સ્ટેચ્યૂ/ક્ષણને ટેકે અનંતતા ઊભી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:09, 2 May 2024




ક્ષણને ટેકે અનંતતા ઊભી છે



કાંડાઘડિયાળમાં સેકન્ડ કાંટો સતત ફર્યા કરતો હોય, ડ્રોઇંગરૂમમાં બોલકું ઘડિયાળ ટકોરા પાડીને દોડ્યું જતું હોય, શાળાનો બેલ સતત રણક્યા કરતો હોય, રેલવેના સમયપત્રક મુજબ ટ્રેનો જતી-આવતી હોય, ઋતુઓ બદલાયા કરતી હોય. આ બધું જ થતું હોય અને આપણે સાવ નવરા ધૂપ જેવા એકલા બેઠા હોઈએ ત્યારે ફરિયાદ એવી કરીએ છીએ કે સમય પસાર થતો નથી. તમે રેલવેમાં મુસાફરી કરતા હો અને કોઈ ફેરિયો તમારી પાસે આવીને નાનકડું રમકડું ધરી જાય અને કહે, 'ટાઈમ-પાસ'. ચર્ચગેટના બુકસ્ટોલ ઉપરથી રેલવેનું ટાઈમટેબલ ખરીદનારાઓ પોતાના જાડા કાચનાં ચશ્માંમાંથી કીડીના ટાંગા જેવા અક્ષર ઉકેલતાં કહે છે : 'ટ્રેનો સમયસર દોડતી નથી.' આપણે બધા જ સમયની જંજાળમાં એવા ફસાયેલા છીએ કે સમય પસાર થતો નથી. એની વ્યથા એકબીજા પાસે ગાતા રહીએ છીએ. મુંબઈ જેવા શહેરમાં એથી ઊલટી પરિસ્થિતિ પ્રવર્તે છે. મુંબઈના માણસને દિવસના ચોવીસ કલાક ઓછા પડે છે. એ એટલી બધી પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે કે એને સમયનું ભાન નથી રહેતું. મુંબઈગરાની એક વિશિષ્ટતા એવી છે કે એ ઘડિયાળને કાંટે દોડે છે અને ઘડિયાળને કાંટે પાછો આવે છે. કોઈ વાર મુંબઈગરો વેકેશન ગાળવા પોતાને ગામ જાય છે ત્યારે એક નિરાંતનો શ્વાસ લઈને ગાડીમાં બેસે છે. પણ વીસ-પચ્ચીસ હજારની વસતિવાળા ગામમાં એને બે-ચાર દિવસ સારું લાગે છે. એકાદ અઠવાડિયું પોતાના ગામમાં વિતાવે એટલે તરત જ એને કીડીઓ ચડવા લાગે છે, મુંબઈ યાદ આવે છે. વેકેશનની કામચલાઉ નિવૃત્તિ અકારી થઈ પડે છે. ખોબા જેવડા ગામમાં મુંબઈગરાનો સમય પસાર થતો નથી. સમય વિશે હું વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે સમય પોતાની ગતિ અને લય સાથે સતત વહી રહ્યો છે. આપણે સમયની સાથે આપણા પગ મેળવી શકતા નથી. કોઈ વાર આપણે ઉતાવળા લાગીએ છીએ તો કોઈ વાર ઢાલકાચબા જેવી ધીમી ગતિના લાગીએ છીએ. મુંબઈ જેવા શહેરમાં સમય ઉતાવળિયો થઈને દોડે છે. સવારે ચર્ચગેટ કે વી. ટી. સ્ટેશન ઉપર ઊભા રહીને જોઈએ તો એવું લાગે કે સમય અવાજની ગતિએ દોડે છે. હકીકતમાં સમય ઉતાવળો નથી. સમયની નિશ્ચલ ગતિ છે, સ્થિર ગતિ છે. ઉતાવળા આપણે છીએ. મુંબઈગરાના રૂંવાડે રૂંવાડે ઉતાવળ અને ભાગદોડ ઊગી નીકળી છે. કોઈ ને કોઈ એપોઈન્ટમેન્ટમાં ફસાયેલો મહાનગરનો માણસ ડાયરીમાં પુરાઈ ગયો છે. કૅલેન્ડરનાં પાનાંઓમાં સમયનાં પગલાંઓ દેખાય છે પણ સંભળાતાં નથી. મુંબઈનાં મોટાભાગનાં ઘરોમાં કૅલેન્ડરનો