સ્વાધ્યાયલોક—૩/ત્રણ ફ્રેંચ કવિઓ


ત્રણ ફ્રેંચ કવિઓ
ત્રિસ્તાં કૉર્બિયે
 

જન્મ ૧૮૪૫માં, કોતકોંગાર, બ્રિતાનીમાં; અવસાન ૧૮૭૫માં મોર્લેમાં. અસલ નામ એદુઆ જોઆશિમ. પિતા ખલાસી. જહાજના કપ્તાન અને ખલાસીઓ તથા સમુદ્ર વિશેની નવલકથાઓના લેખક. એમનાં લખાણોનો કોર્બિયેની કવિતા પર પ્રબળ પ્રભાવ હતો. પંદર વર્ષની વયે કોર્બિયેને સંધિવા (rheumatism)નો રોગ થયો હતો. મોર્લેમાં અભ્યાસ કર્યો પણ માંદગીને કારણે અભ્યાસ અધૂરો રહ્યો હતો. શાળામાં લૅટિન ભાષાનો અભ્યાસ કર્યો હતો. માવજત માટે પ્રથમ નાંતમાં અને કાનમાં વસ્યા પછી રોસ્કોફમાં વસ્યા હતા. જન્મથી તો એમનો દેહ સુડોળ હતો પણ રોગને કારણે પછી એમની આકૃતિ કંઈક વિકૃત બની, એમનો દેહ કંઈક વિરૂપ થયો હતો. વધુમાં એમનો વેશ — હેટ, બૂટ, શર્ટ, દાઢી બધું જ — વિચિત્ર. બુર્ઝ્વા સમાજને આઘાત આપવા માટે એમનું વર્તન પણ બૉદલેરના બોહેમિયન ડૅન્ડી જેવું વિચિત્ર — ધૂની, તરંગી, અપ્તરંગી. હવે આ સમયમાં એમણે એમનું નામ પણ બદલ્યું ઃ ત્રિસ્તાં. એક કૂતરો પાળ્યો. એનું નામ પણ રાખ્યું ઃ ત્રિસ્તાં બીજો. એનો વેશ અને એનું વર્તન પણ વિચિત્ર. એથી હવે સમાજે કોર્બિયેનું નામ રાખ્યું ઃ આંકુ (મૃત્યુ). આ સમયમાં એમના આ વિચિત્ર વ્યક્તિત્વ વિશે એમણે કેરિકેચર જેવાં અતિશયોક્તિપૂર્ણ અનેક રેખાચિત્રો કર્યાં છે. અહીં આ સમયમાં ૧૮૭૦ પૂર્વે એમના સૌ મહત્ત્વનાં કાવ્યો રચાઈ ચૂક્યાં હતાં. એમણે ૧૮૬૯-૭૦માં ઇટલીનો અને ૧૮૭૧માં નિકટના પૂર્વના પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો.૧૮૭૧માં રોસ્કોફમાં એ કાઉન્ટ રોદોલ્ફ દ બાતિનની ઉપવસ્ત્ર એવી ઇટાલિયન નટી આર્ત્રિદાના પ્રેમમાં હતા. આ અનુભવની પ્રેરણાથી એમણે એમનાં ઉત્તમ પ્રેમકાવ્યોનો સંચય ‘લેઝામુર ઝોન’ — ‘પીતવર્ણ પ્રણય’ રચ્યો. છ માસ પછી કાઉન્ટ અને આર્ત્રિદા પૅરિસ ગયાં. ૧૮૭૨માં કોર્બિયે એમની પાછળ પાછળ પૅરિસ ગયા. પૅરિસમાં મોંમાર્ત્રમાં ર્યુ બ્લાંશમાં એક સ્ટુડિયો — સિતે ગેઈલા –માં વસ્યા. અહીં પણ એમણે કાવ્યો અને ચિત્રો રચ્યાં. ૧૮૭૨માં કાવ્યસંગ્રહ (૪૯૦ નકલો)નું પ્રકાશન કર્યું. કાવ્યસંગ્રહ પિતાને અર્પણ કર્યો. પૅરિસમાં ક્ષયરોગ થયો. ડૉક્ટર દુવાલના દવાખાનામાં દાખલ થયા. ત્રીસ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હાસ, ઉપહાસ, અટ્ટહાસ, કટાક્ષ, વક્રતા, ક્રૂરતા, કેરિકેચર, આત્મનિર્ભર્ત્સના, વિચિત્ર વિરામચિહ્નો તથા વ્યાકરણ, અપરિચિત શબ્દો તથા શ્લેષ, ખલાસીઓની બોલી તથા બોલચાલની ભાષા, અંગત વિચિત્ર કલ્પનો તથા લયો આદિ લક્ષણો સમેતની, એમનાં વિશિષ્ટ સ્વભાવ અને વિચિત્ર વ્યક્તિત્વને અનુરૂપ એવી એમની કવિતા છે. એમની કવિતા એમના પિતાનાં ગદ્ય-લખાણો અને બૉદલેરની પ્રતિરોમેન્ટિક વિદ્રોહી કવિતાનો પ્રભાવ દર્શાવે છે. એ એમના જીવનકાળમાં પ્રસિદ્ધ ન હતા. એમના અવસાન પછી એમના મિત્રોએ એમની સમગ્ર કવિતાનું સંપાદન કર્યું હતું. પછી એ જગપ્રસિદ્ધ થયા હતા. લાફોર્ગ, એલિયટ આદિ અનુકાલીન કવિઓની કવિતા પર એમની કવિતાનો પ્રભાવ છે. ફ્રેંચ કવિતાના ઇતિહાસમાં એમનો એકમાત્ર પ્રતિસ્પર્ધી મધ્યકાલીન કવિ વિયોં છે.

