સ્વાધ્યાયલોક—૮/પથ્થર થરથર ધ્રૂજે


‘પથ્થર થરથર ધ્રૂજે’


ગુજરાતીના પાઠ્યપુસ્તક ‘ગદ્યપદ્ય સંગ્રહ’માં છેલ્લું કાવ્ય છે ‘પથ્થર થરથર ધ્રૂજે.’

પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે
એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોળે :
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે!’
એકેએકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે;
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજુયે ગુંજે!

પાઠ પરથી તરજ જ ખ્યાલ આવ્યો હશે કે આ ગીત છે. ગીત એ કાવ્યનું એક સ્વરૂપ છે. આપણી ભાષામાં એ પ્રાચીન અને પ્રચલિત કાવ્યસ્વરૂપ છે. નરસિંહ, મીરાં, અખો, દયારામ આદિ મહાન કવિઓએ એને લાડપૂર્વક લડાવ્યું છે. ગીતને આપણે પદ કહીએ છીએ, ધ્રુવપંક્તિ, અંતરો, પ્રાસ તથા ગેયતા, ભાષા અને ભાવની સરલતા વગેરે ગીતની ખાસિયતો છે. ગીત સામાન્ય રીતે ગાવા માટેનું કાવ્ય છે. પણ ગીત માત્ર ગાવું જ પડે એવું નહિ! કેટલાંક ગીતો ગાવાનાં નહિ, પાઠ કરવાનાં ગીતો હોય! આ ગીત પણ ગાવું જ હોય તો ગાઈ શકાય. પણ આ ગીતમાં, આગળ ગણાવી એવી ગીતની ખાસિયતો ઉપરાંત કથાવસ્તુ છે, વારતા છે. એથી એને ગાઈએ એ કરતાં એનો પાઠ કરીએ એ વધુ વાજબી છે. આ ગીતમાં જે છંદ છે તે પ્રાચીન ગુજરાતી છંદ છે, તળપદો છંદ છે, માત્રામેળ છંદ છે. નરસિંહ જેવા આદિ કવિના ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ પદમાં કે આજના અર્વાચીન કવિના પદમાં એનો ઉપયોગ થયો છે એટલો એ પરિચિત અને લોકપ્રિય છંદ છે. એનું નામ છે સવૈયો. એમાં આઠ આઠ માત્રાના ઘટકો હોય છે. અહીં દરેક લીટીમાં આઠ આઠ માત્રાના ઘટકો છે. તે ઉપરાંત દરેક લીટીને અંતે ચાર-ચાર માત્રાનો એક ટુકડો છે.

‘પથ્થર થરથર | ધ્રૂજે!’

એમાં ‘પથ્થર થરથર’ના આઠ માત્રાના એક ઘટક પછી ‘ધ્રૂજે’નો ચાર માત્રાનો એક ટુકડો છે.

‘હાથ હરખથી | જુઠ્ઠા ને જડ | પથ્થરની ત્યાં | કોણ વેદના | બૂઝે?

એમાં ‘હાથ હરખથી’, ‘જુઠ્ઠા ને જડ’, ‘પથ્થરની ત્યાં,’ ‘કોણ વેદના’ એવા આઠ આઠ માત્રાના ચાર ઘટકો પછી ‘બૂઝે?’નો ચાર માત્રાનો એક ટુકડો છે. આમ, આદિથી અંત લગીની લીટીઓમાં આઠ-આઠ માત્રાના ઘટકો પછી લીટીને અંતે ચાર માત્રાનો એક ટુકડો છે. એમાં અપવાદરૂપ બે લીટીઓ છે :

‘જેણે | પાપ કર્યું ના | એકે
તે | પથ્થર પ્હેલો | ફેંકે’

