સુમન શાહની વાર્તાસૃષ્ટિ/નેચરલ સુગરની સ્વીટ

From Ekatra Wiki
Revision as of 10:33, 21 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નેચરલ સુગરની સ્વીટ|}} {{Poem2Open}} મોહન, મારે ગૂમ થઈ જવું છે– અદૃશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નેચરલ સુગરની સ્વીટ


મોહન, મારે ગૂમ થઈ જવું છે–

અદૃશ્ય?

હા, ન–દેખાતા થઈ જવું છે.

અન્તર્ધાન?

હા, અલોપ.

એવું તે શું સોહન? ગાંડપણ ઊપડ્યું છે શું?

જે ગણો એ. મારે મીનુને પાઠ ભણાવવો છે. એક વાર નીકળી પડું કહ્યા વગર, એટલે એને ખબર પડે.

ક્યાં જઈશ? કેટલો વખત? એવું તે શું થયું છે?

અરે યાર આજકાલ મીનુ અચાનક જ ગાયબ થઇ જાય છે! ક્હૅતી જ નથી કે જઉં છું જરા, કે આવું છું હમણાં…

તે એમાં શું?

કેમ એમાં શું? હું તો જોતો રહી જાઉં છું –ભીંતો… ફર્નિચર… ફર્નિચરના પડછાયા…

પણ–

એક શુક્રવારે હું છેલ્લા બેડરૂમમાં હતો. રાબેતા મુજબ. કમ્પ્યૂટરમાં ઍકાઉન્ટ્સ લખતો’તો. ત્યાં ડોરબેલ વાગ્યો. મને એમ કે મીનુ ઉઘાડશે. કાયમ એ જ ઉઘાડે છે. બેલ બીજી વાર વાગ્યો. મને થયું ખોલતી કેમ નથી. હું ઊઠ્યો. બધે નજર કરતાં–કરતાં મેઇનડોર લગી પ્હૉંચ્યો. ન્હૉતી. ડોર મૅં ખોલ્યું. જોયું તો મીનુ!

એમ –!

હા. હસતી’તી. લટકાથી દાખલ થતાં ક્હૅ : જરા નીચે ગઈ’તી થર્ડ ફ્લોર પર, સુધા મૅનનને ત્યાં…મૅં કહ્યું -મને એમ કે તું ઘરમાં જ છું…કહીને ના જવાય? તો ક્હૅ : એમાં શું વળી…

હું પણ તને સોહન એ જ ક્હું છું, એમાં શું વળી? સ્ત્રીઓ એવી જ હોય, એમની સાડીઓના છેડા જેવી, હળવી–હળવી, લ્હૅરાતી.

શાની લ્હૅરાતી?… લઘરવઘર ક્હૅ લઘરવઘર…

યાર પણ મીનુબેન પાછાં તો આવે છે કે નહીં? ઊલટું સારું ક્હૅવાય. એટલો વખત તને એકલા પડવા મળે.

એ ઘડીએ થોડું સમજમાં આવે કે એકલો પડ્યો છું…? ઊંધું! મીનુમાં જ વધારે હોઉં…!

મોહનને સૂઝ્યું નહીં કે સોહનને શું ક્હૅવું. એટલે એ એને જોઈ રહ્યો.

સોહનનો ચ્હૅરો તન્ગ રહી ગયો છે. ગાલ પર આવ્યા કરતાં વાળનાં તરણાંને એ થોડી થોડી વારે તેમની મૂળ જગ્યાએ ગોઠવતો ર્હૅ છે. દોસ્ત છે બંને. પબ્લિક પાર્કમાં બેઠા છે. રવિવારની સવાર છે. ઠંડક છે. આંતરે આંતરે પવનની આછી લહરો આવ્યા કરે છે. કોઈ કોઈ લહર કશીક સુગન્ધ પણ લાવે છે.

સુગન્ધ શાની છે સોહન?

નથી ખબર.

એવું લાગે છે દોસ્ત, કશી વાતે તું બહુ દુભાઇ ગયો છું –ઝઘડો–

ના–ના, એવું નથી. મારે તો બસ ગૂમ થવું છે, ગૂમ. બને તો આવતા ચૉવીસ કલાકમાં. જોવું છે મારે કે પછી મીનનું થાય છે શું.

પણ થાય છે શું જોવા તું ત્યાં હોવો તો જોઈએ ને…

એટલે તો મૂંઝાઉં છું. તારી પાસે એવો કોઈ પ્લાન ખરો?

કેવો?

ગૂમે ય થવાય ને એ દરમ્યાન મનુને જોઈ પણ શકાય…?