૧૯૯૧
 
પૉલ એલુઆર
 

જન્મ ૧૮૯૫માં, સેં દેનીમાં; અવસાન ૧૯૫૨માં, પૅરિસમાં અસલ નામ યુઝેન ગ્રેદેંલ. પૅરિસની સીમા પર મજૂર વિસ્તારમાં નીચલા મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. આરંભમાં ગરીબાઈ અને ગરીબોનાં દુઃખો વિશેની કવિતા રચી. ઔપચારિક શિક્ષણ પૅરિસમાં એકોલ કાલ્બેરમાં. ૧૯૧૨-૧૪માં ક્ષયરોગને કારણે સ્વિટ્ઝર્લેન્ડમાં દરવોમાં આરોગ્યગૃહમાં. અહીં ભાવિ પત્ની ગાલાનો પરિચય. આ સમયમાં સ્વપ્રયત્નથી વૈવિધ્યપૂર્ણ વાચન. પણ કવિતાની પ્રેરણા આ વાચનમાંથી નહિ પણ આ પ્રદેશની પ્રકૃતિની એટલે કે પર્વતો, આકાશ અને બરફની પવિત્રતામાંથી અને પ્રિયતમા ગાલાના પ્રેમમાંથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા. ૧૯૧૭માં ગાલા સાથે લગ્ન. આ સમયમાં બે કાવ્યસંગ્રહો ‘લ દવ્વાર એ લેંકીએત્યુદ’ (૧૯૧૭) અને ‘પોએમ પુર લા પેં’ (૧૯૧૮)નું પ્રકાશન. આ કાવ્યસંગ્રહોથી કવિઓના પુરસ્કર્તા ઝાં પોલ્હાં પ્રસન્ન. આ સમયમાં આંદ્રે બ્રેતોં, ફિલિપ સુપો અને લુઈ આરાગોંનો પરિચય. દાદાવાદ(dadaism) અને પરાવાસ્તવવાદ (surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. આ આંદોલનના મુખપત્ર ‘લિતેરાત્યુર’માં કાવ્યોનું પ્રકાશન. ૧૯૨૪માં લગ્નજીવનમાં કટોકટીને કારણે દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને દૂર પૂર્વનો સાત માસનો રહસ્યમય પ્રવાસ પછી લગ્નવિચ્છેદ. આ સમયમાં ‘કાપિતાલ દ લા દુલર’ (૧૯૨૬) ‘લામુર લા પોએસી’ (૧૯૨૯) આદિ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. ૧૯૩૪માં બીજું લગ્ન. ૧૯૩૫માં સ્પેનમાં આંતરવિગ્રહમાં પ્રજાવાદના પક્ષે સક્રિય સહાય. ૧૯૩૮માં પરાવાસ્તવવાદના આંદોલનમાંથી અલિપ્ત. દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા. પછી જર્મન વર્ચસ્‌ના સમયમાં ચારે વર્ષ પૅરિસમાં પ્રતિકાર આંદોલનમાં ઝાં દયુ હોના ઉપનામથી અત્યંત સક્રિય અગ્રેસર. આ સમયમાં ‘પોએસી એ વેરિતે’ (૧૯૪૨). ‘ઓ રાંદે-વું આલમાં (૧૯૪૪) તથા વિશ્વયુદ્ધ પછીના સમયમાં ‘પોએસી એંનેંતરોમ્પ્યુ’ (૧૯૪૬) આદિ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. ૧૯૪૨માં સામ્યવાદી પક્ષના સભ્ય. ૧૯૪૬માં દ્વિતીય પત્નીનું અવસાન. ૧૯૫૧માં ત્રીજું લગ્ન. ૧૯૫૨માં હૃદયરોગથી અવસાન. કવિજીવનનાં પાંત્રીસેક વર્ષમાં ચાલીસેક કાવ્યસંગ્રહોનું પ્રકાશન. પૂર્વાર્ધમાં, પરાવાસ્તવવાદના સમયમાં સ્ત્રી અને પ્રેમ–સ્ત્રીની વિશ્વમયતા અને પ્રેમની રહસ્યમયતા — વિશેનાં, વ્યક્તિપ્રેમ વિશેનાં કાવ્યો. ઉત્તરાર્ધમાં, પ્રતિકારના સમયમાં રાષ્ટ્રપેમ અને સામ્યવાદના સમયમાં સમષ્ટિપ્રેમ વિશેનાં કાવ્યો, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની કવિતામાં સાતત્ય. રાષ્ટ્રપ્રેમ અને સમષ્ટિપ્રેમ વિશેનાં કાવ્યોમાં વ્યક્તિપ્રેમ વિશેનાં કાવ્યોનું અનુસંધાન. પ્રતિકારના સમયમાં કેટલાંક કાવ્યો લાખો લોકોને કંઠસ્થ હતાં. ફ્રેંચ પ્રજાના હૃદયમાં કવિનું રાષ્ટ્રવીર તરીકેનું સ્થાન હતું. છતાં પૂર્વાર્ધની કવિતા એ ઉત્તમ કવિતા હતી. એમાં પરાવાસ્તવવાદની ઓછામાં ઓછી લાક્ષણિકતાઓ. છતાં પરાવાસ્તવવાદની અનુપસ્થિતિમાં એનું સર્જન અશક્ય બન્યું. આજે પરાવાસ્તવવાદ, પ્રતિકાર અને સામ્યવાદના એક ઉત્તમ કવિ તરીકે તેમની ગણના છે. ભવિષ્યમાં પરાવાસ્તવવાદ, પ્રતિકાર અને સામ્યવાદ ‘ઇતિહાસ’ બની જશે છતાં ફ્રેંચ કવિતાના — અને એથી જગતકવિતાના ઇતિહાસમાં પ્રેમના એક ઉત્તમ કવિ તરીકે તેમનું હંમેશનું સ્થાન રહેશે.

૧૯૮૯
 
લુઈ આરાગોં
 

જન્મ ૧૮૯૭માં, પૅરિસમાં; અવસાન ૧૯૮૨માં, પૅરિસમાં. કવિ ઉપરાંત નવલકથાકાર, પત્રકાર. સર્વસામાન્ય શિક્ષણ પછી તબીબી વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ. આ સમયમાં આંદ્રે બ્રેતોં સાથે પરિચય. પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગમાં યુદ્ધસેવા. દાદાવાદ (Dadaism) અને પરાવાસ્તવવાદ(Surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. ૧૯૧૯માં આંદ્રે બ્રેતોં અને ફિલિપ સુપો સાથે પરાવાસ્તવવાદના મુખપત્ર ‘લિતેરાત્યુર’નું સહસંપાદન. આ સમયમાં ‘ફ દ ઝવા’ (૧૯૨૦), ‘લ મુવમાં પરપેત્યુએલ’ (૧૯૨૫), ‘લા ગ્રાંદ ગેઈતે’ (૧૯૨૯) આદિ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. ‘આનિસેં’ (૧૯૨૧) અને ‘લ પેઇસાં દ પારિ’ (૧૯૨૬) આદિ ગદ્યસર્જનો દ્વારા પરાવાસ્તવવાદનો સવિશેષ પ્રચાર અને પ્રસાર. ૧૯૩૦માં રશિયાનો પ્રવાસ. સામ્યવાદનો પ્રભાવ. એ જ વરસમાં સામ્યવાદના ‘જોસ્સા’થી પ્રેરિત કાવ્ય ‘ફ્રોં રુઝ’નું પ્રકાશન. એમાં ફ્રાંસના રાષ્ટ્રધ્વજના અપમાનને કારણે પાંચ વર્ષની કેદ. મુખ્યત્વે પરાવાસ્તવવાદના સર્જકોના આંદોલનને કારણે સજા રદ. ૧૯૩૧માં પરાવાસ્તવવાદના આંદોલનમાંથી અલિપ્ત અને સામ્યવાદી પક્ષના સભ્ય. એ જ વરસથી નવલકથા, પત્રકારત્વ અને સક્રિય રાજકારણ પર ધ્યાન એકાગ્ર. ૧૯૩૪માં ‘લ મોંદ રેએલ’ શીર્ષકથી નવલકથા શ્રેણીનો આરંભ. ૧૯૫૮ સુધીમાં શ્રમજીવીઓના પક્ષે અને મૂડીવાદની વિરુદ્ધ કુલ અગિયાર નવલકથાઓનું પ્રકાશન. ૧૯૩૪માં રશિયાની પ્રશસ્તિરૂપ કાવ્ય ‘હુર્રા લુરાલ’નું પ્રકાશન. ૧૯૩૫-૩૯માં સામ્યવાદી સાયંદૈનિક ‘સ સ્વાર’ (પાંચ લાખ નકલ)નું સંપાદન. ૧૯૩૫-૩૬માં સ્પેનમાં આંતરવિગ્રહમાં માદ્રિદમાં સાહિત્યવર્તુલોમાં સક્રિય. ૧૯૩૯ સુધી ‘લોકપ્રિય મોરચો’ રચવાનો