સ્વાધ્યાયલોક—૮/દામુભાઈ


દામુભાઈ — એક વાતાવરણ

ત્યારે દામુભાઈ એક વાતાવરણ હતા, માત્ર વ્યક્તિ ન હતા. આજે સદ્ગત દામુભાઈ માત્ર વ્યક્તિ છે. ૧૯૩૫માં દામુભાઈએ એક નવી શાળાનો આરંભ કર્યો ત્યારે એનું નામ પાડ્યું નવચેતન હાઈસ્કૂલ. આજે એનું નામ છે દામુભાઈ શુક્લ માધ્યમિક શાળા. ૧૯૩૮થી ૧૯૪૪ લગી છ વર્ષ મારે આ શાળામાં ભણવાનું થયું, બારથી અઢારની કિશોરવયે આ વાતાવરણમાં વસવા-વિકસવાનું થયું એને આજે હું મારું સદ્ભાગ્ય સમજું છું. આજે છત્રીસ વર્ષ પછી એ વાતાવરણનું સ્મરણ કરું છું. આ સ્મરણ દ્વારા જ વ્યક્તિ દામુભાઈને હું મારી ઉત્તમ અંજલિ અર્પણ કરી શકું. આજે છત્રીસ વર્ષ પછી પણ એનું સ્મરણ કરી શકું, કૃતજ્ઞતા અને કૃતાર્થતાપૂર્વક એનું સ્મરણ કરી શકું એવું સુન્દર અને સમૃદ્ધ એ વાતાવરણ હતું. પૃથ્વીની બહાર જેમ એક વાતાવરણ વ્યાપી ગયું છે, શરીરની અંદર જેમ એક ચેતન વ્યાપી ગયું છે તેમ નવચેતનની અંદર અને બહાર દામુભાઈ વ્યાપી ગયા હતા. નવચેતન એથી સાચ્ચે જ નવચેતન હતી. દામુભાઈએ એમની વ્યક્તિતા લોપી-વિલોપીને નવચેતન અને એનું વાતાવરણ સર્જ્યું હતું. પોતે જાણે કે છે છે અને નથી નથી, જાણે કે સર્વત્ર છે અને છતાંય ક્યાંય નથી. ક્યાંય એમનો ભાર નહિ, બોજ નહિ, બધું જ હળવુંફૂલ. કશું જ બદ્ધ નહિ. બધું જ મુક્ત-મુક્ત. એવું એ વાતાવરણ હતું. શિક્ષક અને વિદ્યાર્થી જેમાં સંપૂર્ણપણે ફૂલીફાલી શકે એવું એ વાતાવરણ હતું. આ વાતાવરણમાં બારથી અઢારની વયના એક કિશોરે એની ભોળી ભોળી આંખથી જે જોયું, એના કાચા કાચા કાનથી જે સાંભળ્યું, એની કાલી-કાલી વાણીથી જે સંભળાવ્યું એનું અહીં સ્મરણ કરું છું. ૧૯૩૮માં હું નવચેતનમાં ત્રીજા ધોરણમાં દાખલ થયો. તે પૂર્વે ૧૯૩૬થી ૧૯૩૮ બે ધોરણ હું પ્રોપ્રાયટરીમાં ભણ્યો હતો. પણ ૧૯૩૮માં પ્રોપ્રાયટરી ત્રણ દરવાજાથી કાંકરિયા ખસી એટલે હું પ્રોપ્રાયટરીમાંથી નવચેતનમાં ખસ્યો. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની એક રાષ્ટ્રીય શાળા તરીકે અને દીવાનસાહેબ તથા બલ્લુભાઈની બે ઉત્તમ શિક્ષકો તરીકે ત્યારે અમદાવાદમાં — બલકે સારા ગુજરાતમાં ભારે અસાધારણ પ્રતિષ્ઠા હતી. આ શાળાનો અને આ શિક્ષકોનો આટઆટલો મહિમા હતો છતાં પ્રોપ્રાયટરીમાંથી હું ભાગ્યે જ કશું પામ્યો હતો, એનો મારી પર નહિવત્ પ્રભાવ હતો. સૌને ન્યાય ખાતર કહેવું જોઈએ કે એમાં દસ-બાર વર્ષની મારી વયની મર્યાદા જ જવાબદાર હતી. ગુજરાતમાં ઉત્તમ શિક્ષકોનાં કદી સુકવણાં પડ્યાં નથી. ગુજરાત ઉત્તમ શિક્ષકોથી હર્યુંભર્યું રહ્યું છે. ગુજરાત એના સાહિત્ય, સંસ્કૃતિ, સમાજસુધારો આદિ ક્ષેત્રોના કેટલાક મહાપુરુષોથી ઊજળું છે. એટલું જ એના કેટલાક ઉત્તમ શિક્ષકોથી પણ ઊજળું છે. જેમની સન્મુખ અને જેમનું સ્મરણ થાય ત્યારે એકાન્તમાં પણ માથું અને હૃદય બન્ને નમી જાય એવા સેંકડો શિક્ષકોને ચરણે અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય મારા જેવાં ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયું છે. ૧૮૨૫માં મુંબઈમાં ભરૂચના રણછોડદાસ ઝવેરી, ૧૮૨૬માં સુરતમાં દુર્ગારામ મહેતાજી અને ૧૮૪૮માં અમદાવાદમાં દલપતરામ કવિ — આ ત્રણ ઉત્તમ શિક્ષકોએ દોઢેક સદી પૂર્વે જ્યારથી ગુજરાતમાં શિક્ષણનો આરંભ કર્યો ત્યારથી ગુજરાતમાં દાયકે-દાયકે ઉત્તમ શિક્ષકોની પરંપરા રહી છે. દીવાનસાહેબ અને બલ્લુભાઈ આ પરંપરાના શિક્ષકો. આ સદીના બીજા-ત્રીજા દાયકામાં આ બે નામ એ ગુજરાતમાં શિક્ષણના પર્યાયરૂપ હતા. ૧૯૩૮માં પ્રોપ્રાયટરીમાંથી નવચેતનમાં દાખલ થયો ત્યારે મને દીવાનસાહેબ અને બલ્લુભાઈની પરંપરાના જ બે ઉત્તમ શિક્ષકોને ચરણે અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. દામુભાઈ શુક્લ અને