સ્વાધ્યાયલોક—૨/રુબાયત


‘રુબાયત’

વ્યક્તિની પ્રવૃત્તિમાત્ર બહારના જગત સાથે એના આંતરજગતનો સુમેળ સાધી લેવાને અર્થે હોય છે. બહારનો લય પોતાનો બનાવી લેવો અથવા તો બહારના લય સાથે પોતાનો લય મિલાવી દેવો, અને અંતે એમ એક સુમધુર જીવનસંવાદ પ્રગટાવવો એ પ્યાસ વ્યક્તિમાત્રમાં પ્રબળ હોય છે. સાહિત્યક્ષેત્રે જે અનુવાદપ્રવૃત્તિ છે તે આ આકાંક્ષાનું જ પરિણામ છે. અને આ પ્રવૃત્તિને આહ્વાન રૂપ જગતસાહિત્યનાં ફિટ્સજેરલ્ડની રુબાઇયાત જેવી કૃતિઓ અતિ વિરલ હશે. વળી મૂળ ઉમર ખય્યામમાંથી ફિટ્સજેરલ્ડનો અનુવાદ જાતે જ આ વાતનો એક વધુ પુરાવો નથી? ‘ખય્યામના નિશ્વાસમાં મારું સમાશ્વાસન છે.’ એ ફિટ્સજેરલ્ડનો પોતાનો જ એકરાર છે. આ અનુવાદકે એમની પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યું છે, ‘કવિ હોવાનો મારો દાવો નથી, પરંતુ જીવનની પ્રથમ પચ્ચીસીમાં જ આ કવિએ મને મંત્રમુગ્ધ કર્યો હતો અને પ્રસંગોપાત્ત તેની રુબાયતનું પદ્યમાં છૂટુંછવાયું આલેખન કરવા મેં યત્ન પણ કર્યો હતો.’ વળી સહેજ આગળ તેઓશ્રી લખે છે કે એમણે આ પદ્યાનુવાદ ‘કેવલ આત્મસંતોષ ખાતર’ કર્યો હતો. આમ શ્રી ઝવેરીએ પ્રથમ પચ્ચીસીની મંત્રમુગ્ધ મનોદશામાં અનુભવેલો આનંદ આ અનુવાદ રૂપે મૂર્ત કર્યો છે. વળી જે સફળતાથી એમણે એ કામ પાર પાડ્યું છે એ પરથી એમના આનંદની જાતિનો પણ અચ્છો ખ્યાલ મળી રહે છે. બાકી સાહિત્યસર્જન લેખે એનું કેટલું મૂલ્ય એ તો અધિકારી વિવેચકો જ કહેશે. પણ ત્યારે પણ આ અનુવાદ અંગે ઓછામાં ઓછી એક હકીકત તો એમણે નોંધવી જ પડશે. જે નોંધવાનું શ્રી ઝવેરી તો ભૂલ્યા નથી જ કે ‘આ અલ્પ પ્રયાસ ફિટ્સજેરલ્ડની ખાસ પ્રાસબદ્ધ કડી વાપરવામાં પહેલો જ’ છે. ગુજરાતમાં ફિટ્સજેરલ્ડના અનુવાદ લેખે એ ચોથો-પાંચમો છે, છતાં પણ મૂળની પ્રાસરચના કાયમ રાખનારા અનુવાદ લેખે તો એ પ્રથમ પહેલો જ છે. ફિટ્સજેરલ્ડની ૧૮૫૯ની આવૃત્તિની ૭૫ રુબાઈઓનો આ અનુવાદ છે. (પાછળથી બે વાર ફિટ્સજેરલ્ડે આ સંખ્યામાં ફેરફાર કર્યો હતો.) રુબાઇયાતની ફિલસૂફી અંગે વિદ્વાનોમાં પરસ્પરવિરોધી મંતવ્યો પ્રચલિત છે. પણ અંગ્રેજી રુબાઇયાતમાંથી જે ધ્વનિ ઊઠે છે તેનું આરોપણ ઉમર ખય્યામ પર કરવું એ ભાગ્યે જ યોગ્ય ગણાય. એટલા પરથી જ ખય્યામને નાસ્તિક, નિરીશ્વરવાદી, રહસ્યવાદી, અજ્ઞેયવાદી કે પછી સૂફી ઠરાવવો એમાં ખય્યામને અન્યાય થવાનો પૂરો સંભવ છે, (એમ કરવાને તો કવિની ‘મૂળ ભૂમિ વિશે જ જવું રહ્યું.’) કારણ કે અંગ્રેજી રુબાઇયાત એ ફિટ્સજેરલ્ડનું, ફિલસૂફીની દૃષ્ટિએ, મૌલિક સર્જન છે એમ સહેજ સંકોચ સાથે પણ કહી શકાય એમ છે. મૂળ રુબાઇયાતનો એ સભાન મુક્તાનુવાદ જ છે. સ્થૂળમાં સ્થૂળ હકીકત લક્ષમાં લઈએ તો અંગ્રેજી પચાસ જેટલી રુબાઈઓનો જ મૂળ સાથે સંબંધ જણાય છે. બાકીની રુબાઈઓનો સંબંધ અન્ય કવિઓની કૃતિઓ સાથે પણ જોવા મળે છે. એટલે અંગ્રેજી રુબાઇયાતમાંથી જે ફિલસૂફી સ્ફુટ થાય છે તે ૧૯મી સદીના ઉન્મત્ત ઉત્તરાર્ધની આગવી સરજત છે અને એ વ્યક્ત કરવાને ખય્યામનો તો એક સાધનરૂપે જ ઉપયોગ થયો છે. જમાનાને જે અર્થ જોવો હતો એ અર્થ જ ફિટ્સજેરલ્ડે રુબાઇયાતમાં આગળ ધર્યો. પોપે જેમ ૧૮મી સદીને પથ્ય એવો હોમર આપ્યો, (નહિતર હોમરને ‘હેરોઇક કપ્લેટ્સ’માં હોમવાનું સાહસ અન્ય કોઈ જમાનાનો કવિ કરે ખરો કે?) તેમ ફિટ્સજેરલ્ડે ૧૯મી સદીની અંગ્રેજી સાહિત્યસૃષ્ટિને ખય્યામ આપ્યા. એક બાજુ પર જમાનાના ચોખલિયાવેડામાંથી જન્મેલી ચીડ અને બીજી બાજુ યંત્રવાદ અને વિજ્ઞાનની પ્રગતિમાંથી જન્મેલી આશા અને ઉપેક્ષાનો આબેહૂબ આકાર ફિટ્સજેરલ્ડે પોતાની અનુવાદઆરસીમાં ઉપસાવી આપ્યો, અને યુરોપે બે ઘડી પોતાની મદછકી મોહિનીસ્વરૂપ મૂર્તિ નિહાળ્યાનો લહાવો આ અનુવાદમાંથી લીધો. (આ સંજોગોમાં અનુવાદકે પ્રસ્તાવનાના નવમે પાને પ્રગટ કરેલા વિચારો વિચાર માગી લે છે.) પણ આજે? આજે જ્યારે એ ઉન્માદ ઊતરી ગયો છે, બબ્બે વિશ્વયુદ્ધના ઘનઘોર વંટોળ પછી પણ હજુ જ્યાં આકાશ ઘેરાયેલું છે, એ જગતમાં લહાવો લેવા જેવી ‘આજ’ ક્યારેય ઊગતી નથી, ભાવિની ચિંતામાં જેની આજની નજરમાંય કાલ જ ‘દીઠી’ જાય છે એ જગતમાં રુબાઇયાતનું કશું આકર્ષણ ખરું કે? હા. જ્વાળામુખીની ટોચે બેઠેલો માનવી પણ લાવાની લયમદલોલ ગતિ પર તો