સૈરન્ધ્રી/પ્રાગ્કથન

પ્રાગ્કથન

સુમન શાહ

વિનોદ જોશીકૃત “સૈરન્ધ્રી” કાવ્યસર્જન એકત્ર ફાઉન્ડેશનમાં આ રૂપે-પ્રકારે ઉપલબ્ધ થાય છે તેનો આનન્દ છે. આ પ્રસંગે, આ રચના વિશે, પ્રાગ્કથન રૂપે મારે બે શબ્દ કહેવા છે.

‘સૈરન્ધ્રી’ કથનકાવ્ય છે. એટલે કે એ કથાકવિતાના -નૅરેટિવ પોએટ્રીના- વર્ગનું છે. ‘નિવેદન’-માં કવિએ પોતે એને ‘કથનકાવ્ય’ કહ્યું જ છે. કથા કાવ્યમય છે કે કાવ્ય કથામય છે એમ કહી શકાય. પણ તે પછીયે દેખીતું તથ્ય તો એ જ તરી આવે છે કે કોઈના જીવનમાં કોઈ સ્થળસમયે કશુંક બન્યું છે, બની રહ્યું છે, બનવાનું છે, તેનો આ કથાગત પ્રબન્ધ છે, ભલે કાવ્યની રીતેભાતે કહેવાયો છે. એટલે હું ઉમેરું છું કે કંઇ પણ કરતાં પહેલાં ‘સૈરન્ધ્રી’-ની સર્વાંગ તપાસ કથાની ભૂમિકાએ કરવી જોઈશે.

ટૂંકમાં, કથા આટલી છે :

પાણ્ડવો દ્યૂત હારી ગયા છે અને તેના પરિણામે વિરાટનગરીમાં ગુપ્તવેશે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા છે -ખાસ તો એ કે અર્જુન ત્યારે બૃહન્નલા રૂપે છે અને દ્રૌપદી વિરાટના રાજાની રાણીની દાસી રૂપે છે, નામ છે, સૈરન્ધ્રી.

સૈરન્ધ્રીના પાત્રનું મૂળ મહાભારતમાં છે એ અને એવું જ નિર્ વહણ અહીં નથી. આ સૈરન્ધ્રીને યાદ છે કે પોતે ભલે પદલુપ્ત અને ઉપેક્ષિત કાન્તા છે પણ એક કાળે મહારાણી દ્રૌપદી હતી. પણ એને એ પ્રશ્ન પણ સતાવે છે કે પોતે સૈરન્ધ્રી કેમ છે. એને એ વાત પણ સતાવે છે કે પોતાને પોતે કેવળ એક સ્ત્રીની જેમ, કેમ ન પામી શકે.

અહીં કીચકનો ‘વધ’ નથી પણ પ્રહાર કરીને સૈરન્ધ્રી ‘મદ્ય થકી મદમત્ત છકેલા’ કીચકના જાતીય આક્રમણનો ‘વધ’ જરૂર કરે છે. કથકે જોયું છે અને કહ્યું છે કે સૈરન્ધ્રી ‘તીક્ષ્ણ છૂરિકા લઈને મુઠ્ઠી’ કીચકના ‘મર્મસ્થાન પર’ છુટ્ટી ઝીંકે છે. પરિણામે, ‘કાને કાળો કોલાહલ’ પડે છે અને ‘નૃપનો સાળો’ કીચક મર્યો લાગે છે.

અહીં જુદું એ પણ બને છે કે સૈરન્ધ્રીને રાજા મૃત્યુદણ્ડ આપે છે : મૃત્યુદંડ આપો દાસીને, / અલ્પ યોગ્ય નહિ પ્રત્યાશીને; / તરત ચડાવો મરણચિતા પર, / અગ્નિદાહ પણ આપો સત્વર. અને અન્તે સૈરન્ધ્રી ચિતાએ ચડે છે.

કથનકાવ્ય છે એટલે ‘સૈરન્ધ્રી’ કેટલીક ચૉક્કસ વાતે ધ્યાનપાત્ર બને :

એમાં કથા હોય અને તે અમુક રીતે કહેવાઈ હોય. એટલે એમાં કથન અને કથનસૂર હોય. કથા આલેખાતી પણ હોય એટલે એમાં આલેખન હોય. કથન અને આલેખન સંમિશ્ર પણ હોય. કથામાં અનિવાર્યપણે જરૂરી હોય છે, સ્થળ-સમયનાં પરિમાણ. એ પણ આલેખાય. તેથી દૃશ્યો રચાય. પાત્રોની વ્યક્તિતાઓ પ્રગટે. પાત્રો વિચારે, વદે અને વર્તે, ’જીવન્ત’ મનુષ્યો લાગે. તેથી ઉક્તિઓ, સ્વગતોક્તિઓ અને સંવાદ રચાયાં હોય. કથન-આલેખનના સાયુજ્યથી ક્યારેક બધું નાટ્યાત્મક બન્યું હોય. ઘટનાઓ સર્વ પરિમાણોમાં મૂર્ત થતી હોય. ભાવનું રસરૂપાન્તરણ થયા કરતું હોય.

જોઈ શકાશે કે ‘સૈરન્ધ્રી’-માં આ સર્વ વાનાંની એક સુરમ્ય ભાત રચાઈ છે, બલકે એ જ એની વાચનાનું -ટૅક્સ્ટનું- સુગ્રથિત પોત છે. એ જ એની અલંકૃત રૂપરમ્ય સંરચના છે.

‘સૈરન્ધ્રી’-માં મુખ્યત્વે વાત દ્રૌપદીના જીવનમાં સરજાયેલા એના સૈરન્ધ્રી નામના ન-નિવાર્ય પરિ વર્તનની છે, એના એવા વેશની છે. દ્રૌપદીએ સૈરન્ધ્રી રૂપે અન્યો સામે અને ખાસ તો પોતાની જાત સામે જીવી બતાવવાનું છે. સંયોગવશાત્ બળાત્ ઓઢી લીધેલો એ ઢૉંગ અકળાવનારો છે. કેમકે જાતને વીસરીને જિવાય તો કેટલું અને કેવું? સ્વમાંથી અન્યને કેટલું અને કેવુંક પ્રગટાવી શકાય? આન્તરને બાહ્ય સામે તો કેટલુંક દર્શાવી શકાય?

સહજ અને સુસ્થિર ઓળખને જોર લાવીને ભૂંસી નાખવી અને ઊભી કરેલી નવ્ય ઓળખને એટલા જ જોરથી ફરતી કરવી એ નિજ-પરના દ્વન્દ્વમાં દ્રૌપદી ગ્રસ્ત છે. એના જીવનમાં ઊભો થયેલો આ એક કઠિન ખેલ છે. એના જીવનની આ એક જટિલ દુરાવસ્થા છે. એમાં એના અસ્તિત્વની ભારે મોટી કસોટી છે.

મને લાગે છે, આ દુરાવસ્થા, આ કસોટી, આમ તો દ્રૌપદીની નિયતિ હતી -જેને એ સૈરન્ધ્રી રૂપે વેઠી રહી છે. એ એના અસ્તિત્વમાં પડેલી સ્પ્લીટ હતી -કુટિલ ચિરાડ. એના નિવારણને માટેનું મનોબળ ક્યાંથી લાવવું? કદાચ સૈરન્ધ્રીને એવું મનોબળ પૂરું પાડનાર વાસ્તવમાં તો દ્રૌપદી જ છે. કદાચ દ્રૌપદીએ જ એને આશા બંધાવી છે કે તું આ ખેલમાંથી ઊગરી જઈશ, તારા કૃતક રૂપનું પર્યવસાન થશે અને તું તારા સહજ સ્વને પામીશ.

પણ વૈચિત્ર્ય એ છે કે દ્રૌપદીની એ આશા ફળે એ માટેનો સમ્પૂર્ણ પ્રયાસ તો સૈરન્ધ્રીએ કરવાનો છે. નિયતિ દ્રૌપદીની છે પણ એ સામે ઝઝૂમવાનું છે સૈરન્ધ્રીએ.

મેં કહ્યું કે નિયતિ દ્રૌપદીની છે પણ એ સામે ઝઝૂમવાનું છે સૈરન્ધ્રીએ. કથકને કદાચ એ જ જાણવું-નિરૂપવું છે કે એ શી રીતે ઝઝૂમે છે. કથક એ પણ દર્શાવવા માગે છે કે સૈરન્ધ્રી પોતાનામાં સુષુપ્ત દ્રૌપદીનું તિરોધાન કરીને કેવાક પ્રકારે પ્રચ્છન્ન સ્ત્રીત્વના સમુલ્લાસને પામે છે. આવી પડેલા અને સ્વીકારવા પડેલા જીવનજુદ્ધને કેવી રીતે આત્મસંતુષ્ટિ આપનારા ઉપસંહારમાં બદલી શકે છે. બીજા શબ્દોમાં મૂકું તો, સૈરન્ધ્રી પોતાના વર્તમાનને વિદારીને દ્રૌપદીની નિયતિને બદલી શકે છે કે કેમ. જો બદલી શકે છે તો એ બળ એને ક્યાંથી મળ્યું છે ને એ બળનાં રૂપ-સ્વરૂપ કેવાંક છે, એ સઘળી વાત કથકે સરસ રીતે નિરૂપી બતાવી છે.

માનવીનો નિયતિ સામે સ્વત્વપૂર્વકનો બલિષ્ઠ સંઘર્ષ શું હોઈ શકે? એ જ કે નિજમાં પ્હૉંચી જવું ને નિજની જ બાંહ્ય પકડીને નીકળી પડવું. સૈરન્ધ્રી જ સૈરન્ધ્રીનું બળ બની છે અને એ બળ મૂળે અગ્નિસૂતા દ્રૌપદીનું બળ છે.

નિયતિ અને તેના વિદારણને માટેના માનવીના સન્નિષ્ઠ પ્રયાસની છે આ કથા. વ્યક્તિ નિયતિ સામે સ્વબળને કસોટીએ ચડાવે, એટલે કે, જીવનમાં સરજાયેલા વિષમ સંજોગોને નેસ્તનાબૂદ કરવા મથે, અને પ્રાપ્તિમાં જીવનસાતા પામે, એ એક પ્રકારે, જીવનનો જય છે.

પરન્તુ વિનોદની આ રચનામાં સૈરન્ધ્રીનો એ પ્રયાસ કરુણતમ પુરવાર થયો છે -સૈરન્ધ્રી ચિતાએ ચડે છે, મરણાસન્ન અવસ્થાને ભેટે છે.

તેમછતાં પ્રબન્ધનો ધ્વનિ ધ્યાનપાત્ર છે. સૈરન્ધ્રી નામના પાત્રમાંથી નારી અને એ નારીનું ઉત્ફુલ્લ સ્ત્રીત્વ પ્રગટે છે. એ મારા રસાનુભવને એક એવા જ જીવનાનુભવમાં દોરી જાય છે. જીવન-વાસ્તવ અને સર્જક-કલ્પના અને વળી જીવન-વાસ્તવ, એમ વર્તુળ પૂરું થાય છે. જીવનથી કલા પ્રભવી અને કલા જીવનમાં પ્રસરી ગઈ.

‘સૈરન્ધ્રી’-ના સાક્ષાત્કાર માટે એનું સઘન વાચન પાયાની અનિવાર્યતા છે.

વિનોદ જોશીના આ સર્જનની વશેકાઈ એ છે કે એમાંનો પ્રત્યેક શબ્દ સહજ છે. દરેક શબ્દનો અર્થ કરવો-સમજવો પડે. એ ઘણી ચૉકસાઈથી અને હેતુપૂર્વક શોધાયો છે. પ્રત્યેક શબ્દ બીજા સાથે એવી રીતે જોડાયો છે કે બન્ને શોધાયા ન લાગે, સ્વયંભૂ લાગે. એમાં યથાસ્થાને સંસ્કૃત, ગુજરાતી અને દેશ્ય શબ્દો સકારણ સંયોજાયા છે. એના અર્થસંકેતોને તેમજ એનાં કારણોને પણ પામવાં જોઈશે. ટૂંકમાં, સઘન વાચનની સમ્પૂર્ણ સમજદારીને કામે લગાડવી પડશે.

કથનકાવ્ય રૂપે ‘સૈરન્ધ્રી’-ને પ્રમાણનારને સમજાશે કે એના કાવ્યમાધ્યમનો, કાવ્યબાનીનો અને એના સ્થાપત્યનો પણ એમાં કેવોક સહયોગ છે.

રચનાનું સ્થાપત્ય આ પ્રમાણે છે -૭ સર્ગ. દરેક સર્ગમાં ૭ ખણ્ડ. દરેક ખણ્ડમાં ૮ ચોપાઈ અને ૨ દોહરા. આમ સ્થાપત્ય સુગઠિત છે. પણ એ પર ચાલેલી લયલીલા અસ્ખલિત છે.

ચોપાઈ અને દોહરાના માધ્યમમાં ‘સૈરન્ધ્રી’ ચાલે છે એમ નહીં કહું પણ એથી સરજાયેલા લયમાં સુખે સમથળ વહે છે. હું એને કથનકાવ્ય તરીકે આગળ કરું છું પણ મને એમ કહેવાનું પણ મન થાય છે કે એ એક લયમંજુલ સંગીતિ છે.

છેલ્લે એટલું કહીશ કે ‘સૈરન્ધ્રી’-ની મૂલ્યવત્તા નક્કી કરનારે એની એક કથાસર્જન તરીકેની અનનુકરણીય સમ્પન્નતાનો સામનો કરવો પડશે. વળી એણે એ વાતનો પણ સામનો કરવો પડશે કે ‘સૈરન્ધ્રી’ ‘તત્ત્વાર્થમાં’ અનનુવાદ્ય છે -એટલે સુધી કે ન કશું બોલીએ, બસ એનું પઠન-ભાવન કર્યા કરીએ…