સોરઠી સંતવાણી/પૂર્વની પ્રીતિ


પૂર્વની પ્રીતિ

મારે પૂરવની છે પ્રીત્યું રે
બાળાપણની પ્રીત્યું રે
ઓધા! મંદિર આવજો રે.
દાસી માથે શું છે દાવો,
મારે મો’લ નાવે માવો
આવડલો અભાવો રે. — ઓધા.
વાલે મળ્યે કરીએં વાતું,
ભાંગે મારા દિલની ભ્રાંત્યું,
આવી છે એકાંત્યું રે. — ઓધા.
જોઈ જોઈ વોરીએં જાત્યું,
બીબા વિનાના પડે ભાત્યું,
ભાર ઝીલે ભીંત્યું રે. — ઓધા.
દાસી જીવણ ભીમને ભાળી
વારણાં લીધાં વારી વારી
દાસીને દીવાળી રે. — ઓધા.

[દાસી જીવણ]

અર્થ : મારે તો પ્રભુ સાથે પૂર્વની પ્રીત છે. હે ઓધા, આટલો બધો શો કંટાળો આવી ગયો કે મારે ઘેર આવતા નથી? વહાલા મળે તો વાતો કરીએ. દિલની ભ્રાંતિઓ ભાંગે, માંડ એકાંત મળી છે. હે નાથ, જાતવંત માણસને ચકાસીને અપનાવજો. સાચા બીબા વિના ભાત ન ચડે. ભાર તો ભીંતો હોય તે જ ઝીલે. દાસી જીવણે ગુરુ ભીમને નિહાળી ફરીફરી વારણાં લીધાં. મારે તો દીવાળી જેવો ઉત્સવ થયો છે.