એમાં પહેલી લીટીના આરંભે ‘જેણે’નો ચાર માત્રાનો ટુકડો અને બીજી લીટીના આરંભે ‘તે’નો બે માત્રાનો ટુકડો એમ બે ટુકડા વિશેષ છે. કારણ કે આ બે લીટીઓમાં ક્રાઇસ્ટની ઉક્તિ છે. આ બે વિશેષ ટુકડાઓ દ્વારા જાણે કે આપણે ક્રાઇસ્ટને અત્યારે જ બોલતા સાંભળી રહ્યા છીએ એવી અસર અનુભવીએ છીએ. પ્રાચીન પદોમાં કાવ્યનું વસ્તુ મુખ્યત્વે ધર્મમાંથી, ધર્મગ્રંથોમાંથી લેવામાં આવતું હતું. જાણે કે એ પરંપરાને અનુસરીને જ આ અર્વાચીન ગીતનું કાવ્યવસ્તુ પણ ખ્રિસ્તીઓના ધર્મમાંથી, ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઇબલમાંથી લીધું છે. બાઇબલમાં ન્યૂ ટેસ્ટામેન્ટના સેન્ટ જ્હૉનના ગોસ્પેલના આઠમા પ્રકરણના આરંભનાં અગિયાર વાક્યોમાં ક્રાઇસ્ટ વિશે જે કથા કહેવામાં આવી છે એમાં કાવ્યોચિત ફેરફાર કરીને એનો આ ગીતમાં આ પ્રમાણે ઉપયોગ કર્યો છે : એક ગામમાં કોઈ એક સ્ત્રીએ અનાચાર કર્યો છે. એથી એ ગામની ભાગોળે એ ગામનું પંચ એ સ્ત્રીનો ન્યાય કરે છે કે આ સ્ત્રીનો અપરાધ અક્ષમ્ય હોવાથી સૌએ એને પથ્થર મારીને મારી નાખવી! આ સમયે જિસસ ક્રાઇસ્ટ આ સ્થળેથી પસાર થઈ રહ્યા છે. પંચનો આ નિર્ણય એ સાંભળે છે અને પછી પંચને એક વિનંતી કરે છે કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે! પરિણામે સૌ અલોપ થાય છે અને માત્ર બે જ જણ ત્યાં રહે છે. જિસસ ક્રાઇસ્ટ અને પેલી સ્ત્રી! હવે આ કથામાંથી કેવી રીતે કાવ્ય થાય છે અને કેવું કાવ્ય થાય છે એ વિગતે તપાસીએ. કથા વિશે કંઈ કહ્યા વિના જ કાવ્યનો અણધાર્યો ને ઓચિંતો ઉપાડ થાય છે :

‘પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?’

જાણે કે કાવ્યનાં મુખ્ય પાત્રો એ પેલી સ્ત્રી, પંચ અને ક્રાઇસ્ટ નહિ, પણ પથ્થર અને હાથ ન હોય! અને કવિને એ જ અભિપ્રેત છે. કારણ કે એ સ્ત્રી, એ પંચ અને એ ક્રાઇસ્ટ તો બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયાં. એ સૌ તો ગયાં! પણ એના એ પથ્થર ને એના એ હાથ તો હજુ આજે પણ છે. એ બે તો રહ્યા! અને કરુણતા તો એ છે કે આ પૃથ્વીના પટ પર જ્યાં લગી માનવજાત આવી ને આવી અપૂર્ણ હશે ત્યાં લગી રહેશે.

‘પથ્થર થરથર ધ્રૂજે!’

કેવું વિચિત્ર! પથ્થર તે વળી ધ્રૂજતા હશે? અને તેય વળી થરથર? પથ્થર ક્યારે ધ્રૂજે? ધરતીકંપ થાય ત્યારે, પણ કાવ્યમાં ક્યાંય ધરતીકંપનો તો અણસારો સરખો નથી. છતાં ‘પથ્થર થરથર ધ્રૂજે!’ પથ્થર તો નિર્જીવ છે, નિષ્પ્રાણ છે. છતાં ‘પથ્થર થરથર ધ્રૂજે!’ અને

‘હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?’

