સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/સ્નોભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશ, સ્નોભાઈ, શી ખબર…
એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશ, સ્નોભાઈ, શી ખબર…
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જીવનશ્રી
|next =
}}

Latest revision as of 07:38, 25 April 2022

સ્નોભાઈ


ત્રણેક માસના સ્નોદર્શન પછી મને લાગે છે સ્નો વિશે બોલવાની લાયકાત મેળવી છે મેં. જોકે શું બોલું? મારતનો માણસ –પાછો મારા જેવો– ધૂળ વિશે બોલી શકે એટલું સ્નો વિશે તો શી રીતે? ધૂળ ધરતીમાં પેદા થાય ને ઊડે આકાશ ભણી. સ્નો આકાશમાં બને ને જઈ પડે ધરતી પર. કંઈ સાર નથી બંને અંગે જોડે જોડે બોલવાનો…

આપણે ત્યાં ઉનાળામાં ધૂળ ઊડે ગોટા થાય લૂ વાય એમ મેં અહીં અમેરિકામાં સ્નોની ધૂળ જોઈ. ઊડતી. ગોટા જોયા સ્નોના ગોરજ જેવા પણ ઠંડા. ઠંડી લૂ. બુસ્કાં જોયાં સ્નોનાં અધ્ધરપધ્ધર ભટકતાં. સ્નોનો કાદવ -ગૉલો- કશી વાસ વિનાનો. એને કચડો. ગૂંદો. એમાં આળોટો. સ્નોની પથારી કરો. રજાઈ ઓઢો. ગોળા કરી ફૅંકો. એ વડે મારામારી કરો. મેં સ્નોનાં ઢેફાં ને રોડાં પણ જોયાં. ચમકતાં. છેલ્લે બાય-બાય કરતો એક દિવસ એ જતો રહેતો’તો ત્યારે એના રુદનના લાંબા-પ્હૉળા રેલા પણ જોયા. હું ય બબડેલો : બાય સ્નોભાઈ બાય ફૉર નાઉ, મળશું પાછા. ડોન્ટ ક્રાઈ…

રોજ અપસ્ટેર્સની ગ્લાસવિન્ડોમાંથી બૅકયાર્ડ જોતો. એક પણ વૃક્ષને એક પણ પાન નહીં. ડાળ ડાળ ને સળી સળી થઈ ગયેલાં જાણે હાડપિંજર. ઊભાં ભૂતડાં. દયા આવે. પંખીઓ શોધું. ખાસ તો અમારી લીલીપીળી લૉનને જોતો રહી જઉં, પણ તે સવારે લૉન ગૂમ! એને બદલે સ્નોના ચાર-છ ઈન્ચ જાડા મોઓટા મોઓટા સફેદ રગ. એવા તો ચોતરફ ફેલાયેલા પડ્યા’તા -સાવ શાન્ત. મને આપણો ‘હિમાચ્છાદિત’ શબ્દ યાદ આવેલો. પણ અહીંનું બધું એવું જુદું કે એને હિમ ગણવા મન માને નહીં. નજર ઠંડકમાં ચોંટતી કૂદતી વિસ્તરતી રહી : બીજાં તે પડોશી હાઉસનાં બૅકયાર્ડ સામેના ડિવિઝનનાં હાઉસ-રૂફ. ઇન્‌રોડ્સ. વૉક-વેઝ. અવિરત દોડતો રહેતો દૂરનો મેઇનરોડ. બધે જ સ્નો. સ્નો જ સ્નો.

આખી રાત વરસ્યો હશે. મૂળ તો સ્નો પાણી જ ને. એક જાતનો વરસાદ વળી. જોકે વરસાદ પડતો સંભળાય. મને ઊંઘ ઘણી હશે ને આમે ય સ્નો બોલે છે ક્યાં? મને યાદ છે બોરસલી ને પારિજાત સ્નોની જેમ -કે સ્નો એમની જેમ- વરસે છે અને ત્યારે જરા જેટલુંય બોલતાં નથી. નીરવે ધરતી પર પ્હૉંચી જવું એ છે એમનો સ્વ-ભાવ. ધરાને નિરાંતે સેવે. ઝમીઝમીને પોષે. આખી રાત ચુપચાપ સવ્યા કર્યો હશે. જાણે કશો મૂંગો આશીર્વાદ કશું અબોલ હેત. એટલે તો પેલા રગ કાળજીથી ઓઢાડ્યા લાગતા’તા. ધવરાવે ત્યારે મા પાલવ ઢાંકી રાખે એવું. ક્યાંય કશો સળ નહીં. ન કોઈ ઊંચું ન કોઈ નીચું. ઉબડખાબડ કશું નહીં. ન રંગ ન રંગભેદ. મેં જોયેલું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી.

