સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક

From Ekatra Wiki
Revision as of 11:09, 20 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
બહારવટાંની મીમાંસા

[પ્રવેશક]


પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે એનું નામ બહારવ(વા)ટિયો. અંગ્રેજી ભાષામાં એનો પર્યાય શબ્દ છે ‘આઉટલૉ’ : એટલે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને અધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઇસમ. જૂના કાળમાં, અને આ કાળમાં, આ દેશમાં તેમ જ અન્ય દેશોમાં, શસ્ત્રધારી કે શસ્ત્રહીન, એવા અનેક બહારવટિયા નીકળેલા છે. તેઓએ રાજસત્તાનાં શાસનોને હંફાવીને પોતાને મળેલ અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે. અને અંગ્રેજ રાજ્યના ‘ધારા’ નો અમલ શરૂ થયા પછી બહારવટું એ હિન્દી પીનલ કોડની કલમ 121-અ મુજબનો, વધુમાં વધુ ફાંસીની સજાને પાત્ર ગુનો ઠર્યો છે.

વિરોધી ભાવોનું વાતાવરણ

દેશદેશના ઇતિહાસમાં બહારવટિયાઓનાં પ્રકરણો અતિ આકર્ષક થઈ પડ્યાં છે. ‘બહારવટા’નું વાતાવરણ જ વિલક્ષણ હોય છે. એમાં ઘણા ઘણા પરસ્પરવિરોધી ભાવોનો સંગમ થાય છે. રાજાની આસપાસ વિક્રમ અને વૈભવનું, ઋષિની આસપાસ તપોવનની વિશુદ્ધ શાંતિનું, વિદ્વાનની આસપાસ રસિક વિદ્વત્તાનું, એમ છૂટાં છૂટાં વાતાવરણો ગૂંથાય છે. પણ બહારવટિયાની આસપાસ તો ભિક્ષુકતાની સાથે રાજત્વ, ઘાતકીપણાની સાથે કરુણા, લૂંટારુપણાની સાથે ઔદાર્ય, સંકટોની સાથે ખુશમિજાજી અને છલકપટની સાથે નિર્ભય ખાનદાની, એવાં દ્વંદ્વો લાગી પડેલાં છે. ઘણી વાર તો પ્રજા કોઈ જગદ્વિજેતાનાં મહાન પરાક્રમો કરતાં બહારવટિયાનાં નાનાં નાનાં વીરત્વમાં વધુ રસ લે છે, એની મોજીલી પ્રકૃતિના પ્રસંગો પર હાસ્ય વરસાવે છે, એનાં ઘાતકી કૃત્યો સાંભળીને, પોતાના કોઈ માનીતા આત્મજને ભૂલો કરી હોય એવે ભાવે શોચ અને ઉત્તાપ અનુભવે છે, એની તપશ્ચર્યા પર વારી જાય છે, એની વિપદની વાત આવતાં દયા ખાય છે, એના દોષોને વીસરી જઈ એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઊંચી કલ્પિત અને અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૌરાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ, પછી કાઠિયાવાડની વિપુલ કથાસામગ્રીમાં ઊતરીએ.

રંગીલો રોબિન હૂડ

બારમી શતાબ્દીમાં ઇંગ્લન્ડના અરણ્યોમાં રોબિન હૂડ નામનો એક બહારવટિયો થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમાં પ્રચલિત છે. ઇંગ્લન્ડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી. છતાં એ લૂંટારા વિશે એક-બે નહિ, પણ કુલ આડત્રીસ તો લાંબાં લોકગીતો મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઊંચું સ્થાન ભોગવે છે. કૌતુકપ્રધાન કથાઓના સુવિખ્યાત લેખક વૉલ્ટર સ્કૉટે આ રોબિન હૂડનું મહોજ્જ્વલ પાત્ર એમની ‘આઈવેનહો’ નામની નવલમાં આલેખ્યું છે. પીકૉક નામના ગ્રંથકારે ‘મેઈડ મેરીઅન’ નામની એક નાની પુસ્તિકામાં રૉબિનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર આમ છે : ઇંગ્લન્ડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનું મીઠું માંસ ખાતા પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખત મનાઈ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજસેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગ્ને બહારવટે ચડ્યો, રોબિન હૂડ નામ ધારણ કર્યું; રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાંધી, લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતો. ખેડૂતોને અથવા કારીગરોને તે ન સંતાપતો; વિલાસમાં ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને, જુલમી અમીરોને, રાજસત્તાના હાકેમોને અને કંજૂસ શ્રીમંતોને લૂંટતો; અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ ‘યુનિવર્સલ ડાર્લિંગ ઑફ ધ કોમન પીપલ’ — જનસમુદાયનો માનીતો’ ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભવનમાં લહેરથી પેટભર જમાડતો અને પછી એમની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી ઉછીનાં નાણાં માગે તો પણ આપતો. તે અજોડ ધનુર્ધારી હતો. ધર્નુધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. પોતે કુમારિકા મેરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ, પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઈ પુરુષ પ્રવાસી પર હાથ ન નાખતો. એનો જીવનમંત્ર ‘વીરત્વ અને મજમજાહ’ હતો. એ ‘મેરી આઉટલૉ’ ગણાતો. મૃત્યુકાળે પણ એ ગમગીન નહોતો. એની કરુણામાંથી વિનોદ ઝરતો. આખરે અનેક અદ્ભુત સાહસો દાખવી એ એક ધાર્મિક મઠમાં એક બહેન કરેલી બાઈને હાથે દગાથી મર્યો. લોઢાના સળિયા ધગાવી એની આંખોમાં ચાંપી દેવામાં આવ્યાં. ઇ.સ. 1247, ડિસેમ્બર, તા. 24 : અને એના મૃત્યુકાળે જ્યારે એના જીવનસાથી ‘લિટલ જ્હોને’ માગણી કરી કે ‘આ સાધુડીઓના મઠ બાળી નાખવાની મને રજા આપો!’ ત્યારે મરતો મરતો બહારવટિયો શું બોલે છે? —


‘Now nay, now nay’, quoth RobinHood,
That boon I will not grant thee;



1 But look ye do no husband harm
That tilleth with his plough.
No more ye shall no good yeoman
That walketh by Greenwood shaw,
Ne no knight ne no squire
That would be a good fellow.

2 These bishops and these archbishops
Ye shall them beat and bind,
The high sheriff no Nottingham
Him hold ye in your mind.

3 Robin loved our dear Lady,
For doubt of deadly sin
Would he never do company harm
That any woman was in.

I Never hurt a Woman in all my life,
Nor men in women’s company.
I never hurt fair maid in all my time,
Nor at mine end shall it be.

[ના ભાઈ, ના બંધુ! એ નહિ બને. મેં જીવનભર કોઈ સ્ત્રીને સંતાપી નથી, સ્ત્રીના સંગાથી કોઈ પુરુષને પણ નહિ. જીવનભર જે નથી કર્યું તે મૃત્યુટાણે હું શા સારુ કરું?]

ત્રિવિધ પ્રેમથી પ્રેરિત

આ બહારવટિયાના ગીતોમાં અંગ્રેજ વિદ્વાનોને કેવું દર્શન થયું છે? વાંચીએ : “રોબિન હૂડનાં ગીતો અંગ્રેજ પ્રજાના પ્રકૃતિપ્રેમ થકી, સ્વાતંત્ર્યપ્રેમ થકી અને નીતિન્યાયના પ્રેમ થકી પ્રેરાયેલાં છે. રોબિન હૂડ અને એના માણસોનાં પરાક્રમો વિશેની એ પ્રાસબદ્ધ, સાદી, જાડી કાવ્યકથાઓ છે, અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવે છે — જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મના વિચારે અધિક ઉગ્ર ધબકે છે.” (“The RobinHood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories in rhyme, of the exploits of RobinHood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beats more fiercely at the thought of injustice.”) અજાયબી તો એ છે કે લોક-કલ્પનાના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની, ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિશે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને ‘મિથીકલ બીઈંગ’, ‘એક્સીડીંગલી એ ક્રિએશન ઑફ ધ બૅલડ મ્યુઝ’, ‘એ ફિક્શન’ વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે.