હાથ તે વળી જુઠ્ઠા ને જડ હોય? અને તેય વળી હરખથી? હાથમાં તો જીવ છે, પ્રાણ છે. અને છતાં ‘હાથ હરખથી જુઠ્ઠા ને જડ’ હા, હરખમાં ને હરખમાં આપણે મોટે ભાગે ન કરવાનું જ કરીએ છીએ, ખોટું કરીએ છીએ. એટલે હવે ‘પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?’ સજીવ અને સપ્રાણ હાથ જેવા હાથ જ્યાં લકવો થયો હોય એમ જુઠ્ઠા અને જડ બની જાય ત્યાં નિર્જીવ અને નિષ્પ્રાણ પથ્થરની વેદના કોણ સમજે ને કોણ શમાવે? આમ, આરંભની જ બે પંક્તિઓમાં કાવ્યના બે મુખ્ય પાત્રો વચ્ચે નાટ્યાત્મક વિરોધ, સંઘર્ષ પ્રગટ થાય છે. પથ્થર કે જેને જીવ નથી, પ્રાણ નથી, ચેતન નથી તે થરથર ધ્રૂજે છે અને હાથ કે જેને જીવ છે, પ્રાણ છે, ચેતન છે તે જુઠ્ઠા અને જડ બની ગયા છે. સમગ્ર કાવ્યના વસ્તુમાં જે વક્રતા છે, વિચિત્રતા છે, અવળચંડાઈ છે, અસહ્યતા છે તે આરંભમાં જ સચોટ રીતે આમ પ્રગટ કરી છે. પથ્થરની અને હાથની આવી દશા, આવી વલે શાથી થઈ એનો ખુલાસો તરત જ પછીના અંતરામાં કર્યો છે :

‘અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે
એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોળે :
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!’

‘ગામના ડાહ્યાજન’ એટલે કે દોઢડાહ્યાઓ, એટલે કે સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો, આગેવાન શહેરીઓ, પ્રજાના સર્વોચ્ચ નેતાઓ, પ્રથમ પંક્તિના નેતાઓ નિરાંતે ન્યાય તોળે છે. ડર વિના, શંકા વિના, સંકોચ વિના, ચિંતા વિના બેધડક અને બેલાશક ન્યાય તોળે છે. પોતાની ન્યાયપ્રિયતા પર વારી ઓવારીને, પોતાની ન્યાયની સત્યતા પર શ્રદ્ધા ધારીને ન્યાય તોળે છે. પંચ જાણે કે પરમેશ્વર હોય તેમ ન્યાય તોળે છે, અને ત્યારે હર્ષનાદ કરે છે, આનંદની કિકિયારીઓ કરે છે, વસંતઋતુની કોયલની જેમ કિલોલે કૂજે છે. ધરતીકંપ જેવો આ નિર્ણય, આ ફેંસલો, આ ચુકાદો સુણીને પથ્થરને શોક થાય છે ને હાથને હર્ષ! પથ્થરને એમાં પોતાનું દુર્ભાગ્ય દેખાય છે કે હમણાં સૌના હાથ પોતાને ઊંચકીને પેલી સ્ત્રીના શરીર પર ફેંકશે, ત્યારે હાથને એમાં સદ્ભાગ્ય સાંપડ્યું લાગે છે. જે હાથથી આપણે પ્રાર્થના ને પ્રણામ કરી શકીએ, જે હાથથી આપણે ચિત્ર, સંગીત, શિલ્પ ને સ્થાપત્ય સર્જી શકીએ, જે હાથથી આપણે મંદિર ને મૂર્તિ રચી શકીએ, એ જ હાથથી આપણે પથ્થર પણ ફેંકી શકીએ અને ખૂન પણ કરી શકીએ! તો એ હાથ જુઠ્ઠા અને જડ નહિ તો બીજું શું? જે સાંભળીને પથ્થર થરથર ધ્રૂજે તે જ સાંભળીને હાથ હરખાય તો એ હાથ જુઠ્ઠા અને જડ નહિ તો બીજું શું? અને પથ્થર પોતાનું જ દુર્ભાગ્ય દેખીને નહિ પણ હાથનું આ દુર્ભાગ્ય દેખીને પણ કદાચને થરથર ધ્રૂજે છે અને વેદના અનુભવે છે. હવે બન્નેનું આ દુર્ભાગ્ય કોણ દૂર કરશે? એનો ખુલાસો તરત જ પછીના અંતરામાં કર્યો છે :

‘એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!’