નરેન્દ્ર દેસાઈ. આ સદીના ચોથા-પાંચમા દાયકામાં એમની પણ દીવાનસાહેબ અને બલ્લુભાઈ જેવી જ પ્રતિષ્ઠા હતી. આ બે શિક્ષકોને કારણે પછીથી મને કદી દીવાનસાહેબ અને બલ્લુભાઈની ખોટ સાલી નહિ. આ બે શિક્ષકોમાં અને એમની શાળામાં એ જ રાષ્ટ્રકારણ, એ જ આદર્શમયતા અને એ જ ભાવનાશીલતા — બલકે ભૌતિક, બૌદ્ધિક અને ભાવિક વાતાવરણ કંઈક વધુ મોકળું, વધુ મુક્ત અને વધુ મુલાયમ. પ્રોપ્રાયટરી બેલેન્ટાઇન હવેલીમાં. લંબચોરસ મકાન. ભોંયતળિયું ને બે માળ. સામસામી બે નાની બાજુ પર દાદર અને કાર્યાલય. સામસામી બે મોટી બાજુ પર સળંગ સાંકડી ગૅલેરી અને અનેક ખંડો, એમાં વર્ગો. વચમાં મોટો ચોક. મકાન બહુ વિશાળ, પણ બંધિયાર. જ્યારે નવચેતન કોચરબમાં ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમની બરાબર સામે સડકની ધારેધારે એક મોટા ખુલ્લા ખેતરમાં. એમાં છૂટાં છૂટાં ચાર નાનાંમોટાં મકાનો અને એક રમતગમતનું મોટું મેદાન. મુખ્ય મકાન ચોરસ. ભોંયતળિયું ને એક માળ. બન્નેમાં ચાર ખૂણે ચાર ખંડ અને વચમાં એક ખંડ. કુલ દસ ખંડ. ભોંયતળિયે અને પહેલે માળે અગ્નિખૂણે બે ખંડમાં ભોંયતળિયે શિક્ષકખંડ અને પહેલે માળે કાર્યાલય. બાકીના આઠ ખંડમાં વર્ગો. પૂર્વ-પશ્ચિમ દિશામાં બે દાદરા અને બે ગૅલેરી, ભોંય પર કપચી અને છત પર ટાઇલ્સ. બન્ને વચમાંના ખંડોમાં પ્રત્યેકમાં ભીંતમાં કબાટોમાં પુસ્તકાલય. દસે ખંડોમાં પ્રત્યેકમાં ચાર-ચાર બારીઓ અને ભોંયતળિયે અને પહેલે માળે ચાર ખૂણાના ચાર ખંડોમાં પ્રત્યેકમાં ત્રણ-ત્રણ બારણાં અને વચમાંના ખંડમાં પ્રત્યેકમાં છ છ બારણાં. આ મુખ્ય મકાનની પાસે જ અગ્નિખૂણે એક નાનો તબેલો. એમાં એક વર્ગ. ખેતરના ઈશાન ખૂણે સડકની ધારે-ધારે એક મોટી લંબચોરસ ચાલી. એમાં બે મોટી બાજુ પર બે ગૅલેરી. એમાં હારબંધ સાત ખંડ. એમાં સાત વર્ગો. મુખ્ય મકાનની બરાબર સામે પશ્ચિમ દિશામાં પચાસેક ફૂટ દૂર એક ચોરસ મકાન. એમાં ઉત્તર દિશામાં મોટો ખંડ, એમાં લેબોરેટરી. એમાં દક્ષિણ દિશામાં બે તબેલા, એમાં બે વર્ગો. લેબોરેટરીની પાછલી બાજુ પશ્ચિમ દિશામાં પાણીની ઓરડી. મુખ્ય મકાનના નૈઋત્ય ખૂણે શૌચાલય. ખેતરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સડકની ધારે-ધારે ખુલ્લામાં રમતગમતનું મોટું મેદાન. મુખ્ય મકાનની પાસે પૂર્વ દિશામાં બે અતિ વિશાળ વૃક્ષો. મુખ્ય મકાનથી લેબોરેટરી જતાં વચમાં ડાબે હાથે બે અતિ સુંદર વૃક્ષો. ખેતરની ચારે બાજુ થોરની વાડ. બધું જ ખુલ્લું-ખુલ્લું, સ્વચ્છ સ્વચ્છ, સુન્દર સુન્દર, બધે જ ઉજાસ ઉજાસ, હવા જ હવા. મુક્ત ઉજાસ, મુક્ત હવા અને આટલું ઓછું હોય તેમ શાળાની બરાબર સામે દક્ષિણ દિશામાં સડકની સામી ધારે-ધારે કોચરબમાં ગાંધીજીનો સત્યાગ્રહ આશ્રમ. ૧૯૩૫માં દામુભાઈ અને નરેન્દ્રભાઈએ શાળાનો આરંભ કર્યો ત્યારે શાળા કોચરબમાં આશ્રમની પછવાડે. ડાબે હાથે એક ભાડાના મકાનમાં મણિભવનમાં હતી. પછી ૧૯૩૭માં — અસલ જે લાલભાઈ બૅંકરનો બંગલો હતો તે — આ ભાડાના મકાનમાં ખસી હતી. દામુભાઈનો જન્મ ૧૯૦૩માં વીરપુરમાં. ત્રીજા ધોરણ લગીનો અભ્યાસ ભરૂચમાં. ચોથા ધોરણથી અમદાવાદમાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં. ત્યાંથી મૅટ્રિક થયા. ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી. એ. થયા. આરંભમાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. દામુભાઈને શિક્ષક તરીકે વધુ મોકળું, વધુ મુક્ત વાતાવરણ અનિવાર્ય લાગ્યું. એથી ૧૯૩૫માં એમણે અને નરેન્દ્રભાઈએ નવચેતનનો આરંભ કર્યો. દામુભાઈ અને નરેન્દ્રભાઈ આંતરબાહ્ય સમગ્ર વ્યક્તિત્વમાં એકમેકની પૂર્તિરૂપ હતા. દામુભાઈ હંમેશ ખાદીનાં કોટપાટલૂન પહેરે, ખાદીની ટાઈ પણ પહેરે, વળી માથે ખાદીની સોલો હૅટ પણ પહેરે. સાથે છત્રી અને બ્રીફકેઇસ હોય. સાઇકલ પર આવે. નરેન્દ્રભાઈ મોટે ભાગે ખાદીનાં કફની લેંઘો કે ધોતી પહેરે, ક્યારેક ખાદીની કાળી બંડી પણ પહેરે. માથું ઉઘાડું હોય. સાથે પુસ્તકો હોય. પગે ચાલીને આવે. દામુભાઈ યોગાભ્યાસી હતા. છતાં શરીરે કોમળ, સ્વભાવે ઋજુ. બોલે ત્યારે માથું વારેવારે જમણી બાજુ નમી જાય. હોઠ પર સદાય હાસ્ય. ક્યારેક અચાનક રોષમાં આવી જાય. પણ તે ક્ષણેક માટે જ. હાસ્યમાં છુપાયેલું અશ્રુ ક્યારેક છતું થાય. ક્યારેક એકલવાયા, ક્યારેક અમૂંઝવણમાં. લાંબા સમયથી વિધુર. નરેન્દ્રભાઈનાં નાનાં બહેન કુમુદબહેન શાળાના છઠ્ઠા ધોરણમાં એસ.ટી.સી.ના લેસન્સ આપવા આવે. ૧૯૩૯માં એમની સાથે લગ્ન થયાં. પછી કંઈક સ્વસ્થ. નરેન્દ્રભાઈ શરીરે દૃઢ, સ્વભાવે કઠોર. બોલે ત્યારે પણ ટટ્ટાર. સદાય ગંભીર. ક્યારેક ભૂલથી આછું હસી જાય, પણ તે ક્ષણેક માટે જ. ભીતરથી ભીના. કમળાદેવી - શિક્ષિકા - સાથે આંતરપ્રાન્તીય લગ્ન કર્યાં હતાં. સંપૂર્ણ આત્મવિશ્વાસની જ મૂર્તિ. દામુભાઈનો વિષય સાહિત્ય. નરેન્દ્રભાઈનો વિષય વિજ્ઞાન. બન્નેનાં વસ્ત્રો સ્વચ્છ, બન્નેના ઉચ્ચારો સ્પષ્ટ. મારું મોસાળ ખાડિયામાં લાખા પટેલની પોળમાં અને પિતાનું ઘર કાળુપુરમાં દોશીવાડાની પોળમાં. નાનાપણમાં હું નાગરો અને જૈનોની વચ્ચે ઊછર્યો હતો. નાગરોના સ્પષ્ટ ઉચ્ચારો કાનમાં વસી ગયા હતા અને જૈનોનાં સ્વચ્છ વસ્ત્રો આંખમાં વસી ગયાં હતાં. એથી આ બન્ને શિક્ષકોનાં વસ્ત્રો અને ઉચ્ચારોથી તરત જ અત્યંત પ્રભાવિત થયો હતો. શાળાનું ભૌતિક, બૌદ્ધિક અને ભાવિક વાતાવરણ ન’તો સરકારી શાળામાં હોય એવું કે ન’તો રાષ્ટ્રીય શાળામાં હોય એવું, બલકે બન્નેના સુભગ સંમિશ્રણ જેવું હતું. એમાં આંગ્લરાગ પણ ન હતો ને આંગ્લદ્વેષ પણ ન હતો. એમાં બે સંસ્કૃતિઓનો સંગમ હતો, પૂર્વ અને પશ્ચિમનું મિલન હતું. અન્ય શબ્દોમાં કહેવું હોય તો એ અસહકાર યુગનું નહિ, પણ સમન્વય યુગનું વાતાવરણ હતું, ઉદારમતવાદનું વાતાવરણ હતું. ગૂજરાત વિદ્યાપીઠનું નહિ પણ શાંતિનિકેતનનું વાતાવરણ હતું. એથી જ એ અન્યત્ર હોય એથી વધુ મોકળું, વધુ મુક્ત અને વધુ મુલાયમ હતું. જેટલા પ્રેમ અને આદરથી સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવતો હતો એટલા જ પ્રેમ અને આદરથી ફ્રેન્ચ, અંગ્રેજી, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ અને ભારતનું રાજ્યબંધારણ ભણાવવામાં આવતું હતું. બે પ્રસંગોમાં આ વાતાવરણ અને દામુભાઈનું વ્યક્તિત્વ આબાદ વ્યક્ત થાય છે. અમુભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક છતાં શાળામાં શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા અને નરેન્દ્રભાઈ શાળાના હેડમાસ્તરપદે નિયુક્ત થવાના હતા. ઇન્સ્પેક્શન થયું પછી સરકારનો રિપોર્ટ આવ્યો. અમુભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક છે માટે શાળામાં શિક્ષક તરીકે નિયુક્ત થવા ન જોઈએ અને નરેન્દ્રભાઈ વયમાં નાના છે માટે શાળાના હેડમાસ્તરપદે નિયુક્ત ન થવા જોઈએ. દામુભાઈનો આ પ્રતિભાવ-પ્રતિકાર હતો : જ્યાં લગી નવચેતન હશે ત્યાં લગી એમાં અમુભાઈ શિક્ષક હશે જ અને નરેન્દ્રભાઈ હેડમાસ્તર હશે જ. સરકારને ગ્રાન્ટ આપવી હોય તો આપે અને ન આપવી હોય તો ન આપે! હું પાંચમા ધોરણમાં હતો અને ઇન્સ્પેકશન થયું, દામુભાઈ ઇન્સ્પેક્ટરની સાથે વર્ગમાં આવ્યા. ઇન્સ્પેક્ટરે — નામ શાસ્ત્રી હતું — ઍલ્જિબ્રાનો એક દાખલો પાટિયા પર લખ્યો અને એ દાખલો ગણી આપવા આમંત્રણ આપ્યું. મેં દાખલો ગણી આપ્યો. પછી એમણે પૂછ્યું, ‘બીજી કોઈ રીત છે?’ મેં બીજી રીતથી પણ એ દાખલો ગણી આપ્યો અને પછી કહ્યું, ‘ત્રીજી રીત પણ છે.’ એમણે કહ્યું, ‘નથી.’ મેં કહ્યું, ‘છે.’ અને ત્રીજી રીતથી પણ એ દાખલો ગણી આપ્યો. ઇન્સ્પેક્ટર કંઈક અપમાનિત થયા એવું દામુભાઈને લાગ્યું, પણ અવાક્ રહ્યા. પછીથી મને એકલાને ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું, ‘ભવિષ્યમાં આવું નહિ કરવાનું.’ નરેન્દ્રભાઈ — ઉપરાંત પટેલ સાહેબ, ત્રિવેદી સાહેબ, બુદ્ધિભાઈ — મૅથેમૅટિક્સ અને ફીઝિક્સ–કૅમિસ્ટ્રી ભણાવતા હતા, એકે-એક વિદ્યાર્થીને બધું બરોબર સમજાય ત્યાં લગી પ્રેમ અને પરિશ્રમથી ભણાવતા હતા. મૅથેમૅટિક્સમાં મને એટલી સમજ કે યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં ઍલ્જિબ્રા અને જૉમેટ્રી બન્નેના પ્રશ્નપત્રોમાં બાર બાર સવાલોમાંથી કોઈ પણ છ સવાલના જવાબ આપવાની અને બસોમાંથી બસો માર્ક્સ મેળવવાની મહત્ત્વાકાંક્ષા હતી. ઍલ્જિબ્રામાં તો ચારપાંચ વર્ષમાં ચાર પાંચ હજાર જેટલા મનોયત્નો કર્યા હતા. પણ ટ્રિગોનોમેટ્રીમાં લૉગ્રિથમ ટેબલ્સ જોવાનું મૅટ્રિકના વર્ષમાં આરંભમાં ભણ્યો પછી હવે તો હંમેશ માટે આવડી જ ગયું છે એમ માનીને જ્યારે-જ્યારે વર્ગમાં મનોયત્નો કરવાના હોય ત્યારે બાજુના વિદ્યાર્થીને ટેબલ્સના આંકડા પૂછીને મનોયત્નો કરવાની કુટેવ. પછી મૅટ્રિકની પરીક્ષામાં જૉમેટ્રીના પ્રશ્નપત્રમાં ટ્રિગોનોમેટ્રીનો સવાલ ફરજિયાત. એમાં મનોયત્નમાં વૃક્ષનો પડછાયો અને પૃથ્વીથી એની ઊંચાઈનો ખૂણો — આ બન્નેના માપ પરથી વૃક્ષની ઊંચાઈનું માપ ગણવાનું હતું. ટેબલ્સ જોયાં, ગણ્યું, જવાબ આવે –૧૨ ફૂટ. આ તો ઊર્ધ્વમૂલમ્ એવું ગીતાનું વૃક્ષ થયું. તરત સમજાયું કે જવાબ ખોટો છે. ટેબલ્સ જોવાનું ત્યાં લગીમાં ભૂલી ગયો હતો અને પરીક્ષામાં બાજુના વિદ્યાર્થીને પુછાય નહિ. એક કલાક ગડમથલમાં ગયો. હવે બાકીના બે કલાકમાં બીજા પાંચ સવાલના જવાબ આપવાના હતા. વધુ પ્રયત્ન ન કર્યો. ઉતાવળમાં એક સવાલમાં લીટીનું માપ લખવાનું હતું તે રહી ગયું. એથી ઍલ્જિબ્રામાં તો સોમાંથી સો માર્ક્સ હતા પણ જૉમેટ્રીમાં છ માર્ક્સ ગયા. મૅથેમૅટિક્સમાં બસોમાંથી એકસો ચોરાણું માર્ક્સ મળ્યા, બસોમાંથી બસો માર્ક્સ ન મળ્યા. એમાં મારા વધુ પડતા આત્મવિશ્વાસની સિદ્ધિ હતી. એમાં શિક્ષકોની અસિદ્ધિ ન હતી. રણધીરજી હિન્દી ભણાવતા હતા. હિન્દી કાવ્યો પરનાં એમનાં વ્યાખ્યાનોનું ગદ્ય એ કાવ્યો જેટલું જ — બલકે એ કાવ્યોથી પણ ક્યારેક વધુ કાવ્યમય હોય. હિંદીમાં એટલો રસ કે પ્રસાદ, મહાદેવી, નિરાલા આદિનાં કાવ્યો સ્વપ્રયત્નથી વાંચી ગયો હતો. રણધીરજીની સહાયથી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાની એક કોવિદની અંતિમ પરીક્ષા સિવાયની સૌ પરીક્ષાઓ સફળતાપૂર્વક આપી હતી. સુખડિયા સાહેબ ફ્રેન્ચ ભણાવતા હતા. ફ્રેન્ચ કવિતાનું સ્વતંત્ર પાઠ્યપુસ્તક ‘A Little Book of French Verse’ એમણે એવા રસથી ભણાવ્યું હતું કે મારું નિવાસસ્થાન એલિસ પુલ પાસે ચંદનભવન, માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય તદ્દન નિકટ, પુસ્તકાલયમાંથી ફ્રેન્ચ કવિતાના દ્વિભાષી સંચયોમાંથી અનેક ફ્રેન્ચ કાવ્યો — સવિશેષ ૧૯મી સદીના આરંભના રોમૅન્ટિક ફ્રેન્ચ કવિઓ શેનીએ, હ્યુગો, વિન્યી, મ્યુસે અને લામાર્તિનનાં કાવ્યો સ્વપ્રયત્ને વાંચી ગયો હતો. ફર્નાન્ડિઝ પુલ નીચેથી અને સાંકડીશેરીને નાકેથી જૂનાં પુસ્તકોની દુકાનોમાંથી શક્ય એટલાં ફ્રેન્ચ વ્યાકરણ અને સાહિત્યનાં પુસ્તકો ખરીદીને સોએક જેટલાં પુસ્તકોની અંગત લાઇબ્રેરી પણ વસાવી હતી. કાકા લંડન ગયા હતા એથી નાનપણથી લંડન જવાનું સ્વપ્ન હતું. હવે પૅરિસ જવાનું પણ એવું જ સ્વપ્ન હતું. ૧૯૪૨–૪૩ના વર્ષમાં હવે પછી જોઈશું તેમ શાળાની બહાર સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો હતો એથી ૧૯૪૩–૪૪માં મૅટ્રિકના વર્ષમાં શાળામાં વર્ગમાં ફ્રેન્ચનો