સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ફાંસીને માંચડેથી


ફાંસીને માંચડેથી

પણ ગુલમહંમદભાઈ પર હું હવે વધુ નહીં થંભું. ગીરની ગાઢતા વચ્ચે એકલો બેસીને નમાજો પઢતો આ ગંભીર આદમી ફાંસીને લાકડેથી જંગલને ઉપરીપદે કેવી રીતે કૂદ્યો તે એક જ વાત કહીને ખતમ કરું છું. એમણે જ કહેલી એ વાત છે : સાહેબ, અમારી ટોળી પૈકી ફાંસીની સજા પામેલા તમામ જોડે હું બાર વરસનું બચ્ચું પણ જૂનાગઢની જેલમાં આખરી દિનની રાહ જોતો હતો. પણ કુરાને શરીફ તો અમારા ખાનદાનનો પ્રિય ગ્રંથ, એટલે હું પણ બચપણથી જ ધર્મના પાઠો શીખ્યો હતો. જેલમાં મારા મૉતની વાટ જોતો હું કુરાન પઢતો હતો, ને મૉતની સજાવાળા બીજા સાથીઓને સંભળાવતો હતો. દરમિયાન નવાબ સાહેબ જેલની મુલાકાતે આવ્યા. એમણે મને જોયો. મારે વિશે પૂછપરછ કરી. બોલી ઊઠ્યા : આવા ધર્મપ્રેમી બાળકને ફાંસી હોય? મને માફી આપી. મને નવાબ સાહેબે પોતાની પાસે લીધો. મને કામગીરી આપી. હું જુવાન બન્યો ત્યારે મારી શાદી પણ નવાબ સાહેબે કરાવી આપી. રફતે રફતે મને જંગલ ખાતાની નોકરીમાં આ પાયરીએ ચડાવ્યો. આજે મારે ઘેર જુવાન બેટાઓ છે. મારા કુટુંબનો લીલો બગીચો છે. મારો અવતાર સુધરી ગયો. હું તો શુકર ગુજારું છું એ નવાબ સાહેબના.