મનથી માની લે તો થાય. તું છે ગૂમ ને સામે છે મીનુ –ગભરાયેલી…

ના ભૈ ના –ફિલસૂફી ના જોઈએ!

જાદુ કરવા લાગે છે–

જે ગણો એ. મારે એને બતાવી દેવું છે કે બેમાંનું એક એકદમનું ના–દેખાતું થાય, તો સામાને કેવું થાય છે–

ને સામાને કેવું થાય છે તે તારે ફિઝિકલી જોવું પણ છે.

હા. તને ક્હું મોહન–

વેઇટ! સિંગવાળો આવે છે. મને ખારી સિંગ બહુ ભાવે છે. તું ખાઈશ?

ના, મારી પાસે ટાઇમ નથી.

મોહનથી સ્મિત થઈ જાય છે. સિંગ લે છે. ચાંગળાં ભરી જલ્દી જલ્દી ખાવા માંડે છે. સિંગવાળો બંનેને જોતો–જોતો પાર્કની પેલી તરફ ચાલી જાય છે.

ગયે મહિને અમે મૉલમાં ગયેલાં. મીનુ વસ્તુઓ લેતી’તી. લિસ્ટ જોતી જાય ને જે જે કંઈ મળે તે કાર્ટમાં મૂકતી જાય. ઘડીમાં કાર્ટને આગળ ચલાવે, ઘડીમાં પાછી ખૅંચે. હું એની પાછળ હતો. મૉલમાં નવું શું છે –બધું નીરખતો ચાલતો’તો, એક જુદી લાગતી ટૂથપેસ્ટ દેખાઈ. એ પરનું લખાણ વાંચતાં મને થયું, લેવી જોઈએ. મારે પૂછવું’તું મીનુને –લઈએ કે કેમ. મૅં જોયું આગળ; પણ મીનુ ન્હૉતી. પાછળ જોયું; ન્હૉતી. આગળ ધપ્યો; ન્હૉતી. આગલી લૅનમાં જઈ તરત હું પાછલી લૅનમાં ને પાછલીની પાછલીમાં. વ્યર્થ –કેમકે ન્હૉતી. મૉલમાં ભર્યા લોક વચ્ચે હું બાઘાં મારી રહેલો –ડોકું ઘડીમાં આ બાજુ ઘડીમાં આ બાજુ…

પછી?

પછી ઇલેવેટર વાટે હું અપર ફ્લોર ગયો. બધે જોઈ વળ્યો. જરા વિચાર યાર, કેવો લાગતો હોઈશ! ક્યાંય ન દેખાઈ એટલે ગુસ્સામાં ઝટ નીચે પ્હૉંચ્યો. ઍનાઉન્સ કરાવ્યું.

બહુ ક્હૅવાય!

હા. નર્યો ઉચાટ…ખબર છે કાં હતી? અપર પરના અપરમાં..

સિંગોવાળી ભૂંગળીમાં એ વખતે મોહન ઊંડે જોતો’તો. ખંખેરતાં એને બે–ચાર સિંગો મળી. મૉંમાં એક્કી સાથે ઓરી ગયો.

કાર્ટ પર ઝૂકીને હસતાં–હસતાં ક્હૅ:  એવું છે સોહન, હું તો તારા માટે શર્ટ જોતી’તી. જો, લીધું, કેવું છે? મોહન, આ પ્હૅર્યું છે ને મેં, આ, એ એ જ શર્ટ છે.

સરસ છે. ડાર્ક બ્લૂમાં નાની નાની બ્રાઉન બુટ્ટીઓ.. એકદમ સરસ!

શું સરસ! એને સાલી કશી ગમ જ નહીં હોય..? આટલા મોટા મૉલમાં..? હસે પાછી…

તારી વાત તો બરાબર છે. શ્હૅરમાં તો ભઇ, કંઈ પણ થઈ શકે છે– શું મૉલમાં કે શું ચૉકમાં!

એ તો ક્હું છું! સમજતી જ નથી! સ્વૈર થઈ ગઈ છે સ્વૈર…

મોહનને પાછું સૂઝ્યું નહીં કે શું બોલવું. ભૂંગળીનો આંગળાંથી મચડીને ડૂચો વાળતો’તો.

મારે તો ડાયેટિન્ગ ચાલે છે, તને ભૂખ નથી સોહન?

ના, હૅવી બ્રેકફાસ્ટ કર્યો છે.

મીનુબેન જાણે છે આપણે અહીં મળ્યા છીએ એ?