સાવ ઓલિયા જેવો એક આદમી, એક સંત, જિસસ ક્રાઇસ્ટ પણ આ ચુકાદો સુણીને પેલા પથ્થરની જેમ ચોંકી ઊઠ્યો, ચમક્યો, થંભ્યો. અહીં ‘ચમક્યો’ અને ‘થંભ્યો’ શબ્દોના જોડાક્ષરોને કારણે લય પણ ચમકે છે અને થંભે છે. આ શબ્દ અને લય દ્વારા ક્રાઇસ્ટે ત્યારે ચમકીને થંભવાની ક્રિયાનો જે અનુભવ કર્યો હશે તે આપણે અત્યારે આટલે વર્ષે પણ અનુભવીએ છીએ. અને આજે પણ આ ચુકાદો સુણીને આપણે ચમકીને થંભીએ છીએ ને આપણો અનુભવ પણ પ્રગટ કરીએ છીએ. સંતોના ઉરમાં સદાયનો એક ઉચાટ હોય છે અને તે સમાજમાં ન્યાય અને શાંતિ સ્થાપવાનો. એ જ ઉચાટે ક્રાઇસ્ટ થંભ્યો અને એને પથ્થરની દયા તો આવી જ પણ એથીયે વધુ તો હાથની દયા આવી, એથી

‘આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :’

સમાજના શાણાઓમાં, દુનિયાના ડાહ્યાઓમાં ફાંકો ને ફિશિયારી હોય છે, દાવો ને ડંફાસ હોય છે કે પોતે દુનિયાદારી જાણે છે. તો સંતો એમની એ દુનિયાદારીની પોકળતા ને પામરતા પણ જાણે છે. સમાજના શાણાઓ, દુનિયાના ડાહ્યાઓ સંતોને અલગારી કે ઓલિયા ગણીને, ભોળા કે ભોટ માનીને હસે છે તો સંતો સમાજના શાણાઓને, દુનિયાના ડાહ્યાઓને પોકળ કે પામર ગણીને દંભી કે ઢોંગી માનીને હસે છે પણ સંતો જ્યારે હસે છે ત્યારે કેવળ કટાક્ષથી નહિ, કરુણાથી હસે છે. જગતમાં જ્યાં-જ્યાં ક્રૂરતા ને કદરૂપતા હોય, અત્યાચાર ને અમાનુષિતા હોય, દુષ્ટતા ને દંભ હોય ત્યાં-ત્યાં દોડી જવું એ સંતોની સૃજનજૂની ટેવ છે, કહો કે કુટેવ છે. અન્યાય અને અશાંતિ હોય ત્યાં ન્યાય અને શાંતિની સ્થાપના કર્યા વિના સંતોને ચેન પડતું નથી. એથી જ ક્રાઇસ્ટ હસીને ટેવ પ્રમાણે બોલ્યો કે

“જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પ્હેલો ફેંકે!”

આ તે કેવી શરત? સંતોની શરત સદાય આવી વિચિત્ર ને વસમી હોય છે. સંતો ઉશ્કેરાયેલા ટોળાને આવેશમાં આવી ઉપદેશનું લાંબુંલચક ભાષણ આપે એવા ભોટ કે ગમાર નથી. સંતો ભારે ચાલાક અને ચતુર હોય છે. પથ્થર મારવાના હીન અને હીચકારા કૃત્યમાંથી ઉશ્કેરાયેલા ટોળાને ઉગારવું તો છે જ. માનવસ્વભાવની સૂક્ષ્મ અને સાચી સૂઝસમજવાળા સંતો સદાય આવી ટૂંકી શરતો કરે છે. જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય એવો એક પણ મનુષ્ય હોય? એટલે શરત કરી કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ પથ્થર ફેંકે! પણ આટલેથી અટકતું નથી. બેવડી શરત કરી છે. જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ પહેલો પથ્થર ફેંકે! ટોળામાંથી સૌએ એકસાથે પથ્થર ફેંકવાના નથી પણ એક પછી એક વારાફરતી પથ્થર ફેંકવાના છે. ટોળા અને વ્યક્તિ વચ્ચેના ભેદનું ભાન જેમ જુલિયસ સીઝરનું નાટક રચનાર શેક્સ્પિયરને છે અને ‘Man is good but men are bad’નું સુભાષિત ઉચ્ચારનાર રવીન્દ્રનાથને છે તેમ સંતોને પણ છે. ટોળાને વ્યક્તિત્વ નથી, વિચાર નથી, સ્વત્વ નથી, સ્વમાન નથી; સૂઝ નથી, સમજ નથી; જ્યારે વ્યક્તિને તો આ બધું જ છે. ટોળામાં મનુષ્ય કશું જ કરતા શરમાતો નથી અને ન કરવાનું કરે છે, જ્યારે એ જ મનુષ્ય એકલો હોય છે ત્યારે અમુક કૃત્યો કરતાં શરમાય છે અને અમુક કૃત્યો તો કરતો જ નથી. આમ, આ શરતથી ક્રાઇસ્ટે ટોળામાંથી વ્યક્તિને વિખૂટી પાડી અને પછી જે થવું અનિવાર્ય તે જ થયું. શું થયું?