ત્રણ ભાઈબંધો

એવા જ બીજા ત્રણ બહારવટિયા ઉત્તરાદા ઇંગ્લન્ડમાં થયા કહેવાય છે. એનાં નામ આદમ બેલ, કલોગનો કીલ અને કલાઉડેસ્લીનો વિલિયમ : એ ત્રણેયનું કથાગીત પ્રો. ગમિયરે પોતાના ‘ધ પૉપ્યુલર બૅલડ’ નામે પુસ્તકમાં ઉતાર્યું છે. એ જણાવે છે કે “તેઓ બહારવટિયા હતા, ધનુર્વિધાની કુશલતાએ જેમ રોબિન હૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેયને પણ ઉત્તર પ્રદેશમાં નામાંકિત કર્યા હતા. તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.” (“They were the outlaws whose skill in archery made them as famous in the North England as RobinHood and his fellows were in the Midland Countries. Their home was in the forest of Englewood, not far from Carlysle.”) તેઓની કથા કહેતું લાંબું લોકગીત આ રીતે ચાલે છે :

They were outlawed for venision,
These yeomen every one,
They swore them brethren upon a day,
The Englyshe wood to gone.

[આ ત્રણેય જણાને રાજાજીના એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં પશુઓ (હરણાં)નું માંસ ખાવાના ગુના બદલ બહારવટિયા જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઈબંધીના સોગંદ લીધા અને ઈંગલવૂડના જંગલમાં જઈ રહેવાનો નિશ્ચય કર્યો.] રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લૂંટે છે. એ ત્રણેયની ચોપાસ ચોકીપહેરો ગોઠવાઈ ગયા હતા. એમાં વિલિયમને અડપ ચડી કે ‘ભાઈઓ, હું મારાં બાળબચ્ચાંને મળી આવું’.

If that I come not tomorrow brother
By prime to you again,
Trust you then, that I am taken,
Or else that I am slain.

[જો કાલ સવારના પહોરમાં હુ આંહીં ન આવી પહોંચું, તો જાણજો, ભાઈઓ, કે કાં તો હું પકડાયો છું ને કાં કતલ થઈ ગયો છું.] તીરકામઠું લઈને વિલિયમ ઊપડ્યો. પોતાના ગામમાં રાત્રિએ પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા :

Where be you fair Alice, he said,
My wife and children three?
Lightly let in thy own husband,
William of Cloudeslee.

[એણે સાદ કર્યો : “તું ક્યાં છે ઓ મારી રૂપાળી ઍલિસ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેસ્લીવાળા વિલિયમને અંદર લઈ લે.”] એની વહાલી સ્ત્રી ઍલિસ આવી. દ્વાર ઉઘાડ્યું. ફફડીને બોલી :

Alas! then said Alice fair,
And sighted wondrous sore;
This place has been beset for you,
This half a year and more.

[‘હાય!’ કહીને એણે ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘છેલ્લા દોઢ વરસથી તારે માટે આ જગ્યા ઉપર ચોકીપહેરા રહે છે. જાસૂસો ફરે છે.’] ‘એની ફિકર નહિ, વહાલી ઍલિસ!’ કહીને વિલિયમ અંદર ગયો. બચ્ચાંને હેત કરીને હૈયે ચાંપ્યાં. ઍલિસે રાંધ્યું ને પોતે ઊની ઊની રસોઈ જમ્યો. બન્ને જણાં ઘણે દિવસે મળ્યાં છે અને ઘડી બે ઘડીમાં તો પતિ પાછો ચાલ્યો જશે, કાં ઝલાશે એમ સમજી બંનેએ હેત ઠાલવવા માંડ્યાં. ત્યાં તો તેઓના ઘરમાં એક આશ્રિત ડોશી હતી તે સરકીને ન્યાયકચેરીમાં બાતમી દઈ આવી. ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું?

He took his sword and his buckler,
His bow and his children three;
And went into his strongest chamber
Where he thought surest to be.

[એણે પોતાની તરવાર તથા પટો ઉઠાવ્યાં. પોતાનું ધનુષ્ય તથા ત્રણેય બચ્ચાંને ઉપાડી લીધાં. અને પોતાના ઘરમાં સૌથી મજબૂત ઓરડામાં, કે જ્યાં પોતે સલામત રહી શકશે એમ લાગ્યું, તેમાં જઈને ભરાયો.] અને એની શૂરી સ્ત્રીએ શું કર્યું?

Fair Alice like a lover true
Took a pollo-axe in her hand
Said, he shall die that cometh in
This door, while I may stand.

[સુંદરી ઍલિસે એક સાચી પ્રિયતમાની અદાથી હાથમાં કુહાડી ઉપાડી અને શત્રુઓને હાકલ કરી કે ‘હું આંહીં ઊભી છું ત્યાં સુધી જો કોઈ મારી ખડકીમાં આવ્યો છે તો એનું મૉત સમજજો!’] એમ ઍલિસે ગિસ્તને રોકી રાખી, એટલે બહારવટિયાએ શું કર્યું?

Cloudeslee bent a right good bow,
That was of a trusty tree;
He smote the Justice on the breast,
That his arrow burst in three.

[બહારવટિયાએ પોતાનું મજબૂત ઝાડની બનાવટનું ધનુષ ખેંચ્યું અને તીર છોડ્યું. એ તીર શત્રુસૈન્યમાં ઊભેલા ન્યાયાધીશની છાતીમાં અથડાઈને ત્રણ ટુકડા થઈ ગયું, કેમ કે ન્યાયાધીશે બખ્તર પહેરેલું હતું.]

Yield thee Cloudeslee, said the Justice
And thy bow and thy arrows the fro;
A curse on his heart, said fair Alice
That my Husband counsolleth so.

[‘ઓ કલાઉડેસ્લી! તારાં ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા!’ ‘નહિ નહિ!’ સુંદરી ઍલિસે સામી હાકલ દીધી : ‘મારા ધણીને એવી શિખામણ આપનારનું પીટ્યાનું સત્યાનાશ નીકળજો! મારો મરદ મુછાળો શું હથિયાર મેલશે?’] ‘ત્યારે સળગાવી મૂકો એના ઘરને!’ ન્યાયાધીશે હુકમ દીધો અને —

They fired the house in many a place,
The fire flew up on high;
Alas! then cried fair Alice
I see we here shall die.

[ઠેકઠેકાણેથી તેઓએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઊઠ્યા. સુંદરી ઍલિસે પોકાર કર્યો કે ‘હાય! હાય! મને લાગે છે કે આપણે આંહીં જ બળી મરશું’.] પણ ત્યાં તો —

William opened a back window
That was in his chamber high,
And there with sheets he did let down
His wife and children three.

[બહારવટિયા વિલિયમે એના દીવાનખાનાની ઊંચી મેડીની પાછલી બારી ઉઘાડી અને ત્યાંથી લૂગડાં બાંધીને એણે પોતાની ઓરત તથા ત્રણ બચ્ચાંને નીચે ઉતાર્યાં.] પછી શત્રુઓને હાકલ દીધી :

Have you here my treasure, said William,
My wife and my children three.
For Christe’s love do them no harm,
But wreke you all on me.

[‘આ લ્યો આ મારો ખજાનો — મારી ઓરત અને મારાં ત્રણ બચ્ચાં. ઇસુને ખાતર તમે એને ઈજા કરશો નહિ. પણ ખુશીથી તમે તમામ મારા એકલા ઉપર તૂટી પડો!’] એમ કહીને એણે ધીંગાણું આદર્યું.

William shot wondorous well,
Till his arrows were all ago,
And the fire so fast upon him fell,
That his bow-string brent in two.

[બહારવટિયા વિલિયમે અજબ ચાલાકી અને બહાદુરી સાથે બાણ છોડ્યાં. છેવટે એનાં તમામ તીર ખૂટી ગયાં. અને બીજી બાજુ ઘરની આગે એને એવી ઝડપથી ઘેર્યો કે છેવટે એના ધનુષ્યની પણછના બે ટુકડા થઈ ગયા.] બહારવટિયાને મૉત સૂઝી આવ્યું. પણ એણે વિચાર્યું : ‘આમ ભીંત હેઠળ ભીંસાઈને શીદ મરવું? તે કરતાં ધીંગાણે ન મરું?’