ના. પણ મારા નિયમ મુજબ મારે એને ક્હૅવું તો પડે. કહ્યું કે એક ક્લાયન્ટના ઘરે મારે અત્યારે મીટિન્ગ છે.

ઠીક બોલતો મોહન ઊઠીને ડૂચો કોઈ ખૂણામાં નાખી આવે છે.

આ પ્રૉબ્લેમ અમારી વચ્ચે કેટલાય દિવસથી છે. તું ફ્રૅન્ડ છું એટલે ક્હૅવામાં શો વાંધો…

બરાબર…

લાસ્ટ સન્ડે–નાઇટે લીલી કોરની પીળી સાડીમાં આકર્ષક લાગતી’તી. ચોળેલા વાળનો કોરોમોરો અમ્બોડો વાળેલો. છતાં, જોને, અમારી વચ્ચે જકાઝકી થયેલી. એટલે કે ડાયલોગ, જકાઝકીભર્યો ડાયલોગ. આપણે ઍજ્યુકેટેડ લોકો અવારનવાર કરીએ છીએ એ. મીનુ ક્હૅ:

હું સ્વૈર નથી સોહન, તું અધીરિયો થઈ ગયો છું. વાતવાતમાં ઉચાટ કરું છું.

હું શેનો અધીરિયો? તું સમજતી નથી. કહ્યા–કહાવ્યા વગર–

અરે પણ જઈ–જઈને કેટલે જવાની’તી? જરા–જરામાં શું ક્હૅવાનું. એમ તે કંઈ થોડું ખોવાઈ જવાય છે!

કોણ જાણે…

કોણ જાણે નહીં, તું જાણી શકે એવું જ છે. ધાર કે હું બાજુના ફ્લૅટમાં કે જોડેની સોસાયટીમાં ગઈ હૉઉં; તો ન મળું; કહીને જવું જોઈએ; બરાબર, તેમછતાં ખોવાવું અઘરું, કેમકે ચ્હૅરેથી તો મને બધાં જ ઓળખે! ક્હૅવાનો મતલબ, ઝાઝીવાર ખોવાયેલી ના રહું. જડી જાઉં.

એમ તો મીનુ, આ શ્હૅર છે ને, એ ય ખોવાઈ જવા માટે નાનું પડે! બને એવું કે છેલ્લે તને પોલીસ મૂકી જાય, એમની ગાડીમાં બેસાડીને…તારો ખરેખર વિચાર શો છે?

મારા એ શબ્દોથી મોહન, મીનુ એકદમ છંછેડાઇ ગઈ. બહુ જ મોટેથી બોલી: તું સોહન, મને બીક ના બતાવ!: પોતે બૂમ પાડી બેઠી છે એમ સમજાતાં ઊભી થઈ ગયેલી. તને કહું, અમારો રિવાજ -રાતે જમી–પરવારી બેઠાં હોઈએ. હું બેસું હીંચકે. એણે સામેની શેટ્ટીમાં લંબાવી લીધું હોય –ટીવી જોતાં–જોતાં વાતો કરે. મારા એક હાથે હીંચકાની સાંકળ પકડી રાખી હોય. એક પગની પલાંઠી. બીજો છુટ્ટો, હીંચકાને ઠેસ આપવા…

અહો કેવું સુખી જોડું…

ધૂળ સુખી! સાંભળ. શેટ્ટીમાં નવેસરથી ગોઠવાઈને ઝટકાથી ચૅનલ બદલતાં શબ્દોને કચડી–કચડીને કહે  —એમ તો આપણો આ દેશે ય નાનો પડે! બે–ચાર મહિને મૂકી જાય મને પર પ્રાન્તનું કોઈ! તારું એ જ ક્હૅવું છે ને સોહન..?

ના ભઇ.

… … તો?… …

એમ તો મીનુ, તું એમ પણ કહી શકે કે ખોવાવા માટે દુનિયા આખી તને નાની પડે…!

બિલકુલ બરાબર. બને કે ચાર–આઠ મહિને મૂકી જાય મને કોઈ પરદેશી બચારો!

… …

નાની અમથી વાતને, તને ખબર પડે છે, તું કાંથી કાં લઇ જાય છે…?

કશેથી કશે નહીં!

પછી એ રાતે અમે એકમેક જોડે બોલેલાં નહીં.

