સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી

From Ekatra Wiki
Revision as of 09:56, 20 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
વાલો નામોરી

[ઈ. સ. 1890ની આસપાસ]


નામોરીનો નર છે વંકો,
રે વાલા, તારો દેશમાં ડંકો.
ભૂજવાળાનું ગામ તેં ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઊંટ ઘોડાં તો આડાં રે દીધાં, ધીંગાણું કીધું ધરાર.
                                     — નામોરીનો.
વાગડ દેશથી ઊતર્યો વાલો, આવ્યો હરિપર ગામ,
ડુંગર મોવરને જીવતો ઝાલ્યો, હૈયામાં રહી ગઈ હામ.
                                     — નામોરીનો.
જસાપરામાં તો જાંગીના દીધા, આવ્યા મૂળી પર ગામ,
ઓચિંતાના આવી ભરાણા, મરાણો મામદ જામ.
                                     — નામોરીનો.
ખરે બપોરે પરિયાણ કીધાં ને ભાંગ્યું લાખણપર ગામ,
વાંકાનેરની વારું ચડિયું, નો’તો ભેળો મામદ જામ.
                                     — નામોરીનો.
માળીએ તારું બેસણું વાલા, કારજડું તારું ગામ,
ટોપીવાળાને તેં ઉડાવ્યો, કોઠાવાળાને કલામ.
                                     — નામોરીનો.
મુંબઈ સરકારે તાર કીધા ને ફોજું ચડિયું હજાર,
નાળ્યું બંધૂકું ધ્રશકે છૂટે, તોયે હાલ્યો તું ધરાર,
                                     — નામોરીનો.
વાલો મોવર જોટો છાતીએ લેવા, સાતસો ક્રમ પર જાય,
રંગ છે તારાં માતપિતાને, અમર નામ કહેવાય.
                                     — નામોરીનો.
નથી લીધો તારો ઢીંગલો વાલા, નથી લીધું તારું દામ,
ભાવલે કોળીએ રાસડો ગાયો, રાખ્યું નવ ખંડ નામ.
                                     — નામોરીનો.તારા જે નામોરી તણા,
ઠૂંઠા ઘા થિયા,
ઈ પાછાં પોઢે ના,
વિનતા ભેળા વાલિયા!

[નામોરીના પુત્ર વાલા! તારા ઠૂંઠા હાથની ગોળીઓના ઘા જેના ઉપર થાય એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]

ચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઊંટિયાની કતાર ઊભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠૂંઠો બહારવટિયો બીજા હાથમાં સળગતી જામગરીએ બંદૂક હિલોળતો ચોકમાં ટહેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઊડતું નથી. એ ઠૂંઠો આદમી પોતે જ બહારવટિયો વાલો નામોરી. સાવજ જેવું ગળું ગજાવીને બહારવટિયાએ હાક દીધી : “બેલીડાઓ! લૂંટવાની વાત પછી, પ્રથમ તો પહેલાં એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.” બહારવટિયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઊભા રહી ગયા છે. ગામમાંથી કૂતરું પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો, તે ગામમાં જ હાજર છે. જેની ઓરતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટિયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદૂકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને “એ વાલા! બાપ વાલા! તારી ગા’ છું!” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તરત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો. “વાલા ભા! એ નાપાકને માથે તને રહેમ આવી ગઈ?” એમ બોલતો એ ઓરતનો ધણી તરવાર ખેંચીનો પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો. આડા હાથ દઈને વાલો બોલ્યો : “બેલી, હવે કાંઈ એને મરાય? ગા’ની ગરદન કપાય કદી? રે’વા દે.” એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું : “એલા સંધીડા, તું ગા’ થાછ કે?” “સાત વાર તારી ગા.” “તો ભાં કર.” “ભાં! ભાં! ભાં!” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો : “જો ભાઈ, બચાડો ગા’ બનીને ભાંભરડા દિયે છે. હવે તારી તરવાર હાલશે?” “બસ, હવે મારું વેર વળી ગયું.” સંધીને છૂટો કર્યો. “વાલા ભા!” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું : “ઘરેઘર ફરી વળ્યા.” “પછી?” “ઝાઝો માલ તો ન જડ્યો.” “એમ કેમ?” “આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લૂગડાંઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે.” “ઠીક, હાલો!” એવો ટૂંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટિયો બંદૂકને ખભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીઓએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ, તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે —

મણિયારડા રે હો ગોરલના સાયબા રે
મીઠુડી બોલીવાળો મણિયાર
નિમાણાં નેણાંવાળો મણિયાર
ભમ્મરિયા ભાલાવાળો મણિયાર…

સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટિયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે. “વાલા ભા! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો. “શું છે?” વાલાએ ગરવે મોંએ પૂછ્યું. “આંહીં બાઈયું રાસડા રમે છે. હાલો, આકડે મધ તૈયાર છે. ટપકાવી લઈએ.” “જુમલા!” વાલે ત્રાંસી આંખ કરીને કહ્યું : “ઓરતુંનાં ડિલ માથે આપણો હાથ પડે તો બા’રવટાનો વાવટો સળગી જાય!” “પણ ત્યારે કાઠિયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો અફળ જાય?” “સાત વાર અફળ. આપણાથી બેઈમાન ન થવાય.” વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મૂંગે મોંએ એની પાછળ મનમાં ને મનમાં એની તારીફ કરતા કરતા ચાલતા થયા. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢિયા રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદૂકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભૂજની ફોજને સુસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. ખારી જમીન ધખધખે છે. ચારેય બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બૂમ પાડી : “વાલા! હવે શું ઇલાજ કરશું? ગોળીઓના મે વરસતા આવે છે.” “ઊંટ ઝુકાવો અને ચોફરતાં ઊંટ બેસાડી, ઊંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.” સબોસબ સાંઢિયા કૂંડાળે ઝોકારવામાં આવ્યા અને વચ્ચે બહારવટિયાનું જૂથ સાંઢિયાના શરીરોની ઓથે લપાઈ બંદૂકોમાં દારૂગોળો ભરવા મંડ્યું. “મને ભરીભરીને દેતા જાવ, ભાઈઓ!” એમ કહીને વાલે અકેક બંદૂક ઉપાડી ઉપાડીને પોતાના ઠૂંઠા હાથ ઉપર બંદૂકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. અહીંથી ગોળી છૂટે તે સામી ફોજનાં માણસોમાંથી એકેકને ઠાર કરતી જાય છે. અને સામેથી આવતી ગોળીઓ સાંઢિયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીઓની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારું ઊતર્યું એટલે બહારવટિયા ઊંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.

હરિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુએ પાણી ચાલ્યાં જાય છે ને વચ્ચે એક ખાડો છે. દેપલા ભાંગીને બહારવટિયા આ ખાડમાં આવીને આરામ લે છે. પ્રભાતને પહોરે દાયરો ભરીને વાલો બેઠો છે; તેવે એક સાથીએ ગરુડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું : “કોઈક આદમી ઘોડે ચડીને આવે છે, ભા!” “આવવા દિયો.” અસવાર નજીક આવ્યો એટલે ઓળખાયો. “અરે વાલા ભા! આ તો તારા બનેવી કેસર જામની ઓરતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર!” “હેં! સાચેસાચ ડુંગર મોવર?” એટલું બોલીને કટ કટ કટ સહુએ બંદૂકના ઘોડા ચડાવ્યા, ધડ ધડ ધડ, એક બે ત્રણ એમ સાત ગોળીઓ છૂટી, પણ સાતમાંથી એકપણ ગોળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઊંચો હાથ કરીને બૂમ પાડી : “બસ કરો, ભાઈ, હવે આઠમો ભડાકો ન હોય. એની બાજરી હજી બાકી છે.” તરત વાલો ઊઠ્યો. શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે “આવ, ડાડા! આવ. તારી બાજરી હજી બાકી રહી છે. અમારે ખુદાની ઉપરવટ નથી થાવું.” એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાર્યો. સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પહોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તરત જ માળિયેથી વાર ચડી. વાર ચાલી જાય છે, તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢ્ઢો મિયાણો અને તેનો આઠ-દસ વરસનો દીકરો દેશળ સાંતી હાંકે છે. વારના મુખીએ પૂછ્યું : “એલા કેની કોર ભડાકા થયા?” નાનો છોકરો દેશળ દિશા બતાવવાની તૈયારીમાં હતો, ત્યાં એના બુઢ્ઢા બાપે જવાબ દઈ દીધો કે “ડાડા, અમે ભડાકા તો સાંભળ્યા, પણ આ સાંતીનો અવાજ થાય છે તેમાં દશ્યનું ધ્યાન નથી રહ્યું.” તે જ વખતે ખભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે “એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દશ્યે થયા?” “બાપુ, આ દશ્યે.” એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોઈતું હતું. તરત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી : “ચાલ્ય, સાળા, સાથે — મોઢા આગળ થઈ જા. દશ્ય બતાવ.” ગોવાળે ફીણવાળા દૂધની તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપદીકરાને કહ્યું : “લ્યો, ભાઈ, આ દૂધ શિરાવજો. તમારા તકદીરનું છે!” બહારવટિયા તો પ્રભાતને પહોર કાંઈ ધાસ્તી વગર ખાડામાં બેઠા છે ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઊભી રહી. બંદૂકદાર પોલીસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતાં જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગિસ્તના સરદારની છાતી સામે જ નાળ્ય નોંધી. નોંધતાંની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઊઠ્યો : “એ વાલા! તેરુકુ બડા પીરકા સોગંદ!” “બસ, ભાઈઓ! હવે ઘા ન થાય.” એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો : “ભાઈઓ, માળિયામાં અમારા દુશ્મન હોય તેમને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુમિત્ર હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે. અમારે આજ આંહીં જ મરવું છે.” વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. ભેટમાં છૂરી બાંધતો, મિયાણા જેવાં હથિયાર રાખતો, મિયાણાનો પોશાક પહેરતો, અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદિયાને રોજ મૂછોના આંકડા ચડાવીને પૂછતો કે “જો મેઘા, હું મિયાણા જેવો લાગું છું કે નહિ?” મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધુણાવતો કે “હા, સાહેબ, સાચી વાત. અસલ મિયાણા લાગો છો, હો! તમારી સામી કોઈ નજર ન માંડી શકે!” દરરોજ મિયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસે સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે, ખોંખારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે, તે વખતે આમર મુરુ નામના મિયાણાએ વાત કાઢી : “સાહેબ, અમને તો પાસ-પરવાના આપીઆપીને દિવસ-રાત હાજરી લઈ હેરાના કરો છો, પણ ઓલો વાલિયો ઠૂંઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે. એને એક વાર પાસમાં નોંધાવો ને! એને સજા કરો ને! હાલો દેખાડું, આ બેઠો માળિયાના થડમાં જ.” “બોલ મા, તારું સારું થાય! આમરિયા, બોલ મા, મને બીમારી છે.” વાલિયાનું નામ સાંભળતાં જ મિયાણા-વેશધારીને બીમારી થઈ આવી હતી!

