સોરઠી બહારવટિયા ભાગ-2/કાકાની કાળવાણી

કાકાની કાળવાણી

“મરતાં મરતાં કાકો કાંઈ બોલ્યા’તા?” “હા, મૂરુભા, કહ્યું’તું કે મૂળુનો તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.” મૂળુ માણેકે નિસાસો નાખ્યો. એનાથી બોલાઈ ગયું કે “દેવો — સાચી વાત. દેવો ભાઈ ઘણોય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરુંના નેજાના સતનો આધાર જોધોકાકો જાતાં મારો રુદિયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડે છે કે દેવોભાઈ વખતે વાઘેરુંના નેજાના વાવટાને બટ્ટો બેસારશે.” ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઊતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લૂગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બા’રવટું સંકેલી લેવાના મનસૂબા ઊપડ્યા છે. પડખે દેવુબાઈ બહેન પણ ઊભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નિચોવાઈને કંગાલ બની ગયેલી બહેને આ ટાણે ભાઈને પડકાર્યો : “ભાઈ! દુઃખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં!” “બોનબા! દુઃખથી તો થાક્યો નથી. સાતસો-સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથિયાર મેલી દીધાં તેથીયે અકળાતો નથી. પણ દેવના ઓછાયાથી ડરું છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લા વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય!” “ફકર મ કરજે. એવું થાશે તે દી દેવો માનો જણ્યો ભાઈ છે, તોય હું માથું વાઢી લઈશ.” આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મોં પડી ગયું હતું. “શા ખબર છે, ભા?” “મૂરુભા! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઈ. આસોભા પણ ગુજરી ગયા. મુળવાસરવાળા મેપા જસાણીને પણ ગોળીના જખમ થયા અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથિયાર મેલ્યાં.” મૂળુ માણેકે ફરી સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે ત્યાં એક સાંઢિયો આવીને ઝૂક્યો. અસવારે આવીને રામરામ કર્યા. “ઓહો! દુદા રબારી! તમે ક્યાંથી, બાપા?” એમ કહેતો મૂળુ ઊભો થઈ ગયો. “મૂળુ બાપુ! તમારા ભલા સારુ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે, માટે સંતાતો લપાતો ચોર બનીને આવ્યો છું.” “બોલ, ભા!” કુટિલતાની રમતો રમતી આંખો, કાળા સીસમ જેવો, ટૂંકી ગરદન ને બઠિયા કાનવાળો દુદો રબારી ઇશારો કરીને મૂળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે. જમીન પાછી સોંપી દેવા કોલ દે છે. એક દિવસની પણ સજા નહિ પડવા દે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ છે. ગુનેગાર તો કાકો હતો. તમે તો છોકરું છો. તમારો કાંઈ ગુનો જ નથી.” મૂળુનું દિલ માની ગયું. રબારી તો ભગવાનના ઘરનું માણસ : પેટમાં પાપ ન હોય; ને ગોરા ગમે તેવા તોયે બોલ પાળનારા, એમ સમજી મૂળુએ અંગ્રેજને શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા! હવે વીખરાઈ જાવ. બા’રવટાનો સવાદ હવે નથી રિયો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉં છું.” “ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.” “ના, નહિ આવું, બોનની આંખોના અંગાર મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.” “ભા! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથિયાર ધરશે ત્યારે જોવા જેવો રૂડો લાગશે, હોં!”