દોસ્ત સોહન, ખરું ક્હું તો તું વધારે પડતું કરી રહ્યો છું. આટલી અમસ્તી વાતમાં તું મીનુબેનને સ્વૈર કહી દે એ ઠીક નહીં–

આટલી અમસ્તી વાતમાં નહીં; એકોએક વાતમાં! સાવ જ સ્વૈરવિહારી છે, તને નથી ખબર, બધું પોતાનું ધાર્યું જ કરે છે –પૂછતી જ નથી! પ્હૅલાં હમેશાં પૂછે  કેવો રહ્યો દિવસ…? બિઝનેસ? ઑફિસમાં આજે બધું બરાબર હતું…? પણ હવે તો મૂંગો આવકાર –કંઈ નહીં! હું જોડા ઉતારતો હૉઉં પણ એ તો કોઈ મૅગેઝિનમાં ગરકાવ હોય –પાનું બદલતાં સસ્મિત નજર કરી લે ખરી–

અરે યાર, અમુક ગાળામાં એમ પણ હોય! પ્રૉબ્લેમ કશો મને તારો લાગે છે –કોઈ અજાણ્યો અભાવ સતાવતો હશે –

મને કોઈ અભાવ–ફભાવ નથી, મોહન; એમ તો ક્હીશ જ ના! વાત એની જ છે. ઘરમાં એ એટલી બધી ખોવાઈ ગઈ છે –કોઈ વાતની સિસ્ટમ નહીં– જે વખ્તે જે તુક્કો આવે એ કરવા માંડે. દાળ ધીમે ધીમે ઊકળતી હોય. તે એને થાય, લાવ, સ્વેટર થોડું આગળ ચલાવું –ગૂંથવા લાગે. બપોરે સૂવા પડ્યાં હોઈએ ને એને જો યાદ આવે કે સવીફોઇને મહિનાઓથી ફોન નથી કર્યો, તો કરે જ કરે. એટલો લાંબો ચલાવે કે મારી તો ઊંઘ જ હરામ. એટલે પછી વગર પૂછ્યે ચા મૂકી દે. પીતાં હોઈએ એ દરમ્યાન જો પસ્તીવાળાની બૂમ સંભળાય, તો ચા એક્કી ઘૂંટડે ઉતારી દે, ને પેલાને બોલાવે જ બોલાવે. છાપાંના ઢગલામાંથી કામનાં પાનાં તારવવામાં ખોવાઈ જાય. મને તો ત્યારે, મીનુ જ પસ્તીવાળી લાગે. બધું આગળ–આગળનું બહુ વિચારી રાખે : સોહન જો, કાલે સાંજે પ્હૅલાં જાશું હિમ્મતભાઇની તબિયત જોવા, ને પાછાં ફરતાં મારા ટેલરને ત્યાં, એ વખ્તે તું બાજુની દવાની દુકાનમાંથી ક્રૉસિન ત્રિફળાચૂરણ ને વિક્સ લઈ લેજો –

આ તો બધું એકદમનું મજાનું ક્હૅવાય સોહન! તારા જેવો ભાયગશાળી કોણ? મીનુબેન આટલાં બધાં ઘરરખુ હશે, મને તો ખબર જ નહીં. તને એમનો ગર્વ હોવો –

ગર્વ–બર્વ છોડ, મૂળ વાત પર આવ. તારી પાસે છે કોઇ પ્લાન? ગૂમ થવામાં મૉડું થઇ રહ્યું છે. કીમતી ટાઇમ જાય છે.

તારે કેટલો ટાઇમ ગૂમ ર્હૅવું છે?

જડું ના તાં લગી, આઇ મીન, ખોવાયેલો રહી શકું ત્યાં લગી.

એ તાકડે મીનુબેન તો પાછાં તને દેખાવાં જોઇએ; ખરું?

હા.

ઠીક છે. વિચારું છું. મને થાય છે અહીંથી જ મારો આ મોબાઇલ જોડું ને પૂછું તારે વિશે –

બરાબર –

પણ સોહન, ક્લાયન્ટ જોડે મીટિન્ગ એમ તેં એમને જૂઠું કહ્યું છે તે?

હા, કેમકે, કહીને જવું મારો નિયમ છે.

પણ જૂઠું કહ્યું તેનું શું? મારે પણ જૂઠ જ ચલાવવું પડશે. સારું તો નહીં જ ને…?

સોહનને સૂઝતું નથી મોહનને ક્હૅવું શું. પછી એકાએક ગળગળો થઈ જતાં બોલે છે :

જૂઠ તો જૂઠ, શું કરું? વખત આવ્યે માફી માગી લઈશ. બાકી મને બહુ કંટાળો આવે છે યાર. ખાસ તો…અમારી વચ્ચે આ વાતની આંટી પડી ગઇ છે…

કેવી જાતની આંટી?