જામનગરનો પોલીસ-ઉપરી ઓકોનર સાહેબ કરીને એક ગોરો હતો. ઓકોનર પોતાની ટુકડી લઈને વાલાની ગંધેગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખાં લઈને શ્વાસભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું : “સાહેબ, ચાલો બહારવટિયા બતાવું.” “જાવ, સાલા! નહિ આવેગા.” “અરે સાહેબ, પણ બહારવટિયા સપડાઈ ગયા છે, તમારે જરાય જોખમ નથી.” “ક્યા હે?” “સાહેબ, આમરણ-બેલાના મોહારમાં સૂકી જગ્યા જાણીને બહારવટિયા ચાલ્યા ગયા, અને વાંસેથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું, એટલે અટાણે બા’રવટિયા એક ટેકરી માથે ઊભા થઈ રહ્યા છે, ને ચારેય દશ્યે જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો.” “જાવ, હમ નહિ આવેગા.” “અરે ફટ્ય છે તારી ગોરી ચામડીને, માળા કોઢિયા.” એટલું કહીને ભરવાડ ઊપડ્યો, આવ્યો આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તરત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટિયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડવાળા જુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો. “વાઢી લ્યો વાલાનું માથું,” જુમે હુકમ કર્યો. “ના, એ નહિ બને. કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય!” એમ બોલીને વાલાનો ભાઈ પરબત મોવર આડો પડ્યો. ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો, પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોનાં, પોતે ખોપરી ઉપર ગોળી લગાવીને, માથાં ફાડી નાખ્યાં. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ એટલે પછી વાલાએ જુમા ગંડને કહ્યું : “જુમલા, તારે મારું માથું વાઢવું’તું ખરું ને? હવે તારે ને મારે અંજળ ખૂટી ગયાં, માટે ચાલ્યો જા, બેલી.” જુમો ગંડ ત્યાંથી જુદો પડ્યો. એ ધીંગાણામાં વાલાને ખભા ઉપર ગોળી વાગી હતી, અને બહારવટિયા નાસી છૂટ્યા હતા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું : “કોઈ છૂરી લાવજો તો.” છૂરી લઈને વાલાએ પોતાને જ હાથે, પોતાને ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલા હાડકાની કરચેકરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યા કે માંસની અંદર પડેલા છિદ્રમાંથી અરધી છૂરી ચાલી જાય છે છતાં વાલો નથી ચૂંકારો કરતો કે નથી એ પોતાનો હાથ પાછો ચોરતો. એક મહિના સુધી વાલો પડદે રહ્યો.

વૈશાખ મહિનાને એક દિવસે બાર હથિયારબંધ સિપાહીની ચોકી સાથે ત્રણ-ચાર ગાડાં ચાલ્યાં જતાં હતાં અને ગાડાંની અંદર દફ્તરો ભર્યાં હતાં. સાથે એક શિરસ્તેદાર બેઠો હતો. જામનગરને ગામડે ગામડેથી રસ્તામાં સિપાહીની ટુકડી ગોવાળોનાં ઘેટાં, કણબીઓનાં દૂધ અને લુવાણાઓની દુકાનમાંથી લોટ-દાળ-ઘી બંદૂકના કંદા મારીને ઉઘરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટિયાનો ભેટો થયો. વાલાએ પડકાર કર્યો : “ખબરદાર, ગાડાં થોભાવો.” સિપાહીઓ બંદૂક ઉપાડવા જાય ત્યાં તો બહારવટિયાની નાળ્યો એકએક સિપાહીની છાતીને અડી ચૂકી. સિપાહીઓ હેબત ખાઈ ગયા. વાલે હાકલ કરી : “જો જરીકે હાલ્યાચાલ્યા છો ને, તો હમણાં બાયડી-છોકરાંને રઝળાવી દઈશ. બોલો, ગાડામાં શું ભર્યું છે?” “સાહેબનું દફ્તર.” “કયો સાહેબ?” “નગરના પોલીસ-ઉપરી ઓકોનર સાહેબ.” “ઓહો, ઓકોનર સાહેબ? અમને ભેટવા સારુ ભાયડો થઈને પડકાર કરે છે એ જ ઓકોનર કે? અમારી બાતમી લેવા ગરીબોને સતાવે છે એ કે? ભાઈ, ઓકોનરનાં દફ્તરને દીવાસળી મેલીને સળગાવી દિયો.” થોડી વારમાં કાગળિયાંનો મોટો ભડકો થયો. દફ્તર બળીને ખાખ થઈ ગયાં. “ક્યાં છે તમારો ઓકોનર સાહેબ?” “બાલાચડી.” “બાલાચડીમાં હવા ખાતો હશે! કહેજો એને કે તમને વાલે રામરામ કહેવરાવ્યા છે, અને એક વાર મળવાની ઉમેદ છે. અને આ શિરસ્તેદારનું નાક કાપી લ્યો, ભાઈ.” “એ ભાઈસા’બ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે શિરસ્તેદાર ખોટોખોટો બ્રાહ્મણ બની ગયો. “ઠીક બેલી, છોડી મેલો એને.”