અભ્યાસક્રમ અને વર્ગની બહાર સ્વપ્રયત્નથી અને દામુભાઈ તથા જાનીસાહેબની સહાયથી સંસ્કૃતનો અભ્યાસક્રમ એમ બન્ને અભ્યાસક્રમો તૈયાર કર્યા હતા. અને અંતે ફ્રેન્ચની પરીક્ષામાં નેવું માર્ક્સ આવે પણ સંસ્કૃતની પરીક્ષામાં કદાચ બાણું ચોરાણું માર્ક્સ આવે એથી બેચાર વધુ માર્ક્સ મેળવવાની આશાએ ૧૯૪૪માં મૅટ્રિકની પરીક્ષામાં અંતે સંસ્કૃતની પરીક્ષા આપી હતી. દામુભાઈ અને જાનીસાહેબ અંગ્રેજી ભણાવતા હતા. દામુભાઈ Wren and Martinનું ‘English Grammar and Composition’ તથા જાનીસાહેબ ‘Gleanings from English Literature’ તથા મૅટ્રિકનું ‘Selection’ ઉપરાંત વિશેષવાચનમાં Jane Austenની નવલકથા ‘Pride and Prejudice’ તથા Tennysonનું કાવ્ય ‘Lancelot and Elaine’ ભણાવતા હતા. આ નવલકથા-કવિતા ઉપરાંત A. G. Gar-dinerનો નિબંધ ‘All about a Dog’ અને Walter de la Mareનું કાવ્ય ‘Silver’ — આટલું ચિત્ત પર અંકિત થયું હતું. લંડન જવાનું સ્વપ્ન હતું છતાં શેક્્સ્પિયર સુધ્ધાં કોઈ અંગ્રેજ કવિનું નામ ચિત્તમાં અંકિત થયું ન હતું. પણ અંગ્રેજીના અભ્યાસને કારણે એક મધુર અકસ્માત થયો હતો. ૧૯૪૧માં રવીન્દ્રનાથનું અવસાન થયું ત્યારે ‘Gitanjali’ વાંચી ગયો. અનિવર્ચનીય હતો એ અનુભવ. મેં પણ અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચ્યાં — બલકે મારાથી રચાઈ ગયાં. દામુભાઈને વંચાવ્યાં. એમણે કહ્યું, ‘તારું અંગ્રેજી સાચું છે. તારું કાવ્ય સાચું છે કે કાચું તે હું ન કહી શકું. આ કાવ્યો કોઈ અંગ્રેજી સામયિકના તંત્રીને મોકલી આપ!’ એમાંથી પાંચ કાવ્યો બેંગલોર ‘Triveni’ ત્રૈમાસિકના તંત્રીને મોકલી આપ્યાં. એમણે એમાંથી એક કાવ્ય પ્રોત્સાહન રૂપે પ્રગટ કર્યું. અને અંગત પત્રમાં મને અભિનંદન પાઠવ્યાં, પણ તે સુંદર અક્ષરો માટે, કાવ્ય માટે નહિ. પછી ક્યાંક વાંચ્યું કે રવીન્દ્રનાથનાં મૂળ બંગાળી કાવ્યો અંગ્રેજી અનુવાદોથી અનેકગણાં મધુરસુન્દર છે. એ કાવ્યો વાંચવા સ્વપ્રયત્નથી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં બંગાળીનો અભ્યાસ કર્યો. તરત બે કાવ્યો બંગાળીમાં રચવાનું બીજું સાહસ કર્યું — બલકે થયું. પછી ક્યાંક વાંચ્યું કે પરભાષામાં કવિતા ન કરવી, અશક્યવત્ છે. ત્યાં ૧૯૪૩માં એક દિવસ વર્ગમાં સહાધ્યાયિની સુધા લાખિયાએ એના સુમધુર કંઠે કેશવનું ‘મારી નાડ તમારે હાથ’ ગાયું એની અદ્ભુત અસરનો અનુભવ થયો પછી ગુજરાતીમાં કવિતા રચવાનું સૂઝ્યું હતું. પણ ત્યાં લગીમાં તો અમુભાઈએ એમની અસાધારણ પ્રતિભાથી, એમની જાદુઈ શક્તિથી અમારે માટે સાહિત્યની એક અજાયબ સૃષ્ટિનું ઉદ્ઘાટન કર્યું હતું. અમુભાઈ ગુજરાતી અને ઇતિહાસ ભણાવતા હતા. અમુભાઈ ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતીના સ્નાતક, પાઠકસાહેબના વિદ્યાર્થી અને સુન્દરમ્‌ના સહાધ્યાયી. પોતે કાવ્યો રચે. પણ એથીયે વિશેષ તો એ વિદ્યાર્થીઓને કાવ્યો રચવા પ્રેરે. એમણે ‘સાહિત્યરત્ન’, ‘ગદ્યપદ્યસંગ્રહ’ આદિ પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ તો ભણાવ્યો જ. પણ સાથે-સાથે શરદબાબુ અને મુનશીની નવલકથાઓ પણ વર્ગમાં વાંચી હતી. પણ સૌથી વિશેષ તો એમણે કાન્તના ‘પૂર્વાલાપ’નું સાદ્યંત પઠન કર્યું હતું અને એવાં કાવ્યોની સહાયથી અમને પિંગળ ભણાવ્યું હતું. ભાવવાહી પઠન, મધુર કંઠ, સ્પષ્ટ ઉચ્ચાર — ક્યારેક તો આંખ ભીની થાય, પોતાની અને વિદ્યાર્થીઓની — એવું ભાવવાહી પઠન. આ જ સમયમાં બાલાશંકરનો કાવ્યસંગ્રહ ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયો હતો. મેં સ્વપ્રયત્નથી એનું પઠન કર્યું હતું. ત્રિવેદીસાહેબ ભાવનગરના. એમણે પ્રહ્લાદનો કાવ્યસંગ્રહ ‘બારી બહાર’ મને ભેટ આપ્યો હતો. એનું પણ સ્વપ્રયત્નથી પઠન કર્યું હતું. સુન્દરમ્‌-ઉમાશંકરના સૌ કાવ્યસંગ્રહોનું એકેએક કાવ્ય સમજું ન સમજું છતાં — બલકે એથી જ મારે માટે અમોઘ આકર્ષણરૂપ અને આહ્વાનરૂપ હતું. ૧૯૪૨નો સમય હતો એથી મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘યુગવન્દના’ લગભગ આખો કંઠસ્થ હતો. એનાં કેટલાંક કાવ્યોનું આવડે એવું ગાન પણ કર્યું હતું. છઠ્ઠા ધોરણની વાર્ષિક પરીક્ષામાં ‘ગરીબાઈ’ પર નિબંધ હતો તે આખો રેખતામાં લખ્યો હતો. ન્હાનાલાલનાં કેટલાંક કાવ્યો- નાટકોનું પણ સ્વપ્રયત્નથી પઠન કર્યું હતું. ડોલનમાં એના કેટલાક સંવાદો પણ કંઠસ્થ કર્યા હતા. ૧૯૪૩માં એક સાંજે સહાધ્યાયી પરમ મિત્ર બિપિનના ઘર — ૪૦, પ્રીતમનગર–ના કમ્પાઉન્ડમાં ફુવારાની પાળ પર ‘મારી પાંપણને પલકારે’ ગીત રચ્યું એ મારો પ્રથમ પ્રકાશનયોગ્ય કાવ્યપ્રયત્ન હતો. આ છ વર્ષોમાં ગુજરાતના અગ્રણી કવિઓમાંથી સુન્દરમ્‌ અને ઝીણાભાઈ શાળામાં અતિથિ તરીકે આવ્યા હતા. સુન્દરમ્‌ અમુભાઈને કારણે જ અને ઝીણાભાઈ દામુભાઈને કારણે. એક સાંજે સુન્દરમે મુખ્ય મકાનથી લેબોરેટરી જતાં વચમાં ડાબે હાથે જે બે અતિ સુંદર વૃક્ષો હતાં એની છાયામાં વ્યાખ્યાન કર્યું હતું. મુખ્યત્વે એ વૃક્ષયુગલ જ એમના વ્યાખ્યાનનો વિષય બની ગયો હતો. એની જ છાયામાં પછીથી દામુભાઈએ થોડાક મહિના જેમને ‘ગીતા’માં રસ હોય એવાં વિદ્યાર્થીઓ સમક્ષ ‘ગીતા’ પર વ્યાખ્યાનો આપીને અમારું વિદ્યાર્થીઓનું એક નાનકડું ઉપનિષદ્ જ રચ્યું હતું. એક સાંજે ઝીણાભાઈએ મુખ્ય મકાનના પહેલે માળે વચલા ખંડમાં વર્ગમાં વ્યાખ્યાન કર્યું હતું. પછી મુખ્ય મકાનના દાદર પાસે દામુભાઈએ એમને મારો પરિચય કરાવ્યો. બેત્રણ મિનિટ ઝીણાભાઈએ મારી સાથે સંવાદ કર્યો અને દામુભાઈને કહ્યું, ‘દામુભાઈ, મને તમારી અદેખાઈ થાય છે. મારે તમારી પાસેથી બીજું કંઈ ન જોઈએ. એક આ વિદ્યાર્થી મને આપી દો અને મને પાપમુક્ત કરો. પછી મને કદી તમારી અદેખાઈ નહિ થાય.’ કાકા વિલાયત ગયા હતા અને બૅરિસ્ટર થયા હતા. એમના અવસાન પછી એમનાં કીમતી વિલાયતી કપડાંમાંથી મારા માપનાં કપડાં કરાવીને મને નાનપણમાં પહેરાવવામાં આવ્યાં હતાં. એથી જ્યારે ત્રીજા ધોરણમાં દાખલ થયો ત્યારે નિશાળમાં મોટે ભાગે રંગીન સૂટ પહેરીને જતો હતો, પુલઓવર પણ મુંબઈ ક્રાફર્ડ માર્કેટમાંથી લાવ્યો હતો એ પહેરીને જતો હતો. આરંભમાં મિત્રો — લલિત, સુબોધ, અનિલ, નવીન, મહેશ, રજની આદિ થયા તેમાં આ પ્રકારની ભૂમિકાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. પ્રિય રમત પણ ક્રિકેટ. ચોથા-પાંચમા ધોરણમાં શાળાની ટીમમાં એક મૈત્રી-મૅચ પણ આર. સી, હાઈસ્કૂલના મેદાન પર રમ્યો હતો. પણ ક્રિકેટ રમવાથી વિશેષ રસ ક્રિકેટ જોવામાં હતો. અવારનવાર દેશી-પરદેશી ક્રિકેટ ટીમો વચ્ચેની ટેસ્ટ-મૅચો જોવા મુંબઈ જતો હતો. ચોથા ધોરણમાં બીજી ભાષા તરીકે ફ્રેન્ચની પસંદગીમાં પણ આ જ પરંપરા. પણ ક્રમેક્રમે ઉત્તરોત્તર એમાં અન્ય પરંપરાની પૂર્તિ થતી રહી હતી, મિત્રોમાં પણ વૃદ્ધિ થતી રહી હતી. હવે વધુ મિત્રો — ઘનશ્યામ, અશોક, અમૃત, કૃષ્ણકાન્ત, બિપિન, ઈશ્વર આદિ થયા હતા, એમાં નરેન્દ્રભાઈના નાનાભાઈ બિપિન દેસાઈ અને ઈશ્વર પટેલ સાથેની મૈત્રી સૌથી વધુ અંગત અને આત્મીય. ઈશ્વર કાવ્યો પણ રચે, મારાથી વધુ સારાં કાવ્યો રચે. ૧૯૪૩–૪૪માં મૅટ્રિકના વર્ષમાં અમે ત્રણે મિત્રો બિપિનને ઘરે આખું વર્ષ રોજ રાતે સાથે વાંચતા હતા. બિપિનના પિતાજી કૃષ્ણલાલ ચાચા અને ઈશ્વરના પિતાજી દેત્રોજના મગનભાઈ વર્ષોથી કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા હતા. બન્ને મિત્રો ખાદી પહેરે. હું પણ હવે નિશાળામાં ખાદીનું ધોળું ખમીસ અને મોટે ભાગે અરધું ભૂરું પાટલૂન પહેરીને જતો હતો. અને