સુમન શાહની વાર્તાસૃષ્ટિ/વર્ચ્યુઅ્‌લિ રીયલ સૂટકેસ

From Ekatra Wiki
Revision as of 11:05, 21 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વર્ચ્યુઅ્‌લિ રીયલ સૂટકેસ


મારા હાથમાં આઠ પત્તાં છે –પંખાની જેમ ફેલાવેલાં, હું છોડી દઉં તો ઊડીને પડે સામેની ઉઘાડી સૂટકેસમાં.

પત્તાંની જેમ ફેલાવાયેલું છે મારું ઘર. ઘર તો કેમ ક્હૅવાય? મારો ફ્લૅટ. જોકે લક્ઝુરિયસ ફ્લૅટ. વચલું પત્તું મેઇન છે, હૉલ. એની જમણી બાજુનું માસ્ટર બેડ, ને એની બાજનું સ્ટડી. હૉલની ડાબી બાજુનું પત્તું તે ચિલ્ડ્રન્સ બેડ. એની પછીનું પત્તું તે ત્રીજો બેડ– ગેસ્ટ માટેનો કે કોઈને પણ માટેનો. એની પછીનું પત્તું મા કાળકાનું છે –દેવીપૂજાનો એ નાનકડો રૂમ, મારી પત્ની રજનીબાળાના ચાલી ગયા પછી હું હમેશાં બંધ રાખું છું, એ પર મૅં બારણાની સાઇઝનું એક લાંબું ત્રાંબાનું ત્રિશૂળ જડાવી દીધું છે. એ પછીનું પત્તું તે સ્ટોર, ને એ પછીનું તે કિચન વિથ ડાઇનિન્ગ.

આટલા મોટા ફ્લૅટમાં હું એકલો –હું છું– કેમકે હું એકલો છું ને એમ જ ર્હૅવાનો છું, સ્ટડીમાં મારો નોકર સોમજી અવારનવાર સૂતો હોય છે ખરો. રજનીબાળા એક સાંજે મને ઊંઘતો મેલીને ચાલી ગયેલી છે બૅન્ગ્લોર, એના યાર જોડે. એ દુર્ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયાં. હાલ કદાચ દુબઇ છે એ લોકો. જોકે મૅં કશી તમા રાખી નથી. અમારા એ માસ્ટર બેડરૂમમાં એ પછી હું કદી ગયો નથી. એ પણ હું બંધ રાખું છું. એ બારણે મૅં એક લાઇફ સાઇઝનું અર્ધ–નારી–નટેશ્વરનું વૉલપીસ લટકાવી રાખ્યું છે.

મારો ફ્લૅટ આઠમા ફલોર પર છે ને એના હૉલને વરડો ક્હી શકાય એટલી મોટી બાલ્કની છૅ ને તે એક વિશાળ પ્લે–ગ્રાઉણ્ડમાં પડે છે. સામેની ઉઘાડી સૂટકેસ તે એ પ્લે–ગ્રાઉણ્ડ. એવી સૂટકેસ આજકાલ મારા માટે એકદમની જીવન્ત વસ્તુ બની ગઈ છે. વાત એમ હતી કે દસ–બાર મહિના પર એક વાર હું બાલ્કનીમાં ઊભો’તો, ને કલ્પના કરતો’તો કે દુબઇમાં રજનીબાળા અત્યારે શું કરતી હશે…કોઈ વ્હાઇટ કારમાં હતી રજનીબાળા…એના હોઠ ડાર્ક બ્રાઉન રંગે રંગેલા હતા. સનગ્લાસીસ. એનો યાર ડ્રાઇવ કરતો’તો. બંને દુબઇના ડાઉન–ટાઉનમાં જતાં’તાં… ત્યાં અચાનક આ પ્લે–ગ્રાઉણ્ડ મને સૂટકેસ લાગ્યું, મોટી વિરાટકાય ઉઘાડી સૂટકેસ. આઠમા ફ્લોર પરથી ગ્રાઉણ્ડ સૂટકેસ લાગે તે બરાબર, પણ એમ શું કરવા લાગે? શી ખબર…

એ પ્લે–ગ્રાઉણ્ડ પર હું રોજ સાંજે એક કલાક ચાલવા જાઉં છું. મારે રોજ ચાલવું જ પડે કેમકે મારા જેવા બેઠાડુઓને થતો રોગ મને ય છે -ડાયાબીટિસ. ક્હૅ છે કે એમાં રોગ જેવું કંઈ નથી. પણ એમે ય ક્હૅ છે કે એમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આ ગમે ત્યારે ગમે તે, તે તો મરણ કે કંઈ બીજું? ગયે મહિને મરણના મને ઉપરાછાપરી ત્રણ સમાચાર મળ્યા. મર્યાં એમાંનાં બે ઓળખીતાંને ડાયાબીટિસ હતો –હૅવી ક્હૅ છે એવો ડાયાબીટિસ. એટલે ફફડાટ તો ર્હૅ છે જ કે મારું ય ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મને ય હૅવી જ છે. હું બે જણાની દવા લઉં છું: ઍલોપથીવાળા ડૉકટર મધુસૂદન પરીખની ને આયુર્વેદવાળા મારા ગામવૈદ્ય ફૂલચંદની. પરીખ ક્હૅ  —ટૅબ્લેટ તો રોજ લેવી જ પડશે ને જીવનભર લેવી પડશે. ફૂલચંદે બહુ જુદું નહીં કહેલું: દીકરા, મધુપ્રમેહ તને વારસામાં મળેલો છે, તારા બાપને ય હતો, એટલે મટશે નહીં, પણ હું કહું એમ કરીશ તો વધશે નહીં: એક તો, રોજ આ ગોળી લેવાની; બીજું, ખાંડનું ગળ્યું કદી નહીં ખાવાનું; ને ત્રીજું, રોજ એક કલાક ચાલવાનું, ત્વરાથી ચાલવાનું. હું ત્યારનો ચાલું છું.

આ ફૂલચંદ માટે મને એવું થાય છે કે મારી જોડે જ ર્હૅતો હોય તો કેવું સારું, બહુ હૂંફ ર્હૅ –રાખું એને માનપાનથી, અલાયદો રૂમે ય આપું. ફ્લૅટને કોર્ટયાર્ડ કે સ્પેનિશ ક્હૅ છે એવો પેટિયો તો ક્યાંથી હોય? પણ અમારા બિલ્ડરે દરેક ફ્લૅટને વેસ્ટિબુલ એટલે કે ઍન્ટ્રન્સ–કમ–સીટિન્ગ આપ્યું છે. એમ સમજો ને કે ફ્લૅટનું ‘આંગણું’ –નાના ઝાંપલા જેવા ગેટના બંદોબસ્તવાળું. આંગણામાં મૅં ઑફિસફ્લાવર, બારમાસી ને ખાસ તો કૅક્ટસનાં કૂંડાં રાખ્યાં છે. એકવાર ત્યાં ભીખ માગવા કોઈ ભગવાધારી સાધુ આવેલો –જોકે મૅં એને હડધૂત કરી કાઢી મેલેલો. એ બબડતો પણ આંખો તતડાવતો લિફ્ટમાં ઊતરી ગયેલો —જા, તેરા દો માસ મેં સર્વનાશ હોગા… મને થયેલું વૉચમૅન ઊંઘે છે કે શું –ક્યાંથી ચાલ્યા આવે છે આવા સાધુડા, આટલે લગી…

માથું એનું! રજનીબાળાના ચાલી ગયા પછી મારો કયો સર્વનાશ બાકી છે તે થશે?

ફૂલચંદ પોઠ જેવો જાડો છે. નીચે માત્ર ધોતિયું પ્હૅરે છે, ને ઉપર માત્ર જનોઇ. ગોરો છે. ચામડી પર એને તલ–તલની છાંટ છે, ખભાના ભાગમાં. ચ્હૅરો લંબગોળ. માથું બોડું રાખે છે, ચોટલી ખરી. સોનેરી ફ્રેમના ગોળ ચશ્માં પ્હૅરે છે. નાક ભપ્પા જેવું પ્હૉળું છે. છાતી વાળ વગરની ને બે થાન સ્ત્રીઓને હોય છે તેવાં હબદાં ને થરકતાં. ક્રોધ કરે ત્યારે યમદૂત જેવો વિકરાળ લાગે. ત્યારે એની મોટી આંખોના ડોળા જાડા કાચમાંથી વધારે મોટા લાગે કેમકે તગતગતા હોય. વૈદું ન કરતો હોય ત્યારે એના લાંબા ઓટલાને આગલે છેડે જ બેઠો હોય, વાઘના ચામડા પર પલાંઠો વાળીને. એની પથરાળ જાંઘો. એમાં એનું ગાગર જેવું પેટ. બેઠો–બેઠો બસ રાત લગી જપ્યા કરે ઓમ્ નમ: શિવાય ઓમ્ નમ: શિવાય. જાપ એ જલ્દી–જલ્દી ને મોટેથી બોલીને જપે છે, એટલે એના મૉં આસપાસ ભ્રૂં ભ્રૂં ગુંજતા નાચતા ભમરાની ભમરાવળી જેવું થઈ જાય છે…

એ તો શેનો ર્હૅ મારી જોડે? પણ યાદ કરું કે તરત સમક્ષ થાય છે. કોઈ વાર જપાની મન્ક જેવો ય લાગે છે.