ઉપયોગ ગેસ ક્યારે આવ્યો એની નોંધ કરવામાં અને ક્યે દિવસે દૂધવાળો આવ્યો એની નિશાની કરવામાં થાય છે. કાલનિર્ણય જેવા કૅલેન્ડરોમાં અગિયારસ ક્યારે છે. એ જોવા માટે નિવૃત્ત સ્ત્રી-પુરુષો અધીરાં બને છે. આપણે સમયને અંગ્રેજી નામ આપીએ એથી કંઈ સમયની ગતિમાં ફરક પડવાનો નથી. હકીકતમાં ક્ષણ જેટલી મહત્ત્વની છે તેટલો સમય મહત્ત્વનો નથી. આપણને સમય સાચવતાં આવડે છે, પણ ક્ષણ સાચવતાં આવડતી નથી. ‘બુંદ સે ગઈ વો હોજ સે નહિ આતી' એ કહેવત પણ ક્ષણ ચૂકી ગયેલા માણસ માટે વપરાય છે. ‘અણીનો ચૂક્યો સો વરસ જીવે' એ કહેવત પાછળ પણ ક્ષણનો મહિમા રહેલો છે. એક રીતે જોઈએ તો મનુષ્ય પાસે ક્ષણની વિપદા સિવાય કશું જ હાથમાં નથી. સમય તો અનંત છે પણ ક્ષણ આપણને સ્પર્શીને ચાલી જાય છે. ગૌતમ બુદ્ધને વૃદ્ધ, રોગી અને મડદાનાં દર્શન થયાં એ ક્ષણ સમયને અતિક્રમી જતી હોય છે. ક્રોંચ પક્ષીને વીંધી નાખ્યા પછી વાલિયા લૂંટારાને જે ક્ષણ મળી એ ક્ષણમાંથી સમયને અતિક્રમી જતું રામાયણ સર્જાય છે. અહીં મારો કહેવાનો આશય એ છે કે જેને ક્ષણ સાચવતાં આવડી ગઈ એ સમયની પાર નીકળી ગયો. અહીં કોઈ રખે એમ માને કે ક્ષણ સાચવવી એટલે લગ્નના રીસેપ્શનમાં જઈને આપણા નામનું પરબીડિયું પહોંચાડવું. કોઈ મરી ગયું હોય એટલે અખબારમાં સાદડીનો સમય જોઈને વેળાસર પહોંચી જવું, દીકરીને આણું સમયસર કરી દેવું, મામેરું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પહોંચાડવું. આ બધો વ્યવહાર છે. આપણે વ્યવહાર કરીને ક્ષણ સાચવી લીધાનો આત્મસંતોષ લઈએ છીએ. અહીં મને નરસિંહ મહેતાના જીવનો એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ નરસિંહ મહેતા ચોરે બેસી ભજન કરતા હતા. આજુબાજુમાં ભક્તમંડળી પણ બેઠી હતી. એવામાં બન્યું એવું કે કુંવરબાઈના સાસરેથી સંદેશો આવ્યો. એ સંદેશો કોઈ ભક્તે લઈ લીધો. કુંવરબાઈના સંદેશામાં એવું લખ્યું હતું કે, ‘તમે જલદી મામેરું લઈને આવો. જો સમયસર નહીં આવો તો મારું જીવતર દોહ્યલું થઈ જશે.' પેલો ભક્ત બિચારો સંદેશો વાંચીને ડઘાઈ ગયો. એણે હળવેકથી કુંવરબાઈનો સંદેશો નરસિંહ મહેતાના હાથમાં પકડાવી દીધો. નરસિંહ મહેતાએ એ સંદેશો હાથમાં લીધો અને અડધી સેકન્ડમાં સંદેશા ઉપરનું ભગવાનનું નામ લખ્યું હતું એટલું જ વાંચી લીધું. ભગવાનનું નામ વાંચીને નરસિંહ મહેતા તરત બોલ્યા, 'હાલો ઊઠો, કુંવરબાઈને મામેરું કરવા જાવું છે.' ચોરે બેઠેલા બીજા ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા. એ ભક્તોમાંના એક જણે બીતાં બીતાં નરસિંહ મહેતાને કહ્યું, 'મહેતાજી, તમે પૂરો સંદેશો તો વાંચો, કુંવરબાઈએ મામેરામાં શું શું મંગાવ્યું છે તેની યાદી તો જુઓ.' આ સાંભળીને નરસિંહ મહેતા તરત બોલી ઊઠયા, 'સંદેશામાં જે વાંચવા જેવું હતું એ મેં વાંચી લીધું છે. હાલો, મામેરાને અહુરુ થાય છે'. ચોરે બેઠેલા બધાય ભક્તો મનમાં મનમાં હસવા લાગ્યા. પણ નરસિંહ મહેતા તરત મામેરું કરવા નીકળી પડ્યા. તમને કદાચ એ વાતની ખબર હશે કે જૂના સમયમાં સંદેશા મોકલાતા ત્યારે સૌથી પહેલાં 'હરિ ૐ', 'હે રામ', 'શ્રીસવા', 'કૃષ્ણાયનમ:' એવા ભગવાનનાં નામો લખીને પછી જ સંદેશા લખતા. અહીં નરસિંહ મહેતાએ એ કર્યું કે ભગવાનનું નામ વાંચી લીધું પણ સંદેશો વાંચ્યો નહિ. ભગવાનને ઓળખવાની ક્ષણ નરસિંહ મહેતા ચૂકતા નથી. અહીં તમે જોઈ શક્યા હશો કે ભગવાનના નામ સિવાય આ દુનિયામાં બીજું કશું વાંચવા જેવું નથી એ વાત આ પ્રસંગમાં ઊપસી આવે છે. નરસિંહ મહેતાએ ઈશ્વરપ્રાપ્તિની ક્ષણ ઓળખી લીધી એટલે સમય કૃતાર્થ થઈ ગયો. સમય તો એની ગતિમાં એટલો બધો તલ્લીન છે કે એને કોઈની કશી જ પડી નથી. કવિ ઉમાશંકર જોશીએ બહુ જ સરસ રીતે કહ્યું હતું, 'સમયની ચારણીમાં તો હાથીના હાથી પણ ચળાય જાય છે.' આજે આપણને જે પર્વત લાગતું હોય તો આવતી કાલે રાઈનો દાણો બની જાય છે. આજે કોઈ હાથી લાગતો હોય તો આવતી કાલે કીડી બની જાય છે. સમયની આ બલિહારી છે. આપણું સરેરાશ આયુષ્ય સાઠ વરસનું કહેવાય. એ સાઠ વરસમાંથી ચાળીસ વર્ષના આપણે થયા હોઈએ. હવે બાકી રહ્યાં વીસ વર્ષ. એ વીસ વર્ષમાંથી દસ વર્ષ તો ઊંઘવામાં જવાનાં અને બાકીનાં દસ વર્ષ પેન્શન, વીલ, બીમારી જેવી સાંસારિક વ્યથાઓમાં પસાર થઈ જવાનાં. તો હવે આપણી પાસે કેટલી ક્ષણો બચી છે? અહીં એ કહેવાની જરૂર નથી કે આપણે ઈશ્વર માટે કોઈ એક ક્ષણ ખાલી રાખી નથી. આપણે એકેએક ક્ષણની બખોલમાં વિઝિટિંગ કાર્ડો અને ટેલિફોન નંબરો કીડીઓની જેમ ખદબદે છે. મજાની વાત તો એ છે કે આપણે મંદિરોમાં દેવદર્શને જઈએ કે રામપારાયણમાં જઈને બેસીએ એથી કંઈ ભગવાનનો સમય સચવાતો નથી, પણ આપણે એટલા બધા બુદ્ધિશાળી છીએ કે કોઈ નોકરિયાતને એપોઈન્ટમેન્ટ આપી હોય એ રીતે આપણે ભગવાનને પણ એપોઈન્ટમેન્ટ આપીએ છીએ અને રામપારાયણ બેસવાની હોય ત્યારે પોથી યજમાન બની જઈએ છીએ. વૃદ્ધાવસ્થા આવે છે અને મરણ સામે આવીને ઊભું રહે છે ત્યારે આપણી કાંડાથડિયાળ બંધ પડી જાય છે. આપણો સમય પૂરો થાય છે. કોઈ એક કવિએ બહુ સરસ રીતે કહ્યું છે : 'ઘડિયાળમાં જ્યાં સુધી કાંટો હોય ત્યાં સુધી એ સમય બતાવે.. પણ ઘડિયાળના બેઉ કાંટા તૂટી જાય એ શું બતાવે?' કદાચ કાંટાવાળી ઘડિયાળ સમય બતાવે છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ક્ષણનો ટેકો લઈને અનંતતા ઊભી છે.