ઘરે કાંતતો હતો. શાળામાં કાંતણ કે ફાંતણ કશું ફરજિયાત તો હતું જ નહિ. અમે ત્રણે મિત્રો ૧૯૪૧ના ડિસેમ્બરમાં કૉંગ્રેસ કારોબારીની બેઠક બારડોલીમાં હતી ત્યારે બારડોલી ગયા હતા અને આશ્રમમાં ત્રણ દિવસ રહ્યા હતા. અહીં ગાંધીજી અને જવાહરલાલજી, રાજાજી અને વલ્લભભાઈ, આઝાદ અને કૃપલાની, સરોજિનીદેવી અને અરુણા આદિ અનેક નેતાઓનું પ્રથમ વાર નિકટથી દર્શન કર્યું હતું. ત્રણે દિવસ ગાંધીજીની સાંજની પ્રાર્થનામાં ગયા હતા. પછી ૧૯૪૨ના ઑગસ્ટની ૯મીએ સવારે લૉ કૉલેજ પરના સરઘસમાં શાળામાંથી સીધો જ ઘરે કહ્યા વિના જ ગયો હતો. મોડો પડ્યો હતો. સરઘસ નીકળી ચૂક્યું હતું. સામેથી આવતું હતું એથી એમાં મોખરે જોડાયો હતો અને ગુજરાત કૉલેજ પાસે લાઠીમારમાં હાડકું ભાંગીને જીવતો ઘરે પાછો આવ્યો હતો. પછી તરત જ સમજાયું કે જેલમાં જવા માટે કૌટુંબિક પરિસ્થિતિ અનુકૂળ નથી. વળી ૧૯૪૨–૪૩નું વર્ષ મારું મૅટ્રિકનું વર્ષ હતું. છતાં અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. શાળામાં અનેક વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો હતો. જે ભારતવાસીને સંસ્કૃતનું જ્ઞાન ન હોય એની સંસ્કારિતા અપૂર્ણ છે એવું કંઈક ગાંધીજીનું વચન ક્યાંક વાંચ્યું હતું એનું સ્મરણ થયું એથી આખું વર્ષ ગાંધીજીના અંતેવાસી અને ‘ભારતપારિજાતમ્’ સંસ્કૃત કાવ્યના રચયિતા સ્વામી ભગવદાચાર્યની સહાયથી અને સ્વપ્રયત્નથી એમના પાલડીના નિવાસસ્થાને સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્ય રૂપે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. મારો એક સહાધ્યાયી મિત્ર મધુકર. એને ત્યારે સામ્યવાદનું આકર્ષણ હતું. હું પણ એના આગ્રહથી, એને દુઃખ ન થાય માટે જ, એની સાથે એકાદ વાર પક્ષના કાર્યાલય પર ગયો હતો. પણ મને ક્યારેય ગાંધીવાદ કે સામ્યવાદ, કોઈ વાદ કે વિચારધારાનું વાદ કે વિચારધારા તરીકે આકર્ષણ થયું ન હતું. માત્ર રાષ્ટ્રના વ્યાપક વાતાવરણનો અને શાળાના વિશિષ્ટ વાતાવરણનો ત્યારે તત્કાલીન પ્રભાવ મારી પર હતો એટલું જ. આ મિત્રને સામ્યવાદી પક્ષના સક્રિય સભ્યોનાં વ્યાખ્યાનો શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ યોજવાની ઇચ્છા હતી. દામુભાઈએ એ માટે એને અનુમતિ આપી હતી. એમાં દામુભાઈની ઉદારતા, રાજકીય ઉદારતા હતી. એમાં એમનો વ્યાપક ઉદારમતવાદ હતો. અન્ય શિક્ષકો રમણભાઈ, દિવેટિયાસાહેબ, રણછોડભાઈ અને જાનીસાહેબ અનુક્રમે ભૂગોળ, રાજ્યબંધારણ, વ્યાયામ અને ડ્રૉઇંગ ભણાવતા હતા. શાળામાં વ્યાયામના વર્ગ સિવાય અન્ય કોઈ સ્થળે કે સમયે મેં કદી વ્યાયામ કર્યો ન હતો. વ્યાયામમાં મૂળથી જ રસ નહિ. મારે શરીર છે એવું ખાસ ભાન–માંદગી સુધ્ધાંમાં — પણ ન હતું. છતાં રણછોડભાઈ જ્યારે કસરત કરાવે કે રમત રમાડે ત્યારે કદી થાક કે કંટાળાનો અનુભવ થયો ન હતો. બલકે, કસરત અને રમત પણ કવિતા જેવી રસિક હોય એવો ગ્રીક અનુભવ થયો હતો. નાનપણથી જ સુન્દર અક્ષરો માટે આકર્ષણ અને આગ્રહ. સુન્દર અક્ષરો માટે યશ મને નહિ, મારી માતાને ઘટે. એણે આરંભથી જ સુન્દર અક્ષરો ઘુંટાવ્યા હતા. કાળુપુર શાળા નંબર ૧–પ્રાથમિક શાળામાં હતો ત્યારે કિત્તાથી કૉપીબૂકમાં અક્ષરો ઘૂંટતો હતો અને વીસમાંથી વીસ માર્કસ લૂંટતો હતો. પ્રોપ્રાયટરીમાં હતો ત્યારે શાળાની સામે જ કીકાભાઈ મુલ્લાની સ્ટેશનરીની દુકાન. એમાં અક્ષરકળા અને ચિત્રકળા માટેની સુન્દર સામગ્રી હોય. એમાંથી ૦૯ <D>સ્ટીલ, કૅમલ હૅરનો બ્રશ, વિન્ડસર ઍન્ડ ન્યૂટનના રંગો આદિની સહાયથી અક્ષરકળા અને ચિત્રકળા માટેનો પ્રેમ પ્રગટ થયો હતો. હવે ભવિષ્યમાં મુંબઈ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટોમાં નામાક્ષરો લખવાની લહિયા તરીકેની કામગીરી