જોને, એ પછીની નાઇટે, મન્ડે–નાઇટે એ એકદમ સીરિયસ હતી. ફર્શ પર બેઠેલી. એણે ખજૂર દ્રાક્ષ આલુ બદામ પિસ્તાં અખરોટ ને એલચીવાળો એક પાક બનાવેલો. નેચરલ સુગરની સ્વીટ. બેમાંથી કોઈને ડાયાબિટીસ ના થાય –કંઈક એવી વાત. થાળીમાં ચપ્પ ચલાવી ચૉસલાં પાડતી’તી. જેમજેમ પડે તેમતેમ હળવેથી બૉક્સમાં ગોઠવતી’તી. મને એમ કે એકાદ મને ચાખવા આપશે.

તો?

અરે, મને ક્હૅ :

સોહન, સમજીએને તો ખોવાવા માટે આ ઘર પણ બહુ નાનું પડે! બહુ બહુ તો કેટલે ટળી હોઉં? છેવાડાની બાલ્કનીમાં કપડાં સુકવવા. કે વૉશમાં. કશું ધોતી હોઉં ને તેથી કીચન–ડોર બન્ધ કર્યું હોય. એ–એ વખ્તે ના દેખાઉં, બાકી શું? મને એ નથી સમજાતું કે આ વાતે તું આટલો બધો ઉધમાત કેમ મચાવે છે… ખબર નહીં આજકાલ તને થયું છૅ શું…

મને કંઈ થયું નથી.

કશો પુરુષ–છાપ શક?

ના. શકને પણ આછો આધાર તો જોઈએ.

તો?

ઉધમાત તું કરાવું છું. હું નહીં! ક્યારેય, હું ગાયબ થઈ ગયો? યાદ કર…ક્યારેય તારે, મને ખૉળવો પડ્યો?

ના. તું તો ભઇ, પહેલેથી બહુ વ્યવસ્થિત છો –

સોહન ભણી મીનુ તીર નજરે જુએ છે.

એટલે?

એટલે કંઈ નહીં… ક્હૅવામાં કંઈ માલ નથી –પાછો તોબડો ચડી જશે.

તો પણ ક્હૅ!

દા’ડામાં સોહન, ક્હૅ તો જરા, આપણે કેટલી વાર બોલીએ છીએ એકમેક જોડે? તું મુનિ હોય છે મુનિ! ઑફિસ પછીયે, ઘરમાંય, તું ને તારું કમ્પ્યૂટર! હું ક્યાંય વચ્ચે ખરી?

કેમ, રાત્રે -?

એમાં તો તારો છૂટકો નથી એટલે… શું કરે?

મીનુ, મારો ધંધો જ એવો છે; ઇ–બિઝનેસ. સારું. મને એ ક્હૅ તારી જૅમ હું ગાયબ થઈ જાઉં, દાખલા તરીકે, હમણાં જ નીકળી જાઉં, કહ્યા વિના, તો તને કેવું થાય?

નીકળી બતાવ, મને સારું લાગશે. હું તો કારણથી ન દેખાઉં પણ તું તો દેખાવા છતાં નથી દેખાતો –તેનું શું?

તેનું કંઈ નહીં —કહીને મોહન, ઝડપથી હું બેડરૂમમાં ચાલી ગયેલો. આંટી આ છે. હું એને દેખાવા છતાં નથી દેખાતો –

જ્યારે મીનુબેન તને ન–દેખાતાં છતાં દેખાયા કરે છે, આંટી એમ પણ છે. શું કરીશું? વાત થોડી નાજુક છે. બને કે નજીકના ભવિષ્યમાં આંટી પર આંટી ચડે. શું કરીશું?

એટલે તો કહું છું, ટાઇમ નથી મારી પાસે. વિચારોને મેલ પૂળો, ઝટ ફોન જોડ. પૂછ મારે વિશે.

ક્લાયન્ટને ત્યાં મીટિન્ગમાં ગયા છે ક્હૅ, તો?

જૂઠું બોલવાનુંઃ ક્લાયન્ટને ત્યાં તો મીનુબેન, હું પણ હતો. થર્ડ પાર્ટી આવેલી નહીં –કોઈનું મરણ થયેલું– એટલે મીટિન્ગ તો ક્યારની પતી ગયેલી; સોહન ઘરે જ પ્હૉંચવાનો’તો…

…. …

હૅલો, મીનુબેન–? હું મોહન; સોહન છે કે?

… … … … … …

મીટિન્ગમાં તો હું પણ હતો –મીટિન્ગ તો ક્યારની પતી ગઈ–

સોહન મોહનને સ્પીકર ઑન કરવાનો ઇશારો કરે છે.