મોટે ભાગે હું આમ બાલ્કનીમાં, ને હૉલમાં હોઉં છું, શેટ્ટી પર નહીં તો પછી ગેસ્ટરૂમમાં. મારે કશો દેખીતો કામધંધો નથી. મારી શૅઅર કૅપિટલ સારી છે. ક્યારેક થોડો ફોન પર સટ્ટો રમી લઉં છું, પણ એક નવાઇની વાત,  હું બી.કોમ.માં હતો ત્યારથી મને કશુંક ને કશુંક વાંચવાનો અને કંઈક લખવાનો શોખ છે. ત્યારે કોને ખબર હતી કે શૅઅરોમાં પડીશ…

જોકે કદાચ એટલે જ હવે વાંચવા–લખવાનું ટેવ બની ગયું છે. લખવા અંગે કહું કે હું માત્ર મારા માટે જ લખું છું. મને ક્યારેક કશુંક વિચિત્ર–વિચિત્ર થાય છે માટે લખું છું, જેમકે આ ગ્રાઉણ્ડ મને તે દિવસે સૂટકેસ લાગ્યું! ને હજી લાગે છે! એટલું જ નહીં, લાગ્યા જ કરશે. એકવાર હું ‘ડાયાબીટિસ’ શબ્દ પૂરી ચોખ્ખાઇથી બોલેલો. ત્યાં મને અચાનક થયું ડાયાબીટિસ એકાદ ઇન્ચનું જીવડું છે ને મારા હોઠે ચૉંટી ગયું છે. મથીને, બળજબરીથી અંદર પૅસવા કરે છૅ. મૅં આખું મોઢું ઝટકાવેલું તો ય ઊખડેલું નહીં. એટલે પછી હોઠ મૅં હથેળીથી નીચોવતો હોઉં ઍમ મસળી આપેલા. મુઠ્ઠી ખોલી તો જીવડું ઊડવા મંડેલું. પતંગિયાની જેમ એને પાંખો આવી ગયેલી, તે દિવસથી ઊડતું પતંગિયું મને ક્યારે ય એક નથી લાગતું –અનેક લાગે છે. પતંગિયાથી પતંગિયું ને વળી પતંગિયું –કશીક રચાતી ર્હૅતી પતંગિયાવળી..

જોકે લખું છું ત્યારે શું લખું છું તેનું મને ભાન નથી હોતું. આજની તારીખ લગી મને ખબર નથી પડી કે મૅં શું લખ્યું છે. પુસ્તક તો શું પાનું સરખું ય છપાવ્યું નથી ને કદી યે છપાવાનો નથી. ત્રણ વર્ષમાં મે પાંચેક ડાયરીઓ ભરી છે. જોકે મારા અક્ષરો મોટા છે – ચણીબોરાં જેવા…

સામેની સૂટકેસ ઉઘાડી એટલા માટે છે કે ગ્રાઉણ્ડ બે લેવલે છે. ક્રિકેટ અને ફૂટબૉલ માટે વપરાય છે તે ઉપલું લેવલ –સૂટકેસનું ઉઘાડું ઢાંકણું. નીચલું લેવલ ઉજ્જડ છે, રમતો માટે વપરાતું નથી. કોઈ રજાઓમાં ટુર્નામૅન્ટ હોય તો જુદી વાત, બાકી એમાં ઇંટાળા– ઢેખાળા ને ઝાંખરાં જ વધારે હોય છે. એના કિનારાના ભાગોમાં ઘાસચારો ઊગી નીકળતો હોય છે એટલે ગધેડાં ચરતાં હોય, ક્યારેક બકરીઓ. એ, સૂટકેસનું કેસ પોતે. મારો આ ફ્લૅટ દસ ફ્લૉરના ઊંચા બિલ્ડિન્ગમાં છે —આઠમા ફ્લૉર પર. અમારું છે એવાં સરખેસરખાં સાત બિલ્ડિન્ગોની હાર છે. એમાંના એ ત્રણેક હાઇરાઇઝૂડ બિલ્ટેિન્ગોને સુવાડી દો એટલી મોટી થાય આ સૂટકેસ, પેલી કોઈ પાંચ–મજલી મકાન જેટલી લાંબી ટાઇ નથી? પેલો કોઈ બૂટ નથી –ઘર જેવડો મોટો? મને થાય છે આ સૂટકેસ એ બૂટ ને ટાઇ પ્હૅરનારાની હોવી જોઈએ. કોઇ કારણે ભાઈસાહેબ અહીં ભૂલી ગયા હશે. તો પછી કોક દિ જંગલી પવનનું પૂર ઊમટ્યું હશે ને ઢાંકણેથી ઊઘડી ગઈ હશે આ મહા–મહાન સૂટકેસ. હું ઉપલા લેવલમાં એટલે કે ઢાંકણામાં ચાલું છું –ઢાંકણાને કિનારે કિનારે. એ કિનારે કિનારે લીમડા ઊગાડેલા છે. મૅં ગણી જોયા છે, પૂરા છૅંતાલીસ છે. પંદર–વીસ પંદર–વીસ ફીટના અન્તરે ઊભા છે એ લીલિયા, પવનમાં આછુંપાછું ઝૂમતા.

ગ્રાઉણ્ડ પર રાત શરૂ થતાં પ્હૅલાં પ્હૉંચી જવું એવો મારો નિયમ છે. કેમકે સાંજ જેમ–જેમ ઘેરી બને તેમ–તેમ મારું એકલવાયાપણું અમળાવા માંડે, આટલા મોટા ફ્લૅટમાં આછોતરી બીક પણ સંચરવા માંડે. વળી મારું આ બિલ્ડિન્ગ અને એવાં બીજાં અનેક, અમદાવાદ શ્હૅરને છેવાડે છે. એ પછી તો ખેતરો ને સીમ–સીમાડા દેખાવા લાગે છે. સારું છે કે અમારી આખી લોકાલિટી શ્હૅરના બે–ત્રણ મેઇનરોડોથી જોડાયેલી છે. હમણાંનો મારા ડાબા ફેફસાનો નીચલો છેડો ઝીણું ઝીણું દુઃખતો જરા લપકે છે. મધુસૂદન ડૉક્ટરને જોકે એમાં બીપીની કે હાર્ટની કશી મુશ્કેલી નથી દેખાઈ. આ બધું છે –છે એટલે છે– પણ એથી સાંજે મને ઘરમાં બિલકુલ ગમતું નથી.

ખાસ તો એવું થાય છે સંઝાકાળે કોઈ આવી ચડશે મારે ત્યાં ને મારાથી એનો સામનો નહીં થાય. સોમજી ગભરાઈને બાથરૂમમાં ભરાઈ જશે. બધી દીવાલો પર પેલાનો લાંબો પડછાયો વીંઝાતો ભમ્યા કરશે. મારા મેઇનડોરને બારણે બ્હાર કીડિયાંસૅરનું ભૂરા લાલ–લીલા ચૉખંડા–ચૉખંડા મોરલા ભરેલું તોરણ છે. બાજુમાં જ હીરની ફૂમતાવાળી દોરી લટકે છે. રૂપાબેલની છે એ દોરી. એ ખૅંચો એટલે અહીં ઘરમાં રૂપાનો પેલો નાનો શો ઘંટ છે તે વાગે. ટૂંકમાં, મેઇનડોર જોઈ કોઈને પણ મારા ઘરમાં પૅસવાની કુતૂહલભરી લાલસા થાય. જોકે કોઈપણ માણસ, વગર નક્કી કર્યે આવે મારે ત્યાં, એ મને સ્હૅજ પણ પસંદ નથી. મૅં મારા મેઇનડોર પર બે-બે દ્વારપાળ રાખેલા છે. દ્વારપાળ તો શું, પણ ટેરાકોટાના બે ઘોડા. કૅડસમાણા ઊંચા. જમણે–ડાબે બંને પર એક–એક અશરીરી અસવાર છે –ખુલ્લી ખૅંચેલી એમની તલવારો. ઘોડાની ડોકે સોમજી રોજ સવારે હજારી ગોટાના તાજા હાર પ્હૅરાવે છે.

લગ્નના પહેલા વર્ષથી મારી પાસે એક આલ્શેશિયન કૂતરો હતો –ટૉમી. રજનીબાળાના ચાલી ગયા પછી એ કશા ફૂડ પૉઇઝનને કારણે મરી ગયેલો. રાતે અમે એને ફ્લૅટના આંગણામાં સૂવાડતા. તે દિવસે સવારે એ જાગ્યો જ નહીં –જોયું તો ખૅંચાઇને ચત્તોપાટ પડેલો. હાથપગ એના ફેલાઈ ગયેલા. તે સાંજે સોમજી ક્હૅતો’તો -સાએબ, મને લાગે છે કે આપણા ટૉમીએ સ્યુસાઇડ કર્યો છે. સોમજી જરા ચક્રમ છે. કયારેક મને શેઠ પણ ક્હૅ છે.

કોઈ–કોઈ વાર હું ચિલ્ડ્રન્સ બેડરૂમમાં જાઉં છું ખરો –કાજલ અને સમ્મોહક સાથે વાતો કરવા. રજનીબાળા હોત તો કાજલ અને સમ્મોહક નામનાં દીકરી–દીકરો હોત. પણ હકીકતે છે નહીં –પત્ની જ ન હોય પછી સન્તાનો ક્યાંથી હોય? કાજલ ક્હૅવાત તે ગર્ભ રજનીબાળાએ મારી ઇચ્છા વિરુદ્ધ પડાવી નાંખેલો. ઝઘડો કરેલો એ માટે. આ જ બેડરૂમમાં ડૉ. મધુસૂદને જ બધું પતાવી આપેલું. તે દિવસોમાં ગર્ભપાતને સરકારી ટેકો ન્હૉતો. સમ્મોહક તો બસ હું અમસ્તો જ બોલ્યા કરું છું, વધારે સારું લાગે છે એથી.

આમ પત્તાં રમવાં ગમે છે મને –એટલે કે એક જ વ્યક્તિથી રમાતી પત્તાંની રમતો ગમે છે મને. રમ્યા કરું છું. વળી એવી રમતો ઉપજાવું પણ ખરો. આ આઠ પત્તાં મૅં એટલે જ ફેલાવી રાખ્યાં છે —કશીક નવી રમત રચવા. છોડી દઉં તો પડે સામેની ઉઘાડી સૂટકેસમાં. છોડી નહીં જ દઉં, પણ કદાચ છૂટી જાય.

વાત એમ પણ છે કે પત્તાંની રમત રમવાને બ્હાને બે દિવસથી એક જણના ફોનની રાહ જોઉં છું – શામલાલનો, મુંબઇથી ફોન. હૉલની સૅન્ટ્રલ ટિપોઇ પર એક પીપળાનું ઝાડ છે –એટલે કે પીપળાનું બોન્સાઇ. અગાઉ એવું એક–એક બોન્સાઇ દરેક બેડરૂમમાં ય હતું. પીપળાની બાજુમાં શામલાલની સૂટકેસ પડેલી છે –સૂટકેસ એટલે સૂટકેસ, ખરેખરી રીયલ સૂટકેસ, જોકે અન–લૉક્ડ છે. કેમકે મૅં જોયું એમાં કશો માલ નથી. બધી કંઈ કેટલીયે દમ વિનાની ચીજો –વધુમાં બે-એક કપડાં, ખાસ તો ભૂરા પટ્ટાવાળો શામલાલનો સસ્તો નાઇટસૂટ, બે-એક ફાઇલો, ચીંથરા જેવું એનું એક મફલર, વગેરે ઉપર હતું. પાછી એની ડાયરી, એ ય જૂની છે –ને હિસાબો એમાં ચાલુ તારીખોના છે. શામલાલ વર્મા સાન્તાક્રુઝ ઇસ્ટમાં વાકોલા બ્રિજ પાસેના કોઈ ચૈતન્યનગરમાં ર્હૅ છે. મૅં એને સ્પીડપોસ્ટથી કાગળ લખી મોકલ્યો છે ને એમાં મારું ડીટેઇલ–ઍડ્રેસ લખ્યું છે –વળી, મને ફોન કરવાની તાકીદે ય કરી છે.

બન્યું છે એવું કે ગયા શુક્રવારે મારી ગ્રે કલરની સૂટકેસ એની આ ગ્રે કલરની સૂટકેસ સાથે બદલાઈ ગઈ છે દિલ્લીના ઍરપોર્ટ પર. પેલું આઇડેન્ટિફિકેશન નથી કરાવતા –બૅગેજીસનું? એ દરમ્યાન બન્યું છે. તે દિવસે મને શું સૂઝ્યું કે મૅં સૂટકેસ ચૅક–ઇન કરાવી, બાકી કેબિન–બૅગેજ રૂપે મારી જોડે જ રાખતો હોઉં છું. બહુ ભદ્દું એ કામ. થોડા જ કલાકો પર આપણે જ આપેલી આપણી જ બૅગેજીસને આપણે ઓળખી બતાવવી પડે એ બહુ બેહૂદું છે. પોતાની જ વસ્તુને આંગળીથી ચીંધી ક્હૅવું કે એ મારી છે –! મને તો બહુ વસમું લાગેલું.

એટલે હું એમ ક્હૅતો’તો કે શામલાલનો ફોન ગમે ત્યારે આવી શકે છે. એની ડાયરીમાંથી એનું ૯/૨૦૯, ચૈતન્યનગર–ની વીગતવાળું સરનામું મળ્યું પણ એનો કોઈ ફોન–નમ્બર નથી એમાં, નહીં તો હું જ એને સામેથી કરત. મારા ફોન પર મૅં સોમજીને બેસાડી રાખ્યો છે. એને સૂચના ય આપી છે કે રૂપાબેલ રણકે કે તરત દોડી જાય બારણું ખોલવા –શામલાલ કદાચ ફોન કર્યા વિના ય આવી ચડે. મારી સૂટકેસ લૉક્ડ છે એટલે બહુ વાંધો નહીં; પણ શું ક્હૅવાય? એમાં પાંચસોની સો નોટોનું કોરું કડકડતું બંડલ છે! એક શૅઅર–સોદાના પતવણામાં દિલ્લીની પાર્ટીએ એટલા રોકડા આપેલા. ઇલેક્ટ્રિક શેવર છે એમાં. વળી રોલ્ડ ગોલ્ડનું મારું મને બહુ વહાલું વૉચ છે –બ્રિટાનિયા. સૂટકેસના જ રંગનો મારો ગ્રે સૂટ ને ખાસ તો એમાં મારા ચાલુ લખાણની ડાયરી છે, ડાયરીના ફ્લૅપમાં મારો રજનીબાળા સાથેનો એક રોમૅન્ટિક પોઝમાં ફોટો છે, જૂનો શેપિયા કલરનો. સૂટકેસ મારી લૉક્ડ છે એ ખરું પણ શામલાલ વર્મા જેન્ટલમૅન જ હશે એની શી ખાતરી?

મૅં કહ્યું, પત્તાં હું છોડી નહીં જ દઉં પણ કદાચ છૂટી જાય –તે આ કારણે: શામલાલને રીસીવ કરવા હું સફાળો છલાંગ મારું એ ઘડીએ પત્તાં છૂટી ન જાય તો શું થાય? એક બીજા કારણે પણ છૂટી જાય, મારી એક શારીરિક તકલીફના કારણે. હમણાંનું મને ક્યારેક–ક્યારેક એવું થાય છે જાણે થોડી મિનિટો માટે મારું શરીર શરીર ર્હૅવાની ના પાડતું હોય. બધેથી અંદરની તરફ વળી–ઢળી લૉંદો થઈ જવા માગે, હાડકાં પણ એવું જ ઝંખે. એટલે એ વખતે હાથમાંની ચીજો છૂટી જાય, અથવા હું છોડી દઉં –ચાનો પ્યાલો હોય તો તે, પેન હોય તો પેન. ડાયરી, ચૉપડી, છાપું, શર્ટ, ગમ્મે તે –! ગયા અઠવાડિયે હાથમાંથી ઢોકળાનો કૉળિયો છૂટી ગયો —પળ માટે મૉં મારું ખુલ્લું રહી ગયું. ખાવાનું બધું સોમજી બનાવે છે.

શરીરની શરીર મટી જવાની એ હઠીલી મિનિટોમાં, પગમાંની સપાટો, પછી હું ઝટકાવીને ફંગોળી દઉં, ને ઘૂંટણિયે પડી માથું પથારીમાં ખોસી પડ્યો રહું, ક્યાંય લગી પડ્યો રહું, ઘણીવાર તો આખી રાત. સોમજી સવારે ક્હૅ ત્યારે ખબર પડે – એ ક્હૅ : શેઠ, સૂતાં પ્હૅલાં મને ક્હૅતા હો તો ચમ્પી કરી દઉં તે નિરાંતની નિંદર તો આવે, બીમાર છો તમે, તમારે સાચવવું પડે. એ મને અવારનવાર આવું ક્હૅ છે – જરા ચક્રમ તો છે જ, થોડો ચાંપલો પણ છે.

આ તકલીફથી એક લાભ મને બહુ સારો થયો છે – મારું શરીર રઘડો બની ગયું છે ને તેથી એને જેમ વાળવું હોય તેમ વાળી શકાય છે –ઘણીવાર એ જાતે પણ પોતાને જોઈતો શેપ પકડી લે છે. એથી મને ખરેખરની સવલત ર્હૅ છે. લિફ્ટમાં ઊતરતો હોઉં તો કોઈવાર એવું થાય જાણે કમરેથી કશીક ખીણમાં કોઈ ખૅંચે છૅ મને, સરસર ઊંડાતો ખૅંચાઉ નીચે.

દસેક દિવસ પરની વાત છે. પેલા સોમવારે મારો એકત્રીસમો બર્થ–ડે હતો. હું કાજલ–સમ્મોહકના રૂમમાં હતો. ત્યારે એક ક્ષણે મારો જમણો હાથ છત લગી લંબાઈ ગયેલો. કાજલના બેડ પાસે મૅં મિકિમાઉસ, વન્ડરલૅન્ડમાં લ્હૅરાતી એલિસ એમ નાનાં–મોટાં પોસ્ટર્સ ચિપકાવ્યાં છે. ટેડી બેર ને બીજાં ઢીંગલાં, રમકડાં, એમ ઘણું મૂકી રાખ્યું છે. સૂતી હોય ત્યારે એને દેખાય એ રીતનો સામેની દીવાલે ડાન્સિન્ગ માઇકલ જૅક્સન પણ છે. સમ્મોહકના બેડ સામે એવો જ લાઇફ સાઇઝનો બ્રુસલિ છે –હાથનો તીવ્ર પંજો ઉગામેલો ને તરાપ મારવાને તત્પર.

વર્ષો પર મારે ત્યાં રજનીબાળાનો યાર પહેલીવાર આવેલો –એને શોધતો. અમારાં, એ અરસામાં જ લગ્ન થયેલાં. પેલો ક્હૅ: રજનીબાળા ઇઝ માય ગર્લ, આઇ વૉન્ટ ટુ…એ એવું કંઈ પણ બોલવું પૂરું કરે એ પ્હૅલાં મૅં એને ડાચા પર બ્રુસલિ સ્ટાઇલનો એવો તો જોરદાર પન્ચ મારેલો કે બચારો વેરાઇ પડેલો અડવડિયું ખાતો મેઇનડોરની બહાર. ઊઠીને કપડાં ખંખેરતાં લિફ્ટ ભણી જતાં–જતાં બદમાશ મને ક્હૅ —આઇ વિલ કિલ યુ વન ડે… બર્થ–ડે હતો તેથી કે ગમે એમ પણ બ્રુસલિનું પોસ્ટર જોઈ મારો હાથ તેજ થઈ ઊઠેલો. પણ આમાં નવાઇની વાત તો એ હતી કે હાથ ખૅંચાઇને છેક છત લગી પ્હૉંચી ગયેલો…મૅં ધીમે–ધીમે પાછો મેળવેલો, કેમકે એને આવવું ન્હૉતું. ને એટલે, પાછો ખૅંચાતો જ ન્હૉતો!

એ નાલાયકના ગયા પછી રજનીબાળાએ મારી જોડે બહુ મોટો ઝઘડો કરેલો –ગર્ભપાત પછીનો એ બીજો મોટો ઝઘડો હતો. એનું ક્હૅવું એમ: કે તમે મારા ફ્રૅન્ડ જોડે આટલું બધું હલકટ વર્તન કરી શકો જ કેવી રીતે?: હલકટ કોણ ને કોને હલકટ ક્હૅવાય એ વિશે ત્યારે હું ઝાઝું બોલેલો નહીં કેમકે મારું કાંડું દુખતું’તું…એ પછી ફોનો કરી–કરીને પેલાને એણે મનાવી લીધેલો. રજનીબાળા મારી જાણ બહાર ને પછીથી તો ખુલ્લેઆમ એને મળવા જતી. રાત થઈ જાય કોઈ–કોઈ વાર તો, એટલું મૉડું થતું. એકાદ વાર તો મૅં રેડ–હૅન્ડેડ પકડેલી પણ ખરી. જોકે પાછળથી તો એવું બધું કરવાનું ય મૅં છોડી દીધેલું: એક જાતની જડતા, જોકે ચીડ–ભરેલી.