બજાવવાની મહત્ત્વાકાંક્ષા હતી. એ માટે યોગ્યતા પ્રાપ્ત કરવા મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કરવાની ઇચ્છા હતી. એથી એમાં પ્રવેશ માટે આવશ્યક એવી ઍલીમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની બે પરીક્ષાઓ જાનીસાહેબની સહાયથી પાસ કરી હતી. શાળાના વાર્ષિકોત્સવ માટે પ્રત્યેક વર્ષે નાટક, રાસ, ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. એ માટે શાળાના મેદાનમાં જ એક મોટો રંગમંચ રચવામાં આવતો હતો. નાટકમાં સ્ત્રી પાત્રો વિદ્યાર્થિનીઓ જ ભજવતી હતી. આ સમયમાં વિદ્યાર્થિનીઓને આટલી સ્વતંત્રતા અસામાન્ય ગણાય. એક વર્ષે ‘રાઈનો પર્વત’ ભજવ્યું હતું. એક વર્ષે દ્વિજેન્દ્રલાલનું ‘શાહજહાન’ પણ ભજવ્યું હતું. ક્યારેક અમુભાઈ પણ સંવાદો રચતા હતા અને વિદ્યાર્થીઓ ભજવતા હતા. કંઠ્ય અને વાદ્ય સંગીત પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્વાવલંબનથી રચતાં હતાં. મને સંગીતમાં કદી રસ ન હતોપણ મૅટ્રિકના વર્ષમાં ગરબાના કાર્યક્રમ માટે મેં એક ગીત રચ્યું હતું. શાળામાં સહશિક્ષણ સાચા અર્થમાં સહશિક્ષણ હતું. વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓ વચ્ચે સહજ, સરલ, સ્વાભાવિક મૈત્રીસંબંધ શક્ય હતો. નલિની, સુશીલા, સુમિત્રા, વિદ્યા, સુધા — આટલાં નામનું તો તરત સ્મરણ થાય છે. આ વિષયમાં કોઈ રોકટોક નહિ, કોઈ વેરઝેર નહિ, કોઈ ચાડીચૂગલી નહિ, કોઈ બદનામી-બેઆબરૂ નહિ. શિક્ષકોમાં કોઈ સૂગાળવાપણું કે ચોખલિયાપણું નહિ. જેનું નામ ન પાડી શકાય એવો મુગ્ધ આ મૈત્રીસંબંધ હતો. આવી મૈત્રી વિશે મેં એક અપૂર્ણ સૉનેટમાલા રચી હતી. નવચેતનમાંથી વિદાય થયો તે પૂર્વે સુધા લાખિયાની મૈત્રીએ મને ઘરઆંગણામાં પા પા પગલી પાડનારને ઉષા, ભાલ, રજની, અરુણ, મહેન્દ્ર, પિનાકિનભાઈ, રાજેન્દ્રભાઈ, જયંતિભાઈ એમ અનેક મિત્રો અને મુરબ્બીઓની વચમાં કળા અને સાહિત્યના એક વિશાળ જગતના રાજમાર્ગ પર રમતો-ભમતો કરી મૂક્યો હતો. નવચેતનમાંથી વિદાય થયા પછી મૅટ્રિકની પરીક્ષામાં અધધધ થાય એટલા ઢગલો માર્કસ્ પ્રાપ્ત કર્યાં હોવા છતાં હું વિજ્ઞાનની વિદ્યાશાખામાં કે ગુજરાત કૉલેજમાં દાખલ થયો ન હતોપણ મારા અનેક પુરોગામીઓ — પ્રબોધ પંડિત, ગોવર્ધન પટેલ, વિનાયક ભટ્ટ આદિની જેમ એસ. એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં દાખલ થયો હતો. અને મારી પછી મારા બન્ને નાના ભાઈઓ અને મારા મામાઓનાં સૌ સંતાનો નવચેતનમાં દાખલ થયાં હતાં. નવચેતનમાં, નવચેતનના વાતાવરણમાં બુદ્ધિને કસે એવું અને હૃદયને રસે એવું ચેતન હતું. નવચેતનના શિક્ષણમાં શિક્ષણનું નવચેતન હતું. હું વિજ્ઞાનનો અને છ ભાષાઓના સાહિત્યનો રસ લૂંટી શક્યો હતો, કવિતાનો કક્કો ઘૂંટી શક્યો હતો. શિક્ષકોમાં એટલો ઉદ્યમ અને ઉત્સાહ હતો, એટલો પ્રેમ અને પરિશ્રમ હતો કે વિદ્યાર્થીનું સર્વાંગસંપૂર્ણ અને સર્વતોમુખી શિક્ષણ તો થતું જ હતું પણ એને સ્વશિક્ષણ માટે પણ પૂર્ણ અવકાશ પ્રાપ્ત થતો હતો. નવચેતન હોય નહિ, નવચેતનનું આ વાતાવરણ હોય નહિ તો નિરંજન નિરંજન હોય નહિ! આ વાતાવરણનું બીજું નામ હતું દામુભાઈ! ત્યારે દામુભાઈ એક વાતાવરણ હતા. આજે… મોટેથી બોલવાની મને ત્યારે પણ કુટેવ. વર્ગમાં મોટેથી કે નાનેથી બોલવાનો અવકાશ જ નહિ. મેદાનમાં કે લેબોરેટરીમાં હોઉં ત્યારે મોટેથી બોલતો હતો — બલકે આપોઆપ મોટેથી બોલાઈ જતું હતું. દામુભાઈ મુખ્ય મકાનમાં કાર્યાલયમાં હોય, એમના કાનને ક્લેશ થાય એટલે તરત એમણે ચંડીદાસ પટાવાળા સાથે કહેવડાવ્યું જ હોય ‘પેલા નિરંજનને કહો કે મોટેથી બોલે નહિ’. અહીં આટલું બધું આટલે મોટેથી બોલી ગયો. હમણાં દામુભાઈ કહેવડાવશે ‘પેલા નિરંજનને કહો કે મોટેથી…’

૧૯૮૦

*