સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક

Revision as of 10:34, 20 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહારવટાંની મીમાંસા| [પ્રવેશક]}} {{Poem2Open}} પોતાને અને રાજસત્તાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બહારવટાંની મીમાંસા

[પ્રવેશક]


પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે એનું નામ બહારવ(વા)ટિયો. અંગ્રેજી ભાષામાં એનો પર્યાય શબ્દ છે ‘આઉટલૉ’ : એટલે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને અધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઇસમ. જૂના કાળમાં, અને આ કાળમાં, આ દેશમાં તેમ જ અન્ય દેશોમાં, શસ્ત્રધારી કે શસ્ત્રહીન, એવા અનેક બહારવટિયા નીકળેલા છે. તેઓએ રાજસત્તાનાં શાસનોને હંફાવીને પોતાને મળેલ અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે. અને અંગ્રેજ રાજ્યના ‘ધારા’ નો અમલ શરૂ થયા પછી બહારવટું એ હિન્દી પીનલ કોડની કલમ 121-અ મુજબનો, વધુમાં વધુ ફાંસીની સજાને પાત્ર ગુનો ઠર્યો છે.

વિરોધી ભાવોનું વાતાવરણ

દેશદેશના ઇતિહાસમાં બહારવટિયાઓનાં પ્રકરણો અતિ આકર્ષક થઈ પડ્યાં છે. ‘બહારવટા’નું વાતાવરણ જ વિલક્ષણ હોય છે. એમાં ઘણા ઘણા પરસ્પરવિરોધી ભાવોનો સંગમ થાય છે. રાજાની આસપાસ વિક્રમ અને વૈભવનું, ઋષિની આસપાસ તપોવનની વિશુદ્ધ શાંતિનું, વિદ્વાનની આસપાસ રસિક વિદ્વત્તાનું, એમ છૂટાં છૂટાં વાતાવરણો ગૂંથાય છે. પણ બહારવટિયાની આસપાસ તો ભિક્ષુકતાની સાથે રાજત્વ, ઘાતકીપણાની સાથે કરુણા, લૂંટારુપણાની સાથે ઔદાર્ય, સંકટોની સાથે ખુશમિજાજી અને છલકપટની સાથે નિર્ભય ખાનદાની, એવાં દ્વંદ્વો લાગી પડેલાં છે. ઘણી વાર તો પ્રજા કોઈ જગદ્વિજેતાનાં મહાન પરાક્રમો કરતાં બહારવટિયાનાં નાનાં નાનાં વીરત્વમાં વધુ રસ લે છે, એની મોજીલી પ્રકૃતિના પ્રસંગો પર હાસ્ય વરસાવે છે, એનાં ઘાતકી કૃત્યો સાંભળીને, પોતાના કોઈ માનીતા આત્મજને ભૂલો કરી હોય એવે ભાવે શોચ અને ઉત્તાપ અનુભવે છે, એની તપશ્ચર્યા પર વારી જાય છે, એની વિપદની વાત આવતાં દયા ખાય છે, એના દોષોને વીસરી જઈ એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઊંચી કલ્પિત અને અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૌરાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ, પછી કાઠિયાવાડની વિપુલ કથાસામગ્રીમાં ઊતરીએ.

રંગીલો રોબિન હૂડ

બારમી શતાબ્દીમાં ઇંગ્લન્ડના અરણ્યોમાં રોબિન હૂડ નામનો એક બહારવટિયો થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમાં પ્રચલિત છે. ઇંગ્લન્ડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી. છતાં એ લૂંટારા વિશે એક-બે નહિ, પણ કુલ આડત્રીસ તો લાંબાં લોકગીતો મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઊંચું સ્થાન ભોગવે છે. કૌતુકપ્રધાન કથાઓના સુવિખ્યાત લેખક વૉલ્ટર સ્કૉટે આ રોબિન હૂડનું મહોજ્જ્વલ પાત્ર એમની ‘આઈવેનહો’ નામની નવલમાં આલેખ્યું છે. પીકૉક નામના ગ્રંથકારે ‘મેઈડ મેરીઅન’ નામની એક નાની પુસ્તિકામાં રૉબિનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર આમ છે : ઇંગ્લન્ડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનું મીઠું માંસ ખાતા પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખત મનાઈ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજસેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગ્ને બહારવટે ચડ્યો, રોબિન હૂડ નામ ધારણ કર્યું; રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાંધી, લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતો. ખેડૂતોને અથવા કારીગરોને તે ન સંતાપતો; વિલાસમાં ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને, જુલમી અમીરોને, રાજસત્તાના હાકેમોને અને કંજૂસ શ્રીમંતોને લૂંટતો; અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ ‘યુનિવર્સલ ડાર્લિંગ ઑફ ધ કોમન પીપલ’ — જનસમુદાયનો માનીતો’ ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભવનમાં લહેરથી પેટભર જમાડતો અને પછી એમની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી ઉછીનાં નાણાં માગે તો પણ આપતો. તે અજોડ ધનુર્ધારી હતો. ધર્નુધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. પોતે કુમારિકા મેરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ, પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઈ