સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/પિંજરાનાં પંખી

From Ekatra Wiki
Revision as of 05:06, 10 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિંજરાનાં પંખી}} {{Poem2Open}} સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પિંજરાનાં પંખી

સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે : જેઠો મોવડ જુગમાં જીત્યો, કરમાબાઈ કુળનો દીવો. એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ : રાણાગામ ઋષિનો ટીંબો, કરમાબાઈ કુળનો દીવો. મનાય છે કે આજ જ્યાં એ ગામ છે, ત્યાં જ અસલના જુગમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો, અને એ જ રેણુકા નદીનાં ગંગાજળિયાં નીરને ઋષિનાં અર્ધાંગિની રેણુકા માતા લૂગડે બાંધી બાંધીને પર્ણકુટિમાં ઉપાડી લાવતાં હતાં. માણસો વાતો કરે છે કે જેઠો મોવડ અને કરમાબાઈ એ તપિયાંનાં અવતારી હતાં. જાતનાં એ તુંબેલ ચારણ હતાં. જેઠાની અવસ્થા પચીસેક વરસની હશે, અને બાઈ પણ વીસેક વરસનાં હશે. બેય જણાંની ભરજુવાની ચાલી જતી હતી. દેવતાઈ તો એમનાં રૂપ હતાં. બેયની મુખમુદ્રામાંથી સામસામી જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી. ઘડીક વાર નોખાં પડે તો પાણી વિનાનાં માછલાંની જેમ તરફડવા માંડે. એકબીજાની સામે નજર નોંધે ત્યાં તો રૂંવાડેરૂંવાડું જાણે હસીને બેઠું થઈ જાય. વળી, બેય માનવી રામાયણનાં ખરાં પ્રેમી હતાં. મોરલો કળા કરીને ટૌકતો હોય ત્યારે જેમ ઢેલડી એની પડખે ઊભી ઊભી ટૌકારા ઝીલે, તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણી એ મધઝરતા સૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી હતી. ખારો ધૂધવા જેવો આ સંસાર એ ચારણ જોડલીને તો મીઠા મહેરામણ જેવો લાગતો હતો. જેઠો દિલનોય દાતાર હતો. પૈસેટકેય સુખી હતો. ઘેર પચાસ-પચાસ હાથણીઓ જેવી ભેંસો ટલ્લા દેતી હતી. લેવડદેવડનું કામકાજ હોવાથી એના પટારામાં ગામપરગામના લોકોની થાપણ પણ પડી રહેતી. એને મોટેરો ભાઈ પણ હતો. પોતે અને પોતાનો ભાઈ એક જ ફળીમાં નોખનોખે ઓરડે રહેતા હતા. કોઈ કોઈ વાર મધરાતનો પહોર ગળતો હોય, આખું જગત દિવસની આપદા ભૂલીને રાતને ખોળે પોઢતું હોય, રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગઈ હોય, આભમંડળ એના અવાજને હોંકારા દેતું હોય અને ચાંદરડાં આ ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતાં હોય, તેવે ટાણે જેઠો મોવડ કરમાબાઈનાં નેત્રોનું અમી પીતો પીતો નિસાસો નાખીને કહેતો : “અરે ચારણી! આટલાં બધાં સુખ હવે તો સહેવાતાં નથી. એક દી આનો અણધાર્યો અંત આવશે તો?” ચારણી સામો ઉત્તર નહોતી વાળી શકતી. એની મોટી મોટી આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવતાં. એના અંતરમાં ફાળ પડતી : ‘અરેરે! જોડલી ક્યાંક ખંડાશે તો?’ સોનાના પિંજરમાંથી બેય જણાંના પ્રાણ ઊડું ઊડું થતા હતા. એમ કરતાં કરતાં સંવત 1967નો પુરુષોત્તમ મહિનો આવ્યો. અગાઉ એક વાર જેઠો વાતવાતમાં બોલી ગયો હતો : “મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે.” કોઈકે આ વેણ સાંભળ્યાં, કોઈકે હસી કાઢ્યાં, ને એમ વાત રોળાઈ ટોળાઈ ગઈ હતી. પણ ફક્ત ચતુર ચારણીને હૈયે એના ભણકારા વાગી ગયા હતા. એની આંખો જેઠાની વાંસે વાંસે ભમવા મંડી હતી. જેઠાના મોં ઉપર દિવસે દિવસે નવીન કાન્તિ ઝળહળવા લાગી હતી. અષાઢ મહિનાની દશમ અને શુક્રવારે જેઠાએ એક કાગળનો ખરડો લાવીને કરમાબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું : “આમાં આપણી લેણદેણ લખી છે. તેમાં જેની જેની થાપણ નોંધેલ હોય તેને તેને પાઈએ પાઈ ચૂકવી દેજો.” “મને કાં સોંપો?” “મારે ગામતરે જાવું છે.” “હું જાણું છું, પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું.” એ વધુ ન બોલી શકી. એનું ગળું રૂંધાઈ ગયું. “ચારણી! એ ગામતરાનાં પરિયાણ કાંઈ રોતાં રોતાં થતાં હશે?” જેઠાએ કરમાબાઈને માથે હાથ મૂક્યો “લ્યો, નહિ રોઉં, હો! હસીને હારે હાલીશ. પણ સદાય એ હાથને મારે માથે જ રાખ્યે આવજો.” એટલું બોલીને ચારણીએ આંખો લૂછી નાખી. બેય જણાંએ રૂપિયા ગણી જોયા. પટારામાંથી જેની જેની થાપણ હતી તેને તેને બોલાવીને ચૂકવી દીધી. થાપણવાળા કહે : “જેઠાભાઈ! અમારે ઉતાવળ નથી.” “અરે ભાઈ! ઉતાવળ તો મારે છે. લાંબી જાત્રાએ જાવું છે.” શનિવારે બેય જણાં નિર્જળ અગિયારસ રહ્યાં. આખો દિવસ રામાયણ વાંચી ને સ્તોત્ર ગાયાં. રાતેય રામાયણ ચાલુ રહી. ભાઈ અને ભાભીએ પણ બેઠાં બેઠાં સાંભળ્યાં કર્યું. થોડી વારે ભાઈ ઊઠીને સૂવા ચાલ્યા ગયા. અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું : “જેઠા, હવે તો સૂઈએ.” “બે’ન! તમે તમારે સૂઈ જાઓ. અમારે હજી એક અધ્યાય વાંચવો છે. પછી અમેય સૂઈ જાશું.” ભાઈ-ભોજાઈ ભરનીંદરમાં પડ્યાં છે. ગામમાં કૂતરું પણ જાગતું નથી. અંતરીક્ષમાંથી જેઠાને જાણે કે હરિ હાકલ કરે છે. બેય જણાંએ પૂજાપાનો સામાન ભેળો કર્યો : ચોખા, પાંચ સોપારી, ગોપીચંદન, ઘીની વાટકી, બે કોડિયાં, દીવાસળીની ડાબલી, આકડાનાં ફૂલ, બે કળશિયા અને એક તલવાર. વર-વહુએ સ્નાન કર્યાં. માથામાં તેલ નાખ્યાં. એકબીજાના વાળ ઓળ્યા. કોરાં રૂપાળાં લૂગડાં પહેર્યાં. આંખોમાં આંજણ આંજ્યાં. પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યાં. તાળું વાસ્યું, કૂંચી ટોડલે મૂકી. અગિયારસની અંધારી રાતે બરાબર એક વાગ્યે, ગામની બહાર, રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બેય જણાં ધીરે પગલે આવી પહોંચ્યાં — જાણે માહ્યરામાં પરણવા આવ્યાં. પૂજાપાનો સામાન શિવાલયને ઓટલે મૂક્યો. સ્નાન કરવા માટે એક જ પોતિયું સાથે લીધું હતું. એટલે અક્કેક જણ પોતિયું પહેરીને નદીમાં નાહવા ગયું. પ્રથમ કરમાબાઈ નાહી આવ્યાં; એટલે એ ભીનું પોતિયું પહેરીને જેઠો નદીએ ગયો. નાહીને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાઈએ તૈયાર રાખ્યા હતા. ચોખાની ઢગલી પણ કરી વાળી. ગોપીચંદન ઘસીને બેય જણાંએ શિવલિંગ પર તિલક કર્યું. પાર્વતીજીને પણ તિલક કર્યું. પોતે બેય જણાંએ પણ સામસામાં કપાળને સ્પર્શ કરી તિલક કાઢ્યાં. પડખોપડખ બેસીને રામાયણનાં પાનાં વાંચ્યાં. પછી જેઠાએ કહ્યું : “ત્યારે હવે?” “બીજું શું? હું તો તૈયાર છું.” ચારણી મરકતી મરકતી બોલી. મોંમાં વેણ જરાય ધ્રૂજ્યાં નહિ. “મનમાં કાંઈ રહી જાય છે? જોજે હો, પ્રેત બનીને પીડાવું પડશે.” “મનમાં બીજું શું રહે? મનમાં રહેનાર તો મારી સાથે જ છે.” જેઠાએ તરવાર કાઢી, ફરી વાર પૂછ્યું : “બીક લાગે છે?” “તમારા પડખામાં બીક લાગે? હવે શું પૂછ્યા કરો છો? કરો ને ઘા!” એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું. “ના, ના, મારે હાથે નહિ. હું સ્ત્રીહત્યા કરું તો શંકર મને સંઘરે નહિ.” “ત્યારે?” “આ લે તરવાર! તારે હાથે તારું પતાવ્ય.” “કેમ બનશે? અબળા...” “અબળા મટ્યા વિના એ માર્ગે હીંડાશે કાંઈ?” “સાચું કહ્યું.” એટલું બોલીને એણે ઓઢણાની ગાતરી ભીડી; સામે આંખો ઉઘાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી : “માડી! ખોળે લેજો.” પછી મહાદેવજીની પાસે બે હાથે ગરદન ઉપર હાથમાં જોર હતું એટલી ભીંસ દીધી. પણ આખરે એનાથી બેસાયું નહિ; લાંબી થઈને ઊંધી પડી ગઈ. એના ગળાનો નળગોટો અરધો જ કપાણો. જેઠા મોવડે ૐકારનાં ગુંજન આદર્યાં. દેવળ પડછંદા દેવા મંડ્યું. ચારણીના લોહીના ખોબા ભરીભરીને પાર્વતીજી ઉપર છાંટ્યા. ચારણી પોતાના ભરથારના મુખમાંથી ગાજતા ૐકારને સાંભળતી શિવને શરણે ચાલી ગઈ. જેઠાએ કહ્યું : “હું આવું છું, હો કે! આ આવ્યો.” જેઠાએ ફરી વાર રામાયણ વાંચી. પાઘડી ઉતારીને પડખે મૂકી. મહાદેવજીની જોડમાં વીરાસન વાળ્યું. જમણા હાથમાં તરવારની મૂઠ ઝાલી. ડાબે હાથે લૂગડા વતી પીંછી પકડી. “લેજો દાદા! આ મારી પૂજા” — એમ કહીને એણે ગળા સાથે તરવારની ભીંસ દીધી. તરવારને એક જ ઘસરકે માથું મહાદેવને માથે જઈ પડ્યું. ધડ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું. પણ વીરાસન ન છૂટ્યું, તરવાર પણ એમની એમ હાથમાં ઝાલેલી રહી. પંખીડાંની જોડલી ધરતીને પિંજરેથી ઊડીને એ રીતે ચાલી ગઈ. રાણાગામના જ એક રહીશની સાક્ષી વાંચીએ : “અષાઢ વદ બારસ, રવિવારે સવારે મને ખબર મળ્યા કે રાણેસરમાં સ્ત્રી-પુરુષ મરેલાં પડ્યાં છે. હું ત્યાં ગયો. શિવલિંગની પાસે જ બે સ્ત્રી-પુરુષ મરેલાં દીઠા. શિવલિંગની બાજુમાં ભીની પછેડી પડી હતી તેથી લાગ્યું કે બન્ને જણાં નદીમાં એક પોતિયે નાહ્યાં હશે; બે જુદે જુદે કળશિયેથી મહાદેવને નવરાવ્યા હશે; પોતાના કપાળે તથા મહાદેવને ગોપીચંદન લગાડેલ હશે. લિંગની પાસે ફૂલો પડ્યાં હતાં. બે માણસોએ બે કોડિયાંમાં ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું. મંદિરના બારણા પાસે સોપારી પડી હતી. ચોખાની ઢગલી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો. એમાં લખ્યું હતું કે ‘આ કામ અમે રાજીખુશીથી કર્યું છે. અમને માફ કરજો. મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બહેનને દેજો અને ફળીમાં ખાણ છે તેમાંથી જારનાં ગાડાં દેજો.’ “કરમાબાઈ ઊંધી લાંબી પડી હતી તેના પગ બારણા પાસે ને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે એ મહાદેવની સામાં ઊભાં રહીને ગળામાં તરવાર નાખી પોતાને હાથે મરી હશે. એના હાથ સાફ હતા, પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા. મહાદેવજી ઉપર ને પાર્વતીજી ઉપર લોહીનાં છાંટણાં હતાં તેથી લાગે છે કે કરમાબાઈના લોહીમાંથી ખોબા ભરીને જેઠાએ શિવપાર્વતી ઉપર અભિષેક કર્યો હશે. કરમાબાઈનો નળગોટો (ડોકું) અરધોક જ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળપૂજા ખાધી હશે. “જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં વીરાસન વાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે. બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઊંધો પડી ગયો હશે. આખર સુધી તરવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લૂગડા વતી પીંછી પકડેલી હતી. તરવારની મૂઠ તેમ જ પીંછી તરફનો ભાગ લોહી વગરનો હતો. વચલો ભાગ લોહીથી તરબોળ હતો, તેથી લાગ્યું કે તરવારને બહુ વખત ચાંપીને જ કામ પતાવ્યું હશે. “મંદિરની બાજુમાં એ બેયની એક ચિતા ખડકી નાળિયેર, તલ તથા ઘીની આહુતિઓ આપી દહનક્રિયા કરવામાં આવી. તે સ્થળે આ યુગલની દેરી ચણી છે. આજ ત્યાં માનતા ચાલે છે.”

*

આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે :