સ્વાધ્યાયલોક—૪/રૉબર્ટ ફ્રૉસ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૉબર્ટ ફ્રૉસ્ટ

‘But yield who will to their separation, 
My object in living is to unite 
My avocation and my vocation 
As my two eyes make one in sight. 
Only where love and need are one, 
And the work is play for mortal stakes, 
Is the deed ever really done 
For Heaven and the future’s sakes.’ ‘Two Tramps in Mud Time’ કાવ્યનો આ અંતિમ શ્લોક એ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનની પ્રતિજ્ઞા છે. ૮૯ વર્ષના દીર્ઘ આયુષ્યની ક્ષણેક્ષણ એમણે આ પ્રતિજ્ઞાનું નમ્રતા અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિક પાલન કર્યું છે. રૉબર્ટ ફ્રૉસ્ટનું જીવન એ એમનું મહાનમાં મહાન કાવ્ય છે, સ્વયં મહાકાવ્ય છે. જીવન અને કવન વચ્ચે, વાસ્તવ અને સ્વપ્ન વચ્ચે, કાવ્ય અને કવિ વચ્ચે, કૃષિ અને ઋષિ વચ્ચે સતત સંપૂર્ણ સંવાદ સ્થાપવો એ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનનો પરમ અને ચરમ પુરુષાર્થ છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં આવો પુરુષાર્થ વિરલ વ્યક્તિઓએ કર્યો છે. અને એથી જ આપણા યુગમાં — અને અનુગામી યુગોમાં — એમના કાર્ય અને કવિતાનો મહિમા છે, મહાન અર્થ છે. આ પુરુષાર્થ અને અર્થ સમજવાનો અહીં પ્રયત્ન કરીશું. એની પૂર્વભૂમિકા રૂપે રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનનાં મુખ્ય સ્થળો, પાત્રો અને પ્રસંગોનો આરંભે પરિચય કરીશું. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાનફ્રાન્સિસ્કો નગરની વૉશિંગ્ટન સ્ટ્રીટમાં ૧૮૭૪ના માર્ચની ૨૬મીએ રૉબર્ટ ફ્રૉસ્ટનો જન્મ. એમના પ્યુરીટન પૂર્વજોએ ઇંગ્લૅન્ડના ડોરસેટ કોર્નવોલ પ્રદેશમાંથી ૧૬૩૨માં પ્રયાણ કર્યું અને અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડમાં પુનર્વસવાટ કર્યો. પિતા વિલિયમ પ્રેસ્કૉટ ફ્રૉસ્ટ અને માતા સ્કૉટલૅન્ડના ઓર્કની પ્રદેશના નાવિકકુટુંબની કન્યા ઇઝાબેલ મૂડી. રિપબ્લિકન ન્યૂ ઇંગ્લૅન્ડના વિરોધમાં પિતા ન્યૂ ઇંગ્લૅન્ડનો ત્યાગ કરીને કેલિફોર્નિયામાં વસ્યા. કુટુંબીજનોની અપેક્ષા પ્રમાણે વકીલ બનવાને બદલે બન્યા શિક્ષક, પછીથી રાજનીતિજ્ઞ અને સાનફ્રાન્સિસ્કોના ડેમોક્રેટિક પત્ર બુલેટીનના તંત્રી. દક્ષિણનાં રાજ્યોના અધિકારના પુરસ્કર્તા તરીકે આંતરવિગ્રહમાં કોપરહેડ તરીકે સગર્વ સહાનુભૂતિપૂર્વક કાર્ય કર્યું. દક્ષિણના સાક્ષર સૈનિક રૉબર્ટ લીના નામ પરથી કવિપુત્રનું નામ પાડ્યું રૉબર્ટ લી ફ્રૉસ્ટ. રૉબર્ટ ફ્રૉસ્ટના નામકરણ સંસ્કારમાં જ માત્ર નહિ પણ મૃત્યુ લગી એમની રાજકીય વિચારણામાં પિતાના આ કાર્યની તીવ્ર અને સ્પષ્ટ અસર છે. વ્યક્તિવાદી પિતાનો આ સ્વાતંત્ર્યપ્રિય મિજાજ એ રૉબર્ટનો વ્હાલસોયો વારસો — અને એક માત્ર વારસો. ‘Build Soil’ અને ‘To a Thinker’ એ બન્ને સળંગ રાજકારણવિષયક કાવ્યોમાં કવિનો આ મિજાજ આબાદ વ્યક્ત થયો છે. ન્યૂ ઇંગ્લૅન્ડના લોકો હાથમાં લાકડી લઈને ફરે એટલા જ આનંદથી હાથમાં બંદૂક લઈને ફરનારી દક્ષિણની આ બળવાખોર પ્રજાની વચ્ચે કાર્ય કરતાં કરતાં કાર્યના અસહ્ય બોજાને કારણે પિતાનું ૧૮૮૫માં ૩૪ વર્ષની કાચી વયે ક્ષયરોગથી અવસાન થયું. ત્યારે રૉબર્ટનું વય ૧૧ વર્ષનું. કેલિફોર્નિયાનાં પર્વતો, અરણ્યો અને સમુદ્ર એ રૉબર્ટના સ્મૃતિપટ પર સદાય અંકિત એવા જીવનના પ્રથમ પ્રકૃતિ-અનુભવો. ૬ વર્ષની વયે સમુદ્રના રુદ્ર-રમ્ય તોફાનનો જે અનુભવ થયો તે પાછળથી ‘Once By the Pacific’માં વ્યક્ત કર્યો છે. રૉબર્ટના શૈશવકાળના કેલિફોર્નિયાનું વાતાવરણ ‘A Peck of Gold’ કાવ્યમાં વ્યક્ત કર્યું છે. જીવનભર ન્યૂ ઇંગ્લૅન્ડને અપનાવ્યું છતાં રૉબર્ટ ફ્રૉસ્ટ અંતરથી તો કેલિફોર્નિયન જ રહ્યા એટલે તો એક કાવ્યમાં શૈશવભૂમિ કેલિફોર્નિયાને અંજલિ અર્પણ કરી છે ઃ ‘Our future is in the West on the other Sea.’ કવિ રૉબર્ટ ફ્રૉસ્ટને કેલિફોર્નિયાની અમૂલ્ય ભેટ તે એમનો ફરવાનો શોખ. કેલિફોર્નિયાના પ્રદેશમાં ૫ વર્ષની વયથી સમાનધર્મા વર્ડ્ઝવર્થની જેમ ભટકવાનો રૉબર્ટને એવો તો ભારે શોખ કે મૃત્યુશય્યા પર પડ્યા પડ્યા પણ પિતાએ ભય અને ચિંતાથી રૉબર્ટ પાસે સાંજ પછી શેરીઓમાં નહિ ભટકવાની પ્રતિજ્ઞા કરાવી હતી. ‘At Woodward’s Gar-dens’થી માંડીને અનેક કાવ્યો રૉબર્ટ ફ્રૉસ્ટને ફરતાં ફરતાં સૂઝ્યાં છે. પિતાના મૃત્યુ પછી માતા કેલિફોર્નિયાનો ત્યાગ કરીને આજીવિકા અર્થે રૉબર્ટને અને એક પુત્રીને લઈને ન્યૂ ઇંગ્લૅન્ડમાં અગિયાર પેઢીથી કુટુંબના અસલ સ્થાન લૉરેન્સમાં વસી. ત્રણેક હજાર માઇલની આ યાત્રાનો રૉબર્ટ ફ્રૉસ્ટે એક હળવા ગંભીર કાવ્ય ‘A Record Stride’માં નકશો આપ્યો છે ઃ ‘I touch my tongue to the shoes now 
And unless my sense is at fault, 
On one I can taste Atlantic 
On the other Pacific, salt. One foot in each great ocean 
Is a record stride or stretch.’ સ્વમાની માતાએ પોતાના સસરા પાસેથી દયાની ભીખ ન સ્વીકારી, શિક્ષિકાનો સ્વતંત્ર વ્યવસાય સ્વીકાર્યો. આજીવન શિક્ષકપદ એ રૉબર્ટને માતાનો વ્હાલસોયો વારસો. ૧૪ વર્ષની મોટી અને મોડી વયે રૉબર્ટના વાચનનો આરંભ. પ્રથમ પુસ્તક વાંચ્યું વારતાનું — Scottish Chiefs, પછી વાંચ્યું Tom Brown’s School Days. પોના પદ્યનું સંગીત અને એમર્સનના ગદ્યના વિચારો એ રૉબર્ટનો પ્રથમ અગત્યનો સાહિત્ય-અનુભવ. લૉરેન્સ હાઈસ્કૂલમાં ગ્રીક અને લૅટિનનો અભ્યાસ એ રૉબર્ટનો શિષ્ટ સાહિત્યનો પ્રથમ અનુભવ. સાથે સાથે જ સ્વતંત્ર કવિતા સર્જનનો અનુભવ. ૧૫ વર્ષની વયે ‘Lawrence High School Bulletin’ શાળાપત્રમાં જે રાત્રિએ મેક્સીકો સીટીમાંથી કોર્ટેઝને દેશવટો દીધો તે રાત્રિ વિશેના ‘લા નોશ ત્રીસ્ત’ — કથાકાવ્યનું પ્રકાશન તે રૉબર્ટનું પ્રથમ પ્રકાશન. કવિતાની સાથે સાથે જ રૉબર્ટના જીવનમાં પ્રેમનું આગમન. લૉરેન્સ હાઈસ્કૂલમાં ભાવિ પત્ની ઈલીનોર મેરીઅમ વ્હાઇટનું સહાધ્યાયિની તરીકે મિલન. કવિતા અને પ્રેમના કોમળ અનુભવની સાથે સાથે જ આ સારોયે સમય રૉબર્ટને જીવનની વાસ્તવિકતાનો પણ કઠોર અનુભવ. આજીવિકા અર્થે જીવનનો તીવ્ર સંઘર્ષ અનુભવતી માતાને સહાયભૂત થવા ૧૨ વર્ષની વયથી જ રૉબર્ટ જેમાં બે હાથ સતત હલાવવા પડે એવા અનેક રોજિંદા વ્યવસાયો — મોચી, લુહાર, મજૂર, ખેડૂત તરીકે — કર્યાં જ કર્યા. સાથે સાથે પિતામહને પણ પ્રસન્ન કરવા ૧૮૯૨માં ૧૭ વર્ષની વયે લૉરેન્સ હાઈસ્કૂલની પરીક્ષા પસાર કરીને ડાર્ટમાઉથ કૉલેજમાં અભ્યાસ આરંભ્યો. પણ માત્ર બે જ મહિનામાં એનો અંત આવ્યો. ૧૮ વર્ષની વયે માતાના જ વ્યવસાયમાં, માતાને બેવડી રીતે સહાયભૂત થવા, શિક્ષક તરીકેના જીવનભરના એક મુખ્ય કાર્યનો આરંભ કર્યો. સાથે સાથે લૉરેન્સ ડેઈલી બુલેટીનમાં રિપોર્ટર તરીકે અને નોંધો, રેખાચિત્રો અને વારતાઓના કટારલેખક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૯૩માં ૧૯ વર્ષની વયે ‘The Independent’ માસિકમાં ‘My Butterfly’ કાવ્યનું પ્રકાશન તે રોબર્ટ ફોસ્ટનું પ્રસિદ્ધ કવિ તરીકેનું પ્રથમ પ્રકાશન. ૧૫ ડૉલરનો પુરસ્કાર. માતાનો હરખ માય નહિ પણ દાદાની ચિંતા જાય નહિ. રૉબર્ટને રોકડું પરખાવ્યું, ‘કવિતાથી કંઈ પેટ નહિ ભરાય, સમજ્યા! જાઓ, એક વરસ આપવામાં આવે છે. એક વરસમાં જો કવિતામાંથી કમાણી નથી કરી તો કવિતા બવિતા બંધ! ચાલો, વચન આપો! કંઈ કહેવાનું છે?’ જાણે હરાજી બોલાતી હોય તેમ હાજરજવાબીથી છાતી કાઢીને આ ૧૯ વર્ષના છોકરડાએ રૂઆબથી આગાહીની જેમ સામું રોકડું પરખાવ્યું, ‘વીસ આપો, વીસ!’ અને બરોબર વીસમે વર્ષે ૧૯૧૩માં રૉબર્ટ ફ્રૉસ્ટનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘A Boys’ Will’ પ્રગટ થયો. ૧૮૯૧માં રૉબર્ટની સાથે જ પ્રિયતમા ઇલીનોરે લોરેન્સ હાઈસ્કૂલની પરીક્ષા પસાર કરી હતી. પણ પછી રૉબર્ટે ડાર્ટમાઉથ કૉલેજમાં અને ઇલીનોરે સેઇન્ટ લૉરેન્સમાં અભ્યાસ આરંભ્યો હતો. આમ, બન્ને વચ્ચે વિરહ હતો. રૉબર્ટનો અભ્યાસ અટક્યો હતો, ઇલીનોરનો ચાલુ હતો. ત્રણ વર્ષ પછી ૧૮૯૪માં વચમાં પોતે કવિ થયો અને કવિ થયો એટલે પોતે કંઈ છે એવી પ્રતીતિ જો પ્રિયતમ પાત્રને થાય તો જીવન ધન્ય ધન્ય એવી આશા સાથે લીનનના કાગળ પર, લેધરના પૂઠાં વચ્ચે ડીલક્સ આવૃત્તિનો માત્ર બે જ નકલનો ‘Twilight’ નામનો કાવ્યસંગ્રહ છપાવીને પ્રિયતમાને ચરણે અર્ઘ્ય રૂપે અર્પણ કરીને ધન્ય થવા ઑક્ટોબરના એક શુભ દિને ઇલીનોર પાસે ગયો. દેવીનો કૃપાકટાક્ષ ન તો કાવ્યસંગ્રહ પર થયો, ન તો કવિ પર! રૉબર્ટ રોષમાં ત્યાંથી તરત ચાલી ગયો! ક્યાં ચાલી ગયો? દક્ષિણમાં. જીવનની કરુણમાં કરુણ ક્ષણોમાં રૉબર્ટને દક્ષિણનું સ્મરણ થતું. કાવ્યસંગ્રહના અને હૃદયના પણ ચૂરેચૂરા કરતો કરતો માઇલોના માઇલો દિવસોના દિવસો દક્ષિણમાં ચાલી ગયો. કવિ દક્ષિણમાં Kitty Hawk ચાલી ગયા હતા, ૧૯૫૩માં ૬૦ વર્ષ પછી કવિ ફરીથી Kitty Hawk ગયા તે પ્રસંગે કાવ્ય રચ્યું. અને વરસો પછી છેક છેવટે હજુ હમણાં જ ૧૯૫૭માં ‘Kitty Hawk’ કાવ્યમાં એનું રહસ્ય પ્રગટ કર્યું ઃ ‘When I came here young 
Out and down along 
Past Elizabeth City 
Sixty years age. 
I was, to be sure, 
Out of sorts with Fate, 
Wandering to and fro 
In the earth alone, 
You might think too poor — 
Spirited to care 
Who I was or where 
I was being blown 
Faster than my tread — 
Like the crumpled, better 
Left-unwritten letter 
I had read and thrown.’ પછી બીજે જ વર્ષે ૧૮૯૫માં ઇલીનોરે રૉબર્ટ સાથે લગ્ન કર્યું. ૧૯૩૮માં ઇલીનોરના મૃત્યુ લગીનો લગ્નજીવનનો ૪૩ વર્ષનો સમય એ રૉબર્ટ ફ્રૉસ્ટને મન પોતાનો અનંતકાળ હતો. એકીસાથે મનુષ્ય અને કવિ તરીકે ઇલીનોરે — આ વિશાળ વિશ્વમાં કોઈ એક અન્ય વ્યક્તિએ પ્રથમવાર — પોતાનો સંપૂર્ણપણે હૃદય-મન-પ્રાણથી સ્વીકાર કર્યો એમાં રૉબર્ટ ફ્રૉસ્ટે જીવનની અંતિમ ધન્યતા અનુભવી. જીવનની ક્ષણે ક્ષણ જાણે કે રૉબર્ટ ફ્રૉસ્ટે ઇલીનોરના પ્રેમને પાત્ર થવાનો પ્રયત્ન કર્યો છે. ઇલીનોરના પ્રેમનું રૉબર્ટ ફ્રૉસ્ટે એવું ગૌરવ કર્યું છે, એવો મહિમા ગાયો છે, એવું મૂલ્ય આંક્યું છે. પોતાનું એકે એક કાવ્ય એ જાણે કે ઇલીનોરના પ્રેમને પામવાની તૈયારી છે એવું અનુભવ્યું છે. લગ્ન પૂર્વેના પ્રતીક્ષાના એક વર્ષના સમયમાં પોતાના મનની સ્થિતિનું રૉબર્ટ ફ્રૉસ્ટે નાજુક નમણું કાવ્ય કર્યું છે, ‘Meeting and Passing’. ૧૮૯૬માં પ્રથમ સંતાનનો જન્મ. ૧૮૯૭માં અભ્યાસ અર્થે હારવર્ડમાં પ્રવેશ. ૧૮૯૯માં બીજા સંતાનનો જન્મ. ગ્રીક, લૅટિન અને ફીલસૂફીનો વધુ અભ્યાસ ૧૮૯૯ લગી. ૧૮૯૯માં બીજીવાર અભ્યાસનો અરધેથી અંત આણ્યો. મન માત્ર કવિતામાં જ રચ્યુંપચ્યું રહેતું. રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનનું જો કોઈ ધ્રુવ હોય તો તે કવિતા. રૉબર્ટ ફ્રૉસ્ટને મન જીવન એ કવિતા હતી અને કવિતા એ જીવન હતું. રૉબર્ટ ફ્રૉસ્ટમાં જીવન અને કવિતાનું અદ્વૈત છે. એથી જ સાચા અર્થમાં કવિતા એ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનની સાધના છે. રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનમાં ચૅલેન્જ આવી. હવે શું કરવું? કવિતા તો કરવી જ. પણ કમાણીનું શું? જીવનભર રૉબર્ટ ફ્રૉસ્ટે ચૅલેન્જનો ધીરતાથી ને વીરતાથી જવાબ વાળ્યો છે, બે બાવડાના બળે. ૧૮૯૯માં પ્રથમ સંતાનનું મૃત્યુ. ૧૯૦૦માં માતાનું મૃત્યુ. ૧૯૦૦માં ન્યૂ હેમ્પશાયરના Derry — ડેરીમાં દાદાએ ખેતર આપ્યું. ત્યારથી આ ઋષિના કૃષિજીવનનો આરંભ થયો. મૃત્યુ લગી રૉબર્ટ ફ્રૉસ્ટે એક પછી એક અનેક ખેતર ખેડ્યાં છે. કવિતામાં માતાને શ્રદ્ધા હતી. એ મૃત્યુ પામી હતી. હવે માત્ર રૉબર્ટ અને ઇલીનોર સિવાય કવિતામાં કોઈને શ્રદ્ધા ન હતી, કુટુંબના સૌ કોઈને કેવળ શંકા હતી. એનું રૉબર્ટ ફ્રૉસ્ટે સુંદર મુક્તક કર્યું છે, ‘In Neglect’. ડેરીનું ખેતર રૉબર્ટ ફ્રૉસ્ટને દસ વર્ષ લગી ખેડવાની શરતે દાદાએ આપ્યું હતું. એક વૃક્ષની જેમ રૉબર્ટ ફ્રૉસ્ટ એમાં જોડાયેલા — ખોડાયલા રહ્યા. ૧૯૦૬થી ૧૯૧૨ના ૬ વર્ષ સાથે સાથે શિક્ષણનું કાર્ય પણ કર્યું. પણ ખેતી સતત થતી, કુદરતમાં અને કવિતામાં. આ સમયમાં ફ્રૉસ્ટને છ સંતાનો, એમાંથી બેનું મૃત્યુ. ૧૯૧૨માં પત્ની, ચાર સંતાનો, બારસો ડોલર અને અપ્રગટ કાવ્યોની હસ્તપ્રત સાથે ફ્રૉસ્ટ ઇંગ્લંડ ગયા. બકિંગહામશાયરમાં બેકન્સફીલ્ડમાં એક ખેતરમાં એ માત્ર ખેડૂત હતા. ૧૯૦૦થી ૧૯૧૨ લગીના ન્યૂ હેમ્પશાયરમાં ડેરીમાં આ ખેતરમાં આ ૧૨ વર્ષનો સમય તે રૉબર્ટ ડેરીમાં હતા ને ખેતર લીધું હતું અને ખેતી કરી હતી ત્યારે ત્યાં જેમ કર્યું હતું તેમ અહીં પણ લગભગ એક વરસ લગી એ કોઈની સાથે હળ્યામળ્યા કે ભળ્યા નહિ. અવારનવાર લંડન જતા હતા તેમાં એક મિત્ર મળ્યો હતો, ‘T.P.’s Weekly’નો (જે પહેલા પોલીસમેન હતો તે) ‘Country Walks’નો કટારલેખક. એક સાંજે કવિને અચાનક જ એક વિચાર સૂઝ્યો ઃ ‘One evening I found myself sitting on the floor by the fireplace, burning what I could spare. These were poems of youth, written separately between 1892 — 1912, not in a design to be together. They were all of the period when I thought I pre-ferred nature to people, quite at the mercy of myself, not always happy…. I put the (unburned) poems in my pocket and next day realized that they had a unity, could be a book (A Boy’s Will). The poetry itself represented evasiveness, furtive-ness. The boy in the poems couldn’t be publicly a poet. He was too shy… I wrote some prose lines to tie them together. Thirty-some poems. I decided to take them to the policeman columnist — my only English friend; I hadn’t met anybody yet. I thought he might know about smaller publishers. It didn’t even occur to me to go to the bigger ones… Then the policeman suggested David Nutt and — I felt that might be the place. So I found the Nutt office, said I had some poems and wanted to see David Nutt.. Nutt was dead, but I did not know this or that Mrs. Nutt had also lost her son David by drowning. I just left the manuscript with her. In three days I had a card to come in. I went. the book was accepted.’ (‘હું અગ્નિ પાસે ભોંય બેઠો હતો, પાસે કાવ્યોની હસ્તપ્રતોનું પોટલું હતું. એમાંથી ઠીક લાગે તે કાવ્યો અગ્નિને અર્પણ કરતો હતો. ૧૮૯૨થી ૧૯૧૨ના સમયની ગદ્ધાપચ્ચીશીની છૂટીછવાઈ રચનાઓ હતી. મોંમાથાનો મેળ નહિ. જ્યારે મનુષ્યથી પ્રકૃતિ મને વધુ વહાલી હતી, પોતાની જાતની મહેરબાની પર જીવતો હતો, સદાય સુખમાં ન હતો ત્યારે રચી હતી. બાળતાં બાળતાં બચી તે રચનાઓ ખીસ્સામાં મૂકી. બીજે દિવસે ભાન થયું કે એમાં એકતા હતી, સંગ્રહ કરી શકાય. આ રચનાઓમાં ધ્વનિ હતો, વ્યંગ હતો. એનો રચનાર જાહેરમાં કવિ ન બની શકે એવો એક છોકરડો હતો, એ વધુ પડતો શરમાળ હતો, મેં એ રચનાઓને એકસૂત્ર કરવા ગદ્ય લખાણ કર્યું. ત્રીસેક જેટલી રચનાઓ હશે. મેં એ રચનાઓ મારા પોલીસમેન-કોલમીસ્ટ મિત્ર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો. એ મારો એક માત્ર અંગ્રેજ મિત્ર હતો. હજુ હું બીજા કોઈને મળ્યો ન હતો. મને થયું એ કોઈ નાના પ્રકાશકને કદાચ ઓળખતો હોય! મોટા પ્રકાશક પાસે જવાનો તો મને વિચાર સુદ્ધાં ન હતો! મિત્રે ડેવિડ નટનું નામ સૂચવ્યું. મને ઠીક લાગ્યું. હું નટની ઑફિસે ગયો. કહ્યું મારી પાસે કેટલાંક કાવ્યો છે અને મારે ડેવિડ નટને મળવું છે. નટ તો ગુજરી ગયા છે એ પણ ખબર નહિ. એમનો પુત્ર પણ ડૂબીને ગુજરી ગયો છે એ પણ ખબર નહિ. મેં હસ્તપ્રતો શ્રીમતી નટના હાથમાં સોંપી. ત્રણ દિવસમાં આમંત્રણ આવ્યું. હું ગયો. મારો સંગ્રહ સ્વીકારાયો હતો.’) આ જ અરસામાં ડિસેમ્બરની એક સવારે લંડનની એક શેરીમાંથી રૉબર્ટ ફ્રૉસ્ટ પસાર થતા હતા ત્યારે ‘I found myself pausing before the window of a shop where a clerk was arranging volumes of current poetry. A notice announced the opening, that night, of Harold Monro’s Poetry Bookshop. I went in and asked if I might return for the evening. The assistant told me the guests were ‘Invited’. But I might try.’ (‘હું એક દુકાનની બારી પાસે થંભી ગયો હતો. આધુનિક કવિતાના સંગ્રહો એક કર્મચારી દુકાનની બારીમાં ગોઠવી રહ્યો હતો. તે જ સાંજે હેરલ્ડ મનરોના પોએટ્રી બુકશોપના ઉદ્ઘાટનની જાહેરાત પણ ત્યાં મૂકી હતી. હું અંદર ગયો અને સાંજે મારાથી હાજર રહી શકાય એ વિશે પૂછ્યું. કર્મચારીએ કહ્યું કે એ ઉદ્ઘાટનકાર્યક્રમ કેવળ આમંત્રિતો પૂરતો મર્યાદિત હતો છતાં મારે હાજર રહેવાનો પ્રયત્ન કરવો હોય તો હું કરી શકું છું.’) સાંજે રૉબર્ટ ફ્રૉસ્ટ ઉદ્ઘાટન પ્રસંગે ગયા. અહીં રૉબર્ટ ફ્રૉસ્ટને લંડનનિવાસી અમેરિકન કવિ એફ. એસ. ફ્લીન્ટનું મિલન થયું. ફ્લીન્ટે રૉબર્ટ ફ્રૉસ્ટને પૂછ્યું, ‘તમે પાઉન્ડને મળ્યા છો?’ રૉબર્ટ ફ્રૉસ્ટે કહ્યું, ‘ના’. ફ્લીન્ટે કહ્યું, ‘તો, મળવું જોઈએ!’ અને થોડાક દિવસ પછી રૉબર્ટ ફ્રૉસ્ટને ઘરે એક કાર્ડ આવ્યું ઃ Ezra Pound, Number Five Church Walk, London. At home sometimes. રૉબર્ટ ફ્રૉસ્ટને આ આમંત્રણ આછકલું લાગ્યું. ત્રણેક મહિના લગી મળવા ન ગયા. ‘Then one day, may be in March, finding myself in Kensington near a sign ‘Church Walk’, I pulled out the card form my vest pocket and knocked at the door.’ (‘પછી એક દિવસ, કદાચ માર્ચ મહિનામાં, હું કેન્સીન્ગ્ટનમાં હતો, પાસે જ ‘ચર્ચ વોક’નું પાટિયું હતું, મેં ખીસ્સામાંથી પેલું કાર્ડ કાઢ્યું અને બારણું ખખડાવ્યું, ખૂલ્યું.’) આમ, જીવનમાં પ્રથમવાર જ રૉબર્ટ ફ્રૉસ્ટ કોઈ અન્ય કવિને મળ્યા તે પાઉન્ડ. પાઉન્ડ ઘરે હતા. ન્હાતા હતા. ડ્રેસિંગ ગાઉન પહેરીને તરત જ આવ્યા. ત્રણ મહિને મળવા આવ્યા એ માટે રૉબર્ટ ફ્રૉસ્ટને ધમકાવ્યા અને તરત જ વાત કઢાવી લીધી કે રૉબર્ટ ફ્રૉસ્ટનો પ્રથમ કાવ્યસંગ્રહ ડેવીડ નટ છાપે છે. તરત જ પાઉન્ડે કહ્યું, ‘ચાલો, પ્રેસ પર, એક નકલ લઈ આવીએ!’ રૉબર્ટ ફ્રૉસ્ટ પાસે એક પણ નકલ ન હતી. બન્ને પ્રેસ પર ગયા. પાઉન્ડે નકલ લીધી. તરત ઘરે પાછા ફર્યા ત્યારે રૉબર્ટ ફ્રૉસ્ટના પ્રથમ કાવ્યસંગ્રહની પ્રથમ નકલ રૉબર્ટ ફ્રૉસ્ટના પોતાના હાથમાં ન હતી, પાઉન્ડના હાથમાં હતી. ઘરે આવીને પાઉન્ડે તરત કાવ્યો વાંચવા માંડ્યાં. રૉબર્ટ ફ્રૉસ્ટને વહેમ આવ્યો, ‘આ તો પાઉન્ડને ગમવા માંડ્યાં’. પાઉન્ડે કહ્યું, ‘ગમે છે, તમને વાંધો તો નથી?’ ફ્રૉસ્ટે કહ્યું, ‘ના, ભલે ગમે! વધુ વાંચો!’ પાઉન્ડે કહ્યું, ‘તો તમે ત્યાં લગી અહીંથી કોઈ બીજું પુસ્તક લઈને વાંચો!’ પછી તરત કહ્યું, ‘ના, એમ કરો ને, તમે હમણાં ઘરે જ જાઓ તો! મારે તમારા કાવ્યસંગ્રહનો રીવ્યૂ કરવો છે.’ ૧૯૧૩માં એપ્રિલમાં લંડનમાં દોઢ શિલિંગની કિંમતે રૉબર્ટ ફ્રૉસ્ટના પ્રથમ કાવ્યસંગ્રહ ‘A Boy’s Will’નું ડેવીડ નટ કંપની દ્વારા પ્રકાશન અને એનો ‘ધ ન્યૂ વુમન’માં સપ્ટેમ્બરમાં એઝરા પાઉન્ડનો રીવ્યૂ એ માત્ર રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનમાં જ નહિ પણ અમેરિકન કવિતા અને સંસ્કૃતિના ઇતિહાસમાં એક મહાન ઘટના હતી. આ રીવ્યૂનું રૉબર્ટ ફ્રોસ્ટને મન મોટું મૂલ્ય હતું. જીવનભર પછીથી રૉબર્ટ ફ્રૉસ્ટ અને એઝરા પાઉન્ડ વચ્ચે free verseના પ્રશ્ન અંગે તીવ્ર વિરોધ થયો ત્યારે અને ત્યાર પછી પણ — અને પાઉન્ડના જેલનિવાસ સમયે તો જાહેરમાં — મૃત્યુ લગી — રૉબર્ટ ફ્રૉસ્ટે કૃતજ્ઞતાપૂર્વક એઝરા પાઉન્ડનું સ્મરણ કર્યું છે. ‘I always speak of Ezra with praise for having been so quick and kind, for his haste to speak of my poetry before anyone — anyone before him or beside him… I have always felt grateful to Ezra for the start he tried to give me. He continued generous, he reviewed me justly, even after we’d acutely quarrelled, and disa-greed, as we did in a short time’. (‘હું હંમેશાં એઝરાનો આદરથી ઉલ્લેખ કરું છું. મારી કવિતા વિશે વહેલી અને વહાલથી વાત કરનારાઓમાં એ સૌથી પહેલા છે. પાપા પગલી સમયે મારો હાથ પકડ્યો એ માટે હું સદાયનો એમનો કૃતજ્ઞ રહ્યો છું. અમે ટૂંક સમયમાં જ તીવ્ર વિરોધમાં લડયા પછી પણ તેઓ ઉદાર રહ્યા છે અને સચ્ચાઈપૂર્વક મારે વિશે વિવેચન કર્યું છે.’) રૉબર્ટ ફ્રૉસ્ટ જીવનભર એઝરા પાઉન્ડને ‘Enemy friend’ (વેરી મિત્ર) કહેતા. લંડનના એન્થેનીઅમમાં એપ્રિલની પમીએ — પ્રકાશન થયું એ જ અઠવાડિયામાં — ‘A Boy’s Will’નો સહાનુભૂતિ અને સૂઝપૂર્વકનો રીવ્યૂ પ્રગટ થયો. રીવ્યૂ કરનાર વિવેચક હતા અંગ્રેજ કવિ એડવર્ડ ટોમસ. પછીથી રૉબર્ટ ફ્રૉસ્ટ અને એડવર્ડ ટોમસ એવા પરમ મિત્રો બન્યા કે પોતે અકવિ છે એવી પ્રતીતિથી કાવ્યો કરતા અટકી ગયેલા એડવર્ડ ટોમસનો કવિ તરીકે રૉબર્ટ ફ્રૉસ્ટે પુનર્જન્મ કરાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં એડવર્ડ ટોમસનું મૃત્યુ થયું ત્યારે ‘To E. T.’ કરુણમધુર કાવ્યમાં રૉબર્ટ ફ્રૉસ્ટે એડવર્ડ ટોમસને અંગત અંજલિ અર્પણ કરી છે. અને રૉબર્ટ ફ્રૉસ્ટના એક ભવ્યસુંદર કાવ્ય ‘A Soldier’માં કવિમિત્ર એડવર્ડ ટોમસ જ પ્રેરણારૂપ છે. રૉબર્ટ ફ્રૉસ્ટના સમગ્ર જીવનમાં જે એમનો એક માત્ર કવિમિત્ર તે એડવર્ડ ટોમસ. આ બન્ને રીવ્યૂની ઇંગ્લૅન્ડ અને અમેરિકાના સાહિત્યજગત પર અદ્ભુત અસર હતી. એક પછી એક અનેક અનુગામી અવલોકનો પ્રગટ થયાં. પાઉન્ડનો રીવ્યૂ અમેરિકામાં હેરિયટ મનરોના ‘Poetry Chicago’માં છપાયો. ૧૯૧૫માં રૉબર્ટ ફ્રૉસ્ટે અમેરિકામાં પુનરાગમન કર્યું પછી એમના મૃત્યુ લગી આ રીવ્યૂ-પ્રવૃત્તિને પરિણામે અમેરિકન સામયિકોના તંત્રીઓએ રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતા માટે સહર્ષ, સગર્વ અને સપ્રેમ પોતાના સામયિકના પાનાંઓ સદાયને માટે ખુલ્લાં મૂક્યાં. અમેરિકન કવિ વિવેચક એમી લોવેલે રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતાનો પુરસ્કાર કર્યો અને પ્રશંસાપૂર્ણ અવલોકનો કર્યાં. ન્યૂ ઇંગ્લૅન્ડના અનુભવો પરથી ત્યાંનાં સ્થળો, પાત્રો, પ્રસંગો અને પ્રકૃતિ વિશે ઑલ્ડ ઇંગ્લૅન્ડમાં રહ્યા રહ્યા રૉબર્ટ ફ્રૉસ્ટે એમનાં કેટલાંક શ્રેષ્ઠ કાવ્યોનું સર્જન કર્યું. ‘A Boy’s Will’ના પ્રકાશન પછી એક વરસે ૧૯૧૪ના એપ્રિલની ૧૮મીએ ડેવીડ નટ પ્રકાશન કંપનીએ રૉબર્ટ ફ્રૉસ્ટના બીજા કાવ્યસંગ્રહ — સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘North of Boston’નું પ્રકાશન કર્યું. પાઉન્ડ, ટોમસ, લોવેલ અને અન્ય કવિવિવેચક મિત્રોએ રૉબર્ટ ફ્રૉસ્ટની કવિપ્રતિભા પર આફરીન થઈને અવલોકન કર્યું. ‘North of Boston’ના પ્રકાશનથી રૉબર્ટ ફ્રૉસ્ટનું કવિપદ સદાને માટે સિદ્ધ અને સ્થિર થયું. રૉબર્ટ ફ્રૉસ્ટ બકિંગહામશાયરમાંથી ખસીને ગ્લૉસ્ટરશાયરમાં વસ્યા. અહીં અંગ્રેજ જ્યોર્જીઅન કવિઓ — એબરક્રૉમ્બી અને ગીબ્સન–ના સાન્નિધ્યમાં વારતારસ માણ્યો. ગીબ્સને ‘The Golden Room’ કાવ્યમાં એનું સુખદ સ્મરણ કર્યું છે: ‘…In the lamplight 
We talked and laughed, but for the most 
 part listened 
While Robert Frost kept on and on and on 
In his slow New England fashion for our de-light 
Holding us with shrewd turns and racy quips, 
And the rare twinkle of his grave blue eyes. 
… … 
Again Frost’s rich and ripe philosophy 
That had the body and tang of good 
 draught — cider 
And poured as clear as a stream.’ આમ, ઇંગ્લૅન્ડના સ્મરણમાં, એ વિશેનાં કાવ્યોના સર્જનમાં, કાવ્યોનાં પ્રકાશન અને અવલોકનના આનંદમાં, ટોમસની મૈત્રીમાં, જ્યોર્જીઅન કવિમિત્રોના સાન્નિધ્યમાં, અનેક પ્રકારનાં હેત અને હૂંફની વચ્ચે સુખમાં સમય વહ્યે જતો હતો ત્યાં પ્રથમ વિશ્વયુદ્ધના આરંભથી રૉબર્ટ ફ્રૉસ્ટના ઇંગ્લૅન્ડનિવાસનો અંત આવ્યો. અનેક મથામણો અને મૂંઝવણોની વચ્ચે, હજુ તો ઇંગ્લૅન્ડમાં માંડ પગ ઠર્યો હતો ત્યાં આ આજીવન નિર્વાસિત કવિએ ઓલ્ડ ઇંગ્લૅન્ડનો ત્યાગ કરીને ન્યૂ ઇંગ્લૅન્ડમાં પુનરાગમન કરવાનો નિર્ણય લીધો. આ વેદનાને એમણે તીવ્રપણે ‘The Sound of the Trees’ કાવ્યમાં વ્યક્ત કરી છે ઃ ‘I wonder about the trees. 
… … 
They are that that talks of going 
But never gets away; 
… … 
I shall have less to say, 
But I shall be gone.’ ૧૯૧૫માં ફેબ્રુઆરીની ૧૫મીએ ‘સેન્ટ પોલ’ જહાજમાં પાંચ જીવ સાથે જ્યારે રૉબર્ટ ફ્રૉસ્ટે પ્રયાણ કર્યું ત્યારે સામાનમાં અપ્રગટ કાવ્યોની હસ્તપ્રત ન હતી, બે પ્રગટ કાવ્યસંગ્રહો હતા. રૉબર્ટ ફ્રૉસ્ટના પ્રથમ કાવ્યસંગ્રહ ‘A Boy’s Will’ના પ્રથમ કાવ્ય ‘Into My Own’ની અંતની બે પંક્તિઓ છે ઃ ‘They would not find me 
 changed from him they knew — 
Only more sure of all I thought was true.’ ૧૯૧૫માં ન્યૂ ઇંગ્લૅન્ડમાં પુનરાગમન કર્યા પછી મૃત્યુ લગી રૉબર્ટ ફ્રૉસ્ટ આંતરજીવનમાં અને બાહ્યજગતમાં પરિવર્તનોની વચ્ચે સ્થિરતા, ધીરતા અને વીરતાપૂર્વક જીવ્યા છે. એમાં એમનું સાહસ છે, ગૌરવ છે. એમાં એમના જીવનનો મહિમા છે, અર્થ છે. એમાં એમની સ્વાતંત્ર્યપ્રિયતા છે, એમના પ્રિય શબ્દમાં કહેવું હોય તો એમની ‘prowess’ છે. એનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. ‘સંસાર શું સરસો રહે અને મન મારી પાસ’ એ ગીતાપ્રબોધી સ્થિતપ્રજ્ઞતા અને અનાસક્તિ જીવનમાં સિદ્ધ કરવાનો જાણે કે એમણે સતત, અંતિમ શ્વાસ લગી, પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે. એમનું જીવન જાણે કે પરિવર્તનશીલ સંસારના કેન્દ્રમાં ધ્રુવબિંદુ (still point of the turning world)ની શોધ જેવું છે. એટલે જ એમણે કહ્યું છે, ‘The more you change the more you be-come the same.’ (‘તમે જેમ જેમ વધુ ને વધુ પરિવર્તન પામો તેમ તેમ તમે વધુ ને વધુ સ્થિર બનો છો.’) ‘Why do I write poetry?’ (‘હું કવિતા શા માટે કરું છું?) એના જવાબમાં એમણે જણાવ્યું છે: ‘To make poems different from each other.’ (‘એક કાવ્ય બીજા કાવ્યથી કેવું જુદું હોય છે તે જાણવા જણાવવા’) એક અર્થમાં એમનાં કાવ્યો ભલે એકમેકથી જુદાં હોય પણ આ તો ‘નામરૂપ જૂજવાં’, બાકી ‘અંતે તો હેમનું હેમ હોયે!’ એમનું પ્રત્યેક કાવ્ય અન્ય કાવ્યના વિકલ્પ જેવું છે, વિરોધ જેવું હોય ત્યારે પણ. એટલે કે એમનાં સમગ્ર કાવ્યો એ એક સળંગ, અખંડિત, અસ્ખલિત કાવ્ય છે. આનું રહસ્ય એમની આ આત્મનિષ્ઠામાં, આત્મપ્રતિષ્ઠામાં, આત્મનિર્ભરતામાં, આત્મસભરતામાં છે. એથી જ એમણે એમર્સનનો ‘Self-Reliance’ના આદર્શનો વારસો અપનાવીને જીવનમાં અને કવનમાં વીરતાથી સિદ્ધ કર્યો છે, સાર્થક કર્યો છે. ૧૯૧૫માં હવે રૉબર્ટ ફ્રૉસ્ટ પ્રસિદ્ધ કવિ હતા. એક જ વર્ષમાં ‘A Boy’s Will’ અને ‘North of Boston’ની અમેરિકન આવૃત્તિ અમેરિકાના પ્રકાશક ‘હેન્રી હૉલ્ટ ઍન્ડ કંપની’એ ૧૯૧૫માં પ્રગટ કરી. ત્યાર પછી આ પ્રકાશન પેઢીએ જ રૉબર્ટ ફ્રૉસ્ટનો એકેએક કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો છે. કાવ્યવાચન માટેના આમંત્રણોનો આરંભ થયો. ભણેલા ગણેલા શ્રોતાઓ (town and gown audience) સમક્ષ આ અભણ ખેડૂતે જીવનભર જેટલી રસિકતા અને રમૂજથી કાવ્યવાચન કર્યું છે એટલું જગતમાં કોઈ કવિએ નથી કર્યું એમ કહીએ તો એમાં ભાગ્યે જ અતિશયોક્તિ હોય! હજારોની સંખ્યામાં શ્રોતાઓએ આ કવિનાં કાવ્યોનો અને એથીય વિશેષ તો એમના વિરલ વ્યક્તિત્વનો લહાવો લૂંટ્યો છે. ૧૯૩૬માં હાર્વર્ડમાં રૉબર્ટ ફ્રૉસ્ટે જ્યારે ચાર્લ્સ એલિયટ નોર્ટન વ્યાખ્યાનો આપ્યાં ત્યારે રાતના આઠ વાગ્યાનાં વ્યાખ્યાનો માટે બપોરના ચાર વાગ્યાથી કવિતારસિક સજ્જનો અને સન્નારીઓની પડાપડી થતી. કાવ્યવાચનની પોતાની આ પ્રવૃત્તિને તેઓ ‘barding around’ કહેતા. ૧૯૧૬માં ‘Mountain Interval’ ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ કાવ્યસંગ્રહ અત્યંત લોકપ્રિય ‘best-seller’ પુરવાર થયો. ૧૯૧૬માં રૉબર્ટ ફ્રૉસ્ટ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સનું સભ્યપદ પામ્યા. ૧૯૧૭થી ૧૯૨૦ એમહર્સ્ટ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. ૧૯૧૮માં એમહર્સ્ટ કૉલેજે સૌપ્રથમ માનદ્ ઉપાધિ રૉબર્ટ ફ્રૉસ્ટને અર્પણ કરી, એમ. એ.ની. ૧૯૨૧થી ૧૯૨૩ મિશિગન યુનિવર્સિટીમાં ‘પોએટ ઇન રેસિડન્સ’ નિમાયા. અમેરિકન યુનિવર્સિટીઓમાં પાછળથી પ્રચલિત થનાર કવિઓ માટેનું આ પદ, આ માન ત્યારે વિરલ હતું. ૧૯૨૨માં મિશિગન યુનિવર્સિટીએ એમ. એ.ની માનદ્ ઉપાધિ રૉબર્ટ ફ્રૉસ્ટને અર્પણ કરી. ૧૯૨૩માં ‘New Hampshire’ — ચોથો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૨૩થી ૧૯૨૫ એમહર્સ્ટ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. ૧૯૨૪માં ‘New Hampshire’ કાવ્યસંગ્રહ માટે રૉબર્ટ ફ્રૉસ્ટને Pulitzer Prize અર્પણ થયું. ૧૯૨૪માં યેઈલ યુનિવર્સિટીએ ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૨૫માં મિત્રોએ ન્યૂયૉર્કમાં કવિની ૫૦મી જન્મજયંતી ઊજવી. ૧૯૨૫થી ૧૯૨૬ મિશિગન યુનિવર્સિટીમાં સાહિત્યના ફૅલો નિમાયા. ૧૯૨૬થી ૧૯૩૮ એમહર્સ્ટ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. ૧૯૨૮માં ‘West — Running Brook’ પાંચમો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૨૮માં ઇંગ્લૅન્ડની અને પૅરિસની મુલાકાત લીધી. ૧૯૩૦માં કાવ્યસંગ્રહોનો પ્રથમ સંચય પ્રગટ થયો. ૧૯૩૦માં અમેરિકન એકેડેમી ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સનું સભ્યપદ પામ્યા. ૧૯૩૧માં સંચય માટે રૉબર્ટ ફ્રૉસ્ટને Pulitzer Prize બીજીવાર અર્પણ થયું. ૧૯૩૩માં ડાર્ટમાઉથ કૉલેજે ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૩૬માં ‘A Further Range.’ છઠ્ઠો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૩૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાર્લ્સ એલિયટ નૉર્ટન વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૩૭માં હાર્વર્ડ યુનિવર્સિટીએ એમ. એ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૩૭માં ‘A Further Range’ કાવ્યસંગ્રહ માટે રૉબર્ટ ફ્રૉસ્ટને Pulitzer Prize ત્રીજીવાર અર્પણ થયું. ૧૯૩૮માં હાર્વર્ડ યુનિવર્સિટીના બોર્ડ ઑફ ઓવરસીઅર્સમાં સભ્યપદ પામ્યા. ૧૯૩૯માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સે કવિતા માટેનો સુવર્ણચંદ્રક રૉબર્ટ ફ્રૉસ્ટને અર્પણ કર્યો. ૧૯૩૯થી ૧૯૪૨ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કવિતામાં એમર્સન ફેલો નિમાયા. ૧૯૪૨માં ‘A Witness Tree’ સાતમો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૪૩માં ‘A Witness Tree’ કાવ્યસંગ્રહ માટે રૉબર્ટ ફ્રૉસ્ટને Pulitzer Prize ચોથી વાર અર્પણ થયું. ૧૯૪૩થી ૧૯૪૯ ડાર્ટમાઉથ કૉલેજમાં હ્યુમાનીટીઝમાં ટીકનોર ફૅલો નિમાયા. ૧૯૪૫માં ‘A Masque of Reason’ આઠમો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૪૭માં ‘Steeple Bush’ નવમો કાવ્યસંગ્રહ અને ‘A Masque of Mercy’ દશમો કાવ્યસંગ્રહ પ્રગટ થયા. ૧૯૪૮માં એમહર્સ્ટ કૉલેજે ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૪૯માં એમહર્સ્ટ કૉલેજમાં સાહિત્યના સીમ્પ્સન અધ્યાપક નિમાયા. ૧૯૫૦માં ૭૫મી જન્મજયંતી પ્રસંગે અમેરિકાની સેનેટે સન્માન અને અભિનંદનનો ઠરાવ કર્યો. ૧૯૫૨માં ઇંગ્લૅન્ડની ડર્હામ યુનિવર્સિટીએ ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૫૨માં બ્રાઝિલ ખાતે વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ રાઇટર્સમાં પ્રતિનિધિત્વ ધરાવ્યું. ૧૯૫૪માં મિત્રો અને પ્રકાશકોએ ૮૦મી જન્મજયંતી ઊજવી. ૧૯૫૫માં ડાર્ટમાઉથ કૉલેજે ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરી. ૧૯૫૭માં ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ, કેમ્બ્રિજ અને આયર્લેન્ડની નૅશનલ યુનિવર્સિટીએ ડી. લિટ.ની માનદ્ ઉપાધિઓ અર્પણ કરી. એ પ્રસંગે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી. ૧૯૫૮માં લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં કવિતાના કન્સલ્ટન્ટ નિમાયા. ૧૯૫૯માં મિત્રો અને પ્રકાશકોએ ૮૫મી જન્મજયંતી ઊજવી. અને અમેરિકન સેનેટે સન્માન અને અભિનંદનનો ઠરાવ કર્યો. ૧૯૬૧માં કેનેડીના પ્રમુખપદે અમેરિકન સેનેટના ઉદ્ઘાટન પ્રસંગે ‘The Gift Outright’ રાષ્ટ્રપ્રેમના પ્રસિદ્ધ કાવ્યનું વાચન કર્યું. ૧૯૬૨માં ‘In the Clearing’ અગિયારમો ને અંતિમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૧માં પેલેસ્ટાઈનનો પ્રવાસ કર્યો. ૧૯૬૨માં રશિયાનો પ્રવાસ કર્યો. ૧૯૬૨માં રૉબર્ટ ફ્રૉસ્ટને Bollingen Prize અર્પણ થયું. ૧૯૬૩ના જાન્યુઆરીની ૨૯મીએ બૉસ્ટનમાં અવસાન થયું. આટલી વિગતોથી સ્પષ્ટ થાય છે કે ૧૯૧૫થી તે ૧૯૬૩માં મૃત્યુ લગી રૉબર્ટ ફ્રૉસ્ટ પ્રોફેસરી, પ્રકાશનો, વ્યાસપીઠો, માનદ્ ઉપાધિઓ, પારિતોષિકો, ચન્દ્રકો, ઠરાવો દ્વારા અમેરિકન પ્રજાનો પ્રેમ અને આદર પામ્યા. એટલે કે એક કવિ એમની પ્રજા પાસેથી વધુમાં વધુ જેટલો પ્રેમ અને આદર પામી શકે એટલો પ્રેમ અને આદર રૉબર્ટ ફ્રૉસ્ટ અમેરિકન પ્રજા પાસેથી પામ્યા. એમનો મિત્રસમુદાય એટલો વિશાળ હતો કે મિત્રોની મુલાકાતોને કારણે એ જે ખેતર પર રહે તે ખેતર બગીચો બની જતું. એટલે તો જેની પાસેથી એમણે એકવાર ખેતર વેચાતું લીધું તે અસલ ખેતરમાલિક બીજા ખેતરમાલિકોને મશ્કરીમાં કહેતો, ‘હવે તમે જ્યારે રૉબર્ટ ફ્રૉસ્ટને ખેતર વેચો ત્યારે તમારું ખેતર બગીચો ન બની જાય એવી શરતે વેચજો!’ આ કવિ તરીકેની રૉબર્ટ ફ્રૉસ્ટની સ્વીકૃતિ અને સદ્ધરતા તો સિદ્ધ થયા પણ રૉબર્ટ ફ્રોસ્ટ નામના મનુષ્યનું શું? એક મનુષ્ય તરીકેની સ્વીકૃતિ અને સદ્ધરતા રૉબર્ટ ફ્રૉસ્ટે જીવનભર એક સરલ નમ્ર પ્રમાણિક ખેડૂત તરીકે અને ખેતરો પર ખેતી કરીને કર્મયોગ દ્વારા સિદ્ધ કરી છે. એમાં રૉબર્ટ ફ્રૉસ્ટનું સ્વમાન છે. ૧૯૧૫માં ન્યૂ ઇંગ્લૅન્ડમાં જેવું પુનરાગમન કર્યું કે તરત જ ફ્રૅન્કોનિયા, ન્યૂ હેમ્પશાયરમાં ખેતર ખરીદ્યું ને ખેડ્યું. પછી ૧૯૧૯માં વરમોન્ટમાં સાઉથ શેફટ્સબરીમાં એમ એક પછી એક પાંચ ખેતરો ખરીદ્યાં અને ખેડ્યાં. આમ, ૧૯૧૫થી ૧૯૬૩માં મૃત્યુ લગી રૉબર્ટ ફ્રૉસ્ટે જીવનભર સતત શિક્ષણ અને ખેતીનું કાર્ય કર્યું. કદી કૃત્રિમ કેળવણી, કૃત્રિમ કાર્યક્રમો અને કાર્યપ્રણાલિ દ્વારા શિક્ષણનું કાર્ય ન કર્યું એથી એ એમની માર્મિક મશ્કરીમાં પોતાને ‘idle fellow’(એદી આળસુ અધ્યાપક) કહેતા અથવા તો ‘a sort of poetic radiator) (એક પ્રકારનો કાવ્ય પ્રકાશવાહક) કહેતા. વ્યાખ્યાનોની ન તો કદી નોંધ કરી કે ન તો કરવા દીધી. ટેઈપ પર પણ પ્રતિબંધ. ચાર્લ્સ એલિયટ નોર્ટન વ્યાખ્યાનોની પણ નોંધ નહિ. ક્યારેક અપવાદ રૂપે નોંધ કરે કે કરાવે. તો નોંધ પ્રસિદ્ધ ન કરે ને ન કરાવે. અતિઅલ્પસંખ્ય અપવાદ રૂપે પ્રસિદ્ધ કરે કે કરાવે. આવી એમની કેળવણીની ફિલસૂફી. આ વિશેના એમના વિચારો અને વિધાનો એક સ્વતંત્ર અભ્યાસના અધિકારી છે. પણ વિદ્યાર્થીઓ પ્રત્યે અને વિદ્યાર્થીકવિઓ પ્રત્યે એમનો પ્રેમ પારાવાર. આ પ્રેમ એમણે ‘What Fifty Said’ અને ‘A Minor Bird’ જેવાં કાવ્યોમાં પ્રગટ કર્યો છે. ૧૯૧૫ લગી એકલતાનો અતિરેક અને ૧૯૧૫ પછી એકાંતનો અભાવ એ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનનો વિચિત્ર વિરોધાભાસ છે. બાહ્યજગતમાં રૉબર્ટ ફ્રૉસ્ટ અમેરિકન પ્રજાનો પ્રેમ અને આદર પામ્યા ત્યારે આંતરજીવનમાં ચાર મૃત્યુઓને કારણે કરુણ અને ક્રૂર એવા એક પછી એક ચાર આઘાત પામ્યા. ૧૯૧૭માં મિત્ર ઍડવર્ડ ટૉમસનું, ૧૯૩૪માં પુત્રી માર્જરીનું, ૧૯૩૮માં ઈલીનોરનું અને ૧૯૪૦માં આત્મહત્યાથી પુત્ર કેરલનું મૃત્યુ થયું. તેમાં ૧૯૩૮માં માર્ચની ૨૦મીએ ૪૦ વર્ષના પરમ પવિત્ર અને પૂર્ણ દામ્પત્યજીવન પછી પત્ની ઈલીનોરનું મૃત્યુ એ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવનનો કરુણમાં કરુણ અનુભવ. એ અનુભવ એવો તો અસહ્ય હતો કે તાત્કાલિક તો કવિએ પણ પત્નીના વિરહમાં પ્રાણત્યાગ કરવાનો અનેકવાર વિચાર કર્યો. એમહર્સ્ટમાં સનસેટ એવન્યૂ પર જે ઘર સહજીવનનાં સ્મરણોથી હર્યુંભર્યું હતું તે ઘર રૉબર્ટ ફ્રૉસ્ટે તરત જ વેચ્યું. ૧૯૪૫ લગી કાવ્યવાચન ન કર્યું અને ૧૯૪૯ લગી શિક્ષણ અને સાહિત્યના જગતથી શક્ય એટલો અલિપ્ત એકાંતવાસ કર્યો. ‘I led a life estranged from myself’ (‘એવું જીવન જીવ્યો કે જાણે જાતથી પણ જુદો થયો.’) જીવનની આ કપરી અને કારમી કરુણતાનો રૉબર્ટ ફ્રૉસ્ટે જે સ્વસ્થતા અને સ્થિરતાથી સાહસભર્યો સામનો કર્યો એમાં એમના આધ્યાત્મિક બળનો પરિચય થાય છે. આ અનુભવનું કાવ્ય તે ‘I Could Give All to Time.’ એમાં અંતે કવિ ‘I could give all to Time except — except 
What I myself have held. But why declare 
The things for-bidden that while the 
 Customs slept 
I have crossed to Safety with? For I am There 
And what I would not part with I have kept.’ આમાં પ્રેમીઓના અનંતમિલનમાં અને મૃત્યુ પર, કાળ પર પ્રેમના વિજયમાં કવિની અંતિમ શ્રદ્ધા પ્રગટ થાય છે. પતિ-પત્ની વચ્ચેના અનેક સંવાદ કાવ્યોમાં અને ‘To Earth-ward’ જેવાં ઊર્મિકાવ્યમાં કે ‘The Master Speed’ જેવાં સૉનેટમાં ઈલીનોરનો પ્રેમ પ્રેરણારૂપ છે. રૉબર્ટ ફ્રૉસ્ટનું સમગ્ર જીવન અને કવન એ જાણે કે ઈલીનોરના પ્રેમની પાત્રતા માટેના મહાન પુરુષાર્થરૂપ છે. એમની કવિતા એ આ પ્રેમને એમની શ્રેષ્ઠ અંજલિ છે. કવિનું આથી વધુ સુંદર અર્પણ શું હોય? એથી જ રૉબર્ટ ફ્રૉસ્ટે ઈલીનોરના મૃત્યુ પછી કહ્યું છે ઃ ‘Elinor Frost is now more in my six books than she is anywhere else on earth.’ (‘હવે ઈલીનોરનું અસ્તિત્વ પૃથ્વી પર નથી એટલું મારા છ કાવ્યસંગ્રહોમાં છે.’) ૧૯૧૫થી ૧૯૬૩ લગી બાહ્યજગતમાં, રાજકીય, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં અનેક મહાન પ્રશ્નો અને પ્રસંગો વિશે રૉબર્ટ ફ્રૉસ્ટે ઉદાસીનતા અને ઉપેક્ષા પ્રગટી છે એવું વિધાન આ યુગના અનેક અગ્રણી વિવેચકો અને વિચારકોએ કર્યું છે. પણ રૉબર્ટ ફ્રૉસ્ટના જીવન અને કવન પર એક આછી નજર નાંખીએ તોપણ પ્રતીતિ થાય છે કે આ પ્રશ્નો અને પ્રસંગો વિશે રૉબર્ટ ફ્રૉસ્ટ કોઈથી યે ઓછા સભાન અને સચિંત નથી. પણ એમણે એ પ્રશ્નો અને પ્રસંગો વિશે એક પણ અંતિમ શબ્દ ઉચ્ચાર્યો નથી. કારણ કે શું પ્રકૃતિ કે શું પરમેશ્વર કે શું મનુષ્ય, કોઈને વિશેનું અંતિમ સત્ય પોતે સિદ્ધ કર્યું છે એવો ફાંકો કે ફિશિયારી એમનામાં નથી. અલબત્ત, એ સત્યની શોધ જીવનભર કરી છે. પ્રકૃતિ વિશે એમણે ભય અને શંકા અનુભવ્યાં છે એનો એકરાર એમણે ‘Stopping by Woods’ અને ‘Come In’ જેવાં કાવ્યોમાં કર્યો છે, મનુષ્ય વિશે એમણે ભય અને શંકા અનુભવ્યાં છે એનો એકરાર એમણે ‘The Lesson for Today’ જેવાં કાવ્યોમાં કર્યો છે. અને પરમેશ્વર વિશે પણ એમણે ભય અને શંકા અનુભવ્યાં છે એનો એકરાર એમણે ‘A Masque of Reason’ અને ‘A Masque of Mercy’ જેવાં કાવ્યોમાં કર્યો છે. ‘The Lesson for Today’ કાવ્યમાં કહ્યું છે ઃ ‘We can’t appraise the time in which we act.’ આ જ વિચારનું વિગતે ‘Everybody’s Sanity’ નામના નિબંધમાં ૧૯૩૬માં વિશ્લેષણ કર્યું છે. તો ‘One Step Backward Taken’ કાવ્યમાં એમ પણ કહ્યું છે ઃ ‘I felt my standpoint shaken 
In the universal crisis. 
But with one step backward taken 
I saved myself from going. 
A world torn loose went by me. 
Then the rain stopped and the blowing, 
And the sun came out to dry me.’ આથી રૉબર્ટ ફ્રૉસ્ટ પલાયન — પીછેહઠ–વાદી અને શંકાગ્રસ્ત મનોદશાના ભયભીત ભીરુ ભાગેડુ છે એવો આક્ષેપ અનેકવાર થયો છે. પણ આ આક્ષેપને રૉબર્ટ ફ્રૉસ્ટે ‘Acquainted with the Night’ કાવ્યમાં આહ્વાન આપ્યું છે ઃ ‘One luminary clock againt the sky 
Proclaimed the time was neither wrong 
 nor right. 
I have been one acquainted with the night.’ આ તેજસ્વી કાળયંત્ર તે રૉબર્ટ ફ્રૉસ્ટ સ્વયં. અને બે વિશ્વયુદ્ધો, બે વિશ્વયુદ્ધો વચ્ચેની વેદના, વર્તમાન શીતયુદ્ધ અને ભાવિ અણુયુદ્ધની શક્યતા તે આ રાત્રિ. આમ, આ રાત્રિનો પોતાને પરિચય છે પણ એ વિશે અંતિમ શબ્દ નહિ ઉચ્ચારવાનો, ખંડિત સત્ય અને ખંડિત દર્શન મનુષ્યજાતિ સમક્ષ નહિ પ્રગટાવવાનો પોતાને અધિકાર છે અને એ અધિકાર અનેક આક્ષેપો અને અણસમજો અને ગેરસમજોની વચ્ચે પણ એમણે ગૌરવપૂર્વક અકબંધ અને અનામત રાખ્યો છે. એ એમનું વ્યક્તિસ્વાતંત્ર્ય છે. અને જો મનુષ્યજીવનનું કોઈ મોટામાં મોટું મૂલ્ય હોય તો આ વ્યક્તિસ્વાતંત્ર્ય છે. આ એમનો મનુષ્યજાતિ સાથેનો કલહ છે, પણ પ્રેમનો કલહ છે. એટલે તો ‘The Lesson for Today’ની અંતિમ પંક્તિમાં એમણે કહ્યું છે ઃ ‘I had a lover’s quarrel with the world.’ અનેક હળવાગંભીર કાવ્યોમાં — જેમાં ‘Directive’ સર્વશ્રેષ્ઠ છે — ભૌતિક સિદ્ધિઓના આપણા યુગમાં રૉબર્ટ ફ્રૉસ્ટે મનુષ્યના આત્મામાં — પ્રકૃતિ, મનુષ્ય અને પરમેશ્વર પ્રત્યે ભય અને શંકા વ્યક્ત કર્યા છતાં — એમની અંતિમ શ્રદ્ધા અર્પણ કરી છે. ‘The Lesson for Today’ કાવ્યમાં કહે છે ઃ ‘The groundwork of all faith is human woe.’ રૉબર્ટ ફ્રૉસ્ટની આ શ્રદ્ધા મનુષ્યની વેદના પર પ્રતિષ્ઠિત છે. ‘A Masque of Reason’ કાવ્યમાં કહે છે ઃ ‘…My forte is truth, 
Or metaphysics, long the world’s reproach 
For standing still in one place true forever; 
While science goes self-superseding on.’ એક વાર એમની માર્મિક મશ્કરીમાં એમણે એમ કહ્યું હતું કે એમનું સૌથી પ્રિય સાહિત્યિક સામયિક છે ‘Scientific America.’ મનુષ્યનો આત્મા અમર છે એ એમની અચલ અને અંતિમ શ્રદ્ધા છે. માનવજીવનનું પારદર્શક દૃષ્ટિથી રૉબર્ટ ફ્રૉસ્ટે દર્શન કર્યું છે. આપણા યુગના વૈર અને હિંસાના અંધકાર પર એમણે એક ઋષિની આર્ષદૃષ્ટિનું શાંતશીતલ તેજ પાથર્યું છે. એમના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Directive’ (જેને વિશે અન્ય સંદર્ભમાં એમણે એમ કહ્યું હતું કે ‘There I rest my case’ — ‘મારી પરીક્ષા આ કાવ્યથી કરજો’ — તે)ની અંતિમ પંક્તિમાં એમના જીવનનો અને કવનનો સાર છે ઃ ‘Drink and be whole again beyond confusion.’ ‘પાન કરો ને પૂર્ણ થાઓ, પુન: પુન: પૂર્ણ થાઓ, તમસ (અને તામસ)ની પર જાઓ અને પૂર્ણ થાઓ.’ આ wisdom, આ આતમસૂઝ, આ પ્રકાશ, આ પૂર્ણતાનો મંત્ર એ રૉબર્ટ ફ્રૉસ્ટનું મનુષ્યજાતિને અમર વરદાન છે.

૧૯૬૩


*