પછી તો સ્નોની રૅલિ શરૂ થઈ ગઈ. હેલી ક્હૅવાય. અવારનવાર ને મને ફાવે ત્યારે આવી પ્હૉંચે. રૅલી એટલે સંજીવની. નવ્ય ઉત્સાહનું સીંચન. જોકે સ્નો પી-પીને કાળાં પડી ગયેલાં પેલાં બોડિયાં વૃક્ષ અસહ્ય હતાં. ગમે એવો હૉંશીલો માણસ પણ ટાઢો પડી જાય. સામેનું એક તો મને કેવું લાગે છે, કહું? બળેલા સ્વભાવનો કોઈ હોય એના મગજ જેવું. તાર તાર. ઝરડાયેલું, એની સરખામણીએ સ્નોભાઈ મહાન દીસે છે. વજ્ર જેવા કઠિન પણ કુસુમ જેવા મૃદુ. એક વાર એઓશ્રી ગાંડાની જેમ બારેક કલાક વરસ્યા. તે બીજે દિવસે આસપાસ ને ચોપાસ સ્નોસાગર. ડાર્ક-ગ્રે લાઇટ-બ્રાઉન કે ગ્રીનિશ બધાં જ રૂફ વ્હાઇટ. ડૅક વિન્ડોસિલ ડોરસ્ટેપ્સ વૉક-વે, અરે, રસ્તા પર વ્હાઇટ. વરવું કશું પણ દેખાતું ન્હૉતું. ન ડાઘ ન ડૂઘી ન લીટા કે લપાડા. વૉક-વે ને પેવમૅન્ટ પર નાની નાની રેત શિલાઓ. ટચુકડી ડુંગરમાળ સમજો. જાણે મિનિ હિમાલય. થાય કે આ સાગર તો હવે સાગર. કદી જશે નહીં. હું ચાલવા નીકળેલો. એક શિલાને બૂટથી દબાવી -શાન્ત શિલા ! ધબૂસ થઈ ગઈ. લજામણી. મને એમ બતાવે કે પોતે કેટલી ભંગુર છે. મને થયેલું આ વિષ્ણુ ભગવાનવાળો ક્ષીરસાગર છે. તરત પ્રશ્ન થયો : આ છે એના જેવું કોઈ પણ શહેર શેષશાયી જરૂર છે પણ વિષ્ણુ ક્યાં–? ચોપાસ જોયું. ન દેખાયા. હા, મુખ્ય રસ્તાઓ પરના સ્નોને વ્હૅમન્ટલિ ઉખાડીને ખસેડતી સ્નોમૂવર ટ્રકો જરૂર દેખાઈ. સ્નો બંને તરફ઼ ફુવારાભેર ફૅંકાતો’તો. એનો કીચડ કચડાતો’તો શહેર જાણે બૅટલ-ફીલ્ડ. પછી તો કારો દોડતી થઈ ગયેલી. જાણે કશું બન્યું નથી. રસ્તાની ધારો પરની શિલાઓ ખરડાઈ ગયેલી. ધુમાડાવાળી. શેકાયેલી-બળેલી. ગન્દી. કાયમથી વખણાતી સ્વચ્છતા બાપડી ઉઘાડી પડી ગયેલી.

