુલ્લી આંખો સામે ઊભી હતી. તે ધીમું હસ્યો અને બોલ્યો ‘રસ આપવા આવ્યાં છો. કોઈના કહેવાથી ને?' તેની આંખ અંજના સામે મંડાઈ રહી, અંજનાએ આંખ ઢાળી લીધી. તેના પગ નખથી જમીન ખોતરવા લાગ્યા. ઝાંઝર આછું ઝણક્ય. મકરન્દને લાગ્યું અંજના રડી પડશે, રડી રહી છે. ‘લાવો.' તે પુરુષની સ્વસ્થતાથી અને ગૌરવથી બોલ્યો. અંજના મૂંગી પૂતળા જેવી સ્થિર જ ઊભી રહી. મકરન્દે એક હાથ વડે અંજનાના હાથમાંથી થાળી લઈ લીધી અને બીજો હાથ અંજનાની કમર ફરતે વીંટાળ્યો. તે દિવસે બાકી રહેલા ત્રીજા ચુંબનની પૂર્ણાહુતિ આજે થઈ.

અને આખી રાતની મજલિસની સમાપ્તિ કરતી શરણાઈએ મધુર ભૈરવી ઉપાડી, એના કોમળ મધુર સૂરો ફૂલની માળા પેઠે ગૂંથાવા લાગ્યા

પિયા ઘર આયે, પિયા ઘર આયે,
ફલનકો હાર, મોતિયનકી માલા
પિયા લેઈ આયે, પિયા ઘર આયે.
[‘તારિણી']