સોરઠી સંતવાણી/શીદને સંતાપો રે!


શીદને સંતાપો રે!

અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,
સઘળું કુટુંબ મળીને.
મારે છે કાંઈ હાં…સાંઈને સમર્યાનું રે હેત,
મારે છે કાંઈ હાં…હરિને ભજ્યાનું રે હેત. — અવળાં.
ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,
તેમાં તમો કડવાં મ બોલોને વેણ. — અવળાં.
કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,
તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. — અવળાં.
ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,
પી લે પી લે હેતેથી તું એલા દાસ. — અવળાં.
ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,
આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. — અવળાં.
મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.

[હોથી]