છતાં મેં કહ્યું તે જ બરાબર હતું. એકંદરે સારું હતું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી. કેમકે તે શ્વેત હતી. શુભ્ર સફેદ. આપણે બધા જાણીએ છીએ કે સફેદને કશો રંગભેદ નથી. ને એટલે તો પ્રસરી શકે છે. અને જે પ્રસરે છે તેને શબ્દો વર્ણવી શકતા નથી. યાદ કરો, સફેદને આપણે કાં તો દૂધ જેવું કહીએ છીએ, કાં તો માખણ જેવું કે પછી બગલાની પાંખ જેવું. એટલે કે એવી બધી ચવાયેલી ઉપમાઓ વાપરીને જ ઓળખાવી શકીએ છીએ. જેણે સ્નો જોયો ન હોય એ લોકો ભલે એવું બોલે. કોઈ કવિ-સ્વભાવનો માણસ એમ પણ કહે કે સ્નો એટલે દાઢી કરવા માટેનું મબલખ મબલખ ફોમ. ના તો ન પડાય. જેણે જોયો છે એ લોકો સ્નો જેવું વ્હાઇટ એમ બોલે છે ખરા પણ સ્નો પોતે કેવોક વ્હાઇટ તે નથી કહી શકતા. સાર એ છે કે સ્નો સ્નો જેવો છે. પ્રેમ વગેરે બે-ચાર ચીજો સંસારમાં માત્ર અનુભવવા માટે છે. બોલવા માટે જરાય નહીં. એવું જ સ્નોનું છે. મેં અવારનવાર જોયું કે સીધો સૂર્યપ્રકાશ પડે ત્યારે કે ચળાવેલો ઉજાસ સમસમતો હોય ત્યારે, સ્નો, હોય એથી પણ વધારે સફેદ -અત્યન્ત સફેદ થઈ ઊઠે છે. સાવ જ અવર્ણનીય. મારી માન્યતા બંધાઈ છે કે એથી વધારે શ્વેત-શુભ્ર દુનિયામાં કંઈ નથી. સાચે જ. જે મળે એને ક્હૅતો ફરું છું. મળે એટલી વાર ક્હૅતો રહું છું.

છતાં પેલો હઠીલો સવાલ તો ખરી જ : જશે ક્યારે? કોઈ જિદ્દી કે કોઈ અડિયલની માફક સ્નોભાઈ ખસતા નથી ને ચીકુ થઈને ભરપૂર કંટાળો આપી શકે છે. મગજને દમે. ચીડવે. કશો આથો ચડ્યો હોય કે કશી ફોમિન્ગ ઇફૅક્ટ પામ્યા હોય એમ ઠેકઠેકાણે ઢોકળાં જેવા ફૂલેલા. વાસી. ડાળો પર લૂવા થઈ લબડતા ખાસ્સું પજવે. માણસોને અટકી પડેલાં કામોની વિમાસણો હોય. તે આવો પ્રમાદી તો કેમનો પાલવે? ગતિરોધ જતે દા’ડે પીડે. એ શાન્તિની ય છેવટે ઊબ થાય. શેરીઓ સ્મશાનવત્ પણ લાગે. એક રાતે મેં ચન્દ્ર વગરની ચાન્દની જોઈ. હશે પણ દેખાતો ન્હૉતો. સ્નો પોતે જ ચાન્દની. નીચાં આકાશમાં એના બમ્બા. આખું વાતાવરણ દૂધમલ ઓજસથી તગતગે. આમ સારું લાગેલું. આમ ગૂંગળાવનારું. કશી અકથ્ય બેચૅની થયેલી. સવારે સ્નોમાં કોઈનાં પગલાં જોયેલાં. કોઈ જણ આવ્યું-ગયું હશે? કોઈ જનાવર? બધું રહસ્યમય થઈ ગયેલું. સ્નો અને વાદળછાયા આકાશ નીચે કેટલાયે દિવસોથી ખોવાઈ ગયેલા પડછાયા મને એકાએક યાદ આવેલા. હતા જ નહીં ! વગર પડછાયાનું જીવન તો કેવું ભૅંકાર કહેવાય. મનમાં સૂનકાર છવાઈ ગયેલો. મને થાય, કાયમ ચાંદા-સૂરજને ઊગતા-આથમતા જોનારનું અહીં કામ નથી. એવું થાય, આ હવે જાય તો સારું. માઇનસ ટૅમ્પરેચર ટળે તો સારું. આકાશ નિરભ્ર ને નીલ થાય કે રાતો તારાભરી શ્યામ, અથવા જોરદાર વરસાદ વરસે. કે પછી, નીકળી આવે તમતમતા સૂરજનો તડકો…