મૃત્યુની ક્ષણે પણ મુગ્ધ થવાનો. જેવી છે તેવી ‘આજ’માં પણ રુબાઇયાતનું આકર્ષણ પહેલાં હતું તેટલું જ, જોકે જુદા કારણે, છે અને સદાકાળ રહેશે. એક કાળે એના આકર્ષણનું કારણ હતું ફિટ્સજેરલ્ડી ફિલસૂફી. આજે એનું કારણ છે એનું લયસ્થાપત્ય, જે અંગ્રેજી ભાષા અને સાહિત્યની એક આગવી સિદ્ધિ ગણાય છે, જે સ્વયં એક કાવ્ય જણાય છે તે. ખય્યામના કાવ્યજગતની અંધાધૂંધીમાં ફિટ્સજેરલ્ડની સર્ગશક્તિએ જે સંવાદી સુરાજ્ય સ્થાપ્યું છે, એની રચનાકલાએ જે સૌંદર્યવિધાન કર્યું છે એ એના આકર્ષણને ચિરકાલ ટકાવી રાખશે અને શ્રી ઝવેરી જેવા અનેકને મંત્રમુગ્ધ કરશે. રુબાઇયાતના છંદની આ અપૂર્વ લયભંગિમાં અને ગતિની બંકિમ છટાને ગુજરાતીમાં સુરેખ ઉતારવી એ તો અસંભવિત જેવું જ, પણ એમ કરવાનો પ્રયત્ન કરવો એ પણ એક કાવ્યમય અનુભવપ્રસંગ છે. અનુવાદક મૂળની છટાઓને કેટલીક રુબાઈઓમાં અસાધારણ સફળતાથી લઈ આવ્યા છે  ૧, ૫, ૧૯, ૨૭, ૩૦, ૩૬, ૫૪, ૬૯, ૭૪, ૭૫; વળી ૨૫મી રુબાઈના છેલ્લા વાક્યખંડ જેવી છટા આખા અનુવાદમાં હોત તો! સવૈયા (ત્રીશા, એકત્રીશા ને બત્રીશા)ની છંદપસંદગીમાં કવિને સરલતા અને સ્પષ્ટતા માટે જેટલી અનુકૂળતા મળી છે એટલી મૂળના મિજાજ માટે મળી નથી. છંદમાં એકધારી ચાલ છે. મૂળના હિલ્લોલમાંની હીંચ નથી. કેટલેક સ્થળે લઘુ સ્વરને ગુરુ અને ગુરુને લઘુ ઉચ્ચારવો પડે છે. આ દોષ ગુજરાતી કવિઓમાંથી હજી હટતો નથી એ શોચનીય છે. ૧૬મી રુબાઈમાં ખંડિયેરને સ્થાને ખંડેર શબ્દ વાપર્યો હોત તો છંદનું માપ સચવાત, જ્યારે ૮મી રુબાઈમાં ‘ચૈત્ર’ને સ્થાને ‘ગ્રીષ્મ’ શબ્દ વાપર્યો હોત તો જમશીદ કૈકોબાદની સાથે એ અસંગત ન લાગત. આવા ઝીણા દોષોની સામે પણ અનુવાદકની સિદ્ધિઓ ગર્વોન્નત મુખે ઊભી રહી શકે એમ છે, અને રુબાઇયાત જેવી અનુવાદકઠિન કૃતિના અનુવાદક માટે એ ઓછા હર્ષની વાત નથી. ચાર પીઢ વિદ્વાનો અને આઠ ચિત્રોએ મંડિત કરેલું આ ‘મયખાનું’ અનેક કાવ્યરસિકોને આકર્ષી-સંતોષી રહો!

(‘મયખાનું યાને રુબાયતે ઉમર ખય્યામ’ શીર્ષકથી ઉમર ખય્યામના ‘રુબાયત’ના હીરાચંદ ઝવેરીના પદ્યાનુવાદનું અવલોકન. ૧૯૫૧)

*