મોહન સ્પીકર ઑન કરે છે.

હજી નથી પ્હૉંચ્યો? ખરું ક્હૅવાય!

પ્હૉંચે શી રીતે, મોહનભાઈ? મીટિન્ગ પછી બાપડો તમારી જોડે ને જોડે હોય પછી…બાજુમાં તો બેઠો છે…!

મોહન ચૉંકે છે. પણ સ્મિત ભેળવી બોલે છે:

અરે મીનુબેન, કેવી વાત કરો છો… બાજુમાં હોય તો ફોન શું કામ કરું?

મશ્કરી કરવા.

ના, આ મશ્કરી નથી, આયૅમ સીરિયસ! તમે તપાસ કરો!

ખરેખર ક્હૉ છો?

મીનુના અવાજમાં ફાળ પડી હોય છે.

હા–હા. તમે ટ્રાય કરો. હું પણ કરું છું. પૂછું છું એના ઑફિસમેટ્સને. ખબર પડ્યે તમને તરત જણાવું છું.

મોહન સોહનને ઇશારાથી પૂછૅ છે : આગળ?

મૉં મચકોડી સોહન હથેળી ઝાટકે છે –એટલે કે, કાપી નાખ!

બાઆયય, મીનુબેન…

જોયું ને, હું ન્હૉતો ક્હૅતો? આ મીનુ જબરી છે. મારી ને દરેકે દરેક વાતની ખબર પડી જતી હોય છે! એટલે તો હું મોબાઇલ રાખતો નથી!

સાર મને એવો પકડાય છે સોહન, તું ગૂમ થઈ શકીશ જ નહીં. કદ્દી પણ. આખો વિચાર છોડી દે. તારા જેવાએ એમ કરવાનું કારણ પણ નથી –મારી દૃષ્ટિએ.

તું તો યાર, પાણીમાં બેસી ગયો…!

સોહન, એક મને જુદું જ સૂઝે છે અબ્બીહાલ.

બોલવા માંડ.

તું નથી મળ્યો એ વાતે, કોઈ પણ હિસાબે હું મીનુબેનને ઘરની બ્હાર કાઢું. દરમ્યાન તારે તારા જ ઘરના બેડરૂમમાં સંતાઈ જવાનું. પર્સમાં ઘરની ડુપ્લિકેટ ચાવી રાખે છે ને?

હા–હા.

મીનુબેનને હું કહીશ કે ચાલો હું તમારી જોડે આવું –તમારાં બધાં રીલેશન્સમાં પૂછવા –મારી ફરજ ક્હૅવાય –

એવાં કશાં રીલેશન્સ ક્યાં છે અમારે…

તો પોલીસમાં જવા કહીશ.

પછી?

પોલીસ આઇ.ડી. માગશે. મીનુબેન પાસે આઇ.ડી. હશે નહીં. આઇ.ડી. લેવા ઘરે પાછાં જવું પડશે. એ બધી ધકેલપંચકમાં મીનુબેન ઘાંઘાં થઈ ગયાં હશે –બ્હાવરાં; ગભરાયેલાં; દુઃખી. તારે બારણાની આડશે જોઈ લેવાનું. પૂરો થશે તારો ગાયબ થવાનો અભરખો! છેલ્લે તારે પ્રગટ થવાનું; બરાબર?

કશી ગુજરાતી ફિલમમાં બને એવું લાગે છે; બાકી બરાબર છે, બરાબર…

… … …

પછી આખ્ખું બધું મોહને નક્કી કર્યા મુજબનું સદ્ભાગ્યે થઈ શકે છે. એટલે કે મીનુ કશા અજ્ઞાત ભયને કારણે અને સોહન કશા ચડસને કારણે મોહનથી દોરવાય છે. છેવટે મીનુ –

વ્યથાની મારી હીંચકા પર ફસડાઈ પડી હોય છે. ચિન્તિત ચિન્તિત થઈ ગયેલી:  ગયો ક્યાં હશે… થશે શું હવે… પાછો ન આવે તો થાય શું… મોહન ખુરશી ખૅંચી સામે બેઠો હોય છે. સોહન છાનો છાનો પણ અધીરાઇથી આખું જોતો હોય છે. ફ્લૅટમાં રવિવારની શાન્તિ હોય છે. કોઈ કશું બોલી શકતું નથી… બાલ્કનીમાં ચકલીઓનો ચીંચવારો… કોઈ ફ્લોર પર કશી જાણીતી ટીવી–ઍડનો રાગડો… લિફ્ટના આવરાજાવરા –ખચખચાટા…

પણ ત્યાં જ કશી ઊંડી પીડાના ધક્કાને લીધે, કે કેમ, મીનુથી હીંચકાને ઠેસ અપાય છે; ને એ, એકાએક ઊઠીને એ જ બેડરૂમનું બારણું ધડાકા સાથે ખોલી નાખે છે -જેમાં સોહન હતો!

આ રહ્યો! મને મારી અંદરના કોઈએ સૂઝાડ્યું! વાહ! વાહ-વાહ!

સોહન હસી ર્હૅ છે, પણ જરા કચવાયેલો, કેમકે મીનુએ પકડી પાડ્યો! મોહન પણ ચ્હૅરા પર હાસ્ય ફેલાવી રાખે છે, પણ જરા છોભીલો, કેમકે પ્લાનમાં ફેઇલ ગયો!

સોહન! મારા જ ઘરમાં, આપણા જ બેડરૂમમાં તું ગૂમ હોય ને મને ખબર ન પડે? મોહનભાઈ, તમે બાકી સાચ્ચે જ મને બનાવી ગયા, ખાસ્સી રખડાવી, ભલા માણસ, જૂઠ, ને તે પણ આટલું બધું? સારું થયું કે હીંચકાને મારાથી ઠેસ અપાઈ –ને મગજમાં મારા ઝબકારો થયો. સોહન, તારું બધું હું રજે રજ જાણું છું.

હા ભઇ હા, તું તો અન્તર્યામી છો.

એ તો છું જ! ચાલો કંઈ નહીં, જમી લઈએ, મોહનભાઈ, પ્લીઝ, આવો –તૈયાર છે જમવાનું. પાછી કામવાળી આવી લાગશે, સાંજે બધાંને મારે તમારા આ ધતિન્ગ બાબતે ફોન કરવા પડશે, કામ વધાર્યું તમે લોકોએ… ધમાલમાં વૅક્યુમ કરવાનું ય રહી ગયું….

સોહન અને મોહન બંને સૉરી સૉરી બોલતા મીનુને અનુસરે છે. ડાહ્યા ડાહ્યા લાગે છે.

જમવાનું ચાલુ હતું ત્યારે પણ સોહન બોલેલો  તમામ જૂઠ માટે સૉરી મીનુ –થાય શું, વાત જ એવી હતી… મોહન પણ બોલેલો: શું કરું મીનુબેન, બહુ દિલગીર છું. છેલ્લે મીનુએ બંનેને નેચરલ સુગરની સ્વીટનું એક એક ચૉસલું આપેલું. બંને, ખાતાં પ્હૅલાં જ બોલેલા: એકદમ સરસ છે. નીકળતાં–નીકળતાં મોહન બોલેલો: તો આવજો, મજા કરજો: સોહન-મીનુ બંને, એક સાથે બોલેલાં : થૅન્ક્સ.

પણ રાતે સોહન ગમ્ભીર થઈ ગયેલો કેમકે મીનુ પણ ગમ્ભીર થઈ ગયેલી. આખા દિવસની દુર્ઘટનાનો જાણે ભાર વાગોળતાં’તાં. અધૂરામાં પૂરી, લાઇટો ગયેલી. બંને અંધારામાં બેઠેલાં. હીંચકે હાથમાં હાથ રાખીને. જોડાજોડ. હીંચકો થોડો–થોડો ચાલતો’તો.

લાઇટો આવશે જ નહીં કે શું?

મીણબત્તી કરું? ના મીનુ, આમ જ સારું લાગે છે –દેખાતાં છતાં ના–દેખાતાં.

જાણે નવેસરથી સાથેસાથે છીએ…

હા, થોડું જુદું લાગે છે…

જાણે તું, તું નથી; હું, હું નથી…

એટલે કે હું છું માટે તું નથી ને તું છું માટે હું નથી –

સોહન, પ્લીઝ, કચકચ શરૂ ના કર. સીધેસીધું બોલ –ક્હૅવા શું માગે છે…?

કંઈ નહીં આમ તો… તે દિવસે તું મને મુનિ મુનિ ક્હૅતી’તી…

હાસ્તો! તું તારામાં ગૂમ–નો–ગૂમ તે! તારું મૉંઢું બન્ધ, જીભ ગળું શરીર આખું બન્ધ.

એવું ના ક્હૅવાય! એવું નથી હોતું.

તો?