પ્રયત્ન. દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા. ૧૯૪૦ના મેથી યુદ્ધના મોરચે સૈન્યમાં સક્રિય. જર્મન સૈન્ય દ્વારા કેદ. ભાગીને દક્ષિણમાં ‘મુક્ત ફ્રાંસ’માં ભૂગર્ભમાં. યુદ્ધસાહસ માટે સરકાર દ્વારા ત્રણ પારિતોષિક. જર્મન વર્ચસ્‌ના સમગ્ર સમયમાં પ્રતિકાર આંદોલનના સર્વશ્રેષ્ઠ નેતા. અનેક ઉપનામથી પ્રતિકાર સાહિત્યનું સર્જન અને પત્ની એલ્સા ત્રિઓલેતની સહાયથી ઉત્તરમાં જર્મન વર્ચસૂના ફ્રાંસમાં અને દક્ષિણના મુક્ત ફ્રાંસમાં પ્રતિકાર આંદોલનનું સંચાલન. આ સમયમાં ‘લ ક્રેવ કર’ (૧૯૪૧), ‘લે ઝીય દેલ્સા’ (૧૯૪૨), ‘લ મ્યુઝે ગ્રેવેં’ (૧૯૪૩) અને ‘લે દિઆન ફ્રાંસેસ’ (૧૯૪૫) કાવ્યસંગ્રહોનું પ્રકાશન. ૧૯૪૫થી સામ્યવાદી સામયિક ‘લે લેત્ર ફ્રાંસેસ’નું સંચાલન. ૧૯૪૮માં પ્રત્યાઘાતી બળો પરના આક્રમણરૂપ કાવ્યસંગ્રહ ‘લ નુવો ક્રેવ કર’નું પ્રકાશન. ૧૯૫૪માં એમને લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૫૪થી આયુષ્યના અંત સુધીમાં અગિયાર કાવ્યસંગ્રહોનું પ્રકાશન. કવિજીવનનાં સાઠેક વર્ષમાં પચીસેક કાવ્યસંગ્રહોનું પ્રકાશન. પૂર્વાર્ધમાં પરાવાસ્તવવાદના સમયમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં પરાવાસ્તવવાદની લાક્ષણિકતાઓ નિરૂપતી કવિતા. ૧૯૩૦-૩૫માં સામ્યવાદના પ્રચારની કવિતા. ૧૯૩૫-૪૦માં કાવ્યેતર પ્રવૃત્તિ. ૧૯૪૦થી આયુષ્યના અંત સુધી એલ્સા પ્રત્યેના પ્રેમ, વ્યક્તિપ્રેમ તથા રાષ્ટ્રપ્રેમ અને સમષ્ટિપ્રેમ (સામ્યવાદ) વિશેની કવિતા. ઉત્તરાર્ધમાં સવિશેષ પ્રતિકાર આંદોલનના સમયમાં પરંપરાગત કાવ્યલયો અને કાવ્યસ્વરૂપો દ્વારા કવિતા. પ્રતિકાર આંદોલનના સર્વશ્રેષ્ઠ કવિ. ૧૯૩૦ પછી માત્ર કવિતા દ્વારા જ નહિ, પણ નવલકથા અને વિવેચન દ્વારા પણ આધુનિક યુરોપના ઇતિહાસનું આલેખન કર્યું છે.

૧૯૮૯


*