આ સવલતને લીધે સાચે જ બહુ સારું ર્હૅ છે. જેમકે, ચાલવા જવાનું કોઈ વાર મૉડું થઈ ગયું હોય, તો હૉલની બાલ્કનીમાંથી હું સીધો જ ગ્રાઉણ્ડ પર સરી-લસરી લઉં છું –પાછો એમ જ, ઊડીને આવી જઉં છું. હવે તો એનો અવારનવાર મ્હાવરો પડી ગયો છૅ. ઘણીવાર તો મને કશું પણ જોવા માત્રનો કંટાળો આવે છે, પણ ત્યારે મારી આંખો બંધ થવાની ના પાડે છે. એવી વખ્તે પછી હું મારા ફ્લૅટના સઘળા અસબાબની વચ્ચે હોઉં છતાં ન હોઉં, બધું મારી ચૉમેર હોય છતાં ન હોય. હું ખસું તો બધું ખસે – પણ ક્યારેક બધું ખસે ત્યારે હું ન ખસું— ને તેથી અન્તર પડી જાય, હું જુદી રીતનો એકલો રહી જઉં. પેલા અન્તર પર ભૂલથી ય નજર જો પડે, તો જરા છળી જવાય.

પત્તાં મૂકી દઉં, કેમકે મારે ચાલવા જવાનો સમય થઇ ગયો છે. જોકે શામલાલનો ફોને ય નથી આવ્યો, શું કરું? ચાલવા ન જાઉં આજે? થયું, સોમજીને પૂછું, મૅં કિચન ભણી જોયું ને તરત સોમજી દેખાતો ખૅંચાયો. મૂંઝવણના જીવન્ત ઉકેલ સમા એણે પત્તાં મારા હાથમાંથી લઈ લીધાં ને કૅટમાં મૂક્યાં. હું એને કંઈક કહું એ પ્હૅલાં એ જ મને ક્હૅવા લાગ્યો –તમે સાએબ ખુશીથી ચાલવા જાઓ, ટાઇમ થઈ ગયો છે. શામલાલના ફોનનું હું ચૉક્કસ ધ્યાન રાખીશ.

મને ય લાગ્યું કે ભલે –બરાબર છે એની વાત. એટલે નીકળ્યો. જોકે લિફ્ટમાં ઊતરતો’તો ત્યારે જ મને થયેલું. હું જેવો ગ્રાઉણ્ડ પર પ્હૉંચીશ તેવો જ ફોન આવશે શામલાલનો. આવી વખ્ત આવુંતેવું મને જે થયું હોય છે, તેવું પછી થાય જ છે! પ્હૅલેથી. રજનીબાળા ચાલી ગઈ તે અઠવાડિયે મને ઠીક–ઠીક મૂંઝારો ર્હૅતો’તો. તે દિવસે તો મને સવારથી થતું’તું કે ચૉક્કસ કશુંક ખરાબ થવાનું જ છે. મૅં રજનીબાળાને કહેલું પણ ખરું, તો ક્હૅ —તમારી તબિયત સારી નથી એટલે એવું લાગે છે, જમી લો ને પછી ગોળી લઈને સૂઈ જાઓ. ત્યારે ય મને આવું જ લાગેલું: ભલે –બરાબર છે એની વાત. જોકે એ જ મારી ભૂલ ન્હૉતી? ખબર પડતી હોવા છતાં ય કરીએ તે ભૂલ નહીં તો બીજું શું? ગોળી લઈને સૂઈ જવાની રજનીબાળાની વાત મૅં માની ન હોત તો સાચે જ સારું થાત –એનાથી જવાત જ નહીં. પણ એ દિવસોમાં હું એનું બધું ઇચ્છા–અનિચ્છાએ માનવા માંડેલો. અંદરથી લાગે કે નથી માનવા જેવું, તોય…પાણી સાથે ગોળી મને એણે બહુ ભાવથી આપેલી, પણ હું જાગ્યો ત્યારે ભાવવાળી એ પોતે જ ન્હૉતી…

ગ્રાઉણ્ડ પરની સાંજ સારી હોય છે. રમતવીરો રમતા હોય છે. એમને મારી દખલ ન પ્હૉંચે એવી અદબ રાખી હું ગ્રાઉણ્ડ ફરતે ચાલ્યા કરું. એમનાં કલ્લોલ ને કિકિયારીઓ મને ગોખાઇ ગયાં છે. આજે મૉડો છું જોકે, સૌ જવામાં છે. હું ય આજે બધાં ચક્કર પૂરાં નહીં કરું, મારી જેમ ગ્રાઉણ્ડ પર બીજા બે–ત્રણ જણ આવે છે ચાલવા. હમણાંની ક્યારેક–ક્યારેક એક જુવાન છોકરી ય આવે છે. એનો ચ્હૅરો મને બિલકુલ કાજલ જેવો લાગે છે –જોકે એ તો મારા મનનો વ્હૅમ. કાજલ જ નથી ત્યાં એના જેવો ચ્હૅરો તો હોય જ ક્યાંથી? બાકી મન થઈ જાય  પૂછી લઉં–? બેબી, તારું નામ શું છે-? પણ કંઈ નહીં. ચક્કર મારતાં સામ–સામી થાય ત્યારે એ ય મારી આંખમાં જોયા વિના નથી ર્હૅતી. દેખાતી નથી આજે –નહીં આવી હોય.

પેલા કાયમના છએ તેમાં એક આધેડ વયનો મદ્રાસી છે. મૅં મારા માટે એનું નામ ‘બળેલો નરસિંહરાવ’ રાખ્યું છે –એનું મૉઢું અદ્દલ આપણા પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ જેવું છે, પણ વધારે કાળું – એટલે તો હું એને બળેલો કહું છું. મને યાદ છે શરૂ–શરૂમાં મૅં એને હાથ વેવ કરી બે–એક વાર ‘કેમ છો?’ કરેલું. પણ ધીમે-ધીમે મને સમજાયું કે આંખ મળે તો કશો ભાવ બતાવવાની એ તો કશી ફામ જ નથી રાખતો! એટલે પછી મૅં ય બંધ કર્યું –એ મૂંગો, તો હું મૂંગો! મારે એને રોજે રોજ ક્હૅવું કેમ છો, ને એમ, એને રોજે રોજ યાદ દેવરાવવું, કે ભાઈ હું છું એ જ ગઇકાલવાળો..એમ? શું કરવા? એ બળેલો નરસિંહરાવ હવે તો એક નિયમ તરીકે મને કતરાતી નજરે જુએ છે –જાણે હું એનો દુશ્મન હોઉં. જીવનમાં મને આવા નાના–નાના પણ ઘણા અન્યાય થયેલા છે.

બે ભાઈબંધોની એક જોડી આવે છે –જૉગિન્ગ માટે, એમાંનો એક બેઠી દડીનો છે –જાડિયો. એ ય એવો જ છે. સામ–સામે થવાય તો હેલો–હાય કરવાને બદલે ચાતરીને ખાસ્સો વળાંક લઈ લે છે. બીજો છે લંબૂસ. થોડું જૉગિન્ગ પતાવી જાડિયો, વધારે તો દોડે છે. પણ લંબૂસ બે–ત્રણ ચક્કર પછી એના પેલા નક્કી કરેલા લીમડા નીચે બેઠો ર્હૅ છે –પેલાનું પૂરું થવાની રાહ જોતો. અત્યારે પણ બેઠો છે. પછી બંને જણા રીલૅક્સ ચાલમાં જોડે–જોડે ચાલતા બે–એક ચક્કર મારી નીકળી જાય છે ગ્રાઉણ્ડ બ્હાર…!

અહીં માત્ર બે જ રમતો રમાતી આવી છે,  ફૂટબૉલ અને ક્રિકેટ. બંનેની મુખ્ય ટીમો જ રમતી હોય પણ ગ્રાઉણ્ડ એટલું બધું મોટું છે કે મુખ્ય ટીમોની ફરતે ફાજલ જગ્યાઓમાં શિખાઉ નિશાળિયાઓની બીજી બે–ત્રણ ક્રિકેટો પણ ચાલતી હોય છે. પેલાઓનો ક્રિકેટ–બૉલ નક્કર હોય, આ લોકોનો પોલો, રબરનો. ફૂટબૉલ તો બધાના સરખા.

એવી જગ્યાઓના ખૂણાઓમાં બાજુની ઝૂંપડીવાળાઓનાં છોકરાંય હવે તો નિયમિત આવતાં થયાં છે. દરેક છોકરું લગભગ એક જ વસ્ત્રમાં હોય છે –અરધું નાગું ને ધૂળમાં જ રમે છે, ધૂળથી જ રમે છે. ચક્કર મારતો હું એમની પાસેથી પસાર થઉં એટલે બધા એક્કી અવાજે બોલી ઊઠે : ગુડ મૉર્નિન્ગ અન્કલ…બાય-બાય અન્કલ…શી ખબર ક્યાંથી શીખી ગયા છે! જોકે ગમે છે મને. દરેક ચક્કરે દરેક વાર એમના હસમુખ અવાજોનું બુસ્કું મને ન્હાવા મળે છે. મૅં એમને અનેકવાર કહ્યું છે કે ‘ગુડ ઇવનિન્ગ’ ક્હૅવાનું ને એક જ વાર ક્હૅવાનું –પહેલી વાર. પણ નથી સુધરતા. હો–હો, હા–હા કરી સાંભળી લે ખરાં, પણ દોડી જાય એમની પૉશ–પૉશે ધૂળો ઉડાડવાની રમતો રમવા. ગમે એમ પણ મારા દોસ્ત છે એ બધાં. ડૂબતા સૂરજના કમજોર તડકામાં ધૂળની ધૂંધળમાં એ ગરીબડાંઓનું ઝૂમખું જ ગ્રાઉણ્ડ પરની વસ્તીમાં મને સહુથી વધુ ગમતી ચીજ છે.

