સ્વાધ્યાયલોક—૧/કલ્પન, પ્રતીક, પુરાકલ્પન


કલ્પન, પ્રતીક, પુરાકલ્પન

અહીં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનનો વિચાર કરવાનો છે એ સૂચક છે. અને એમનો સાહિત્યના સંદર્ભમાં વિચાર કરવાનો છે એ એથીયે વધુ સૂચક છે. આ વિષયનું વિચ્છેદબિન્દુ (point of departure) છે ૧૭મી અને ૧૮મી સદીનું યુરોપનું સાહિત્ય સવિશેષ ફ્રેન્ચ અને અંગ્રેજી સાહિત્ય. આ સાહિત્યમાં ઉપમા (simile), સજીવારોપણ (personification) અને રૂપક (allegory) દ્વારા સર્જન થયું છે અને અભિજ્ઞતાપૂર્વક થયું છે. અનેક સાહિત્યિક અને સાહિત્યેતર કારણોથી ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ફાન્સમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સમગ્ર યુરોપમાં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પન દ્વારા એટલી જ અભિજ્ઞતાપૂર્વક સાહિત્યનું સર્જન થયું છે, એક વાર સમૃદ્ધ સાહિત્યનું સર્જન થાય એટલે એને પગલેપગલે વિવેચનનું સર્જન થાય જ, થવું અનિવાર્ય. એથી આ સમયમાં યુરોપમાં સાહિત્યમાં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનના વિવેચનનો આરંભ થયો છે અને આ ત્રણ વાનાં જેમાં કેન્દ્રસ્થાને હોય એવા વિવેચનનો વિકાસ થયો છે. વળી આ જ સમયમાં યુરોપમાં જેમાં મનુષ્ય કેન્દ્રસ્થાને હોય એવી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર આદિ અનેક નવીનવી વિદ્યાઓ(disciplines)નો પણ આરંભ અને વિકાસ થયો છે, એમાં પણ સાહિત્યના સંદર્ભમાં નહિ પણ સાહિત્યથી નિરપેક્ષપણે, સ્વતંત્રપણે; સાધન રૂપે નહિ પણ સાધ્યરૂપે કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનનો સૂક્ષ્મ અને માર્મિક અભ્યાસ થયો છે. એથી પ્રત્યેકની વ્યાખ્યા, પ્રત્યેકના ભિન્નભિન્ન પ્રકારો, એ પ્રકારોના પરસ્પર સંબંધો, પ્રત્યેકનું સ્વરૂપ, પ્રત્યેકનું કાર્ય, પ્રત્યેકનું મૂલ્ય અને ત્રણેનો પરસ્પર સંબંધ — આદિનું વિશદ વિશ્લેષણ થયું છે. એથી સાહિત્યના સંદબીમાં, સાહિત્યના અંતર્ગત અને અભિન્ન અંગ રૂપે સાધ્ય રૂપે નહિ પણ સાધન રૂપે કલ્પન, પ્રતીક અને પુરાકલ્પન જેમાં કેન્દ્રસ્થાને હોય એવા વિવેચનના વિકાસમાં આ વિદ્યાઓની સહાય છે, આ વિદ્યાઓનું અર્પણ છે. આ વિવેચન સાહિત્યની ભાષા અને કૃતિ. સાહિત્યનો આનંદ અને રસ, સર્જકની વિરલ અને વિશિષ્ટ કલ્પના, સર્જકની અલૌકિક અને લોકોત્તર પ્રતિભા — આદિ સાહિત્યેતર નહિ પણ સાચા સાહિત્યિક પ્રશ્નો સમજે છે અને ભાવકોને સમજાવે છે. એમાં એનો મહિમા પ્રગટ થાય છે. આ એની મોટામાં મોટી સિદ્ધિ છે. આ વિવેચનમાં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પન સમગ્ર કૃતિના એક ભાગ રૂપે નહિ, સાહિત્યના, સાહિત્યકૃતિના એક સાધનરૂપે નહિ પણ અન્ય વિદ્યાઓમાં હોય છે તેમ સાધ્ય રૂપે હોય છે ત્યારે એમાં એની મર્યાદા પ્રગટ થાય છે. આ એનું મોટામાં મોટું ભયસ્થાન છે. ગુજરાતી ભાષામાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં આ વિવેચનનો આરંભ થયો છે. આજના જેવા ઉપક્રમો આ વિવેચનના વિકાસમાં સહાયરૂપ થશે અને આ વિવેચન, હમણાં જ કહ્યું તેમ, સાહિત્યની ભાષા અને કૃતિ, સાહિત્યનો આનંદ અને રસ, સર્જકની વિરલ અને વિશિષ્ટ કલ્પના, સર્જકની અલૌકિક અને લોકોત્તર પ્રતિભા — આદિ સાહિત્યેતર નહિ પણ સાચા સાહિત્યિક પ્રશ્નો સમજશે અને ભાવકોને સમજાવશે એવી શ્રદ્ધા છે. (‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના ઉપક્રમે ભાવનગરમાં ‘કલ્પન, પ્રતીક, પુરાકલ્પન’ પરના પરિસંવાદમાં આરંભિક ભૂમિકારૂપ વક્તવ્ય. ૧૯૭૪)

*