He took his sword and his buckler
And among them all he ran,
Where the people were most in prece
He smote down many a man.

[તરવારપટો લઈને એણે ટોળા સામે દોટ કાઢી અને જ્યાં શત્રુઓનું જૂથ જાડું હતું ત્યાં જઈને કેટલાયને ઢાળી દીધા.]

There might no man abide his strokes
So fiercely on them he ran;
Then they threw windows and doors on him
And so took that good yeoman.

[એવો ઝનૂની બનીને એ તૂટી પડ્યો કે કોઈ પણ આદમી એના ઘા સામે ટક્કર ઝીલી શક્યો નહિ. પછી તો તેઓએ એના ઉપર બારીઓ અને બારણાં ઉપાડી ઉપાડીને ફગાવ્યાં. અને એ રીતે એ બહાદુર ધનુર્ધારીને કેદ પકડ્યો.] એને બંદીખાને નાખ્યો, ફાંસીની સજા ફરમાવી, ખાસ નવી ફાંસી ઘડાવી. એને ફાંસી દેવાને દિવસે ગામના દરવાજા બંધ કરાવ્યા. એ વખતે એક છોકરો ત્યાં ઊભો ઊભો ફાંસી ખોડાતી જોતો હતો :

A little boy among them asked
What meaned that gallow-tree?
They said, to hang a good yeoman
Called William of Cloudeslee,

[છોકરાએ પૂછ્યું, ‘અરે ભાઈ, આ કોના સારુ?’ તેઓ બોલ્યા, ‘ક્લાઉડેસ્લી ગામવાળા ભરાડી તીરંદાજ વિલિયમને લટકાવવા સારુ’,] છોકરાને ઓસાણ આવ્યું. એણે દોટ દીધી. ઈંગલવૂડના જંગલમાં જઈ પહોંચ્યો. બહારવટિયાના બન્ને ભેરુઓને જાણ કરી. “શાબાશ, દોસ્ત! ઠીક ખબર દેવા આવ્યો,” એમ કહી, ઇનામ તરીકે એને એક હરણકું મારી દીધું અને બેઉ જણા શહેર પર ચાલ્યા. આવે ત્યાં દરવાજા બંધ દીઠા. હવે શું થાય? પણ હતા હિકમતબાજ. બન્યા રાજાજીના કાસદિયા. દરવાજા ભભડાવ્યા :

Who is there now, said the porter,
That maketh all this knocking?
We be two messengers, quoth Clym of Clough
We come right from our king.

‘કોણ અત્યારે કમાડ ભભડાવે છે?’ દરવાણીએ અંદરથી પૂછ્યું. ‘અરે ભાઈ, ઉઘાડ ઝટ!’ ક્લોગ ગામવાળા ક્લીમે કહ્યું, ‘અમે રાજાજીના ખેપિયા સીધા રાજાસા’બની કનેથી જ આવીએ છીએ.’ દરવાણીએ દરવાજા ખોલ્યા, એટલે એને મારી, પાછા આવવા સારુ ચાવીઓ પડાવી લઈ, બેઉ ભેરુ ફાંસી દેવાતી હતી તે ઠેકાણે પહોંચ્યા. ઊભા ઊભા મામલો જુએ છે. શી બીના બની રહી છે?

The justice called to him a lad,
Cloudesle’s clothes he should have :
To make the measure of that yeoman
Thereafter to make his grave.

[ન્યાયાધીશ સાહેબ એક છોકરાને આજ્ઞા દઈ રહ્યા છે કે બહારવટિયા વિલિયમનાં કપડાં કાઢીને લઈ આવ. એની કબર ખોદાવવી છે તે માટે માપ લેવા જોઈશે.] એ સાંભળીને બહારવટિયો બોલ્યો :

He that maketh a grave for me
Himself may lie therein;

[બચ્ચાજી! મારે માટે કબર ખોદાવનારને જ એ કબરમાં સૂવું પડશે.] સાંભળીને ન્યાયાધીશને ગુસ્સો ચડ્યો :

Thou speakest proudly, said justice,
I will thee hang with my hand.