રાત ઊતરી ર્હૅ ત્યાં લગીમાં તો આખું ગ્રાઉણ્ડ ખાલી થઈ જાય છે –એટલે લગી કે છેલ્લે હું એક જ બાકી રહી ગયો હોઉં છું, પેલા બૉલ પણ ઝાંખા દેખાતા થાય –બૅટ કે ફૂટની લાતોના મારથી ભાગતા હોય ખરા, પણ જાણે સામે–વ્હૅણ… ઉભરાતી આવતી અંધારાની નદીમાં એમની ગતિઓ ડબડબ થતી ડુલ થાય…

જેમ બધાં સમયસર આવે છે તેમ સમયસર ચાલી પણ જાય છે. લીમડા નીચેની સાઇકલો મોટરબાઇકો સ્કુટરો ચપોચપ પોતાના સવારોને લઈને શ્હૅરના માર્ગોએ પરત રવાના થઈ જાય છે. મૅં કહ્યું એમ હું જ છેલ્લો બચ્યો હોઉં છું –પાછો ફરવાને. પાછળ હાથ બાંધેલો, નતમસ્તક. મારાં બાકી ચક્કર પૂરાં કરતો. એ વખ્તે મારા મનમાં એક જ વિચાર કાંકણીની જેમ કૂદતો હોય છે —હું મારી ઉમ્મર કરતાં એકાદ દાયકો મોટો થઈ ગયો છું.

ત્યાં પછી પવન પડી ગયો હોય છે –અત્યારે પડી ગયો છે એમ જ. ચૉમેરથી વહી આવતી અંધારાની નદીમાં બધા અવાજો ઑગળતા ર્હૅ છે. લીમડા લીલાથી શામળા થઈ ઊઠે છે. એમના પાનની છાબોમાંથી આકાશનો રહ્યો–સહ્યો અંજવાસ પણ પછી તો ખલાસ થઈ જાય છે. ભેગું થઈને વધેલું અંધારું લીમડાઓના પગોમાં વમળાતું ઠરે એ વખ્તે કોઈ વાર કોઈ અજાણ્યા પંખીનો ન ગમતો ચ્હૅકાટ. પળભરનો એ તીણો કર્કશ લસરકો. પછી તો મને એ સળવળતા સન્નાટામાં માત્ર મારાં જ પગલાંનો અવાજ સંભળાય…જેમ અત્યારે સંભળાય છે…

મને યાદ છે મારે આજે પૂરાં ચક્કર નથી મારવાનાં –કેમકે શામલાલનો ફોન. જોકે આવી જ ગયો હશે. પણ મૅં ઉતાવળ કરવા માંડી. મને થયું હું ઊડું –ને સાચે જ ઊડી શક્યો. પ્હૉંચીને જોયું તો સોમજી ખુલ્લા મેઇનડોરે મારી રાહ જોતો’તો. ટ્યુબલાઇટના પ્રકાશમાં મારો જ હૉલ, શી ખબર મને પરાયો લાગ્યો. સોમજી બધું એકી સાથે બોલી ગયો  સાએબ– સાએબ, ફોન આવી ગયો, માણસ મને સારો લાગે છે, કાલે સવારની ફ્લાઇટમાં આવે છે અમદાવાદ, આપણી સૂટકેસ લઈને આવે છે – ક્હૅતો’તો, એની, આપણે તૈયાર રાખવી –એની પાસે ટાઇમ નહીં હોય. સૂટકેસોની અદલાબદલી કરી લેશે ને પછી તરત નીકળી જશે…

વાત સાંભળતાં–સાંભળતાં મને અચરજની છાલકો પર છાલકો વાગતી’તી. મને બહુ જ હળવાશ થઈ. થયું, શામલાલ ખરેખર જેન્ટલમૅન છે. કેટલી સીધી છે એની વાત! ફ્લાઇટમાં આવે છે –રૅંજીપૅંજી તો નહીં જ હોય…સોમજી ક્હૅ: શેઠ, અમદાવાદમાં શામલાલના ઓળખીતા ફ્રૅન્ડ છે –એને એ લઈ આવશે આપણે ત્યાં. ફૅન્ડનું જાણી મને ઑર સારું લાગ્યું –શામલાલ સાચે જ સજ્જન અને સદગૃહસ્થ વ્યક્તિ છે.

પછી પણ મને થોડી–થોડીવારે એવા જ હળુહળુ ધકેલા વાગ્યા કર્યા. રજનીબાળા જોડે મારું ગોઠવાયેલું એ દિવસોમાં મને દુનિયા આવી જ હળવીફૂલ લાગતી’તી. આજે એમ જ થતું લાગે છે: મને થાય છે માણસજાત હું ધારું છું એટલી દુષ્ટ કે ખરાબ નથી. સત્યનો હજી પણ પ્રકાશ છે. નાનું–મોટું ઊચું–નીચું કે થોડું-ઘણું ખરું–ખોટું તો ચાલ્યા કરે. સંસાર કોને ક્હૅ છે…? મને એમ પણ થયું મારે થોડા ઉદાર, આસ્થાળુ ને ધીરજવાન બનવાની ખાસ જરૂર છે. હું નિરાંતે જમ્યો, ટીવી જોયો, એટલું જ નહીં, વીસીઆર પર મૅં અને સોમજીએ એક વિદેશી ફિલ્મ પણ જોઈ– બાકી એ કામ હું કદ્દી કરતો નથી.

આખી રાત હું સુખે ઊંધ્યો. મને સપનું ય આવ્યું હશે, યાદ નથી –પણ રાતમાં મૅં પાંચ–મજલી મકાન જેટલી લાંબી ટાઇમાં, ઘર જેવડા મોટા બૂટ પ્હૅરેલા, ગ્રાઉણ્ડ જેવડી વિરાટ સૂટકેસ હાથમાં ઝુલાવતા એક પ્રચણ્ડ મોટા માણસને મુમ્બઇથી અમદાવાદ મારા ફ્લૅટ ભણી આવતો જોયેલો. એ ચાલતો આવતો’તો, કેમકે મુંબઇ–અમદાવાદ એને માટે દસ બાર પગલાં જ ને…! મૅં ધ્યાનથી જોયું હતું –એ માણસ બીજો કોઈ નહીં પણ શામલાલ વર્મા હતો. જોકે સવારે મારી સૂટકેસ લઈ જે શામલાલ મારે ત્યાં પ્હૉંચ્યો તેને જોતાં મને થયું કે –આ તો રાતવાળા શામલાલનું બોન્સાઇ છે…!

સાચે જ શામલાલ ઉતાવળમાં બહુ હતો –તો ય સોમજીએ આગોતરી બનાવી રાખેલી કોલ્ડ કૉફી મૅં ને શામલાલે શાન્તિથી પીધી. મુખવાસમાં એણે માત્ર એક ઇલાયચી લીધી, ઇલાયચી ફોલતાં ક્હૅ: આયેમ વૅરી સૉરી, તમારો તરત કૉન્ટેક્ટ ન કરી શક્યો. દિલ્લી પછી તરત મારે પટણા જવું પડેલું, લો, આ તમારી સૂટકેસ –છે એમ–ની–એમ જ છે, લૉક્ડ, જોવી હોય તો ખોલીને જોઈ લો…મેં કહ્યું  ના-ના, હોય કાંઈ – ચાલ્યા કરે આવું બધું તો, ડઝન્ટ મૅટર…વગેરે સલુકાઇ દર્શાવતાં મૅં મારી સૂટકેસ મારા હસ્તક લીધી ને પીપળાના ઝાડ પાસેની એની, ખસેડીને એને સૉંપી. પોતાની સૂટકેસ ઊંચકતાં એ બોલ્યો: અચ્છા? તો નીકળું, આયૅમ ઇન મચ હરી, નીચે મારુતિમાં મારા ફ્રૅન્ડ મારી રાહ જુએ છે.

મૅં જોયું કે શામલાલ બોલતાં-બોલતાં પૂંઠ કરી જલ્દી–જલ્દી નીકળી યે ગયો ને બટન દબાવી લિફ્ટની રાહ જોઈ રહ્યો. મૅં એને થૅન્ક્સ, સૉરી ફૉર ધ ટ્રબલ, વગેરે કહ્યું ત્યાં લગીમાં તો લિફ્ટ એને માટે આવી યે ગઇ ને તરત પછી એ લિફ્ટમાં હતો. મૅં નોંધ્યું કે ત્યાંથી બાય માટે આંગળાં હલાવતો શામલાલ નીચે સ–સ્મિત ગરકી ગયો.

હું ય મલપતા ચ્હૅરે પાછો ફર્યો –જોકે સવાલ મને તરત થયો: સૂટકેસ મારી મૅં શામલાલની હાજરીમાં નહીં ખોલીને કશી ભૂલ તો નથી કરી ને, પણ થયું, ના-ના, હું નાહકની શંકા કરું છું. આટલો સીધો માણસ આટલી સીધી વાત…પાછી આવેલી મારી જ સૂટકેસ… એવી–ને–એવી લૉક્ડ.. મૅં સૂટકેસને ભરી–ભરી નજરે જોઈ, સોમજીએ પોતાનો અંગોછો ફેરવી સાફ કરવા જેવુંય કરી આપ્યું. ગેસ્ટરૂમમાં જઈ હું મારું ટ્રાવેલ કી–ચેઈન લઈ આવ્યો, ને મૅં ખોલી, ખોલી મારી સૂટકેસ, મારા અતિ આશ્ચર્ય વચ્ચે એમાં કશું જ ન્હૉતું! સિવાય કે મારો ગ્રે સૂટ ને મારી ડાયરી! મને થયું, ગઠિયો ઠગી ગયો. ઝડપ–ઝડપમાં મૅં સૂટને ઉપર-તળે કરી જોયો –પણ નૉટોનું બંડલ, વૉચ કે શેવર કશું જ ન્હૉતું, સાલો ચોર શામલાલ. ફટોફટ મૅં કોટપાટલૂનનાં ગજવાં જોઈ લીધાં –કશું જ ન્હૉતું, જોકે કોટના અંદરના ખિસ્સામાંથી એક વગર કવરનો ખુલ્લો કાગળ નીકળ્યો –જોયું તો ચોવટ વાળેલો લાંબો બે પાનાંનો કાગળ. બંને બાજુ બધું લખેલું. ગડી ખોલીને હું વાંચવાનું શરૂ કરું એ પહેલાં સોમજી લિફ્ટમાં નીચે જવા દોડ્યો –બોલતો કે ઊભા ર્હો, ઊભા ર્હો હું જોઈ આવું –કદાચ શામલાલના ફ્રૅન્ડની મારુતિ બગડી હોય ને એ લોકો અટકી પડ્યા હોય… મને મનમાં ખાતરી જ હતી કે એવું તેવું કંઈ જ થયું ન્હૉતું. ઊલટું, બદમાશ શામલાલની મારુતિ અમદાવાદના ટ્રાફિકમાં મને સેળભેળ થતી ખોવાતી દેખાતી’તી. ચૉક્કસપણે કઈ મારુતિ એની, તેની મને ખબર ન્હૉતી –નહિતર હું એની પાછળ ઊડ્યા વિના રહું ખરો? સોમજી વ્હીલા મૉંએ પાછો ફર્યો —ક્હૅ, શેઠ, ફોન કરો પોલીસને –લુચ્ચાઓ હાળા ક્યારના નીકળી ગયા છે. પણ મૅં એને ઇશારો કરી ધરપત રાખવા કહ્યું –કેમકે કોટમાંથી નીકળેલો શામલાલનો કાગળ વાંચવો એ જ એ ઘડીની મોટી જરૂરિયાત હતી. હું વાંચવા માંડ્યો ને સોમજી વાંચતા–મને જોઈ રહ્યો, પછી ક્હૅ, જરા મોટેથી વાંચો શેઠ, મને ય ખબર પડે. મને થયું ભલે, ને મૅં મોટેથી વાંચવા માંડ્યું :

–તમે શ્રીમાન મૂરખ છો. કોઈપણ સૂટકેસ આસાનીથી ખૂલી જાય તેવી ચાવી ફટ્ બનાવી લેવાય છે. હું મૂરખ નથી કેમકે તમારી જેમ મારી સૂટકેસને હું કદી પણ લૉક નથી કરતો. એ તમને ખુલ્લી મળી તેનું કારણ એ. જોકે અત્યારે તો –એ જેવી હોય એવી– ખુલ્લી જ –પણ, તમારી પાસે થોડી છે? મારે હાથ છે, ખરું ને?

– તમારી સૂટકેસનો અમુક માલ સફાચટ જોઈને મારી પાછળ દોડવા ન નીકળશો કેમકે ત્યાં લગીમાં તો તમારા આટલા મોટા શ્હૅરમાં હું ક્યાંનો કયાં પ્હૉંચી ગયો હોઈશ, વળી ક્યાંથી ક્યાં ભાગવાનો તેની મને ખુદને ય ખબર નથી –પછી એમાં તમારી તો શી વિસાત?

– જાણી લો  હું શામલાલ વર્મા નથી. મારી ડાયરીમાંથી તમને મળેલું એ નામ ફેઅક છે – ફેઅકમાં તો સમજો છો ને? જુઠ્ઠું, બનાવટી. જોકે એ સરનામું બનાવટી નથી –એનું મૂળ કારણ તો એ છે કે સંસારમાં નામ કરતાં ઠામ વધારે ચૉક્કસ વસ્તુ છે. તમારા નામને તમારા પોતાના ઠામ સાથે સરખાવી જોવાથી સમજાઈ જશે મારી વાત. ટપાલીઓ તો, જાણીતું છે કે નામ કરતાં કામને જ મહત્ત્વ આપે છે. એ મૂળ કારણ જ એમની સમગ્ર કારકિર્દીનો ઠોસ આધાર હોય છે, નકરી શ્રદ્ધા હોય છે.

– વાત એમ છે કે કોક વાર મારા ધંધાને હિસાબે અમુક વખતે ટપાલ હું એવા સરનામે મંગાવું છું. એ ગાળામાં પછી પોસ્ટ–ઑફિસે જાતે જઉં, સરનામું કહું ને ટપાલ ટપાલી પાસેથી સીધી જ મેળવી લઉં. એ મને ખુશી–ખુશી આપે. તમારી ટપાલ સ્પીડ–પોસ્ટ હતી તોય એણે એમ જ આપેલી. કેમકે, ટપાલ કોઈ સામેથી લઈ જાય એટલે ટપાલીને તો એટલી જફા ઓછી. આમાં એની પેલી નામ કરતાં કામ વધારે ચૉક્કસ–વાળી શ્રદ્ધા જ કામ કરતી હોય છે.

– આપણા કિસ્સામાં ધારો કે ટપાલીનું એ પગેરું તમે શોધી પણ કાઢો છો, ને ત્યાં ધારો કે પ્હૉંચો છો પણ ખરા –તો ય, તમને કહી રાખું કે તમે નહીં ફાવો. કેમકે ટપાલીને મારો ચ્હૅરો જરૂર યાદ આવશે, આવશે જ –કેમકે એને માટે તો જફા બોજ ભાર વગેરે ઓછાં કરનારો હું એક ગુડ સૅમ છું –ગુડ સૅઅમ એટલે ભલો માણસ, જાણો છો ને? પરાઇ પીડનો જાણનારો વૈષ્ણવ જન. જોકે ગુડ સૅઅમને શામલાલ વર્મા સાથે જોડવાની કોશિશ ન કરતા. હું એમ ક્હૅતો’તો કે સામેથી ટપાલ લઈ જનારા રૂપે મારો ચ્હૅરો જરૂર યાદ આવશે; પણ ખબર છે તમને–? ટપાલીને યાદ આવવા માત્રથી અમારા શ્હૅરમાં ચ્હૅરાના મૂળ માલિકો જડી નથી જતા! ચ્હૅરા યાદ કરી–કરીને લોકો અહીં થાકી જતા હોય છે. ઘણીવાર તો જન્મારો પતવા આવે તો ય બાપડાં એકમેકને મળી શકતાં નથી. એ પછી, માની લઈએ કે તમે વાકોલા બ્રિજના એ ચૈતન્યનગરના સરનામે ય પ્હૉંચો છો – તો પેલા શું ક્હૅશે, જાણો છૉ?…ભઇ અહીં તો શામલાલ–ફામલાલ નામનું કોઈ ર્હૅતું નથી, ક્યારેય નહીં…!

– બાય ધ વે, મારું ઍડ્રેસ છે તમારી પાસે? યાદ રહી ગયું હોય તો જુદી વાત, બાકી મારી ડાયરી તો તમે તમારી પાસે રાખી લેવાનું ભૂલી ગયા છો, ખરું ને? ‘આવશે ત્યારે વાત કરી’-ને તમે એને મારી સૂટકેસમાં જ રાખી મૂકેલી, બરાબર ને? આ કાગળની શરૂઆતમાં મૅં તમને કંઈ અમસ્તા મૂરખ કહ્યા છે…?

– ટૂંકમાં કહું તો હવે હું તમને કદી જડવાનો નથી. ને તેથી આ સંસારમાં આપણે ક્યારેય મળવાના નથી. માટે પોલીસ–ફોલીસમાં જવાની લગીરેય ચેષ્ટા ન કરતા. એથી તમારી વર્તમાન બરબાદીમાં થોડો માત્ર વધારો જ થશે.

– તમારી સૂટકેસમાં તમે જોશો કે સૂટ મૅં પાછો આપેલો છે –મને બહુ મોટો પડે છે. એ જ રીતે તમારી ડાયરી પણ પરત કરી છે –એ ય મને કશા કામની નથી. જોકે હું એ ધ્યાનથી વાંચી ગયો. લાગ્યું કે તમે લેખક–બેખક હશો, કેમકે મોટા ભાગનું મને સમજાયું નહીં. જેટલું સમજાયું એ પરથી લાગ્યું કે તમે કોઈ દુ:ખી માણસ છો –પણ સાથે, એવા જ સ્વાર્થી રોતલ બીકણબાયલા ને એકાકી પણ લાગ્યા –સૂમડા જેવા..

– તમે સજ્જન હશો, એની ના નહીં. જ્યારે હું તમારી ને દુનિયાની નજરમાં મુફલીસ ને વળી ચોર પણ ગણાઉં, તો ખોટું નહીં, કેમકે તમારી સૂટકેસમાંથી તમારું પચાસ હજારનું બંડલ, તમારી વિદેશી ઘડિયાળ ને તમારું શેવર એટલું મૅં કાઢી લીધું છે –એટલે એ વાત તદ્દન સાચી છે. છતાં સાવ ખરું તો એ છે કે તમારી સૂટકેસને મૅં ચોરી જ ન્હૉતી –કોઇ રસિક માણસની ઢૂંઢતી નજરને કોઇ સુન્દરી સામેથી મળી જાય એમ એ મને મળી ગયેલી.

– એથી યે વધારે સાફ મુદ્દો એ છે કે મૅં જ્યારે એને ઉપાડી ત્યારે એ મારી સૂટકેસ તરીકે ઉપાડેલી. એ ઘડીએ એ મારી જ હતી –બસ, ધૅટ્રસ ઑલ! ત્યારે એ મારી જ હતી એથી વધારે મોટું સત્ય આ સંસારમાં કયું હોઈ શકે? લોકોમાં, આ મારી સૂટકેસ, આ પેલાની, આ મારી પત્ની, આ બીજાની, આ મારી પ્રિયતમા, પેલી પેલાની વગેરે બધી મારા–તારાની જે સમજો છે તે રીયલ નથી. કેમકે જ્યારે જેટલો વખત જેનું હોય છે તે ત્યારે તેટલો જ વખત તેનું હોય છે – એટલે કે, સત્ય, જે–તે ઘડીનું હોય છે. આ વાત પોતે જ એવું તો પરમ સત્ય છે, કે એની આગળ તમે સર્જન કે હું ચોર જેવી બાબતો ગમે એટલી સાચી દેખાતી હોય તો ય પળ માટે ય ટકી શકે નહીં – સમજ્યા?

– એટલે તમારી સૂટકેસ ખોલતાં મને જે મળ્યું તેને ચોરી ન ક્હૅવાય, પ્રાપ્તિ ક્હૅવાય, વળી એમાંનું મૅં જે તમને પાછું આપ્યું તેને શું ક્હૅશો? એ એક ઉમદા માણસની બેનમૂન ભલમનસાઇ છે. વળી નજીકના ભવિષ્યમાં એ જ સૂટકેસને તમે ધન વગેરેથી નવેસરથી સમૃદ્ધ કરી શકશો. બીજી રીતે એમ ક્હૅવાય કે તમને મૅં એવા પ્રામાણિક પુરુષાર્થની તક આપી છે. મને મારી સૂટકેસ હતી તેવી પાછી મળી છે એનો અર્થ એ કે મને નવી કશી તક મળતી જ નથી. તક જ દુનિયામાં મોટી વસ્તુ છે એમ નથી લાગતું તમને? તમારે મારો, એ કારણે સવિશેષ આભાર માનવો જોઈએ કે નહીં?