બધું પોતાની જગ્યાએ હોય છે ને બરાબર હોય છે –ચાલુ! આ હૃદય, મારી છાતીના પાંજરામાં ચૉંટાડેલું છે, બરાબર છે, ચાલુ છે. મગજ મારું, મારી ખોપરીના દાબડામાં ગોઠવેલું છે, બરાબર છે, ચાલુ છે… એવું ના ક્હૅવાય મીનુ…

સોહન, તું મને બનાવે છે –બનાવ નહીં! તારા જેવું બોલતાં તો મને ય આવડે છે.  સાંભળ: નસોની જાળમાં લોહીને ફસાવ્યું છે; જડબાંની બખોલમાં જીભને પૂરી રાખેલી છે; જીભના લોચામાં શબ્દોને દબાવી રાખ્યા છે. બધું જ્યાં છે ત્યાં બરાબર છે, ચાલુ છે. બરાબર? બરાબર કે નહીં?

અંધારું હતું છતાં સોહનને થાય છે, મીનુની આંખોમાં ચમક છે. કશું ન સૂઝતાં છેવટે એનાથી હસી પડાય છે.

આમાં હસવાનું શું?

આમ તો કંઈ નહીં… બરાબર છે બધું…

તો?

કંઈ નહીં –

વાતને આમ ઉડાવ નહીં સોહન…

કઈ વાત?

……?

… …ભૂલાઇ ગયું.. કઈ વાત હતી…? છોડો!… સોહન, એવું નહીં કે તું હોય, હું પણ હોઉં, છતાં આપણે બંને હોઈએ –?

બની શકે છે. છતાં, ના પણ હોઈએ એમ પણ બની શકે છે.

એટલે જ પછી હું કામોને વળગી પડતી હોઈશ. અહીંથી ઊઠીને તાં, ને તાંથી પતાવીને તાં, એટલે જ દોડી જતી હોઈશ…વારંવાર ઊખડી જવાય છે.

એટલે જ મને ક્યાં ગઈ ક્યાં ગઈ થાય છે. મારાથી પણ વારંવાર ઊખડી જવાય છે.

તો શું કરવાનું?

કહું? હું કે તું હોઈએ છતાં ભલે ના હોઈએ –કે ના હોઈએ છતાં ભલે હોઈએ –જ્યાં જેટલું ટકાય ત્યાં તેટલું, ખોડાયેલા ર્હૅવાનું– બન્ધ! સમેટાયેલાં!

અઘરું છે.

જો, નાનપણમાં મને ટાઢિયો તાવ અવારનવાર આવે. બા ગોદડાં પર ગોદડાં ઓઢાડીને ક્હૅ -મીટ માંડીને સૂઇ જા. ગોળી આપી છે તે હમણાં ઊતરવા માંડશે. મતલબ કે, હાલ્યાચાલ્યા વિના સહી લેવાનું, ધીરજથી. અઘરું નથી.

મારામાં ધીરજ જ નથી તે શું કરું? તાવ આવે તો થાય –ટાઢિયો!

મીનુ, તાવ તને નહીં આવી શકે. કેમકે તાવને તો પથારીમાં પડી ર્હૅનારું શરીર જોઈએ!

તો શું કરાય?

ખબર નથી…

ચાલ ને સોહન, આપણે બંને સાથે–ને–સાથે ગૂમ થઈ જઈએ. શ્હૅરની આ જકડાજકડીમાં ક્યાંક તો એકાદ છીંડું હશે –હશે જ. ત્યાંથી નીકળી સીમ ખેતરો ડુંગરા ઝરણાં આકાશ પંખીઓ–

કવિતા ના કર. ગૂમ થવા કે ગૂમ લાગવા એક જણે તો હોવું જ પડે કે નહીં?

ઓ હાં. ખરેખર… મોહનભાઈનો ફોન આવ્યો એ ઘડીથી માંડીને, તું બેડરૂમમાં છું એમ મને સ્ફુર્યું એ ઘડી લગી, મને સોહન, બહુ જ વલોપાત થયેલો, બહુ જ. ચૂંથાઇને જીવ ચીંથરું થઈ ગયેલો.

પ્હૅલી વારનું હતું ને –એટલે.

વારંવાર નહીં થાય ને…?

ના. ક્યારેક છેલ્લી વારનું જરૂર થશે –ફરગેટ ઇટ!

ઓ મા! બહુ બીક લાગે છે…

અને આમ, આવી બધી વાતોથી સાવ ઢીલાં પડી ગયેલાં બંને, એકમેકને વ્હાલથી સંભાળવા જાય છે. ફાવતું નથી. લથડી જાય છે. એટલે કોટે વળગવા કરે છે –

પણ ત્યાં જ –લાઇટો આવી જાય છે.

(‘ઉદ્દેશ’માં, ૨૦૦૯)