અને -સૂરજ તો નહીં પણ એક વાર આખો દિવસ વરસાદ આવ્યો. આવ્યા જ કર્યો. બધું ધોઈ નાખ્યું. ધીમે ધીમે કરીને વરસાદે સ્નોભાઈની સમગ્ર લીલા પર પાણી ફેરવી દીધું. જોકે એ કાલિદાસનો મેઘ નહૉતો. આકાશ વૃષ્ટિધૌત પણ રવીન્દ્રનાથવાળું નહીં. વરસાદની ધારાઓ ખરી પણ બૉદલેરે કહેલી તેવી જેલના જાડા સળિયા જેવી નહીં. પાતળીપાતળી સળીઓ હતી, ધારાઓ તો કહેવાય જ નહીં. સરવડાં. ઝરમરિયા આવારાજાવરા. પણ એ ઝીણી-મોટી ઝાપટીઓનો માર આખો દિવસ ચાલુ રહેલો. બધું સદ્યસ્નાત લૉન સમેતનું ગમતું થયેલું. છાપરાં વળી પાછાં અસલી રંગમાં ચોખ્ખાં ચોખ્ખાં. એકલદોકલ પક્ષીઓ અહીંતહીં ચન્ચુપાત કરતાં કૂદવા માંડેલાં. દોડી જતો નોળિયો (?) દેખાયેલો. જોકે આખલાની કાંધ જેવાં સ્નોનાં કેટલાંક રોડાં હજી ઑગળ્યાં ન્હૉતાં. જક્કી, હઠીલાં. એવું પણ કહેવાય કે વિરહી જનનાં મન જેવાં આશાવાદી પણ ઉદાસ. અને એમનો આશાવાદ ફળેલો પણ ખરો. વરસાદ પત્યા પછી પણ જાતભાતનો સ્નો દિવસો લગી પડ્યા કરેલો. કોઈ વાર જાડો જાડો તો કોઈ વાર ફ્લરિ. ભૂકો ઊડે, કસ્તર. ગૂંચવાયા કરે. સ્થાન માટે ફાંફે ચડ્યું લાગે. એક-બે વાર નાગા વરસાદ જેવો મેં નાગો સ્નો પણ જોવો તડકામાં બુસ્કાં ભમતાં’તાં. એમાં રજ-રજોટી દિશાહીન ઘુમરીઓ લેતી ગૅલમાં આવી ગયેલી. પણ છેલ્લે તો લાચાર પતન. ચાલતા શીખેલું બાળક દોડવા કરે ને બેસી પડે એના જેવું.

જોકે એક દિવસ સૂરજે આવીને સ્નોભાઈને ખાસ્સો તતડાવ્યો : જવું છે કે નહીં? હીરાકણીથી ય ઝીણી લાખ્ખો સ્નોકણીઓ ઝગમગ ઝગમગ થતી’તી : અમે તો તૈયાર છીએ. સ્નોના એ રગ પછી તો ઢીલા પડી ગયા. રડમસ. વિલાપ-આલાપ જેવા રેલાથી રસ્તા બધા ભીના ચીતરાતા રહ્યા. અને એ ગયો. મેં બૅકયાર્ડમાં જોયાં કેસરી રંગનાં બે નાનકડાં પક્ષી. હા, એક જે ત્રીજું હતું -જુનિયર- તે નીચલી ડાળે હતું. પેલાં બે એક જ ડાળ પર સામસામું જોતાં, જરાક કંઈક ડોક ફેરવતાં, ચૂપ હતાં. મારે એમને ઊડતાં જોવાં’તાં પણ ન ઊડ્યાં તે ન ઊડ્યાં. હું જોતો રહ્યો. એમનું ક્હૅવું એમ હતું કે હવે અમે નહીં જઈએ -સ્પ્રિન્ગ અમારી છે…

એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશ, સ્નોભાઈ, શી ખબર…