– અને છેલ્લા મહત્ત્વનો, પણ નાજુક સવાલ:  મુખ્યત્વે પચાસ હજારના બંડલવાળી કોઈ સૂટકેસ જો તમને મળે, તો તમે શું કરો? – વિચાર્યું? કેમ લાગ્યું? મારું તો તમારા વિશે ધારવું છે કે સૂટકેસ–સમેતનું જે કંઈ પણ બિનજરૂરી – પાછું આપવાનો તમે લગીરેય શ્રમ ન ઉઠાવો. મારી જેમ ફ્લાઇટનો ખરચો કરવાનો તમારા દાખલામાં તો મુદ્દો જ અસ્થાને છે.

– સરવાળે મારે તમને એ ક્હૅવાનું છે કે તક મળતાં માણસ કશી પણ લાલચને વશ થઈ જાય છે. દુનિયામાં તમારા ઘડિયાળ કે તમારા શેવર જેવી સુન્દર ચીજવસ્તુઓ, લક્ષ્મી અને વાસના –એટલે કે પુરુષને સ્ત્રીનું ને સ્ત્રીને પુરુષનું ખૅંચાણ– એકદમની એવી બાબતો છે. જીવને એમાં રઢ લાગી જાય છે, દિનરાત ઝંખના ધખવા લાગે છે, લોહીમાં. એવી લ્હાય ગમે એવા ભીરુને ય મરદ બનાવે છે –આત્મશ્રદ્ધાળુ, હિમ્મતવાન ને સાહસી બનાવે છે, અબળાને ય થનગનતી સબળા બનાવે છે. એવી વ્યક્તિઓ ઘણીવાર તો લૂંટફાટ કે ચોરી કરીને પણ, મેળવવાનું મેળવીને ર્હૅ છે. સાહસ એમને એવા દુઃસાહસમાં દોરવે છે. પણ આમાં ખૂબીભરી બીજી બાજુ ય છે – તમારે એનો સવિશેષ વિચાર કરવો જરૂરી છે. એ બીજી બાજુ એવી કે સામાને પણ એવું થાય છે કે, ચાલને ચાલી જઉં, આટલું ઝંખે છે તો એની પાસે – ઍરપોર્ટ પર લાઇનમાં ઊભેલી તમારી સૂટકેસને ય એવુ જ થયું હશે. એટલે કે સામેનાને ય ચાલી જવું હોય છે, જેમ પેલાને લઈ જવું હોય છે, એને ય ઝૂંટવાઈ કે લૂંટાઈ જવું હોય છે, જેમ પેલાને ઝૂંટવવું કે લૂંટવું હોય છે. ખૂબીભરી આ બીજી બાજુની બહુ ઓછાઓને ખબર હોય છે. હું તો સુપેરે જાણું છું.

– એક વાર તમારી જૅમ રૂપિયા વગેરે સાથેની મારી સૂટકેસ પણ બદલાઈ ગયેલી, ને જેમ તમે તમારી પાછી મેળવી તેમ મૅં ય મેળવેલી –જોકે એ ય તમને મળી તેવી જ મને મળેલી –મોટા ભાગની ખાલી! એટલે કે મુદ્દા માલ વગરની! મારી પાછી આપવા આવનારનું નામે ય શામલાલ વર્મા હતું, અને એકદમ નોંધપાત્ર વાત એ કે મને પણ એમાંથી આ જ બલકે આવો જ કાગળ મળેલો –બે પાનાંનો. હું એને ‘આવો જ’ એટલા માટે કહું છું કે આપણા પ્રસંગને ધ્યાનમાં લઈ મૂળમાં મૅં જૂજજાજ ફેરફારો કરી લીધા છે.

– મને શ્રદ્ધા છે કે મારી સૂટકેસમાંથી મારું કશું તમે નહીં જ લીધું હોય. એ બદલ તમને આગોતરા ધન્યવાદ આપી રાખું છું.

– અસ્તુ.

નીચે સહી છે —શામલાલ વર્મા.

હાળો ભારે ખેપાણી લાગે છે વગેરે બબડતો સોમજી જરા નિરાશ થઈ ગયો ને કિચન ભણી જવા લાગ્યો –એને કશું કામ યાદ આવ્યું હોય એવું પણ હોય. મૅં એને જવા દીધો.

મને કાગળનો જોશભરી મુઠ્ઠીમાં ડૂચો વાળીને ફૅંકી દેવાની ઇચ્છા થઈ પણ મૅં તેને હતો–તેવો ગડીમાં વાળી લીધો. વળાઈ રહ્યો એ દરમ્યાન મનથી ય હું મૂક થઈ ગયેલો, ને અત્યારે ધીમે–ધીમે મને મૂઢતા ઘેરવા માંડી છે: શું કરવું, શું નહીં –મને કંઈ જ સૂઝતું નથી. સોમજી કિચન તરફથી મારી દિશામાં પાછો આવતો’તો, બહુ દૂર ન્હૉતો, છતાં ય મને લાગ્યું કે ઘણે દૂર છે એટલે મૅં એને હાંક પાડીને ક્હૅતો હૉઉં એમ ઊંચા અવાજે કહ્યું : સોમજી, મારે જમવું નથી હમણાં, તું તારે પતાવ, હું સૂઈ જવા માંગું છું થોડીવાર. મને આમ મોટા અવાજે બોલતો જોઈ થોડો હેબતાયેલો સોમજી જેવો આવેલો એવો જ પાછો ફરી ગયો. એ ધીમું ચાલતો’તો ને મને ભળાયું કે મૉં એનું થોડું ફુંગરાયેલું હતું –

જોકે મૅં મારી જાતને સોમજી વિશે બેપરવા થવા કહ્યું –કેમકે, મારે કશા બીજામાં જોડાવું જરૂરી હતું. શામલાલની પેલી ખૂબીભરી વાત– કે સામાને ય ચાલી જવું હોય છે, જેમ પેલાને ઝૂંટવવું કે લૂંટવું હોય છે– મને ધીમેધીમે પણ સાચી લાગવા માંડેલી. જોકે પછી તો મને એમ પણ સમજાવા લાગ્યું કે હું ય આ વાતથી ઊંડે ઊંડે તો વાકેફ છું જ…

હું પછી જેમાં કોઈ દિવસ જતો ન્હૉતો – રજનીબાળા ચાલી ગયા પછી– એ અમારા બધા બેડરૂમમાં ગયો. હાથથી વરસો–જૂની પથારી ઝાપટી ને પછી શરીરને એમાં પડી જવા દીધું. કદાચ એ એની મેળે જ પડી ગયું. ગમે એમ, પણ મને થયું કે પડવાથી એને સારું લાગશે ને તેથી એ સારું ઊંઘશે.

શામલાલની ખૂબીભરી બીજી બાજુનું તો જાણે સમજ્યા પણ એ મને જે સિફતથી ઠગી ગયો હતો એ સિફત ન સ્હૅવાય એટલી બધી જલદ હતી. એ સિફત મને સુન્દર વળાંકથી ય ડગ્યા વિના માંસમાંથી ઊંડે ઊતરતી જીવલેણ કટાર જેવી લાગતી’તી. ઊભા થઈ મૅં જોયું કે મારા પગ ઢીંચણ નીચેના નળા વગરના હોય એવા ગળિયા થઈ ગયેલા ને ફ્લોર પર થરકતા લોચવાતા બેઢંગ ચાલતા હતા.

જોકે એવો–એવો ય હું બાલ્કનીમાં પ્હૉંચ્યો ને ત્યાંથી ગ્રાઉણ્ડને જોતો ઊભો રહ્યો જડ સજ્જડ. બપોરનો ચડતો તડકો ગ્રાઉણ્ડને વધારે ખુલ્લાણોવાળું બતાવતો હતો ને સાગરના જેવું ધીમો હલબલતો હતો. ભૂરા આકાશની પછીતે એનો રંગ પીળો તેજીલો ન્હૉતો, નીખરેલા સફેદ બાસ્તા જેવો ને ઠેકઠેકાણેથી તીખું ઝલમલતો એકધારું ઘૂઘવતો’તો. ગ્રાઉણ્ડ ઉપર મને ત્રણ ઓળા દેખાયા –કાળા પૂંઠામાંથી કાપ્યા હોય એવા. મારા અચરજ વચ્ચે એમાંનો પહેલો હતો બળેલો નરસિંહરાવ, બીજો જાડિયો ને ત્રીજો લંબૂસ. આઠમા ફ્લોર પરથી મને દેખાયું કે ત્રણેય જણા ભેગા થઈ કશી ઘૂસપૂસ કરે છે, કશું કાવતરું રચે છે – નહિતર અહીં આવા કસમયે શું કરતા હોય…?

મને થયું, કશાકથી સાલાઓને મારું ને મારવા માટે એ ત્રણમાંથી મૅં પસંદ કર્યો નરસિંહરાવને. શામલાલના કાગળનાં બંને પાનાં ખોલી તેનો ભેગો ડૂચો બનાવી મોકલ્યો રંગવા એનું માથું. મારા જોશથી છૂટેલો ડૂચો કોઈ અકળ કારણે અચાનક તીરવેગી થયો ને વજનથી વધતો ગોળવાતો ગોળવાતો… દોડતો રહ્યો –તે એવું કે છેવટે સફેદ નકરો પથરો થઈ સનસનતો વાગ્યો નરસિંહરાવના માથામાં –ફાડીને ખોપરી ત્યાં જ ફસાયો. લોહીનું છાલકું થયું ત્યાં –એ બધું શું કેમ થયું તે તપાસવાને આંગળાં પંપાળતા ઘાયલ નરસિંહરાવે આમ–તેમ ઊંચે જોયું. એની દોડતી–ભમતી નજરે છેલ્લે મને શોધી કાઢ્યો આઠમા ફ્લોર પર, ખોડાયેલો, બાલ્કનીમાં…

અને પછી જે બન્યું – અસહ્ય.

કેટલીયે મિનિટો લગી મારા પર ધડાધડ–ધડાધડના કાળા પથરાનો અવિરત મારો ચાલ્યો…

જાડિયો દોડતો ગ્રાઉણ્ડના કિનારા પછવાડેના કોતરમાં આવેલી કશી લોઢિયા પથ્થરની ખાણ લગી પ્હૉંચી ગયો ને એમાંથી પથરા વીણી–વીણીને લંબૂસને પ્હૉંચાડવાના મુખ્ય કામે લાગી ગયો: દોડી–દોડીને ખાણમાં જાય ને પથરા ખાણમાંથી ઉતાવળે–ઉતાવળે લઈ આવી લંબૂસને ઝિલાવે, લંબૂસ ઝિલાવે નરસિંહરાવને, ને નરસિંહરાવ ઉગામી–ઉગામીને ચીડિયા ક્રોધ–ક્રોધથી મને મારે. મને થયું કે મારા જ સફેદ નકરા પથરાના માર્ગે ઊડ્યા આવે છે એના! કેવી ગતિ–વિધિ…! પણ પછી તો જોવાની ય તક ન્હૉતી, એટલો બધો એકધારો મારો ચાલ્યો. ન ખૂટે ખાણ ન ખૂટે પથરા. આવો પદ્ધતિસરનો હુમલો મારા માટે નવાઈભર્યો હતો –જીવનમાં ક્યારેય આવું થયું નથી.

થોડીવાર માટે કોઈ કારણે નરસિંહરાવે આખું કામ થંભાવી દીધું! મૅં જોયું કે એ વિચિત્ર પ્રકારની કશી જંગલી બોલીમાં બૂમો જેવા પોકારો પાડવા લાગ્યો. એના પોકારે પોકારે બપોરી વેળાનું સૂનું ગ્રાઉણ્ડ ગાજતું રહ્યું –પેલા છૅંતાળીસે છૅંતાળીસ લીમડા એની બૂમ બૂમે ધરુજતા રહ્યા.

પળભર પછી સોપો પડી ગયો.

હું સમજું કે શું થયું ત્યાં તો નરસિંહરાવના પોકારોના જવાબમાં બીજા ચાર ઓળા ઉમેરાયા – જાણે એની કુમકે. પહેલો હતો શામલાલ વર્મા, બીજો હતો એનો અમદાવાદનો ફ્રૅન્ડ, ત્રીજો રજનીબાળાનો યાર ને ચૉથો ઓળો તે રજનીબાળાનો પોતાનો.

હવે મારા પરના પથ્થરમારાની રીતભાતમાં થોડું પરિવર્તન કરાયું: ખાણમાં રજનીબાળા –લોઢિયા વીણવા, ને પછી, પછીનાને ઝીલવવા, પછીનો તે એનો યાર. યાર પછીનો અમદાવાદી. ને એની પછીનો તે શામલાલ. એ પછી લાઇન પહેલાં હતી એમ જ આગળ ચાલેલી  જાડિયો–લંબૂસ –ને નરસિંહરાવ

સાચે જ, મને એ લોકોએ બહુ માર્યો.

એ પથ્થરમારાથી હું ઠેકઠેકાણેથી ઘવાયો’તો. મને ઠૅરઠૅર લોહીના પાતળી-પાતળી લટો જેવાં ઝરણાં ફૂટેલાં. કોઈ–કોઈ તો હવાથી થીજી ચૉંટેલાં. દાઢીએ ગાલે લમણે માથે જાતજાતના કદના વાગ્યા’તા પથરા. ઘા ય જાતભાતના થયેલા: જમણા બાહુમાં ફાટ પડી’તી. ડાબી સાથળમાં ખાડો પડી ગયેલો ને માંસનો છૂંદો લટકતો ઠરેલો ત્યાં. જોરુકા મૂઢ-મારને લીધે કાંડા પર મોટું ઢીમણું ઊઠ્યું’તું, બૉલ જેવો એક પથરો તો મને બિલકુલ નાભિની નીચે વાગેલો…

એ દરમ્યાન હું કશો સામો હુમલો કરવો કે કેમ તે વિશે પૂછતો’તો મારા શરીરને –પણ ત્યાં જ ગ્રાઉણ્ડ પરનો તડકો કોઈએ સ્વિચ પાડી હોય એમ ત્વરાથી અલોપ થઈ ગયો, પેલા ઓળા દિવસનું એ જુદું જ અંધારું ભાળી ગાભરા પડી ગયા, ને જેમની તરફ સૂઝે તેમની તરફ ભાગવા લાગ્યા. તીખી બપોરની નાગી દિશાઓએ એમને બાથમાં લઈ ઑગાળી લીધા. છેલ્લે, સઘળું સમરસ થઈ ગયું હવામાં…

પછી હું પલંગમાં હતો, અમારા બેડરૂમમાં ઘવાયેલા મને, બધેથી બાંધ્યો’તો. બારણું ને બારીઓ વર્ષો પછી ખોલી નખાયેલાં તે મને થોડું જુદું લાગતું’તું. મધુસૂદન ડૉક્ટર જોકે એવો જ હતો –એ મને બાટલો ચડાવવાના બંદોબસ્તમાં પડેલો. મને, મૅં જોયું, કેવો તો બાંધ્યો હતો! થયું, પાટાના બહુ રોલ ખુટાડ્યા હશે. દાઢીમાં ને કપાળે તો બુકાની જ. બાહુને લપેટતા છાતીએ પીઠ ફરતા સર્પાકાર પાટા. ડાબો પગ મારો આખો ય જાણે પાટાનો ન હોય –વીંટી વીંટી વીંટીને એવો કરી મેલેલો, ને પછી પંજેથી છતે લટકાવ્યો’તો – પાતળી પણ મજબૂત દોરી વતી મને માત્ર મારી આંખો જ દેખાતી’તી, કેમકે માત્ર મારી આંખો જ બાંધવી બાકી હતી. એ જ પ્રમાણે, કશું ય બાંધ્યું ન્હૉતું મારા નાભિ નીચેના ઘા પર, ફાવે ના એટલે ત્યાં બેએક મલમપટ્ટા લગાડેલા, ક્રૉસમાં. છતાં થોડીવારમાં ભ્રૂં ભ્રૂં ભ્રૂં ભ્રૂં એમ ભમરાવાળી સંભળાઈ. જેવી સંભળાઈ તેવી જ ભળાઈ. મૅં જોયું તો બારણું ખુલ્લું હોવાને કારણે અર્ધ-નારી–નટેશ્વર મને સમ્મુખ હતા ને એમના એવા જ બૅક્–ગ્રાઉણ્ડ સાથે ઊભો’તો ગામવૈદ્ય ફૂલચંદ –બન્ધ આંખે જપતો’તો એનું એ જ ઓમ્ નમ: શિવાય, ઓમ નમઃ શિવાય…મૅં એને ઊભેલો કદાચ પહેલી વાર જોયો –થોડો વધારે ઊંચો લાગ્યો. જપ સાંભળવા મૅં ય આંખો બંધ કરી.

પણ પછી મારું શરીર કોઈને ય પૂછ્યા વિના જલ્દી–જલ્દી અંદરની તરફ વળવા–ઢળવા લાગ્યું. પીઠ વળી કમર ભણી –આગળ– હાથ પડી એકમેક પર વળ્યા પેટભણી. પગે ય વળ્યા, માથું નમ્યું ને નીચું ઢળ્યું, ઝૂલતું કોકડું થઈ ર્હૅ ત્યાં લગી બધું નક્કી લયમાં સળવળ્યા કર્યું, પછી ધીમે–ધીમે કોકડું નાનાથી વધારે નાનું ને એથી યે નાનું બનતું ચાલ્યું…

મોગરાની કળી જેટલું સઘળું રહ્યું ત્યારે જંપ્યું.

મોગરાની કળીના સમાચારે કયાંકથી ચાલી આવી પતંગિયા–વળી.

–તે સારું થયું, સાચે જ સારું થયું કેમકે એથી મારા અન્તરાલમાં મચ્યો કશોક ત્વરિત ગતિનો ફેરફાર. મહીં ભળ્યું કોઈ ઉલ્કાનું પતન. પતનનાં વલય એકમેકમાં અટવાતાં રહ્યાં, ઠર્યાં. છેલ્લે ભળી કશા તારકની ફરકતી ઝબક –

ને હું તરત સંસારમાં નવેસરથી ખુલ્યો સુવાસ થઈ.

સુવાસરૂપે બધે ફેલાવાને મૅં આંખો ખોલી. મારા પલંગની ડાબી બાજુ જોયું. તો શું જોયું? પેલાં મારા ધૂળિયા દોસ્તદારોનું એક આતુર ઝૂમખું. એમાંના એક વચેટે મને પોતાના હાથમાંનો ફૂલનો ગુચ્છો આપ્યો. ગુચ્છો જેવો મૅં લીધો કે તરત ‘ગુડ મૉર્નિન્ગ અન્કલ’– એવો તીક્ષ્ણ સહિયારા અવાજોનો ફૂટ્યો ફુવારો. ભેગો બાંધેલો એ ફુવારો, પળ માટે સરસર સરસર સ્ફુર્યા કર્યો. જમણે જોયું તો કાજલ–જેવા ચ્હૅરાવાળી જોઈ જુવાન છોકરી –એણે ગ્રાઉણ્ડની માટીના રંગનો આછો મેક–અપ કરેલો. એના હાથમાં હતું ત્રિશૂળ ને હોઠ પર માત્ર મારા માટેનું પાઆતળું સ્મિત. મૅં વગર બોલ્યે હાથનું મોહક વેવ કરી સૌને આવકાર્યાં, ઝીલ્યાં…

એ પછી ઝબાક જાગી ઊઠ્યો.

મૅં જોયું કે સાંજ પડી ગયેલી –એવી જ રોજની સાંજ.

સોમજીને મળ્યો –જમ્યો– સાથે જ, બપોરની, બાકી ચા પીધી.

શેઠ, પોલીસમાં રીપોર્ટ લખાવશું ને?

ના, હું મુમ્બઇ જઈશ ને સૌ પહેલાં પેલા ટપાલીને મળીશ –જોઈશું, એ પછી.

મેઇનડોર ખોલીને હું નીકળી ગયો બ્હાર, ને બટન દાબી લિફ્ટ બોલાવી. પછી લિફ્ટમાં જરા પ્હૉળા પગ રાખી ઊભો –હું બંને પગથી નીચેની દિશામાં જોર આપી-આપીને લિફ્ટની સ્પીડ વધારવા મથતો’તો.

–કેમકે મારે ચાલવા જવાનો સમય ક્યારનો થઈ ગયો’તો…

(ખેવના: ૧૯૯૫: ‘કેટલીક વાર્તાઓ’-માં, ૧૯૯૫)