સોરઠી બહારવટિયા ભાગ-2/હુરમ બહેન

હુરમ બહેન

વેજે વેજળકોટ, શીરાબંધ ચણાવિયો,
મલેમલની ચોટ, સાવઝવાળી સોંડાઉત.

[સોંડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ ચૂનાબંધ વેજલ કોઠો ચણાવ્યો. પાદશાહની પાસે સાવજ સરીખો વેજોજી મલ્લની માફક દાવપેચ ખેલે છે.] કલબલ બીબડિયું કરે, પડ પડ મરે પઠાણ, વેજો નાખે વાણ્ય, સાવઝવાળી સોંડાઉત. [જ્યાં વેજોજી સાવજ સરખી ગર્જના કરે છે, ત્યાં તો ડરીને પઠાણ (પોતાનાં ઘોડાં પરથી) પટકાઈ પટકાઈ મરે છે, ને એની સ્ત્રીઓ — બીબીઓ કલ્પાંત કરવા લાગે છે.] જૂને હળ જૂતે નહિ, કે ધાતિયા ઘડે, કીધલ લૈ કડે, સરઠું લેવા સોંડાઉત. [વેજાજીના ત્રાસથી જૂનાગઢની જમીનમાં હળો જૂતી શકતાં નથી. આખી સોરઠ એ સોંડાજીના પુત્રે કબજે કરી લીધી છે.] ગીરમાં રાવલ નદીના કિનારા પર જૂનાગઢની દિશામાંથી ઘોડા જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઊભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસવારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઊભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટિયાનો પીછો લીધો છે. ઠેઠ જૂનાગઢથી ફોજ તગડતી આવે છે. ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મોંમાં તરવાર ઝાલીને ખિસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળા પગલાં મેલીને અંદર ચાલ્યા. બે પલંગ દીઠા. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમ : પતંગિયા જેવો ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તરવાર કાઢવા ઠેકવા ગયો ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પૂછ્યું : “કેમ પારોઠ દીધી, ભાઈ?” “પાદશાહની બીકથી નહિ, બાપ! ધરમની બીકથી.” “શું છે?” “હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.” “કોઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.” વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી. “હવે ભાઈ! હવે કરું આ પાદશાહના કટકા! આવો રંગ આપણી તરવારુંને કે દી ચડશે?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ઘુમાવે છે. જેસાજીએ મોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઊંચો કર્યો. “કાં?” “આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરું છું. મોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા? આપણે તો ગંગાજળ! પાંચાળીની એબ ઢાંકનાર જદુનંદનના બાળક!” બોલવાનો સંચળ થયો ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયલાં પોયણાં જેવા ઊઘડ્યાં. “ઓ ખુદા!’ એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ. વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઊભી રહી. “હટી જા, બોન! તું બોન છો, બીશ મા! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસુરને તો આજ નહિ છોડીએ.” “હું તમારી બોન! તમે મારા ભાઈઓ. કાપડું માગું છું.” “માગ્ય ઝટ!” “મારો ખાવંદ — મારો પાદશાહ — કાપડામાં આપો.” “પત્યું, વેજા! જેવાં આપણાં તકદીર! વળો પાછા. હવે તો પાદશાહ ભલે બોનને કાપડામાં રહ્યો.” બેય જણા ઊતરી ગયા. દાંતમાં લીધેલી તરવારો ઝબૂકતી ગઈ. શું થયું તેની બીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થરથર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યું : “જેસો-વેજો આપણા મહેલમાં!” “હેં!” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે?” “ચાલ્યા ગયા.” “કેમ?” “પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો.” પણ પછી તો પાદશાહની ઊંઘ જતી રહી. દીવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનના ઝપાટામાં ને ઝાડના ફરફરાટમાં એણે બહારવટિયા જ જોયા કર્યા :

મોદળ ભે મટે નહિ, સુખે નો સૂવાય,
મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત.

[મોદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સુવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં હરણાં જેમ કૂદકા મારતાં હોય એમ ભયના ફફડાટ થાય છે.