સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ફલશ્રુતિ

Revision as of 06:09, 25 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફલશ્રુતિ|}} {{Poem2Open}} ફલશ્રુતિ એટલે કર્યા કર્મનું ફળ જણાવનારુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફલશ્રુતિ


ફલશ્રુતિ એટલે કર્યા કર્મનું ફળ જણાવનારું કથન. કશુંક કામ કર્યું હોય, અમુક રીતેભાતે કર્યું હોય, તો તેનું શું ફળ મળશે અથવા તેનું શું પરિણામ આવશે એ જણાવનારું કથન તે ફલશ્રુતિ. ફલની શ્રુતિ. શ્રુતિ એટલે સાંભળવું તે, શ્રવણ. બધાં ધર્મશાસ્ત્રો ફલશ્રુતિ સંભળાવે છે. કહે છે કે આ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વર્તન કરશો તો આ ફળ મળશે. સત્ય બોલશો, ધર્માચારણ કરશો, તો જય થશે –ખાસ તો, પાપ બધાં નષ્ટ થશે. ચૈત્ર માસમાં ‘ઓખાહરણ’-નું વાચન-શ્રવણ કરવામાં આવે તો શરીરનો તાવ મટી જાય એવી માન્યતા પણ એવી ફલશ્રુતિને લીધે બંધાઈ છે. ફલશ્રુતિ એટલે પુણ્ય. ફલશ્રુતિ એટલે પ્રાપ્તિ. ફલશ્રુતિ એટલે પુણ્યની પ્રાપ્તિ. આમ કરશો તો આમ પામશો –એ આ બધી ફલશ્રુતિની પૂર્વશરત છે. સામાન્યપણે ઉચ્ચ સ્થાને બેઠેલા, ઊંચા પદને પામેલા, ઉપલા દરજ્જે પ્હૉંચેલા મહાપુરુષો મહાત્માઓ મહામનાઓ કે મનીષીઓ ફલશ્રુતિ સંભળાવતા હોય છે. ફલશ્રુતિઓના તેઓ સર્જક છે, જનક છે. ‘શ્રુતિ’ શબ્દનો એક અર્થ ‘વેદ’ થાય છે. વેદોને બ્રહ્માનો સીધો આવિષ્કાર કહેવાય છે –એટલે કે વેદોના કર્તા બ્રહ્મા છે. અને બ્રહ્મા પાસેથી જે જ્ઞાન શ્રુતિ-પરમ્પરાથી આપણા લગી પહોંચ્યું તે વેદો. ફલશ્રુતિનો સંકેત આ રીતે પરમ જ્ઞાન સાથે અને તેવા જ્ઞાનના જનકની સત્તા કે ઑથોરિટી સાથે જોડાયેલો છે. એ અર્થમાં ફલશ્રુતિ એક પ્રકારનો ગર્ભિત આદેશ બની જાય છે, છૂપું, પણ ફરમાન બની જાય છે. પરન્તુ આજના યન્ત્ર-વિજ્ઞાનના જમાનામાં ‘ફલશ્રુતિ’ શબ્દની એવી મૌલિક અર્થચ્છાયા બચી શકી નથી. આજે એ શબ્દ ‘સાર’ એવા અર્થમાં વધારે વપરાય છે –જેમકે, ‘તમે આ બધું કરો છો તેની ફલશ્રુતિ શી?’ –એટલે કે તેનો સાર શો? તેનું ફળ કે પરિણામ શું? તે સમયોમાં, કશુંક શાસ્ત્રાજ્ઞા અનુસારનું વર્તન ફળની પૂર્વશરત હતું, હવે, કશીક પ્રક્રિયા કે પદ્ધતિ તેની પૂર્વશરત બને છે. અથવા બનવી જોઈએ. હું સૂચવવા ચાહું છું તે આ કે ફલશ્રુતિ નામના પરિણામને કશીક ઑથોરિટી સાથે નહીં, પરન્તુ કશીક પ્રક્રિયા સાથે જોડીએ. ફળ પરિણામ છે –જેમકે કૅરી નામનું ફળ આંબાના વૃક્ષની સમગ્ર પ્રક્રિયાનું અન્તિમ પરિણામ છે. એ જ રીતે કોઈપણ ફલશ્રુતિ, એટલે પ્રાપ્તિ, તેને માટેની સુગઠિત પ્રક્રિયાનું પરિણામ છે. ઇચ્છાઓ માણસને સતત જીવન-પ્રક્રિયામાં ખૂંતેલો રાખે છે. ઇચ્છાઓ સિદ્ધ થાય તે માટે માણસ પુરુષાર્થ કરે છે. પરન્તુ પુરુષાર્થ યોગ્ય પ્રક્રિયાથી ન થયો હોય, તો ફળતો નથી, ઉચિત પદ્ધતિ અનુસારનો ન હોય, તો નિષ્ફળ જાય છે. નિષ્ફળતાઓ માણસને બહુ દમે છે. બહુ પીડે છે એ ખરું પણ એના મૂળમાં ભાગ્યનો દોષ જોવો, નસીબનો વાંક બતાવવો, ઠીક નથી. ખરેખર તો દરેક નિષ્ફળતાના મૂળમાં કોઈ ને કોઈ ખામીભરેલી પદ્ધતિનો દોષ હોય છે, તેમાં પ્રયોજવામાં આવેલી પ્રક્રિયાની મર્યાદા હોય છે. આમ ફલશ્રુતિ ઉચિત પ્રક્રિયાને અધીન છે. આંબો જ સરખી રીતે જીવતો નહીં હોય તો કૅરી પણ ક્યાંથી ફળવાની છે? કેવીક ફળવાની છે? માણસ સરખી રીતે જીવે, સમુચિત જીવન-પ્રક્રિયા માંડે, તો જરૂર એનું જીવતર ફળે… જીવન સમગ્રની ફલશ્રુતિ જીવનને અમુક રીતે જીવી જવામાં છે.

= = =