‘એકેએકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજુયે ગુંજે!’

ક્રાઇસ્ટની શરત સાંભળીને પેલા સજ્જન હવે શું કરવું એ ના સૂઝ્યું એથી એક પછી એક અલોપ થયા. એમ ટોળું વીખરાયું. આ લીટીમાં વિલંબિત ગતિનો લય છે. એથી જાણે કે આપણે અત્યારે જ ટોળાને વીખરાતું જોઈ રહ્યા છીએ એવો અનુભવ થાય છે. સૌ અલોપ થયા ત્યારે ત્યાં માત્ર બે જ જણ રહ્યાં, અબળા અને ઓલિયો. આ અબળા તે હવે અબળા કહેવાય? એ તો સબળા પુરવાર થઈ અને ઓલિયો? એનું તો કવિજને હજુ પણ ગીત ગાવું રહ્યું! કારણ કે આ ઓલિયાએ માત્ર પેલા પથ્થરની જ વેદના નહિ, પણ પેલી અબળાની, પેલા ડાહ્યા અને શાણા સજ્જનોની અને એમના પેલા હાથની પણ વેદના બૂઝી! આમ, આ કાવ્યના કેન્દ્રમાં ક્રાઇસ્ટની કરુણા છે. પણ ક્રાઇસ્ટની આ કરુણા કવિના કટાક્ષથી મિશ્રિત છે. કાવ્ય સમગ્રમાં સવિશેષ ‘હસીને’ અને ‘ટેવ પ્રમાણે’ જેવા શબ્દોમાં આ કરુણા તથા ‘હરખથી’, ‘ડાહ્યા’, ‘નિરાંતે’, ‘કિલોલે’, ‘કૂજે’, ‘શાણાઓ’, ‘સજ્જન’ જેવા શબ્દોમાં આ કટાક્ષ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. આ કાવ્યમાં કરુણા અને કટાક્ષનું સુભગ અને સપ્રમાણ મિશ્રણ છે. આ મિશ્રણ જ આ કાવ્યનું રહસ્ય છે, આ કાવ્યનું સૌંદર્ય છે. બે હજાર વર્ષ પૂર્વે તો પેલા સજ્જન એકેએકે અલોપ થયા (એટલા એ સમજુ! અને એટલે અંતે એ સજ્જન!) અને પેલી અનામી પણ અમર એવી અબળા તથા પેલો ઓલિયો ક્રાઇસ્ટ રહ્યાં. પણ આજે? આજે ઓલિયો અલોપ થયો છે; અને આપણે એના એ સજ્જન રહ્યા છીએ, એની એ અબળા રહી છે, એના એ પથ્થર અને એના એ હાથ રહ્યા છે. એથી આ કાવ્યમાં કરુણા અને કટાક્ષ ઉપરાંત જો કોઈ કરુણતા હોય તો તે આપણી સૌની છે. બે હજાર વર્ષ પછી હજુ આજે પણ પથ્થર અને હાથનું ગીત ગાવાનું કવિને લલાટે લખ્યું છે. તો આ કાવ્યને અંતે અને આ વાતને અંતે પણ ફરી એક વાર ગાઈ નાખીએ કે ‘એનું કવિજન ગીત હજુયે ગુંજે!’

(આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૧૯૬૦.)

*